Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > આ શિક્ષકોએ સાબિત કરી આપ્યું છે કે વિદ્યાથી મોટું કોઈ દાન નથી

આ શિક્ષકોએ સાબિત કરી આપ્યું છે કે વિદ્યાથી મોટું કોઈ દાન નથી

05 September, 2024 08:23 AM IST | Mumbai
Darshini Vashi

શિક્ષક દિન નિમિત્તે મળીએ મુંબઈના આવા સવાયા શિક્ષકોને

ધ્વનિ કારિયા બાળકો સાથે

ધ્વનિ કારિયા બાળકો સાથે


આવનારી પેઢી જો શિક્ષિત હશે તો એક સુસંસ્કૃત સમાજનું નિર્માણ થશે. બસ, એવી ભાવના સાથે જરૂરિયાતમંદ બાળકોને ભણતરમાં પડતી બેસિક મુશ્કેલીઓ સમજીને તેમને એજ્યુકેશન પ્રત્યે રસ કેળવતાં કરવાનું કામ ખરા અર્થમાં વિદ્યાદાન છે. કોઈ ઍડ‍્વોકેટ થઈને બાળકોને ભણાવે છે તો કોઈ નિવૃત્ત થયા પછી પણ ગરીબ બાળકોને ભણાવે છે. શિક્ષક દિન નિમિત્તે મળીએ મુંબઈના આવા સવાયા શિક્ષકોને...


મંદિરની બહાર માગવાનું કામ કરતાં બાળકોને ભણતાં કરી દીધાં : ધ્વનિ કારિયા




વાલકેશ્વરમાં રહેતાં ૩૩ વર્ષનાં કૉપોરેટ અને સેલિબ્રિટી ઍન્કર ધ્વનિ કારિયા RECESS નામનું NGO પણ ચલાવે છે. તેઓ કહે છે, ‘આ સ્વૈચ્છિક સંસ્થાના નેજા હેઠળ હું દર વીક-એન્ડમાં ગરીબ અને ઝૂંપડાંમાં રહેતાં બાળકોને ભણાવું છું. બાકીના દિવસોમાં હું ઍન્કરિંગના કાર્ય સાથે સંકળાયેલી રહું છું. કોરોના પહેલાં હું રોજ બાળકોને ભણાવતી હતી, પરંતુ કોરોના બાદ અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે તેમ જ મને ભણાવવા માટે સરખી જગ્યા પણ મળી નહીં એટલે હવે હું દર રવિવારે ભણાવવા જાઉં છું. મારી સાથે NGOના બીજા સભ્યો પણ આવે છે. કાંદિવલીના પટેલનગરમાં BMCની એક સ્કૂલ છે જેઓ અમને બાળકોને ભણાવવા માટે દર રવિવારે આ સ્કૂલ આપે છે. ત્યાં આસપાસનાં સ્લમ વિસ્તારમાં રહેતાં લગભગ ૧૧૦ બાળકો ભણવા આવે છે. નવ વર્ષથી લઈને કૉલેજ સુધીનાં બાળકોને હું મારા અન્ય સહકર્મીઓની સાથે મળીને ભણાવું છું. ભણાવવા ઉપરાંત અમે તેમને રૅશનિંગ, સ્ટેશનરી, સ્કૂલ-ફી, મેડિકલ જરૂરિયાતો તેમ જ અન્ય ચીજવસ્તુઓ પણ
આપીએ છીએ.’

બાળકોને ભણાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જણાવતાં ધ્વનિ કારિયા આગળ કહે છે, ‘નાની હતી ત્યારથી હું મધર ટેરેસાએ કરેલા કાર્યને લઈને ખૂબ જ પ્રભાવિત થઈ હતી. ત્યારથી મને નાનાં બાળકો માટે કંઈક કરવાની ઇચ્છા હતી જે ઇચ્છા હું ૨૩ વર્ષની થઈ ત્યારે પૂરી કરી શકી હતી જ્યારે મેં મારું NGO શરૂ કર્યું. મેં જોયું કે મંદિરોની બહાર બાળકો ભીખ માગી રહ્યાં છે. એ બધાંને હું કોઈ ને કોઈ લાલચ આપીને સ્કૂલ સુધી લઈ આવી છું. એવું નથી કે ભણી લીધા પછી, ડિગ્રી મેળવી લીધા પછી તેમને અલવિદા કહી દેવાનું; જ્યાં સુધી તેમને નોકરી નથી મળતી ત્યાં સુધી અમે તેમનો સાથ છોડતાં નથી. લાઇફ સ્કિલ સહિત અન્ય પ્રોગ્રામ શીખવીએ છીએ. જે છોકરીઓ આ સ્કૂલમાં આજે ભણીને મોટી થઈ ગઈ છે તેમને અમે આ જ સ્કૂલમાં બાળકોને કેવી રીતે ભણાવવાનું એ શીખવીએ છીએ.’


સ્કૂલમાંથી નિવૃત્ત થયા પછી આ ટીચરે શરૂ કર્યો નિઃશુલ્ક શિક્ષાયજ્ઞ : મંદા દેસાઈ

જોગેશ્વરીની સૂરજબા વિદ્યામંદિર સ્કૂલમાં ૨૫ વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ નિભાવ્યા બાદ છેલ્લાં ચાર વર્ષથી નિવૃત્ત જીવન માણી રહેલાં કાંદિવલીનાં મંદા દેસાઈ કહે છે, ‘હું ટીચર છું એ વાતની ખબર મારી કામવાળીઓને હતી. તેઓ રોજ મને કહે કે બહેન, મારાં બાળકો ભણવામાં ખૂબ હોશિયાર છે પણ તેમને શીખવાડનાર કોઈ નથી, તમે કોઈ રસ્તો બતાવોને. એટલે મેં પછી નક્કી કર્યું કે જ્યારે પણ ફ્રી સમય મળે ત્યારે આવા છોકરાઓને ભણાવી શકાય. આમ કરતાં-કરતાં અનેક જરૂરતમંદ બાળકો આવતાં ગયાં. પછી ઘણા સારા ઘરના છોકરાઓ પણ ભણવા આવવા લાગ્યા એટલે પછી તેમની પાસેથી મામૂલી ફી લેવાનું શરૂ કરી દીધું. પરંતુ કોરોના બાદ ગરીબ તો શું મધ્યમ વર્ગીય લોકો પણ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા એટલે પછી મેં એક પણ પૈસો લેવાનું બંધ જ કરી દીધું. હું મારી મિત્ર સાથે મળીને બાળકોને ભણાવું છું, પણ અમે છેલ્લાં ચાર વર્ષથી એક પણ રૂપિયો ફી લીધા વિના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છીએ. ધોરણ આઠથી લઈને SYJC સુધીના વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને અમે ભણાવીએ છીએ. આ ઉપરાંત અમે એન્ટ્રન્સ એક્ઝામ પણ અપાવીએ છીએ. એક ઉદાહરણ આપું તો અમારા ત્રણ સ્ટુડન્ટ્સ એવા હતા જેમના પપ્પા ગૅરેજમાં કામ કરે છે. આ ત્રણે સ્ટુડન્ટ્સને અમે ભણાવ્યા. તેમની ટૅલન્ટ પ્રમાણે અમે તેમને વિવિધ કોર્સની એક્ઝામ પણ અપાવી અને આજે આ ત્રણે છોકરાઓ ઉચ્ચ હોદા પર પહોંચી ગયા છે.’

પૈસાને લીધે કોઈનું ભણવાનું અટકવું ન જોઈએ : ચારુ ગોરડિયા

હું કેટલાક આર્થિક સંજોગોવશાત મારું ભણતર પૂરું કરી શકી નહોતી જેનો મને આજીવન અફસોસ રહ્યો છે, પરંતુ હું નથી ઇચ્છતી કે મારા ભૂતકાળનું પુનરાવર્તન થાય એટલે આજે પણ મહત્તમ બાળકો પાસેથી ટ્યુશન-ફી લીધા વગર ભણાવું છું એમ જણાવતાં મહાવીરનગરમાં પ્રાઇવેટ ટ્યુશન કરાવતાં ૫૮ વર્ષનાં ચારુ ગોરડિયા કહે છે, ‘જ્યારે મેં ટ્યુશન લેવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતનાં દસ વર્ષ મેં કોઈની પણ પાસેથી ફી લીધી નહોતી, પરંતુ પછી મારે પણ ફાઇનૅન્શિયલ કારણસર ફી લેવાની શરૂઆત કરી દેવી પડી હતી. જોકે તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જેઓ ફી ચૂકવી શકે એમ નહોતા તો ઘણા એવા પણ છે જેઓ આર્થિક રીતે સધ્ધર છે છતાં ફી આપતા નહીં. આજની તારીખમાં પણ ઘણા મારા એવા વિદ્યાર્થીઓ છે જેમણે ચાર વર્ષથી મારી ફી નથી ચૂકવી છતાં મેં તેમને ભણાવવાનું છોડ્યું નથી. મારા મોટા ભાગના વિદ્યાર્થીઓ નવમા અને દસમા ધોરણમાં ભણે છે. તેમને આ સમયે ગાઇડન્સ અને રિવિઝનની જરૂર ઘણી હોય છે ત્યારે તેમને પૈસા માટે થઈને ભણાવવાની ના પાડી દેવાની વાત મને યોગ્ય લાગતી નથી. એક સમય એવો હતો જ્યારે હું ૭૦ બાળકોને ભણાવતી હતી, પણ આજે સંખ્યા થોડી ઘટી ગઈ છે. જોકે ક્યારેય હું તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતી નથી. વિદ્યાદાન સૌથી મહાન દાન કહેવાય છે એટલે મને એના માટે પૈસાની ઉઘરાણી કરવી ગમતી નથી. તમે માનશો નહીં, પણ મારા અમુક જૂના વિદ્યાર્થીઓ છે જે આજે વિદેશમાં ગયા છે અને તેઓ આજે મને ત્યાંથી તેમની બાકી રહી ગયેલી ફી મોકલી રહ્યા છે.’

પોતાનાં સંતાનોને ભણાવતાં-ભણાવતાં આ લૉયર ટીચર બની ગયાં : વર્ષા ભાટિયા

મારા છોકરાને બોર્ડની એક્ઝામની તૈયારી કરાવતાં-કરાવતાં મને જરૂરતમંદ બાળકોને ભણાવવાનો વિચાર આવ્યો હતો. આજે ૨૫ વર્ષથી હું તેમને ભણાવી રહી છું એમ જણાવતાં બોરીવલીમાં રહેતાં ૬૩ વર્ષનાં ઍડ્વોકેટ વર્ષા ભાટિયા આગળ કહે છે, ‘મારા છોકરાને દસમા ધોરણમાં હું ભણાવતી હતી. જ્યાં તે ગૂંચવાતો ત્યાં હું તેને ગાઇડ કરતી હતી. તેની સાથે તેના મિત્રને પણ ભણાવતી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે અમે ઘરમાં આટલાબધા એજ્યુકેટેડ હોવા છતાં અમારે ભણાવવા પહેલાં આટલુંબધું સ્ટડી કરવું પડે છે તો પછી જેમના પેરન્ટ્સ વધુ ભણ્યા નથી અને જેઓ પાસે કલાસ જૉઇન કરવાના પૈસા નથી તેઓ કેવી રીતે ભણતા હશે? બસ, આ વિચાર સાથે મેં બાળકોને ભણાવવાની સફર શરૂ કરી હતી. હું રોજ ઑફિસથી ઘરે આવીને સાંજે બાળકોને ભણાવવા બેસી જતી હતી. પહેલાં પ્લમ્બર, કામવાળા, ઇલેક્ટ્રિશ્યનનાં બાળકોને ભણાવ્યાં. પછી ધીરે-ધીરે જેમ-જેમ લોકોને ખબર પડવા લાગી તેમ-તેમ બાળકોની સંખ્યા વધવા લાગી. હું તેમને મારા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લૅટમાં જ ભણાવવા લાગી. જેમની જેટલી શક્તિ હોય એટલી તેઓ અમને ફી આપતા હતા. આમ કહેવા જઈએ તો લગભગ ૯૦ ટકા બાળકો પાસેથી ફી અમને મળતી નહોતી, પરંતુ મારું ધ્યેય તેમને ભણાવવાનું છે; પૈસા કમાવાનું નથી. ઘણી વખત તો એક્ઝામ સમયે એવું થાય છે કે બાળકોને મોડે સુધી બેસાડીને રિવિઝન કરાવતાં હોઈએ છીએ ત્યારે હું તેમના માટે મારા ઘરેથી જમવાનું બનાવીને લઈ આવું છું. આજે અમારે ત્યાંથી ભણીને નીકળેલાં કેટલાંય બાળકો સારી-સારી પોસ્ટ પર કામ કરી રહ્યાં છે, જે અમારી ફી છે. આ ઉપરાંત હું અનેક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન્સ (NGO) સાથે પણ જોડાયેલી છું. મલાડમાં પ્રેમસદન નામનો એક આશ્રમ છે જ્યાં માત્ર છોકરીઓ રહે છે. આપણે બાળકોની એક્ઝામ પૂરી થઈ જાય પછી વેકેશનમાં તેમને ફરવા લઈ જઈએ છીએ, પણ અહીં આશ્રમમાં આ છોકરીઓને કોઈ ફરવા લઈ જનારું હોતું નથી એટલે હું મારા મિત્રો સાથે મળીને તેમને બહાર લઈ જાઉં છું. સારી જગ્યાએ જમાડું છું અને રાત્રે ફરી આશ્રમમાં મૂકી જાઉં છું. આવી તો અનેક ઍક્ટિવિટીની સાથે હું સંકળાયેલી છું.’

સ્લમનાં બાળકોને શિક્ષણ માટે જાગૃત કરવાનું મિશન નિવૃત્ત થયા પછી પણ ચાલુ છે : ભાવના શેઠ

આર્થિક રીતે પછાત વર્ગનાં બાળકોને શિક્ષણના દરવાજા સુધી લઈ આવવાં આજે પણ ભારતીય શિક્ષકો માટે મોટો ટાસ્ક છે. એ માટે મુલુંડમાં રહેતાં પાલિકાની સ્કૂલનાં શિ​ક્ષિકા ભાવના શેઠે કમર કસી છે. નિવૃત્ત થયા બાદ પણ તેઓ જરૂરિયાતમંદ અને દિવ્યાંગ બાળકોને શિક્ષણ મળે એ હેતુથી દિવસ-રાત મહેનત કરે છે. બાળકોને શિક્ષણ અપાવવાના તેમના જુનૂન અને ઇમ્પૉસિબલ સિચુએશનને પણ પૉસિબલ કરી બતાવીને રાજ્ય સરકારનું પણ ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૧૫માં તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે બેસ્ટ ટીચરનો અવૉર્ડ મેળવી ચૂકેલાં ૬૨ વર્ષનાં ભાવનાબહેન તેમની જર્ની અને ભવિષ્યની યોજનાઓને વિશે વાત કરતાં કહે છે, ‘હું પાલિકાની ગુજરાતી સ્કૂલની ટીચર હતી. અગાઉ વિક્રોલીની સ્કૂલમાં કાર્યરત હતી પણ હું મુલુંડમાં રહેતી હોવાથી મને મુલુંડની કોઈ સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવે એવી અપીલ કરી હતી.  મુલુંડની સ્કૂલમાં ગુજરાતી બાળકો ઓછાં થઈ રહ્યાં હોવાથી ગુજરાતી મીડિયમનાં બાળકોને સ્કૂલે લાવવા ગલીએ-ગલીએ ફરી અને બાળકોનાં માતા-પિતાને શિક્ષણનું મહત્ત્વ સમજાવવાનું મિશન આદર્યું. પહેલા અને બીજા ધોરણનાં બાળકો તૈયાર થયાં તો સ્કૂલના અધિકારીઓ પણ મોંમાં આંગળાં નાખી ગયા કારણ કે બાળકોને સ્કૂલ સુધી લઈ આવવાં ઇમ્પૉસિબલ હતું. . બાળકો મળ્યા બાદ તેમને ક્લાસરૂમ અપાવવાની પણ અલગ સ્ટ્રગલ હતી પણ મેં હાર ન માનતાં બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કોશિશ ચાલુ રાખી. પછી મુલુંડ ઈસ્ટમાં આવેલી પાલિકાની જે. વી. સ્કીમ સ્કૂલમાં વરણી થઈ અને ત્યાં હું ઐરોલીના ચિંચપાડા વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગુજરાતી સ્કૂલ ન હોવાથી ગુજરાતી બાળકો શિક્ષણથી વંચિત હોવાની જાણ થતાં જ આવાં બાળકોને ડ્યુટી શરૂ થતાં પહેલાં શોધવા નીકળતી. તેમનાં માતા-પિતાને રાજી કરીને  બાળકોને શિક્ષણ મળે એ માટે ડોનેશન ભેગું કરીને બસ-સર્વિસ ચાલુ કરી. આ જોઈને બાળકોની સંખ્યા વધી અને ચારસો બાળકો ઐરોલીથી મુલુંડ ભણવા આવતાં હતાં. આ દૃશ્ય જોઈને સ્ટ્રગલ દરમયાન મને થયેલી પીડાઓ જાણે પળવારમાં મટી ગઈ. મારી નિવૃત્તિ બાદ પણ આ બસ -સર્વિસ ચાલુ જ છે એનો મને સંતોષ છે. BEST દ્વારા આ બસ-સર્વિસનું સંચાલન થાય છે અને બાળકો મફતમાં તેમના ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે જાય છે. એવી જ રીતે ગોખલે રોડ પર આવેલી સ્કૂલમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ અપાય છે. આવાં બાળકોને સ્કૂલે લાવવા-મૂકવાનું વાલીઓ માટે બહુ અગવડભર્યું હોય છે. એ માટે મેં એક એવી વૅન તૈયાર કરી છે જેમાં ૨૦ બાળકો તેમના વાલી સાથે બેસીને ઘરેથી સ્કૂલ આવી શકે. આર્થિક રીતે પછાત વર્ગનાં બાળકોને શિક્ષણના દરવાજા સુધી લઈ આવવાં આજે પણ ભારતીય શિક્ષકો માટે મોટો ટાસ્ક છે. હું આ ટાસ્કમાં મારું યોગદાન આપી શકી એની મને ખુશી છે. ઘણી વાર બાળકો રાજી થાય તો માતા-પિતા આનાકાની કરે, બન્ને રાજી થાય તો ડોનેશન ન મળે. બધું જ મળે તો શરીર સાથ ન આપે. એવી ઘણી સમસ્યાઓ આવી. હવે સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણની સાથે ફિનાઇલ, દીવા અને સાબુ બનાવતાં શીખવાડતી હતી જેથી તેઓ એ વેચીને પૈસા કમાઈ શકે. મારા આ  પ્રયત્નોથી ઘણાં બાળકો આજે સારા પદે નોકરી કરી રહ્યાં છે એનો મને સંતોષ છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2024 08:23 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK