Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ચાલો પહોંચી જઈએ નરેન્દ્ર મોદીએ ગજાવેલા ભારતના મિની બ્રાઝિલમાં

ચાલો પહોંચી જઈએ નરેન્દ્ર મોદીએ ગજાવેલા ભારતના મિની બ્રાઝિલમાં

Published : 23 March, 2025 03:37 PM | IST | Bhopal
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લા અને એમાં આવેલા વિચારપુર ગામના ફ‍ુટબૉલ પ્રત્યેના ગજબના ક્રેઝની વાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બન્ને વિસ્તારને દુનિયાની નજરમાં મૂકી દીધા.

જે ઘટનાનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ પૉડકાસ્ટમાં કર્યો એ ૨૭ જૂનના દિવસના ફોટોગ્રાફ.

જે ઘટનાનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ પૉડકાસ્ટમાં કર્યો એ ૨૭ જૂનના દિવસના ફોટોગ્રાફ.


અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન સાથેના ઇન્ટરવ્યુમાં મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લા અને એમાં આવેલા વિચારપુર ગામના ફ‍ુટબૉલ પ્રત્યેના ગજબના ક્રેઝની વાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બન્ને વિસ્તારને દુનિયાની નજરમાં મૂકી દીધા. શું છે આ શહડોલ અને કેવું છે એનું મિની બ્રાઝિલ તરીકે ઓળખાતું વિચારપુર ગામ એ ખાસ જાણવા જેવું છે


૧૬ માર્ચના, રવિવારે અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લાંબો ઇન્ટરવ્યુ યુટ્યુબની પોતાની ચૅનલ પર મૂક્યો અને એમાં કહેવાયેલી એક વાતે દુનિયાભરમાં દેકારો મચાવી દીધો. ઇન્ટરવ્યુ દરમ્યાન લેક્સ ફ્રિડમૅને નરેન્દ્ર મોદીને વિશ્વના પાંચ પૉપ્યુલર ફુટબૉલ પ્લેયરના ફોટો દેખાડ્યા અને એમાંથી તેમના ગમતા પ્લેયર વિશે પૂછ્યું. મોદીએ નામ તો આપી દીધાં પણ પછી તરત લેક્સને એક કિસ્સો કહ્યો અને એ કિસ્સાની સાથે જ મધ્ય પ્રદેશનો શહડોલ જિલ્લો અને એ જિલ્લાનું વિચારપુર નામનું નાનકડું ગામ દુનિયાભરમાં પૉપ્યુલર થઈ ગયાં. સાવ એવું નથી કે વડા પ્રધાને ‘મિની બ્રાઝિલ’ એવા વિચારપુર અને એના શહડોલ જિલ્લાને પહેલી વાર યાદ કર્યાં હોય. અગાઉ તેમણે ‘મન કી બાત’માં એની વાત કરી હતી પણ અમેરિકન પૉડકાસ્ટરની સામે એનો ઉલ્લેખ થતાં ‘મિની બ્રાઝિલ’ હેલોજનની લાઇટ લઈ ગયું.



શહડોલ અને જિલ્લામાં આવેલા વિચારપુર ગામની વાત કરતાં પહેલાં એ કિસ્સો જોઈએ જેને કારણે નરેન્દ્ર મોદીના મનમાં આ આખી ઘટના છપાઈ ગઈ.


શું હતી વાત?

મધ્ય પ્રદેશના પ્રવાસ દરમ્યાન નરેન્દ્ર મોદીએ શહડોલ જિલ્લાની આદિવાસી બહેનોને મળવાનું હતું. બહેનો પગભર થાય અને ગૃહઉદ્યોગમાં ધ્યાન આપે એ હેતુથી ગોઠવાયેલી આ મીટિંગમાં પાંચસો જેટલી મહિલાઓને નરેન્દ્ર મોદી મળવાના હતા. ગયા વર્ષની ૨૭ જૂનની આ વાત છે. નિશ્ચિત સમયે મોદી શહડોલ જિલ્લાના આ જ નામના શહેર પહોંચી ગયા અને તેમણે જોયું, ફ્રન્ટમાં મહિલાઓ બેઠેલી હતી પણ સાઇડમાં એંસીથી ૧૦૦ જેટલાં બાળકોથી લઈને મિડલ એજના આદિવાસી પુરુષો બેઠાં હતાં અને બધાએ એક જ સરખું સ્પોર્ટ્સ ટી-શર્ટ પહેર્યું હતું. એકસરખાં કપડાંમાં એ લોકોને જોઈને નરેન્દ્ર મોદીને નવાઈ લાગી. મોદી એ લોકો પાસે ગયા અને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને પેલા લોકોમાંથી એક જણે જવાબ આપ્યો, ‘મિની બ્રાઝિલથી...’


ભારતમાં વળી મિની બ્રાઝિલ? નૅચરલી કોઈને પણ નવાઈ લાગે અને એમાં આ તો ભારતના વડા પ્રધાન. મોદીએ વધારે પૂછ્યું તો ખબર પડી કે એ જે લોકો હતા એ વિચારપુર નામના ગામેથી આવતા હતા જે વિચારપુરને દસકાઓથી ‘મિની બ્રાઝિલ’ તરીકે ઓળખવામાં આવે છે. એની પાછળનું કારણ છે વિચારપુર ગામનાં લોકોનાં ફુટબૉલ માટેનાં ઇમોશન્સ અને ફુટબૉલ માટેનું ડેડિકેશન. આમ તો આખો શહડોલ જિલ્લો ફુટબૉલ પાછળ ગાંડો છે, પણ વિચારપુરના લોકોમાં આ અસર થોડી વધારે તીવ્ર છે. શહડોલ જિલ્લાના કલેક્ટર ડૉ. કેદાર સિંહ કહે છે, ‘ભારત-પાકિસ્તાનની મૅચ હોય અને દેશવાસીઓને એ મૅચનો જેવો ક્રેઝ હોય એવો ક્રેઝ શહડોલના લોકોને ફુટબૉલ વખતે હોય. એમાં પણ જો બ્રાઝિલ અને આર્જેન્ટિનાની મૅચ હોય તો શહડોલ ડિસ્ટ્રિક્ટમાં તમને સ્વૈચ્છિક કરફ્યુ જોવા મળે.’

શહડોલમાં ‘ફ‍ુટબૉલ ક્રાન્તિ’ શરૂ કરનારા શહડોલના ડિવિઝનલ કમિશનર રાજીવ શર્મા અને રઈસ અહમદ.

શહડોલ જિલ્લાનું A, B, C...

મહારાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓની સરખામણીમાં મધ્ય પ્રદેશમાં આવેલો શહડોલ જિલ્લો બહુ નાનો છે. આખા જિલ્લામાં ફક્ત ૩૯૧ ગામો છે અને જિલ્લામાં માત્ર ૧૬ પોલીસ-સ્ટેશન છે. કલેક્ટર ડૉ. કેદાર સિંહ કહે છે, ‘સામાન્ય રીતે ટ્રાઇબલ લોકોની લાઇફમાં કોઈ ગોલ નથી હોતો પણ શહડોલ જિલ્લાના ટ્રાઇબલ લોકોની લાઇફમાં બહુ મોટો ગોલ છે, ફુટબૉલ પ્લેયર બનવાનો. એને લીધે ભણવું અને ફુટબૉલ રમવું એ જ બે તેમનાં ધ્યેય હોય છે.’

પાંચ તાલુકા ધરાવતા શહડોલ જિલ્લામાં મોટા ભાગના આદિવાસીઓ મહદ્ અંશે બઘેલી ભાષામાં વાત કરે છે. તાલુકામથક સિવાય અહીં હિન્દીનું ચલણ ઓછું છે. ઉપર વર્ણવી એ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘટી ત્યારે પણ એ ફુટબૉલ પ્લેયરમાંથી માંડ આઠથી દસ લોકો એવા હતા જે સમજી શકાય એવી હિન્દી બોલતા હોય. શહડોલની પંડિત એસ. એન. શુક્લ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રામ શંકર કહે છે, ‘જે ઢંગની હિન્દી નથી બોલી શકતા એ છોકરાઓ પણ ફુટબૉલના નિયમો અને ફુટબૉલની પ્લેસનાં નામ અંગ્રેજીમાં જ બોલે છે, જે તેમનું પૅશન દેખાડે છે. જે રીતે મહાભારતનો અભિમન્યુ ગર્ભમાં જ ચક્રવ્યૂહ-યુદ્ધ જાણીને આવ્યો હતો એવું જ અમારા શહડોલ અને વિચારપુરનાં બાળકોનું છે કારણ કે છેલ્લી ચાર જનરેશનથી એટલે કે અંદાજે ૨૦૦ વર્ષથી આ ગામ દેશને ફુટબૉલ પ્લેયર્સ આપતું આવ્યું છે.’

દેશમાં થયેલી છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે શહડોલની વસ્તી પંદર લાખની છે, પણ આ પંદર લાખની વસ્તીવાળા જિલ્લામાં ત્રણસોથી પણ વધારે ફુટબૉલ કૅમ્પ ચાલે છે અને  ૧૨૦૦થી વધુ ફુટબૉલ ક્લબ છે. દેશ વતી ફુટબૉલ રમતી મૂળ વિચારપુર ગામની રીન કેવટ કહે છે, ‘શહડોલમાં રહીને જે પ્લેયર નૅશનલ સુધી ન પહોંચે કે પછી નૅશનલ રમીને રિટાયર થાય એ અમારા શહડોલ આવીને ફુટબૉલ કેમ્પ શરૂ કરે. અમે ફુટબૉલ માટે જીવીએ છીએ. ફુટબૉલ વિના અમે રહીએ નહીં.’

એવું નથી કે શહડોલવાસીઓ જ આ કૅમ્પ ચલાવે છે. છેલ્લા બે દશકમાં તો એ સ્તર પર વાત આગળ વધી છે કે દેશભરમાં ફુટબૉલ પ્લેયર શહડોલ અને વિચારપુર આવીને ફુટબૉલ શીખવે છે.

કોચ રઈસ અહમદ (કૅપમાં) પોતાના ફુટબૉલના સ્ટુડન્ટ‍્સ અને શિવરાજસિંહ ચૌહાણ સાથે.

હવે વાત વિચારપુરની...

ચાર જનરેશનથી ફુટબૉલ સાથે જોડાયેલા વિચારપુર ગામે છેલ્લાં પાંચ વર્ષમાં તો ફુટબૉલની ભારતીય દુનિયામાં રીતસરનો તહલકો મચાવી દીધો. શું બન્યું અને વિચારપુર ‘મિની બ્રાઝિલ’ બની ગયું એની વાત કરતાં પહેલાં વિચારપુર ગામને ઓળખી લઈએ.

અંદાજે ૨૫૦૦ માથાંની વસ્તી ધરાવતા વિચારપુરના પુરુષોની આવકનાં બે જ સાધન હતાં, એક ખેતમજૂરી અને બીજું શહડોલમાં આવેલી પથ્થર અને કોલસાની ખાણમાં મજૂરી. આ બે આજીવિકા ધરાવતું વિચારપુર ગામ એક સમયે જબરદસ્ત બદનામ હતું. બદનામીનું કારણ હતું દેશી દારૂ. ગામના એકેક ઘરમાં દેશી દારૂ બનતો અને ગામનો એકેક જીવ, માણસ માત્ર, પછી એ સ્ત્રી હોય કે પુરુષ; બધા દારૂ પીએ. એવી જ રીતે જેવી રીતે નૉર્મલી આપણે ચા પીએ. દારૂ વિચારપુર માટે કોઈ ખરાબ કે ખોટું દ્રવ્ય હતું જ નહીં, પણ એ ખરાબ છે અને નુકસાનકર્તા છે એટલી સામાન્ય હકીકત રાજ્ય સરકાર કે દેશની સરકાર તેમને સમજાવી નહોતી શકી. આ કામ સાવ અજાણતાં જ કરી આપ્યું મધ્ય પ્રદેશ રેલવેની ફુટબૉલ ટીમના કોચ રઈસ અહમદે.

૨૦૦૧ની વાત છે.

બન્યું એવું કે રઈસ અહમદને અંગત કારણોસર વિચારપુર જવાનું થયું અને અજાણતાં જ તેમણે વહેલી સવારે ગામમાં ફુટબૉલ રમતા છોકરાઓને જોયા. એ છોકરાઓનો પર્ફોર્મન્સ એ સ્તરનો હતો કે તેમની આંખો ફાટી ગઈ. રઈસ અહમદ કહે છે, ‘ગામની ખાડાટેકરાવાળી જમીન પર ફુટબૉલ રમતા એ છોકરાઓની કિક બહુ ઇમ્પ્રેસિવ હતી. હું એ છોકરાઓને મળ્યો ત્યારે ખબર પડી કે એ છોકરાઓમાંથી કોઈને પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ મળી નથી અને એ પછી પણ એ છોકરાઓ આટલું સરસ રમે છે.’

રઈસ અહમદ એ છોકરાઓમાંથી વલ્લભ ડિભોઈ અને કિશોર સિંહને પોતાની સાથે રેલવે કૅમ્પ પર લઈ ગયા અને ત્યાં તેમણે એ છોકરાઓને ટીમ સાથે રમાડ્યા. છોકરાઓએ ત્યારે પણ બહુ સરસ પ્રદર્શન કર્યું અને રઈસ અહમદે નક્કી કર્યું કે તે વિચારપુરના છોકરાઓને રેલવે માટે રમતા કરશે. જોકે આ સપનું અધૂરું રહી જવાનું હતું.

શહડોલ જિલ્લાનું વિચારપુર ગામ અને ત્યાં ચાલતા ફુટબૉલ કૅમ્પ.

પોતે શિફ્ટ થયા વિચારપુર

મોટા ભાગના ટીનેજર્સ અને યંગસ્ટર્સનો પ્રૉબ્લેમ એ હતો કે તે શોખથી ફુટબૉલ રમતા અને પછી કામ પર લાગી જતા. આવક તેમની પહેલી જવાબદારી હતી તો કેટલાક છોકરાઓની પાસે શહડોલ શહેરમાં આવેલા ફુટબૉલ ગ્રાઉન્ડ પર રમવા જવું આર્થિક રીતે પરવડતું નહોતું. રેલવે ટ્રાવેલિંગ મફતમાં કરી આપી શકે પણ શહડોલમાં રહેવું, ખાવું-પીવું અને અન્ય ખર્ચાઓ તેમના માટે આસમાની વાતો હતી. મહિનાઓ સુધી અવઢવમાં રહ્યા પછી રઈસ અહમદે વાત એ સમયના શહડોલના ડિવિઝનલ કમિશનર રાજીવ શર્માને કરી અને રાજીવ શર્માએ બધી તપાસ પછી નિર્ણય લીધો કે મધ્ય પ્રદેશ સરકારના રમત વિભાગ પાસેથી ગ્રાન્ટ લઈને વિચારપુરમાં ફુટબૉલ ગ્રાઉન્ડ ડેવલપ કરવું.

એ સમયે વિચારપુરની વસ્તી રોકડી સાડાસાતસોની, એમાં ત્યાં ફુટબૉલ ગ્રાઉન્ડ બનાવવું અને એના માટે સરકારમાંથી પરમિશન લેવી એ કંઈ ભાજી-મૂળા કાપવાનું કામ નથી. પરમિશન લેવામાં ભલભલાને પરસેવો વળી જાય. રાજીવ શર્મા અને રઈસ અહમદ સાથે પણ એવું જ થયું પણ તેમણે જે ટૅલન્ટ વિચારપુરમાં જોઈ હતી એને સાચી દિશામાં આગળ લઈ આવવા માટે તે હિંમત હાર્યા નહીં અને તેમણે પરમિશન મેળવી.

વિચારપુરના લોકો માટે તો ‘મામાના ઘરે મા પીરસવામાં’ જેવો ઘાટ સર્જાયો અને ઑફિશ્યલ ફુટબૉલ શીખવા માટે કૅમ્પની બહાર લાંબી લાઇન લાગી ગઈ. વિચારપુરનો એકેક પુરુષ પોતાનું નામ એમાં લખાવવા તો તૈયાર હતો જ અને સાથોસાથ વિચારપુરની મહિલાઓ અને છોકરીઓ પણ એ કૅમ્પમાં જોડાવા આતુર હતી. એક સમય એવો આવ્યો કે સવારે છ વાગ્યે શરૂ થતું ફુટબૉલનું કોચિંગ છેક સાંજે સૂર્યાસ્ત સુધી ચાલુ રહે અને એ પછી પણ જેમનો વારો ન આવ્યો હોય તેણે નિરાશ થઈને જવું પડે.

એક નહીં, અનેક કૅમ્પ...

અત્યારે શહડોલ જિલ્લાના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઍડિશનલ ડિરેક્ટર (સ્પોર્ટ્સ)ના પદે રહેલા રઈસ અહમદ શરૂઆતમાં તો દિવસ આખો રેલવે ટીમ માટે પોતાની ડ્યુટી કરતા અને ઢળતી બપોરે વિચારપુર આવી છોકરાઓને ફુટબૉલ શીખવતા. જોકે તેમની મહેનત રંગ લાવી અને કૅમ્પ શરૂ થયાના પહેલા વર્ષે જ વિચારપુરના ત્રણ છોકરાઓ રાજ્ય કક્ષાની ટીમમાં સિલેક્ટ થયા. મધ્ય પ્રદેશ સરકારે પણ આ વાતની નોંધ લીધી અને રેલવેને વિનંતી કરીને રઈસ અહમદની ટ્રાન્સફર શહડોલમાં કરાવી. સમય જતાં વધુ ને વધુ છોકરાઓ બહાર આવતા ગયા અને દારૂના કારણે બદનામ એવું વિચારપુર યોગ્ય માર્ગે વળવાનું શરૂ થયું એટલે મધ્ય પ્રદેશ ગવર્નમેન્ટે પણ સ્થાનિક ઉદ્યોગપતિની હેલ્પ લઈને વિચારપુર અને પછી શહડોલમાં વધારાના ફુટબૉલ કૅમ્પ શરૂ કરાવ્યા. વિચારપુરને દોડવું હતું અને હવે તેમને પૂરેપૂરી સુવિધા સાથે ઢાળ મળ્યો હતો. રઈસ અહમદ કહે છે, ‘સૌથી સારી વાત એ હતી કે વિચારપુરના છોકરાઓની સાથે છોકરીઓ પણ એટલી જ ટૅલન્ટેડ નીકળી અને મધ્ય પ્રદેશ ઉપરાંત ઇન્ડિયન ફુટબૉલ ટીમમાં તેમણે જગ્યા બનાવી.’

છેલ્લાં ૨૫ વર્ષમાં મધ્ય પ્રદેશના આ ‘મિની બ્રાઝિલ’માંથી ૪પ સ્ટેટ અને નૅશનલ પ્લેયર્સ મળ્યા છે જે ફુટબૉલની અલગ-અલગ એજની ટીમમાં રમ્યા હોય કે રમતા હોય. રઈસ અહમદ કહે છે, ‘એક સમયે વિચારપુરના દરેક ઘરમાં કચી સત (મહુડો, એક પ્રકારનો દેશી દારૂ) બનતો અને બધા પીતા, પણ ફુટબૉલના કારણે આજે એ બનાવવાનું તો ઠીક, પીવાનું પણ બધાએ બંધ કરી દીધું છે. હવે તેમને ખબર છે કે આ આલ્કોહોલ છે, જેની અસર તેમની ગેમ પર પડશે.’

ચાર પેઢીની વાત ક્યાંથી?

રઈસ અહમદ અને અત્યારે શહડોલમાં ટ્રેઇનિંગ આપતા ભારતીય ટીમના ભૂતપૂર્વ ફુટબૉલ પ્લેયર્સ માટે વિચારપુરનાં નાનાં બાળકોનું આટલું સરસ ફુટબૉલ રમવું અચરજથી ઓછું નહોતું એટલે તેમણે ગામવાસીઓને મળીને એ વિશે જાણવાની કોશિશ કરી અને એના પરથી એ સૌ એ અનુમાન પર પહોંચ્યા કે બ્રિટિશરોના સમયમાં વિચારપુરના આદિવાસીઓને બ્રિટિશરો ફુટબૉલ રમાડતા હશે અને એને લીધે આજની જનરેશનમાં પણ રમત પ્રત્યેનું એ પૅશન જોવા મળે છે. રઈસ અહમદ કહે છે, ‘ટ્રેઇનિંગ અને ટેક્નિક્સ તમે શીખવી શકો, પણ કેટલીક મૂળભૂત વાત તો પ્લેયરના લોહીમાં હોય જ, જે વિચારપુરનાં બાળકોમાં છે. ટીનેજર તો ઠીક, વિચારપુર ગામનું ચાર અને પાંચ વર્ષનું બાળક પણ અદ્ભુત ફુટબૉલ રમે છે.’

જૂન મહિનામાં વડા પ્રધાન જે એંસીથી ૧૦૦ પ્લેયર્સને મળ્યા એમાં ચાર વર્ષનો યશ બૈગ અને પાંચ વર્ષનો અનીદેવ સિંહ પણ હતા અને એ બન્નેને જોઈને નરેન્દ્ર મોદીની આંખો ચાર થઈ ગઈ હતી. રઈસ અહમદ કહે છે, ‘આ ક્વૉલિટી તો જ આવે જો તમારા DNAમાં આ ગેમ ઊતરેલી હોય. વિચારપુરના દરેક બાળકમાં આ ક્વૉલિટી છે એટલે અમે તપાસ કરી, જેમાં અમને ખબર પડી કે બ્રિટિશરો આ ગામથી ફુટબૉલર લઈ જતા. કેટલાક વડીલો પાસેથી તો અમે બ્રિટિશ સમયના એવાં પત્રો અને સન્માન પણ જોયાં, જે તેમના વડવાઓને ફુટબૉલ રમવા માટે અપાયાં હોય.’

વિચારપુરનો ફુટબૉલપ્રેમ અને ફુટબૉલના કારણે તેમને મળેલી નામના જોઈને ફુટબૉલનો ક્રેઝ આખા શહડોલમાં પ્રસર્યો, જેનું પરિણામ એ આવ્યું કે આજે શહડોલ માટે ફુટબૉલ જાણે કે નૅશનલ ગેમ છે. છેલ્લાં ત્રણ વર્ષથી તો શહડોલ જિલ્લામાં દર વર્ષે ૮૦થી ૮૫ ફુટબૉલ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. પૉપ્યુલર થયેલી ટુર્નામેન્ટની મૅચ જોવા માટે તો પચીસથી ૩૦ હજાર લોકો એકઠા થતા હોય છે. મજાની વાત એ છે કે શહડોલમાં રમાતી અમુક ફુટબૉલ ટુર્નામેન્ટમાં તો ફાઇનલની વિનર ટીમને એકાવન લાખ રૂપિયા સુધીનું માતબર પ્રાઇઝ આપવામાં આવે છે. શહડોલના કલેક્ટર ડૉ. કેદાર સિંહ કહે છે, ‘સ્પોર્ટ્સ પ્રત્યે લોકોનો જબરદસ્ત લગાવ છે એટલે ગેમમાંથી વર્ષે કરોડ રૂપિયા કમાઈ લેનારો પણ હવે દારૂ કે બીજા કોઈ નશાના રસ્તે વળતો નથી. સરકારના લાખ પ્રયાસ પછી પણ એ લોકોની લત છૂટતી નહોતી, જે કામ એક ગેમ કરી ગઈ.’

રઈસ અહમદ કહે છે, ‘મધ્ય પ્રદેશમાં હવે એવું કહેવાય કે શહડોલમાં જન્મનારા બાળક હાથમાં ને વિચારપુરમાં જન્મેલા બાળક પગમાં ફુટબૉલ લઈને જ જન્મે.’

ફુટબૉલે બદલી લાઇફ

ફુટબૉલનું નામ પડે કે તરત બ્રાઝિલ યાદ આવી જાય એવી જ રીતે હવે જ્યારે ‘મિની બ્રાઝિલ’ શબ્દ આંખ સામે આવશે કે તરત વિચારપુર અને શહડોલ યાદ આવશે. જેમ બ્રાઝિલમાં ફુટબૉલ ધર્મ છે એવું જ વિચારપુર અને શહડોલનું થઈ ગયું છે. ત્યાં ફુટબૉલ એક રમત નહીં પણ એક ધર્મ છે અને એવું થવાનું કારણ પણ છે.

ફુટબૉલના કારણે પહેલાં વિચારપુર અને પછી સમગ્ર શહડોલ જિલ્લાના લોકોની લાઇફમાં તન, મન અને ધનથી સકારાત્મક અસર જન્મી. મોટી, જાણીતી જન્ક ફૂડ ચેઇન અહીં પ્રૉફિટ નથી કરતી. શહડોલમાં તમને આસાનીથી ગુટકા કે તમાકુની પ્રોડક્ટ પણ નથી મળતી. આગળ કહ્યું એમ ફુટબૉલે સ્થાનિક પ્લેયરને હીરો બનાવ્યા, જેમાંથી પશ્ચિમ બંગાળની અનેક ફુટબૉલ ક્લબમાં લાખોની માસિક આવક સાથે સામેલ પણ થયા અને એ પછી હવે તેમનામાં હેલ્થની અવેરનેસ આવી છે એટલે ફૅમિલીમાંથી બીજું કોઈ વ્યસન ન કરે એનું પણ આ પ્લેયર્સ ધ્યાન રાખે છે. નિયમિત રીતે રમાતી આઉટડોર સ્પોર્ટ્સ હંમેશાં સ્ટ્રેસમાંથી રિલીફ આપે. ફુટબૉલના કારણે શહડોલમાં એ રિલીફ પણ જોવા મળી છે તો ફુટબૉલને કારણે મોટા ભાગના લોકોમાં શારીરિક તંદુરસ્તી પણ જબરદસ્ત છે. સૌથી મોટી વાત, છ તાલુકા ધરાવતા આખા જિલ્લામાં માત્ર પંદર પોલીસ-સ્ટેશન.

જે વિસ્તારમાં ૮૦ ટકાથી વધારે લોકો આદિવાસી છે એ વિસ્તારનો એટલે કે શહડોલનો લિટરસી રેશિયો તમે કલ્પી શકો?

૭૮.૭ ટકા અને આંકડો બીજા કોઈએ નહીં, શહડોલ કલેક્ટરે જ આપેલો છે જે સમજાવે છે કે ફુટબૉલે મધ્ય પ્રદેશના આ વિસ્તારના લોકોના જીવનમાં સુખાકારી પાથરી છે. વાત કરીએ વિચારપુરની, તો એક સમયે જે દરેક ઘરમાં દેશી દારૂ બનતો એ જ ગામના દરેક ઘરમાં આજે સ્ટેટ અને નૅશનલ પ્લેયરનું સર્જન થાય છે.

વાત ફુટબૉલ ક્રાન્તિની

શહડોલના ડિવિઝનલ કમિશનર રાજીવ શર્માએ વિચારપુર ગામમાં આવેલી ફુટબૉલ ક્રાન્તિને જોઈને એ જ નામ ‘ફુટબૉલ ક્રાન્તિ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે જેનો મુખ્ય હેતુ એ છે કે ફુટબૉલ સાથે જોડાયેલા હોય એ સૌને રોજગાર મળી રહે. આ ‘ફુટબૉલ ક્રાન્તિ’ જેવો જ એક કાર્યક્રમ એક સમયે પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવ્યો હતો, જેને કારણે એ વિસ્તારનાં નાનાં ગામોમાં રહેતાં બાળકો અને યુવાનોને એનો ખૂબ લાભ થયો હતો. શહડોલમાં શરૂ થયેલા આ પ્રોગ્રામને ત્રણ સ્તરમાં  વેચવામાં આવ્યો છે, જે પૈકીનાં ત્રણેત્રણ સ્તર પસાર કરનારા ફુટબૉલ પ્લેયરને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા જૉબ ઑફર કરવામાં આવે છે. આ જૉબ માટે એજ્યુકેશન નહીં પણ પ્લેયરની ફુટબૉલ સ્કિલ જોવામાં આવે છે તો સાથોસાથ ‘ફુટબૉલ ક્રાન્તિ’ના પ્રારંભિક લેવલ પર રહેલા પ્લેયર્સને સરકારી સુવિધા અને તેના કે તેના પરિવારના એજ્યુકેશન માટે સબસિડી જેવી સુવિધા પણ આપવામાં આવે છે.

૨૭ જૂને નરેન્દ્ર મોદી સામે એક જ સરખા સ્પોર્ટ્સ કૉસ્ચ્યુમમાં ગયેલા ફુટબૉલ પ્લેયર્સ આ ‘ફુટબૉલ ક્રાન્તિ’માં પસંદ થયેલા પ્લેયર્સ જ હતા.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2025 03:37 PM IST | Bhopal | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK