એ ભાઈએ પ્રવચનમાં થયેલી પ્રેરણાને ઝીલી લઈને ઓછામાં ઓછા વ્યસન સાથે રહેવાનું નક્કી કર્યું અને એ નક્કી કર્યા પછી તેમણે નક્કી કર્યું કે હવે ટીવીને તિલાંજલિ આપવી છે
ધર્મ લાભ
મિડ-ડે લોગો
એ ભાઈએ પ્રવચનમાં થયેલી પ્રેરણાને ઝીલી લઈને ઓછામાં ઓછા વ્યસન સાથે રહેવાનું નક્કી કર્યું અને એ નક્કી કર્યા પછી તેમણે નક્કી કર્યું કે હવે ટીવીને તિલાંજલિ આપવી છે. નક્કી કર્યા પછી તેમણે ટીવી ન જોવાનો નિયમ લઈ તો લીધો, પણ એના પાલનની જ્યારે શરૂઆત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે નિયમનું પાલન ધારીએ છીએ એટલું સહેલું તો નથી જ, પણ ગજબનાક હતી તેમની મક્કમતા અને પ્રચંડ હતું તેમનું સત્ત્વ.
રોજ પ્રવચન પછી એ ભાઈ મળવા અચૂક આવે અને બે ઘડી બેસીને વાતો કરે. એક દિવસ તેઓ આવ્યા એટલે મેં તેમને પૂછ્યું,
‘નિયમનું કેમ ચાલે છે?’
‘બહુ સરસ...’
‘તકલીફ?’
‘ખાસ નહીં...’
‘તોયે કેવું જાય છે...’
‘ઘરમાં તો કોઈ જ તકલીફ પડતી નથી, કારણ કે ઘર મારું છે. પરિવાર મારો છે. ઘરમાં હું વડીલ છું. પ્રભુની કૃપા છે કે બધા સભ્યો મારી આમન્યા બરાબર જાળવી રહ્યા છે....’ તેમણે વાત કરવાની શરૂઆત કરી. ‘મહારાજસાહેબ, સૌથી સારી વાત એ છે કે ટીવી ન જોવાનો નિયમ મેં એકલાએ જ નથી લીધો કે પછી એ નિયમ મારા એકલાનો નથી. બાળકો અને ધર્મપત્ની પણ એ નિયમમાં સાથે જ છે અને એટલે જ ઘરમાં તો આ નિયમ ખૂબ સહજતાથી પળાય છે. જે પણ તકલીફ આવે છે એ બહાર આવે છે, પણ એય હવે હલ થઈ ગઈ છે.’
ADVERTISEMENT
મને સહજ આશ્ચર્ય થયું એટલે મેં
પૃચ્છા કરી...
‘એ વળી શી રીતે?’
‘હું એક મિત્રને ત્યાં નિયમિત જતો, પણ છેલ્લા થોડા સમયથી બનતું એવું કે હું ત્યાં જાઉં અને પાંચ જ મિનિટમાં તેમને ત્યાંથી નીકળી જાઉં...’ એ ભાઈએ ઘટના કહેવાની શરૂ કરી. ‘એક દિવસ યજમાને મને પૂછ્યું, આવું કરવાનું કારણ શું, તમે આવીને તરત જ નીકળી જાઓ છો...’
હું એ ભાઈને ધ્યાનથી જોતો રહ્યો. તે વાત કરવામાં મશગૂલ હતા. તેમણે વાત આગળ ધપાવી, ‘મેં તેમને કહ્યું કે મારે ટીવી ન જોવાનો નિયમ છે અને તમારા ઘરમાં ટીવી ચાલુ છે. હું આવીને શું કરું?’ એ ભાઈના અવાજમાં ઉત્સાહ આવી ગયો, ‘મહારાજસાહેબ, યજમાને તરત જ ટીવી તો બંધ કરી જ દીધું, પણ સામે ચડીને મને કહ્યું કે તમે વારંવાર અહીં આવવાનું રાખો. એ બહાને મારા ઘરનું ટીવી બંધ રહેશે તો ઘરમાં શાંતિ રહેશે અને પવિત્રતાનું વાતાવરણ જળવાઈ રહેશે.’
સત્ત્વશીલતાનું આકર્ષણ પણ ચુંબક જેવું જ તીવ્ર હોય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)