ક્રાંતિકારી વિચારધારા ધરાવતા સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તક ‘મારા અનુભવો’માં સૌથી હળવાશથી કહી હોય એવી આ એક વાત છે. આ સિવાય તેમણે એવી અનેક વાતો લખી છે જે ટિપિકલ ધાર્મિક આસ્થા ધરાવતા લોકોને ધ્રુજારી છોડાવી દે
બુક ટૉક
પુસ્તક ‘મારા અનુભવો અને સ્વામી સચ્ચિદાનંદ
પદ્મભૂષણ સન્માનિત સ્વામી સચ્ચિદાનંદ પોતાની ક્રાંતિકારી વિચારધારા માટે દેશમાં જ નહીં, દુનિયાભરમાં વિખ્યાત છે. તેમના ચાહકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અનેક મહાનુભાવોનાં નામ લખાઈ ચૂક્યાં છે. જૂજ લોકો જાણે છે કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદ માટે પહેલી વાર શપથ લીધા એ સમયે સ્વામી સચ્ચિદાનંદનું નામ પોતાના સ્વજનોમાં લખ્યું હતું અને સ્વામીજીને ઇન્વાઇટ કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયે નરેન્દ્ર મોદી અને સ્વામી સચ્ચિદાનંદ વચ્ચે થયેલી એક અનૌપચારિક મીટિંગ દરમ્યાન વાત ચાલતી હતી ત્યારે જ સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો વિચાર આવ્યો અને ગુજરાત સરકારે વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટૅચ્યુ ગુજરાતમાં બનાવ્યું. સ્વામી સચ્ચિદાનંદ દૃઢપણે માને છે કે રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નથી અને હોવો પણ ન જોઈએ. સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘જો તમે રાષ્ટ્રને ભૂલીને તમારો ધર્મ નિભાવવાનું કામ કરો તો એ ધર્મની સરખામણી અધર્મ સાથે કરી શકાય. રાષ્ટ્રથી વધારે અને એનાથી આગળ કશું હોઈ ન શકે.’
બાળદીક્ષા જ નહીં, સ્વામી સચ્ચિદાનંદ તો યુવાદીક્ષાનો પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્વામી સચ્ચિદાનંદે એક વાર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમુક પ્રકારના આવેગોનો અનુભવ કર્યા વિના અત્યારે દીક્ષાધારી બનવા નીકળેલા બાળસાધુ કે પછી યુવા દીક્ષાર્થીથી થતી ભૂલ એ હકીકતમાં તો તેમને સંસાર છોડાવનારાઓની ભૂલ છે. જીવનથી દૂર ભાગવાની માનસિકતા લોકોના મનમાં સ્ટોર કરવાને બદલે લોકોને સંસાર માટે તૈયાર કરવા જોઈએ. જો એવું કરી શકીએ તો જ આપણે પશ્ચિમના દેશો જેવો વિકાસ સાધી શકીશું.’
ADVERTISEMENT
વિવાદ, વિવાદ અને વિવાદ | એંસીથી નેવુંના દશકમાં એક તબક્કો એવો આવ્યો હતો કે સ્વામી સચ્ચિદાનંદનો અઢળક વિરોધ થતો. સ્થૂળ ધર્મમાં માનતા લોકો અને એ લોકો સાથે જોડાયેલા સભ્ય સમાજને સ્વામીજીની વાતોથી રીતસર પેટમાં તેલ રેડાતું અને સ્વામીજીની વાતોથી અકળામણ થતી. સ્વામીજી હિન્દુ સમાજની પહેલી વ્યક્તિ છે જેમણે બહુ દૃઢતા સાથે કહ્યું છે કે ગાયોને રિબામણી સાથે જીવતી રાખવા કરતાં તો બહેતર છે કે એમને છુટકારો દેવો જોઈએ. સ્વામીજી પહેલી વ્યક્તિ છે જેમણે એવું પણ કહ્યું છે કે માંસાહારને ખોટી રીતે લેવાની જરૂર નથી અને સ્વામીજી પહેલી વ્યક્તિ છે જેમણે સંસાર છોડ્યા પછી એવું કહ્યું છે કે સંસાર ત્યજી દેવો એ તો બહુ સરળ અને સહજ પ્રક્રિયા છે, પણ સંસારમાં રહેવું વધારે અઘરું અને આકરું છે.
સ્વામી સચ્ચિદાનંદ ખરા અર્થમાં ક્રાંતિકારી રહ્યા છે. તેમણે એક પણ બાબતમાં સહેજ પણ સંકોચ રાખ્યા વિના એ જ કહ્યું છે જે વાસ્તવિક જીવન સાથે સંલગ્ન હોય. સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘લોકોની એક આદત થઈ ગઈ છે કે દંભ કરો અને આ આદતને લીધે તેઓ દંભથી વધારે કશું કરતા નથી. દંભ રાખવાનો સમય ગયો, હવે વાસ્તવિકતાને સમજવાનો સમય આવી ગયો છે. જો તમે વાસ્તવિકતા નહીં સમજી શકો તો યાદ રાખજો કે બહુ દુઃખી થવું પડશે.’
ગુરુપ્રથાના છે વિરોધી | હા, આ વાત સાવ સાચી છે. સ્વામી સચ્ચિદાનંદ માને છે કે ગુરુપ્રથાનો દુરુપયોગ થતો હોવાથી એ પ્રથા બિલકુલ બંધ થવી જોઈએ. તેઓ માત્ર કહેતા નથી, કહેવાની સાથોસાથ એ વાતને અંગત જીવનમાં પણ ફૉલો કરે છે. સ્વામી સચ્ચિદાનંદે આજ સુધીમાં કોઈ શિષ્ય બનાવ્યો નથી અને આજે પણ તેઓ કોઈ શિષ્યને પ્રાધાન્ય નથી આપતા. ગુરુપૂર્ણિમા ગુરુનું પૂજન કરવાનો દિવસ છે. એ દિવસે અઢળક લોકો તેમને મળવા માટે તેમના દંતાલી ખાતેના આશ્રમ પર આવતા હોવાથી સ્વામી સચ્ચિદાનંદે નિયમ રાખ્યો છે કે એ દિવસે આશ્રમ પર રહેવાને બદલે અજ્ઞાત સ્થળે ચાલ્યા જવું. આ નિયમનું તેમણે આજ સુધી પાલન કર્યું છે. એ દિવસે સ્વામી સચ્ચિદાનંદ આસપાસમાં રહેતા કોઈ પણ આદિવાસીના ઘરે રહેવા ચાલ્યા જાય છે.
હતો ખૂનનો આરોપ | હા, આ સાવ સાચું છે. સ્વામી સચ્ચિદાનંદના આશ્રમમાં ચોરી કરવા માટે આવેલા કેટલાક આદિવાસીઓ પર ફાયરિંગ કરતાં એકનું મોત થયું હોવાથી સ્વામી સચ્ચિદાનંદ પર ખૂનનો આરોપ મુકાયો હતો અને એ માટે કેસ પણ ચાલ્યો હતો. સ્વામી સચ્ચિદાનંદ દેશમાં પહેલા અને એકમાત્ર સંન્યાસી છે જેમની પાસે લાઇસન્સવાળી ગન છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘અહિંસાની વાત તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે મહાવીર હો. આત્મસુરક્ષા એ હિંસા છે જ નહીં અને એ વાત સૌકોઈએ સમજવી પડશે. સાથોસાથ દેશની સરકારે પણ સમજવી પડશે.’
સ્વામી સચ્ચિદાનંદ પર મુકાયેલા આરોપમાંથી તેઓ વડોદરા કોર્ટમાંથી નિર્દોષ ઘોષિત થઈ ચૂક્યા છે એ સહેજ તમારી જાણ ખાતર.
‘મારા અનુભવો’ની સ્ટોરી શૉર્ટકટ
‘મારા અનુભવો’માં સ્વામી સચ્ચિદાનંદના જીવનની એવી વાતો છે જેનો તેમણે ઘર છોડ્યા પછી અનુભવ કર્યો હતો. સ્વામી સચ્ચિદાનંદના જીવન આધારિત આત્મકથાનો આરંભ ‘મિડ-ડે’માં પણ થવાનો હતો, પણ અમુક સંજોગોને કારણે એ વાત પાછળ ઠેલાઈ. ‘મારા અનુભવો’માં સ્વામી સચ્ચિદાનંદે ધર્મના નામે ચાલતા પાખંડની પણ વાત કરી છે તો મોક્ષના નામે લોકોને મૂરખ બનાવવાના ચાલતા કાવતરાની (આ શબ્દ સ્વામી સચ્ચિદાનંદનો પોતાનો છે) વાત પણ કરવામાં આવી છે. સ્વામી સચ્ચિદાનંદ ‘મિડ-ડે’ને કહે છે, ‘જીવનમાં મોક્ષ નામની લૉલીપૉપ લોકોના મોઢામાં આપી દેવામાં આવી છે જે ચગળાતી પણ નથી અને કાઢી પણ શકાતી નથી. મોક્ષ પામેલી વ્યક્તિ ક્યારેય આવીને કહી નથી ગઈ કે તેનો મોક્ષ થઈ ગયો તો એવું પણ તેણે કહ્યું નથી કે તેનો મોક્ષ નથી થયો. મોક્ષ એક એવી વાત છે જેનો કોઈ પુરાવો નથી અને જેના વિશે કોઈની પાસે સાબિતી પણ નથી.’
જીવનમાં બનેલી એક ઘટનાને કારણે ઘર છોડીને મોક્ષની શોધમાં નીકળી મોક્ષના મોહમાં અઢળક સંન્યાસીઓને મળ્યા અને તેમની પાસેથી સમજવાની કોશિશ કરી કે મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? તેમને કોઈ જવાબ તો ન જ મળ્યો, પણ આશ્વાસનકારક જવાબ ન મળ્યો જેના આધારે તેઓ બાકીના જીવનને આગળ વધારે. ફાઇનલી સ્વામી સચ્ચિદાનંદે પોતાનો માર્ગ બનાવ્યો, જેના વિશે તેમણે ‘મારા અનુભવો’માં વાત કરી છે.