પગ ચાલે છે ત્યારે આસ્થા દોડે છે
પદયાત્રી
આ એ સમય છે જ્યારે કચ્છની કુળદેવી મા આશાપુરાના સ્થાનક લખપત તાલુકામાં આવેલા માતાના મઢ તરફ જતા તમામ માર્ગો પર રાત-દિવસ વાહનો તો ઠીક સામાન્ય લોકોને પણ ચાલવાની જગ્યા ન મળે. હા, નવરાત્રિના પ્રારંભ પહેલાંના ૧પ દિવસ અગાઉથી જ ગુજરાતના ખૂણે-ખૂણેથી પદયાત્રીઓનો પ્રવાહ કચ્છના સૌથી મોટા આસ્થાના સ્થાનક માતાના મઢ તરફ વહેતો હોય છે.
કચ્છના જાડેજા રાજવી કુટુંબનાં કુળદેવી અને કચ્છિયત જેમની રગેરગમાં વહે છે તેવા તમામ કચ્છીઓની પણ દેશદેવી મા આશાપુરાનું એક મંદિર ભુજમાં છે, જ્યારે મોટું મંદિર ભુજથી ૯પ કિમી દૂર માતાના મઢ ખાતે છે. સમગ્ર કચ્છવાસીઓને એમાં અતૂટ શ્રદ્ધા હોય જ, પણ હવે તો ભારતના કોઈ પણ છેડે વસતા કચ્છી અને બિનકચ્છીઓને પણ મા આશાપુરામાં અચળ શ્રદ્ધા છે. એની સાબિતીરૂપે જ વર્ષમાં આવતી બન્ને નવરાત્રિ (ચૈત્ર અને આસો) દરમ્યાન માનાં દર્શન કરવા અને માનતા પૂરી કરવા સેંકડો કિલોમીટર ચાલીને લોકો નીકળી પડે છે. હા, માત્ર કચ્છથી જ નહીં મોરબી, રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્રનાં અનેક ગામડાંઓથી. અરે છેક મુંબઈથી પણ સંઘ લઈ પગપાળા અને સાઇકલ દ્વારા શ્રદ્ધાળુઓ માતાના મઢ આવે છે. ઘાટકોપરથી તો સોથી વધુની સંખ્યામાં પદયાત્રીઓ નવરાત્રિના એક મહિના પહેલાં જ પગપાળા નીકળી ચૂકયા છે. કલ્પના કરો જરા, મુંબઈથી કચ્છના માતાના મઢ સુધીનું અંતર લગભગ ૯પ૦ કિલોમીટર થાય છે! પણ શ્રદ્ધાને સીમાડા હોતા નથી. ચાર-પાંચ દાયકા પહેલાં માત્ર છૂટાંછવાયાં જૂથો નીકળતાં અને કોઈ જ સગવડ વિના જ્યારે ભુજથી નીકળે ત્યારે માતાના મઢ પહોંચતાં ચાર દિવસ લાગતા. હવે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સગવડોનું પ્રમાણ પણ વધતાં ભુજથી જનારા ૯પ કિલોમીટરનું અંતર માત્ર ૧ર-૧૮ કલાકમાં કાપી લે છે. કચ્છના અનેક ડૉક્ટરો અને વ્યવસાયીઓ શનિ-રવિની રજાનો લાભ લઈને પણ પગપાળા જાય છે. આજે આ પદયાત્રીઓની સંખ્યા હવે ચાર લાખના આંકને પણ વટાવી ગઈ છે. આ પદયાત્રીઓની સેવા માટે છેક મોરબીથી માતાના મઢ સુધી એક અંદાજ મુજબ પ૦૦થી વધુ સેવા કૅમ્પો ધમધમે છે. આ સેવા કૅમ્પોમાં ચા-પાણી, નાસ્તાથી માંડીને બન્ને ટાઇમ ભોજનની વ્યવસ્થા તો હોય જ ઉપરાંત થાકી જતા કે પગે સોજા ચડતા હોય તેવા પદયાત્રીઓેને માલિશ, ફિઝિયોથેરપીથી માંડી તમામ તબીબી સારવાર પણ દરેક કૅમ્પમાં ઉપલબ્ધ હોય છે. પાંચેક દાયકા પહેલાં ચા તો ઠીક પાણી પણ ઘરેથી સાથે લઈ જતા પદયાત્રીઓને હવે સેવા કૅમ્પમાં પાંઉભાજી, પીત્ઝા, ફ્રૂટ, નાળિયેરપાણી બધું જ મફત સેવાભાવીઓ પૂરું પાડે છે. આરામ કરવાની પણ સુવિધા મળે છે.
ADVERTISEMENT
૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે ભુજમાં અસંખ્ય બૉમ્બમારો પાકિસ્તાને કર્યો હતો. ભુજની ઍરફોર્સસ્થિત હવાઇપટ્ટી પર અનેક બૉમ્બ પડ્યા હતા, પણ કોઈ પણ કચ્છવાસીને ઊની આંચ પણ આવી નહોતી. એ સમયે કચ્છીઓએ પૂરી આસ્થા સાથે માન્યું હતું કે કચ્છની રક્ષા કરવા મા આશાપુરા સરહદે હાજરાહજૂર હતાં. અનેક આસ્થા અને માનેલી માનતા પૂર્ણ થતી હોવાનું આજે પણ લોકોમાં દૃઢ હોવાથી દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જ જાય છે.
સામખિયાળીથી દર વર્ષે માતાના મઢ સુધીની યાત્રા નવરાત્રિ દરમ્યાન રસ્તા પર દંડવત કરતા જઈને પૂરી કરતા જયંતીભાઈ જોગી અને તેમની સાથે પોતાના પુત્રને ઝોળીમાં લઈ પગે ચાલતાં તેમનાં પત્ની લક્ષ્મીબેન કહે છે કે ૧૪ વર્ષે અમારી સંતાનની ઇચ્છા પૂરી કરનારી મા આશાપુરા જ છે તેથી અમે માનતા પૂરી થઈ ગઈ હોવા છતાં દર વર્ષે બાળક સાથે અચૂક માનાં દર્શને જઈએ છીએ. રસ્તે ગબડતાં-ગબડતાં પણ લોકો માનતા પૂરી કરતા દેખાય છે.
કચ્છની પરંપરા રહી છે કે ભુજના આશાપુરાના મંદિરેથી જાતર લઈ દર્શન કરી કચ્છના રાજવી આસો સુદ સાતમના દિવસે માતાના મઢ જવા નીકળે છે. સાતમની રાત્રે માતાના મઢ મંદિરમાં એ જાતર ચડાવે છે. આ રસમ ખરેખર જોવા જેવી હોય છે. આ સમયે માતાના મઢ પ્રાંગણમાં હૈયેહૈયું દળાય એટલી હકડેઠઠ ભીડ હોય છે. રાજવી જાતર ચડાવી નતમસ્તકે મા સામે પ્રાર્થના કરી કચ્છ અને કચ્છી પ્રજાની રક્ષા અને સમૃદ્ધિ માગે છે અને એ સમયે માતાજીની મૂર્તિ ઉપરથી ફૂલ તેમના ધરેલા ખોળામાં પડે છે. આ દૃશ્ય દરેકે જોયું પણ છે. સાતમના મોડી રાત્રે માતાના મઢમાં હવન પૂરો થાય એ પછી આઠમની સવારે ભુજના આશાપુરાના મંદિરે હવન થાય છે. અને ત્યાર બાદ જ નવરાત્રિના ઉપવાસ પૂરા કરાય છે. શ્રદ્ધા કચ્છવાસીઓમાં એટલી અજોડ છે કે ચૈત્ર મહિનામાં ભારે તાપ વચ્ચે પણ પગપાળા જનારા અનેક હોય છે. જોકે અશ્વિન નવરાત્રિમાં આ સંખ્યા લગભગ કચ્છની અડધી વસ્તી જેટલી પહોંચે છે. સેવા કૅમ્પો માટે મોંમાગ્યું દાન પણ આપવા લોકો આતુર હોય છે.
આ પણ વાંચો : મા આશાપુરાનું પ્રાગટ્ય અને કચ્છનાં શક્તિ મંદિરો
વેલ, આ વખતે તો શ્રદ્ધામાં વધુ તેલ એટલે પુરાયું છે કે આ વર્ષે કચ્છમાં પણ વરસાદ ખૂબ થયો છે. માતાના મઢ ગામ તો સાવ નાનું. અને તેમાંય એક દિવસ માત્ર અઢી કલાકમાં માતાના મઢમાં સાત ઇંચ વરસાદ ખાબકયો. લોકો પ્રાર્થના કરવા લાગ્યા કે હવે વરસાદ બંધ થાય તો સારું. આખા ગામમાં એક મથોડા (માનવ ડૂબે એટલું) પાણી ભરાયું હતું. મા આશાપુરાના મંદિર પરિસરમાં પણ ચારેકોર પાણી વધી રહ્યાં હતાં ને અચાનક માતાજીના મંદિરના છેલ્લા પગથિયાને જેવું પાણી અડકયું કે વરસાદ થંભી ગયો. માતાજીના મંદિરમાં એક ટીપું પણ પાણી પ્રવેશ્યું નહીં. આવા તો અનેક પરચા કચ્છવાસીઓ કહી શકે છે.

