Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આમાંનાં કેટલાં તીર્થનાં દર્શને તમે જઈ આવ્યા?

આમાંનાં કેટલાં તીર્થનાં દર્શને તમે જઈ આવ્યા?

Published : 01 September, 2019 02:45 PM | Modified : 01 September, 2019 02:56 PM | IST | મુંબઈ
ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

આમાંનાં કેટલાં તીર્થનાં દર્શને તમે જઈ આવ્યા?

જૈન તીર્થ

જૈન તીર્થ


પર્યુષણ અત્યારે એના અંતિમ પડાવમાં છે અને પર્યુષણ બાદ ચૈત્યપરિપાટી કરવામાં આવે છે જેમાં કોઈક જૈન દેરાસર અથવા તીર્થની મુલાકાત લેવાની હોય છે ત્યારે આજે જૈનોનાં જાણીતાં પાવન તીર્થોની ખૂબી-ખાસિયતો વિશે જાણીએ. ભારતીય સ્થાપત્યોનાં બેજોડ ઉદાહરણ એવાં કેટલાંક પ્રાચીન તીર્થો જૈન અને જૈન સિવાયના લોકોએ જીવનમાં એક વાર અચૂક જોવા જેવાં છે.


ભારત દેશ ધર્મ અને ભક્તિની ભૂમિ છે. અહીં દરેક ધર્મના લોકો વસે છે જેમાંનો એક ધર્મ છે જૈન. આમ જોવા જઈએ તો જૈન ધર્મના ફૉલોઅર્સની સંખ્યા અન્ય ધર્મના ફૉલોઅર્સની સરખામણીમાં ઓછી છે છતાં જૈન ધર્મની નોંધ વિશ્વભરમાં લેવાઈ રહી છે. જૈન ધર્મની સાથે એનાં તીર્થસ્થાનોની પ્રખ્યાતિ પણ એટલી જ વિસ્તૃત છે. સ્થાપત્ય અને કળાકૃતિની દૃષ્ટિએ આ તીર્થો અદ્ભુત છે. એની પાછળની કથાઓ માઇન્ડ બ્લૉઇંગ છે. આજે કેટલાંક અનુઠાં તીર્થોની મુલાકાત લઈએ.



શત્રુંજય (પાલિતાણા)


જૈનોનું મહાતીર્થ ગણાતું સ્થળ એટલે શ્રી શત્રુંજય ગિરિરાજ. અહીં કોઈ ન ગયું હોય તો જ નવાઈ. ગુજરાતના સૌરાષ્ટ્રમાં શત્રુંજયગિરિનું સ્થાન જૈન તીર્થોની યાદીમાં શિરમોર સ્થાને આવે છે. કાંકરે કાંકરે અનંતા સિધ્યા એટલે કે નિર્વાણ પામ્યા હોવાથી આ ભૂમિ ખૂબ જ પાવન અને પવિત્ર ગણાઈ છે. એથી આ ભૂમિ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધાચલ તરીકે પણ ઓળખાય છે. મનમાં આવતા તમામ પ્રકારના ભાવ જે ભગવાન સુધી પહોંચવામાં શત્રુનું કામ કરે છે એના પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી આ સ્થળ શત્રુંજય તરીકે ઓળખાય છે. પંડિત બેચરદાસના રિસર્ચ પ્રમાણે જૈનો કોઈ રાજક્રાન્તિ અથવા ધર્મક્રાન્તિના સમયે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા અને જ્યાં સ્થિર થયા હતા એ સ્થળ પછીથી શત્રુંજય તરીકે ઓળખાવા લાગ્યું હતું. શત્રુંજય તીર્થ સમુદ્રની સપાટીથી ૨૦૦૦ ફુટ ઉપર આવેલું છે. આ તીર્થ પર ૧૦૫ મોટાં દેરાસર અને ૮૧૫ નાની દેરીઓ છે. ૧૧,૦૦૦થી અધિક પાષાણની મૂર્તિઓ છે. ૬૬૫ ધાતુઓની પ્રતિમા છે. આટલી મોટી સંખ્યામાં બીજે ક્યાંય મદિરોનો સમૂહ નહીં મળે. એટલે જ તો એ વિશ્વમાં સૌથી મોટું મંદિરોનું કૉમ્પ્લેક્સ જેવું છે. તળેટીથી ભગવાન આદિનાથ સુધીનો માર્ગ ૪ કિલોમીટર લાંબો છે, જેમાં વચ્ચે લગભગ ૩૭૫૦ પગથિયાં આવે છે. રસ્તામાં વચ્ચે વિશ્રામ માટે સ્થાન બનાવવામાં આવ્યાં છે. જેઓ ચાલીને ઉપર સુધી પહોંચવામાં સમર્થ ન હોય તેઓ માટે અહીં ડોલીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂજાનાં વસ્ત્રો પણ અહીં મળી રહે છે. અહીં આવેલાં કેટલાંક મંદિરો મોગલ કાળ દરમ્યાન નુકસાન પામ્યાં હતાં, પરંતુ એના જીર્ણોદ્ધાર થતાં રહ્યાં છે. એવું પણ કહેવાય છે કે મહાભારતના કાળ દરમ્યાન પાંડવોએ તેમના જીવનના ઉત્તરાર્ધમાં યુદ્ધથી કંટાળીને ગિરિરાજ પર્વત પર આત્મકલ્યાણ સાધ્યું હતું. આવા તો અનેક ગૌરવભર્યા પ્રસંગો આ સ્થળ સાથે જોડાયેલા છે.

ગિરનાર


જૈનોનાં મુખ્ય તીર્થોમાં જૂનાગઢમાં આવેલા ગિરનારની પણ ગણના થાય છે. આ તીર્થ અગાઉ ઉજ્જયન ગિરિ, રૈવતાચલ, સુવર્ણગિરિ, નંદભદ્ર વગેરે નામથી જાણીતું હતું. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને જ્યાં દીક્ષા લીધી હતી એ સ્થળ એટલે ગિરનાર. ગિરનાર મહાતીર્થ પર ભગવાન નેમિનાથની એક પ્રતિમા છે જેની પ્રતિષ્ઠા ખુદ નેમિનાથ ભગવાને કરી હતી. એવું કહેવાય છે કે પોતાનાં લગ્નમાં ભોજનની તૈયારી કરવા માટે પ્રાણીઓની થતી કતલ જોઈને બાવીસમા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયું હતું. તેઓ તમામ સંસારસુખનો ત્યાગ કરીને ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા હતા. ગિરિરાજની ઉપર તીર્થંકરો, ગણધરો, જુદા-જુદા અધિષ્ઠાયકોનાં મંદિરો અને પ્રતિમા આવેલાં છે. ઘણા એને નેમિનાથ પર્વત અથવા શત્રુંજયગિરિની પાંચમી ટૂંક પણ કહે છે. ગિરનાર તીર્થમાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણની ૧૪૦ સેન્ટિમીટર ઊંચી પ્રતિમા છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ પ્રતિમા નેમિનાથના સમય સુધી ઇન્દ્રલોકમાં રહી હતી અને ત્યાર બાદ શ્રીકૃષ્ણના ગૃહમંદિરમાં રહી હતી. કહેવાય છે કે દ્વારકાનગરી પાણીમાં ડૂબી ગઈ ત્યારે આ પ્રતિમા શ્રી અંબિકદેવીએ સુરક્ષિત રાખી હતી. વિ.સ. ૬૦૯ની આસપાસ રતનશાહની તપસ્યાથી પ્રસન્ન થઈને અંબિકાદેવીએ આ પ્રતિમા તેમને સોંપી હતી. ત્યાર બાદ અહીં એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આખું દેરાસર ગ્રેનાઇટના પથ્થરોથી બનેલું છે. અહીં બીજાં બે શ્વેતામ્બર મંદિરો પણ આવેલાં છે જેની છત, સ્તંભ અને શિખર પર કરેલી કલાકૃતિ મંત્રમુગ્ધ કરી દેનારી છે. એવું પણ કહેવાય છે કે આ વિશ્વનું એકમાત્ર તીર્થસ્થળ છે જ્યાં વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા હાજર છે. 

સમ્મેતશિખરજી

શિખરજી અથવા શ્રી સમ્મેતશિખરજી ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલું છે. જૈન માન્યતા પ્રમાણે ૨૪માંનાં ૨૦ તીર્થંકર અહીં નિર્વાણ પામ્યાં છે, જેની અહીં દેરી બનેલી છે. સમ્મેતશિખર મધુવન નામના એક જંગલથી ઘેરાયેલું છે. એકાદ સદી પહેલાં આ સ્થળની આસપાસ લગભગ એક માઇલ સુધી માનવવસ્તી ઝીરો હતી, પરંતુ હવે તો તીર્થની સાથે મુખ્ય શહેરોના માર્ગ જોડાયેલા છે અને સાથે અહીં સુધી પહોંચવા માટે દરેક સુવિધા પણ ઉપલબ્ધ છે. આ તીર્થયાત્રાની શરૂઆત મધુવનથી થાય છે. અહીં ઉત્તર તરફથી પર્વત પર ચડવું થોડું સરળ રહે છે. આ સ્થળનો ઉલ્લેખ જૈનના પ્રાચીન ગ્રંથ ‘જ્ઞાતા ધર્મકથા’માં આવે છે. એ મુજબ ૧૯મા તીર્થંકરે આ સ્થળે સમાધિ લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહીં આવેલી ટેકરીઓને પારસનાથ હિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ નામ ત્રેવીસમા તીર્થંકર પારસનાથના નામ પરથી ઊતરી આવ્યું છે જેઓ અહીં નિર્વાણ પામ્યા હતા. શિખરજીની તળેટીમાં ભોમિયાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે અહીં માથું ટેકવીને શિખર પર ચડાણ કરવાથી યાત્રા સુખરૂપ પાર પડે છે. આ પહાડની ઊંચાઈ ૪૫૦૦ ફુટ છે. આ તીર્થયાત્રામાં લગભગ ૬ માઇલનું ચડાણ, ૬ માઇલ પગપાળા અને ૬ માઇલ નીચે ઊતરવાનું છે. યાત્રા પૂરી કરતાં ૧૨થી ૧૪ કલાક લાગે છે. આગળ વધતાં બે માર્ગ આવે છે; એક માર્ગ એટલે કે ડાબા તરફનો માર્ગ જળમંદિર તરફ અને ગૌતમસ્વામીજીની ટૂંક તરફ જાય છે, જ્યારે બીજો માર્ગ એટલે કે જમણો માર્ગ શ્રી પાર્શ્વનાથની ટૂંક તરફ જાય છે. ડુંગર પર હાલમાં ૩૧ ટૂંક આવેલી છે, જેમાં ૨૦ તીર્થંકર ભગવાનની છે. તેમની સ્મૃતિરૂપે અહીં તેમની પાદુકાજી સ્થાપી છે. ડુંગર પર શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે.

દેલવાડા

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ વિસ્તારમાં દેલવાડા આવેલું છે, જે એનાં જૈન મંદિરો માટે પ્રખ્યાત છે. આ મંદિરો એની વસ્તુકલા અને શિલ્પકલા માટે જાણીતાં છે. દેલવાડા મંદિરોનું બાંધકામ ૧૧થી ૧૩મી સદી દરમ્યાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રહેતા લોકો અહીં સહેલાઈથી પહોંચી શકે છે. એવું કહેવાય છે કે જ્યારે વસ્તુપાળ અને તેજપાળ તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે ઘરમાં રહેલું સોનું ક્યાં મૂકવું એની દ્વિધામાં હતા. જો સાથે લઈને જાય તો પણ જોખમ અને ઘરમાં મૂકીને જાય તો પણ જોખમ. ત્યારે તેમને વિચાર આવ્યો કે એને કોઈ સુરક્ષિત સ્થાને દાટી દઈએ. તેઓ જેવા એ સોનાને દાટવા ગયા ત્યાં એ સ્થાને તેમને બીજું સોનું મળ્યું. એટલામાં તેજપાલની પત્નીએ કહ્યું કે ‘લક્ષ્મીને દાટી રાખીએ તો આવા જ હાલ થાય. એના કરતાં એને એવી રીતે સાચવો કે એ સૌને દેખાય, પણ કોઈથી લેવાઈ નહીં.’ બસ ત્યાર બાદ આ દેરાસર બંધાયાં. મંદિરના શિલ્પકળા અને વસ્તુકળાનાં વખાણ જેટલાં કરો એટલાં ઓછાં છે. બહારથી આ મદિરોને જોતાં અંદાજ પણ નહીં આવશે કે દેલવાડા આ જ પ્રસિદ્ધ મંદિરો છે. ઊંચાઈ પણ સામાન્ય અને એકદમ સિમ્પલ એવાં બહારથી દેખાતાં આ મંદિરોની આવી બાહ્ય રચના કરવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમ શાસકોથી મંદિરનું રક્ષણ કરવાનું હતું. જો મુસ્લિમ શાસકોના ધ્યાનમાં આ મંદિરો આવી જાય તો તેઓ એને તોડી નાખે. મંદિરની અંદરની કલા જોઈને દંગ રહી જવાય. આરસપહાણના પથ્થર પર કોતરવામાં આવેલું સૂરજમુખીનું બંધ થતું અને ખુલ્લું થતું ફૂલ જેવું તો કેટકેટલું છે. અહીં એક મંદિર જૈન ધર્મના પહેલા તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. આ મંદિર ગુજરાતના રાજાના મંત્રી વિમલ શાહે ૧૧મી સદીમાં બંધાવ્યું હતું. ત્યારે બીજાં મંદિર રાજાના મંત્રી વસ્તુપાળ અને તેજપાળે બંધાવ્યું હતું. ત્રીજું મંદિર રાજસ્થાનના ભામાશાહે બંધાવ્યું હતું. આ મંદિરનું મુખ્ય આકર્ષણ એમાં લાગેલી ૪૦૦૦ કિલોની પંચધાતુ ભગવાન ઋષભદેવની પ્રતિમા છે. ચોથું મંદિર ત્રણ માળનું ચિંતામણિ પાર્શ્વનાથનું ચૌમુખ મંદિર છે. કહેવાય છે આ મંદિરનું બાંધકામ કરનાર મજૂરોએ પણ મંદિરના બાંધકામ માટે આર્થિક સહાય કરી હતી. પાંચમું મંદિર મહાવીર ભગવાનનું છે, જે નાનું હોવા છતાં ખૂબ આકર્ષક બનાવાયું છે. દેલવાડાના મંદિરની અંદર વસ્તુપાળ અને તેજપાળની પત્નીઓને સમર્પિત દેરાણી-જેઠાણી નામના બે ગોખ પણ બનાવવામાં આવ્યા છે.

શંખેશ્વર

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ભવ્ય અને રમણીય પ્રતિમાયુક્ત ગુજરાતનું આ પાવન તીર્થ અને મૂળ જિનાલય લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મંદિરના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો વિક્રમ સંવત ૧૧૫૫માં એ સમયના મહામંત્રી સજ્જનશાહે શંખેશ્વરનું દેરાસર બંધાવ્યું હતું, પરંતુ બાદમાં ૧૪મી સદીમાં અલ્લાઉદ્દીન ખીલજીએ આ દેરાસરનો નાશ કર્યો હતો. કહેવાય છે કે હાલનું મંદિર ૧૮મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. મુસ્લિમ શાસકો દ્વારા શંખેશ્વરનું અસલ મંદિર નાશ પામતાં એની અંદર રહેલી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા એ સમયના એક ઠાકુરના કબજામાં આવી ગઈ હતી જેથી જેને પણ ભગવાનનાં દર્શન કરવાં હોય તેણે ઠાકુરને ટૅક્સ ચૂકવવો પડતો. વર્ષ ૧૭૫૦ની વાત છે જ્યારે ખેડાના પંડિત શ્રી ઉદયરત્નવિજયજી તેમના સંઘ સાથે આ મૂર્તિનાં દર્શન કરવા માટે ઠાકોર પાસે આવ્યા ત્યારે તેમની પાસે કરની ઉઘરાણી કરવામાં આવી હતી, પરંતુ કરનું નામ સાંભળીને ઉદયરત્નજીમહારાજ ક્રોધે ભરાયા હતા. તેઓએ કહ્યું હતું કે આ મૂર્તિ જૈન સંઘની માલિકીની છે, જેનાં દર્શન કરવા માટે કોઈ કર ચૂકવવાની જરૂર નથી. આ સાંભળીને ઠાકોરનું માન ઘવાયું. હવે તેમણે જીવ પર આવીને કર લેવાની માગણી કરી ત્યારે ઉદયરત્નજીએ કહ્યું, ‘અમે પ્રભુની સ્તુતિ કરીશું. જો તેઓ પ્રસન્ન થઈને દર્શન આપશે તો આજથી તમારે કોઈ પાસેથી દર્શન માટે કર લેવો નહીં, બોલો મંજૂર છે? ઠાકોરે હા પાડી અને બીજી બાજુ પ્રભુની સ્તુતિ શરૂ થઈ. ભાવિકોની પ્રાર્થના સાંભળીને અહીં નાગરાજ ધરેન્દ્ર અને પદ્‍માવતી પ્રસન્ન થયાં. આપોઆપ દ્વાર ખૂલી ગયાં અને ભાવિકોને દર્શન થયાં. એવું કહેવાય છે કે આ સ્થળે ત્યાર બાદ શંખેશ્વર મંદિર બન્યું હતું. મંદિરની અંદર નેમિનાથ ભગવાન અને આદિનાથ ભગવાનની ઊભી પ્રતિમા છે અને બાજુમાં પદ્‍માવતી દેવીની દેરી છે. શ્રીકૃષ્ણ મહારાજે પણ અહીં પૂજા કરી હોવાનું કહેવાય છે.

નાગેશ્વર તીર્થ

મધ્ય પ્રદેશમાં નાગેશ્વર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ આવેલું છે, જે નાગેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. તેમની પ્રતિમા અતિપ્રાચીન કાળની એટલે કે ૧૧મી સદી પૂર્વે બનેલી હોવાનું કહેવાય છે. કથાઓ અનુસાર ધરણેન્દ્ર નામના જૈનોના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવ દ્વારા આ મૂર્તિ આપવામાં આવી હતી જેથી આ મૂર્તિ પ્રાચીન જ છે એમાં કોઈ બેમત નથી. આ પ્રતિમા સાડાતેર ફુટની છે. લોકવાયકા અનુસાર ભગવાનની મૂર્તિ મણિથી અલંકૃત હતી જેથી તેમના પર ચોરની બૂરી નજર પડી હતી અને એને ઉપાડી લઈ જવાની ફિરાકમાં રહેતા હતા, પરંતુ આ મૂર્તિની કોઈ પણ રીતે ચોરી થઈ શકી નહોતી. વારંવાર પ્રયાસ કરવામાં આવ્યા છતાં ચોર એને ચોરવામાં સફળ થઈ શક્યા નહોતા. લોકવાયકા પ્રમાણે, આ પ્રતિમાનું નિર્માણ દેવ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ સુરક્ષાને કારણે આ પ્રતિમા પારસનગરમાં ખસેડવામાં આવી હતી, જ્યાં એ સમયનાં રાજા-રાણીએ એક જિનાલય બંધાવ્યું હતું.

આમ એ પારસ નાગેશ્વર તરીકે ઓળખાવા લાગ્યું અને થોડા સમય બાદ પારસ નામ નાગેશ્વરની પાછળ એટલે કે નાગેશ્વર પાર્શ્વનાથ એમ જોડાઈ ગયું. 

શ્રી કલીકુંડ તીર્થ

અમદાવાદના ધોળકામાં કલીકુંડ નામનું તીર્થ આવેલું છે. કલી પર્વત અને કુંડ સરોવર વચ્ચે આવેલું હોવાથી એનું નામ ક્લીકુંડ પડી ગયું છે. આશરે ૪૦ વીઘા જમીન પર આ તીર્થ પ્રસરેલું છે, જેની અંદર ૨૪ જિનાલયો છે. આ મુખ્ય મંદિરની પાછળ એક લાખ ચોરસ ફુટના વિસ્તારમાં આશરે ૨૦ વર્ષ અગાઉ શત્રુંજય તીર્થની પણ સ્થાપના કરવામાં આવી છે જેથી પાલિતાણા સુધી નહીં જઈ શકનાર ભાવિકો અહીં આવીને દર્શન કરી શકે. શ્રી કલીકુંડ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ૨૨૦૦ વર્ષ જૂની ૩૫ ઇંચ ઊંચી હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવે છે કે અંગ દેશનો રાજા કરકુંડની ભક્તિથી પ્રસન્ન થઈને દેવોએ ૯ હાથની પરમપ્રભાવક પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માણ કર્યું હતું. આ મૂર્તિની સ્થાપના કરવા માટે રાજાએ એક જિનાલય બંધાવ્યું જે પછીથી કલીકુંડ પાર્શ્વનાથના નામે ઓળખાવા લાગ્યું.

રાણકપુર જૈન તીર્થ

રાજસ્થાનમાં અરવલ્લી પર્વતની ખીણમાં આવેલા રાણકપુરમાં વૃષભદેવનું ચતુર્મુખ જૈન મંદિર આવેલું છે. ચારે તરફથી જંગલથી ઘેરાયેલા મંદિરની ભવ્યતા જોવા જેવી છે. રાણકપુર ઉદયપુરથી ૯૬ કિલોમીટરના અંતરે છે. મંદિરની ઇમારત ૪૦,૦૦૦ વર્ગ ફૂટની અંદર ફેલાયેલી છે. આ મંદિરનું નિર્માણકાર્ય ૬૦૦ વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિરને બનતાં લગભગ ૫૦ વર્ષ લાગ્યાં હતાં. મંદિરનાં ચાર કલાત્મક દ્વાર છે અને મંદિરની અંદર તીર્થંકર આદિનાથની આરસપહાણની બનેલી ચાર મૂર્તિ છે જે ચારે દિશા તરફ મુખ રાખે છે જેને લીધે એ ચતુર્મુખ તરીકે પણ ઓળખાય છે. મંદિરની અંદર ૭૬ નાનાં પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાર્થનાકક્ષ અને ચાર મોટાં પૂજાનાં સ્થળ છે. મંદિરની મુખ્ય વિશેષતા એના સંખ્યાબંધ થાંભલા છે જેની સંખ્યા ૧૪૪૪ છે  અને જે તમામ પર સુંદર નકશીકામ કરવામાં આવેલું છે. મંદિરના ઉત્તર ભાગની અંદર રાયણનું ઝાડ આવેલું છે. એ સિવાય આરસપહાણના ટુકડાઓ પર ઋષભદેવનાં પદચિહ્‍ન પણ છે.

મૂડબિદ્રી

કર્ણાટકમાં જ વધુ એક દિગંબર જૈન ધર્મનું ધાર્મિક સ્થાન આવેલું છે જેનું નામ છે મૂડબિદ્રી, જેને જૈન મંદિરોનું નગર પણ કહેવામાં આવે છે. એ મૅન્ગલોરથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. મૂડબિદ્રીમાં ૧૮ જૈન મંદિર આવેલાં છે, જેમાંનાં ૧૦ તો એક જ માર્ગ પર આવેલાં છે એથી આ માર્ગને જૈન મંદિર માર્ગ પણ કહેવામાં આવે છે. સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે, મૂડબિદ્રીનાં ૧૮ મંદિરો, ૧૮ તળાવો તેમ જ ગામને આપસમાં જોડતી ૧૮ સડકનું વર્ણન છે. જોકે આજની તારીખમાં અનેક કારણોને લીધે એકલદોકલ તળાવ જ બચ્યાં છે, બાકીનાં ગાયબ થઈ ગયાં છે. એક સમયે આ સ્થળ દક્ષિણ ભારતમાં જૈન ધર્મનું મુખ્ય કેન્દ્રસ્થળ હતું. પાર્શ્વનાથ મંદિર અહીંનું સૌથી મુખ્ય મંદિર છે. આઠમી સદીના તાંબાના પત્રલેખનમાં આ સ્થળનું વર્ણન કરવામાં આવેલું છે. મંદિરોના કરવામાં આવેલા બાંધકામમાં પણ પ્રાચીનકાળની છાંટ જોવા મળે છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ સ્તંભ આવેલા છે, જ્યારે એ સિવાયનાં મંદિરો નાનાં છે. સ્તંભ પર માત્ર જૈન ધર્મનાં જ નહીં, હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓની છબિ પણ ચીતરવામાં આવી છે. આ મંદિરનો સૌથી વધુ આશ્ચર્ય પમાડનારો છે અહીં લટકતો સ્તંભ. આંધ પ્રદેશમાં આવેલા એક મંદિરમાં અદ્દલ આવા પ્રકારનો સ્તંભ છે.

શેરીસા તીર્થ

અમદાવાદ નજીક આવેલા કલોલથી ૮ કિલોમીટરના અંતરે શેરીસા આવેલું છે, જ્યાં પ્રાચીન જૈન મંદિર આવેલું છે. ભૂતકાળમાં આ સ્થાન સોનપુરી નગરની અંદર આવતું હતું. જોકે આજે આ નગરનું કોઈ નામોનિશાન નથી. ૧૩મી સદીમાં ગુજરાતના દાનવીર ગણાતા વસ્તુપાળ અને તેજપાળે અહીં ભગવાન નેમિનાથની વિધિવત્ સ્થાપના કરી હતી અને મંદિર બાંધ્યું હતું. એ સમયે આ મંદિર લોઢન પાર્શ્વનાથના નામે જાણીતું હતું. એની પાછળ પણ અનેક કથા છે. એક કથા મુજબ અહીંની મૂર્તિને કેટલાક લોકોએ ડોલતી જોઈ જેને લીધે એનું નામ લોઢન પડ્યું હતું, તો બીજી વાર્તા એવી છે કે મૂર્તિ બનાવતી વખતે એ લોઢ જેવી કઠણ બની જતાં એનું નામ લોઢન પડ્યું હતું. મુસ્લિમ શાસકોના સમય દરમ્યાન આ મંદિર અનેક વખત નુકસાન પામ્યું હતું. અહીં કરવામાં આવેલા ખોદકામ દરમ્યાન એમાંથી ઘણી પ્રતિમા મળી આવી હતી. ૨૦૦૨ની સાલમાં અહીં આરસનું નવું મંદિર બાંધવામાં આવ્યું હતું. મંદિરના નામની પાછળ એવું પણ કહેવાય છે કે આ મંદિર નગરની સાંકડી શેરીમાં આવેલું છે જેથી જ્યારે ભગવાનનો અભિષેક કરવામાં આવતો ત્યારે આખા નગરમાં પાણી રેલાતું જેને લીધે એનું નામ શેરીસા પડ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં જોધપુરના લાલ આરસ અને ઉત્સવ-પંડાલમાં મકરાણાના આરસ વાપરવામાં આવ્યા છે. શેરીસા તીર્થના મુખ્ય પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થયા બાદ સામે કેટલાંક પગથિયાં ચડીને મંદિરમાં પ્રવેશતાંની સાથે સામે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રી પાર્શ્વનાથ પદ્‍માસન મુદ્રામાં બેઠેલા દેખાશે. રંગ પરથી તેમને લોઢણ પાર્શ્વનાથ પણ કહેવામાં આવે છે.

હાલાર તીર્થ

હાલાર તીર્થ તરીકે ઓળખાતું આરાધના ધામ એ જૈન સંપ્રદાયનું મોટું તીર્થધામ છે, જે જામનગરથી ૪૬ કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં સુધી પહોંચવા માટે બસ અથવા પ્રાઇવેટ વાહન મળી રહે છે. આ તીર્થધામ એક વિરાટ સંકુલમાં આવેલું છે, જેની અંદર સુંદરતમ મંદિર, મ્યુઝિયમ, આરાધના ભવન, આવાસ-વ્યવસ્થા અને ભોજનાલય છે. મંદિરની અંદર મહાવીરની મૂર્તિ સ્થાપિત કરાયેલી છે. એ સિવાય અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા પણ છે. આ સિવાય મંદિરમાં એકસાથે ઘણાબધા લોકો બેસીને પૂજન-અર્ચન કરી શકે એવી વ્યવસ્થા પણ કરી છે. મંદિર નજીક ૬૦ ફુટ ઊંચા માનસ્તંભજી આવેલા છે જેના પર નવકારમંત્રનું સુંદરતમ પ્રસ્થાપન કરવામાં આવેલું છે. નજીક એક મ્યુઝિયમ પણ છે, જેની અંદર જૈન ધર્મનાં કથાનકો ઉપસાવાયાં છે. સિક્કો નાખીને ચાલે એવાં મોટાં ઇલેક્ટ્રિક સ્ટૅચ્યુ પણ છે, જે નાનાં બાળકોને બહુ ગમશે. ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું મંદિર અને મ્યુઝિયમને જોતાં બે કલાકનો સમય લાગી શકે છે. અહીંથી ૧૦૦ કિલોમીટરના અંતરે દ્વારકા આવેલું છે. 

પપૌરાજી જૈન તીર્થ

તિકમગઢથી પાંચ કિલોમીટરના અંતરે સાગર તિકમગઢ માર્ગ પર પપૌરાજી જૈન તીર્થ આવેલું છે, જે ખૂબ પ્રાચીન ગણાય છે. અહીં ૧૦૮ જૈન મંદિર આવેલાં છે અને એ વિવિધ આકારનાં બનેલાં છે. રથ અને કમલ જેવા વિવિધ આકારમાં બનેલાં છે. આ મંદિર રચનાશિલ્પ અને કલાત્મકતાની દૃષ્ટિએ અદ્વિતીય છે. પથ્થરો પર દોરવામાં આવેલી આકૃતિ અને કલાકૃતિ એવી જીવંત અને સુંદર છે જાણે કુદરતે જ એને એના હાથથી સજાવી હોય. આ ક્ષેત્ર પર જે ચોબીસી બની છે એ દેશના અન્ય કોઈ ભાગમાં જોવા મળશે નહીં. એમાં એક મંદિરની પ્રત્યેક દિશામાં ૬-૬ મંદિર બનેલાં છે તેમજ અહીં પ્રાચીન સભામંડલ પણ છે, જેની મધ્યમાં એક મંદિર છે અને એની ચારે તરફ ૧૨ કલાત્મક મઢ આવેલા છે. આ તમામ સ્થાપત્યો સૂચવે છે કે અહીં પ્રાચીન સમયમાં તપોભૂમિ હોવી જોઈએ, જ્યાં સાધુજન નિવાસ કરતા હતા. મંદિર નજીક બે વિશાળ ભોંયરાં છે જેમાં લગભગ ૯૦૦ વર્ષ જૂની દેશી પાષાણમાંથી બનેલી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે.

આ પણ વાંચો : જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના

ભદ્રેશ્વર તીર્થ

કચ્છમાં આવેલા શ્રી ભદ્રેશ્વર તીર્થના મૂળ નાયક મહાવીરસ્વામી છે. અહીં મહાવીર ભગવાનના જીવનને સુંદર રીતે ચિત્રાંકન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના સમયમાં આ સ્થળ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું, જેને ખૂબ સમૃદ્ધ નગર તરીકે ઓળખવામાં આવતું હતું. આજે ભદ્રેશ્વર વસઈ નામથી આ સ્થળ જાણીતું છે. આધારભૂત માહિતી પ્રમાણે આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીના નિર્વાણ પછી ભદ્રાવતી નગરીના રાજા સિદ્ધસેનની સહાયથી દેવચંદ શ્રાવકે આ તીર્થનું શિલારોપણ કર્યું હતું. ત્યાર બાદ કપિલ કેવિશ મુનિવરે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. ભૂતકાળમાં ભદ્રેશ્વર તીર્થ કુદરતી તેમ જ માનવસર્જિત અનેક મુસીબતોનો સામનો કરી ચૂક્યું હોવાથી અનેક વખત મૂર્તિને નુકસાન પહોંચ્યું હતું તેમ જ અનેક વખત મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો પણ વખત આવ્યો હતો. કોઈ વખત ઠાકોરોના લીધે તો કોઈ વખત બાવાઓને લીધે તો ક્યારેક મુસ્લિમ શાસકોને લીધે ભદ્રેશ્વર પર અવારનવાર સંકટનાં વાદળ ફરતાં રહ્યાં હતાં અને આખરે વિક્રમ સંવત ૧૯૧૯માં આ તીર્થ તમામ મુશ્કેલીમાંથી દૂર થયું અને તીર્થયાત્રા પુનઃ શરૂ થઈ. ત્યાર બાદ ૧૯૩૯માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને જિનાલયની પ્રતિષ્ઠા થઈ. આજે આ તીર્થ ભવ્ય અને દર્શનીય બન્યું છે. ફાગણ સુદ ત્રીજ, ચોથ, પાંચમે અહીં મેળો ભરાય છે. આ નગરીની પ્રાચીનતાના અનેક શિલાલેખો મોજૂદ છે. અનેક આચાર્ય અને કવિઓએ આ નગરી અને તીર્થનો પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 02:56 PM IST | મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK