ડર્મેટોમાયોસાઇટિસને તબીબી ભાષામાં ‘ઑટોઇમ્યુન ડિસઑર્ડર’ કહેવામાં આવે છે. એટલે કે આપણું રોગપ્રતિકારક તંત્ર (ઇમ્યુન સિસ્ટમ) રક્ષાની જગ્યાએ પ્રતિરક્ષા કરવા લાગે છે.
સ્વ. સુહાની ભટનાગર
‘દંગલ’ ફિલ્મમાં છોટી બબિતાનું પાત્ર ભજવનારી સુહાની ભટનાગર બેથી ત્રણ મહિનાની ટૂંકી બીમારીમાં જ મૃત્યુ પામી એવા સમાચારે બૉલીવુડ જગતને ખળભળાવી નાખ્યું છે. માન્યામાં જ આવે એવું નહોતું કે હજી જસ્ટ ટીનેજમાં પ્રવેશેલી ચુલબુલી, હસમુખી સુહાનીને એવો કયો રોગ ભરખી ગયો? સુહાનીના પપ્પાએ મીડિયાને જે કહ્યું એ મુજબ વાત કંઈક એવી હતી કે બે મહિના પહેલાં સુહાનીને હાથમાં સોજા આવવા લાગ્યા હતા. સોજા આવવા માટે કેટલીક પ્રાથમિક તપાસો કરવામાં આવી, પણ કંઈ નિદાન ન થયું. થોડા જ દિવસમાં એ સોજો આખા શરીરમાં પ્રસરી ગયો. સુહાનીના ચહેરાથી લઈને આખું શરીર સૂજીને દડા જેવું થવા લાગ્યું. અનેક ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા પછીયે તેને શું થયું છે એ સમજી ન શકાયું. આખરે તેને દિલ્હી એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને જાતજાતના પરીક્ષણો પછી ખબર પડી કે તેને ડર્મેટોમાયોસાઇટિસ નામનો રૅર ઑટોઇમ્યુન ડિસીઝ છે. આ રોગ માટે સ્ટેરૉઇડ્સ જ એકમાત્ર ઇલાજ છે. જોકે એ દવાઓ આપવાથી સુહાનીની ઇમ્યુનિટી ઑર ડાઉન થઈ ગઈ. લો ઇમ્યુનિટીને કારણે તેને લંગ ઇન્ફેક્શન થયું અને ફેફસાંમાં પાણી ભરાવા લાગ્યું અને શ્વાસ લેવામાં તકલીફ પડી અને આખરે ૧૬ ફેબ્રુઆરીએ અચાનક જ તેણે છેલ્લા શ્વાસ લીધા.
આપણા શરીરની વ્યૂહરચનામાં ઇમ્યુન સિસ્ટમનો એક ચોક્કસ રોલ હોય છે. એમ કહીએ કે એ આપણું એવું રક્ષા કવચ છે જે વગર જતાવ્યે જીવનભર સેંકડો વખત આપણને આપણું આયુષ્યદાન આપ્યા કરે છે. પણ કેટલીક વખત રક્ષક જ આપણો ભક્ષક બની બેસે છે. ક્યારેક શરીરમાં એવી પરિસ્થતિ સર્જાય છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ પોતાનું કર્તવ્ય ભૂલીને સામે ચાલી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા લાગે છે. આવું જ કશુંક થાય છે ડર્મેટોમાયોસાઇટિસ નામના વિચિત્ર રોગમાં.
ADVERTISEMENT
ડર્મેટોમાયોસાઇટિસને તબીબી ભાષામાં ‘ઑટોઇમ્યુન ડિસઑર્ડર’ કહેવામાં આવે છે. એટલે કે આપણું રોગપ્રતિકારક તંત્ર (ઇમ્યુન સિસ્ટમ) રક્ષાની જગ્યાએ પ્રતિરક્ષા કરવા લાગે છે. એનું આવું કરવા પાછળ કોઈ જ ચોક્કસ કારણ નથી હોતું. સાદી ભાષામાં કહીએ તો આ સ્નાયુઓનું વાઇરલ ઇન્ફેક્શન હોય છે. આ વાત પર વધુ ફોડ પાડતાં ચામડીના રોગનાં નિષ્ણાત ડૉ. દિતિના ઉમરેટિયા ભટ્ટ કહે છે, ‘આ રોગ એટલો ઘાતક નથી કે ડિટેક્ટ થતાં જ માણસનું મૃત્યુ થઈ જાય. નિયમિત દવાઓ ચાલુ રાખી આને ઘટાડી શકાય છે કે સાવ મટાડી પણ શકાય છે. મોટા ભાગે આ રોગમાં શરીરમાં રૅશિસ જોવા મળે છે. સાંધા અને સ્નાયુઓનો દુખાવો થાય છે. ખાસ કરીને એવા સાંધા અને સ્નાયુઓ કે જે શરીર સાથે સીધા જોડાયેલા છે. જેમ કે હાથ અને પગને જોડતા સાંધા અને સ્નાયુ, હાથના પંજાની આંગળીને જોડતા સાંધા (નકલ્સ). ખાસ કરીને આંખનાં પોપચાં, કોણી અને ગોઠણ પર રૅશ થવા માંડે. વધુ ખરાબ સ્થિતિમાં શ્વાસ લેવામાં અને ખોરાક ગળવામાં પણ તકલીફ જોવા મળે છે.’
સ્નાયુઓ પર અદૃશ્ય આક્રમણ
ડર્મેટોમાયોસાઇટિસ સ્નાયુઓ પર શાંત યુદ્ધ આદરે છે. આમાં દરદીઓ ઘણી વાર નબળાઈ, થાક અને રોજિંદાં કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવે છે. સીડી પર ચડવું, વસ્તુઓ ઉપાડવી, હાથ ઉપર-નીચે કરવામાં તકલીફ પડવી અને ઊઠવા-બેસવામાં પણ તકલીફ પડવા માંડે છે. આ વિશે વધુ જણાવતાં ડૉ. દિતિના કહે છે, ‘હાથપગ દુખવા બહુ જ સામાન્ય લક્ષણ કહી શકાય. આપણે એ માટે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ ન કરીએ એટલે ઘણી વાર આ વસ્તુ અંદરથી વધી રહી છે એ ખબર જ ન પડે. આવા સમયે રૅશિસ જોવા મળે તો તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. ક્યારેક કોઈ દવાની સાઇડ ઇફેક્ટને લીધે પણ ત્વચા પર રૅશિસ જોવા મળે છે પણ એવી સ્થિતિમાં પણ સાચી સલાહ જાણકારો પાસેથી લઈએ તો જલદી નિદાન થઈ શકે. ડર્મેટોમાયોસાઇટિસ ફક્ત ત્વચા અને સ્નાયુ સુધી જ મર્યાદિત નથી રહેતો. એની સિસ્ટમૅટિક અસરો જોવા મળે છે. ફેફસાં, હૃદય સહિતના આંતરિક અવયવો સુધી અસર થઈ શકે છે; જેમાંથી બીજી તકલીફોને આહ્વાન મળે છે. આવું ન થાય એ માટે નિયમિત નિરીક્ષણ અને સંચાલન જ નિર્ણાયક તત્ત્વો બની જાય છે.’
નિદાન અને નિવેડો
ડર્મેટોમાયોસાઇટિસનાં લક્ષણોને લીધે એનું નિદાન એક કોયડાને ઉકેલવા જેવું બને છે. આમાં મેડિકલ તપાસ, બ્લડ રિપોર્ટ અને ક્યારેક સ્નાયુઓની બાયોપ્સી કર્યા બાદ ઉપચાર શરૂ થાય છે. લાંબા ગાળાના નુકસાનને ઘટાડવા માટે પ્રારંભિક તપાસ પર ભાર મૂકતાં ડૉ. દિતિના કહે છે, ‘ઉપચારમાં સ્ટેરૉઇડ અને ઇમ્યુનો-સપ્રેસિવ દવાઓ આપવામાં આવે છે. એની પોતાની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે. અમુક લોકોની ઇમ્યુન સિસ્ટમ એટલી નબળી થઈ જાય છે કે એના લીધે બીજાં ઇન્ફેક્શન થવા લાગે છે. એવા ઇન્ફેક્શનના લીધે ક્યારેક મૃત્યુ થવાની સંભાવના જોવા મળે છે. આ રોગને લીધે કૅન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. હા, દરેકને કૅન્સર નથી થતું, પણ સામાન્ય લોકોના પ્રમાણમાં એમનામાં આની શક્યતા વધુ જોવા મળે છે. ડર્મેટોમાયોસાઇટિસને વિવિધ રીતે સારવાર કરીને, એનાં લક્ષણોનું સંચાલન કરીને નિયંત્રિત કરી શકાય છે. દવાઓ, ફિઝિકલ થેરપી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ શક્ય બને છે. અમુક લોકોને પ્રાથમિક ઉપચાર પછી ડોઝ ઘટાડીને આનાં લક્ષણો ઘટાડી શકાય છે. આ રોગની ફ્રીક્વન્સી આમેય ઓછી છે. લગભગ દસથી પચાસ હજાર લોકોમાં એકાદ જોવા મળે છે અને જિનેટિક નથી, પણ અપવાદરૂપ કેસમાં થઈ શકે છે.’
ખોરાક અને લાઇફસ્ટાઇલ
ડર્મેટોમાયોસાઇટિસમાં કોઈ ચોક્કસ ખોરાકની સલાહ આપવામાં આવતી નથી, પણ રોગપ્રતિકારક શક્તિ અને મસલ્સની નબળાઈને લીધે શરીરને અનુરૂપ ડાયટ નક્કી થાય છે. આ વિશે જણાવતાં ડૉ. દિતિના કહે છે, ‘મોટા ભાગે એવા આહાર કે જેને લીધે કોઈ ઍલર્જી ન થતી હોય એ ખાવું હિતાવહ રહે છે. ફ્રૂટ ખાવાનું કહેવામાં આવે છે. વધુપડતી ઘઉંની વસ્તુઓ, બ્રેડ વગેરે અવૉઇડ કરવું જોઈએ. સાંધાના દુખાવામાં ફિઝિયોથેરપિસ્ટ દ્વારા કસરત લઈને રાહત મળી શકે છે.’
સ્ત્રીઓ પર બમણું જોખમ
ડર્મેટોમાયોસાઇટિસ જીવનપર્યંત રહી શકે છે. દવાઓ અને કાળજી સાથે ઓછાં લક્ષણોથી સાવ જ ઓછાં લક્ષણો સાથે જીવી શકાય છે એવું જણાવતાં ડૉ. દિતિના કહે છે, ‘પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ થવાના ચાન્સ લગભગ બમણા જોવા મળે છે. પાંચથી પંદર વર્ષનાં બાળકોમાં અને મોટા ભાગે ચાલીસથી સાઠ વર્ષની ઉંમરના પુખ્તોમાં થવાની શક્યતા હોય છે.’

