કલ ભી, આજ ભી; આજ ભી, કલ ભી
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રેસ માટે તો એકાદ વર્ષ પહેલાં પણ લખ્યું હતું અને આજે ફરીથી એ જ વાત કહેવાની આવી રહી છે. સ્ટ્રેસ છે, રહેશે અને કાયમ અકબંધ હશે. જો તમને એવું લાગતું હોય કે આપણા પેરન્ટ્સના સમયમાં સ્ટ્રેસ નહોતું તો વાત ખોટી છે. એ સમયે પણ આટલું જ સ્ટ્રેસ હતું. જો તમને એમ હોય કે આવતા સમયમાં સ્ટ્રેસ નહીં રહે તો તમે ખોટા છો. સ્ટ્રેસ આજે પણ છે અને આવતી કાલે પણ એ રહેવાનું જ છે. મુદ્દો એ છે કે તમે સ્ટ્રેસને કેવી રીતે જુઓ છો અને કઈ રીતે એને લઈ રહ્યા છો.
યાદ રાખજો, દરેકેદરેક વાતની બે બાજુઓ હોય છે.
ADVERTISEMENT
સારી અને ખરાબ. દરેક પરિસ્થિતિની બે બાજુ હોય અને એને જોવાની રીત પણ બે હોય. સિક્કાની બે બાજુ હોય એવી જ રીતે. મારે એક વાત કહેવી છે અહીં. દરેક સંજોગ, દરેક પરિસ્થિતિ કંઈક ને કંઈક શીખવતી હોય છે. શીખવવાની ક્ષમતા દરેક સંજોગોમાં હોય છે. ફરક માત્ર એટલો કે શીખવવામાં આવી રહેલી વાતને તમે કેટલા ધ્યાનથી જુઓ છો અને એ શીખો છો. એ બહુ મહત્ત્વનું છે કે તમે કટોકટીના સમયમાં કે પછી મુશ્કેલીના સમયમાં જો તમારું પેશન્સ ગુમાવી બેસો છો કે પછી સ્ટેબલ થઈને, શાંત માનસિકતા કેળવીને એ આખી વાતને સમજવાની કોશિશ કરો છો. પેશન્સ, ધીરજ બહુ જરૂરી છે, પણ હવેના સમયમાં બહુ ઓછી જોવા મળે છે આ ધીરજ અને એ જ વાતની કમી હોય છે. હું કહીશ કે પેશન્સ ઓછું હોવું એ ખરાબ વાત નથી, પણ એ સારી કે પછી કૉલર ટાઇટ કરવા જેવી વાત તો નથી જ નથી.
આપણા પેરન્ટ્સ કે ગ્રૅન્ડ પેરન્ટ્સમાં જેટલી ધીરજ હતી, રાહ જોવાની ક્ષમતા હતી કે પછી પેશન્સ રાખીને પણ ધાર્યું કામ કરવાની જે આવડત હતી એ અદ્ભુત હતી. આજના સમયમાં એક પ્રકારની ઉતાવળ કે પછી રેસ્ટલેસનેસ આવતી જાય છે. રાહ જોવી કોઈને ગમતી નથી. બધાને ટૂ મિનિટ્સ નૂડલ્સની જેમ બધું ફાસ્ટ જોઈએ છે - પછી એ ફેમ હોય, સક્સેસ હોય કે સ્ટ્રેસ-ફ્રી થવાની માનસિકતા હોય. બધું ઇન્સ્ટન્ટ જોઈએ. બધાને ઉતાવળ આવી ગઈ છે અને બધામાં ઉતાવળ આવી ગઈ છે. રાહ જોવી નથી અને આ રાહ ન જોવાના સ્વભાવને લીધે જ હવેના યંગસ્ટર્સમાં, મારી એજના લોકોમાં સ્ટ્રેસનું લેવલ વધતું જાય છે જે હું તો બધામાં જોતો પણ હોઉં છું. મને કહેવાનું મન થાય કે બાળકનો જન્મ જેમ નવ મહિને જ થાય એમ દરેકનો એક નિશ્ચિત સમય હોય. એ સમય લાગવો જ જોઈએ. રોટલી બનતાં જેટલી વાર લાગે એટલી લાગવી જ જોઈએ અને ફૂલ ઊગતાં જેટલી વાર થવી જોઈએ એટલી થવી જ જોઈએ.
રાહ જોવાની તૈયારી મનમાં રાખશો તો ચોક્કસપણે સ્ટ્રેસ નહીં આવે. જો પેશન્સ રાખશો તો સ્ટ્રેસ નહીં આવે અને જો શાંતિ રાખીને કેરી પાકવાનો સમય આપશો તો સ્ટ્રેસ નહીં આવે. કહ્યું એમ સ્ટ્રેસ આપણા પેરન્ટ્સના સમયમાં પણ હતું જ, પણ તેમનામાં પેશન્સ હતું એટલે તેમને તકલીફ નહોતી પડતી. આપણામાં ધીરજ નથી એટલે તમામ પ્રકારની તકલીફો પડી રહી છે. સ્ટ્રેસ વિનાનું વર્લ્ડ ક્યારેય હોય જ નહીં. એ રહે જ રહે. સદ્ગુરુ જગ્ગીજીએ કહ્યું છે કે સ્ટ્રેસ જીવનનો જ એક ભાગ છે એટલે હવે એ સ્ટ્રેસને કોઈ ખરાબ ગણાવે ત્યારે સ્ટ્રેસ વિશે વિચારવાને બદલે વિચારજો કે તમારે પેશન્સ માટે શું કરવાની જરૂર છે અને પેશન્સ માટે એક જ કામ કરવાનું છે - રાહ જોવાની આદત કેળવવાની છે. જો રાહ જોવાની ક્ષમતા આવી ગઈ તો એક પણ વાત તમને હેરાન નહીં કરે, એક પણ વાતની ઍન્ગ્ઝાઇટી તમને નહીં આવે અને જો રાહ જોવાની આદત પાળી લીધી તો એક પણ વાત તમને કનડવાનું કામ નહીં કરે. તમે સાચા હો, તમે ડિઝર્વ કરતા હો કે પછી તમે હકદાર હો તો તમારી પાસેથી કોઈ કશું છીનવી નથી શકતું.
જુઓ તમે, જે કોઈ પેશન્સ રાખી નથી શકતા એ બધાની હાલત કેવી હોય છે. કાલનું કામ કાલે જ થવાનું છે. ફોન બંધ હશે તો સામેવાળા સુધી પહોંચી નથી જ શકાવાનું. ફોન રિસીવ ન થાય એટલે પાંચ ફોન કરી નાખવાની જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી જ દર્શાવે છે કે તમારામાં ધીરજ નથી અને તમે ધીરજ સાથે સમય પસાર નથી કરી શકતા. વાતમાં જ નહીં, વાહન પર પણ હવે તો લોકોને ઉતાવળ આવી ગઈ છે.
તમે માર્ક કરજો કે રસ્તા પર જતા દરેક વાહનને ઉતાવળ હોય છે અને એ વાહન ચલાવનારને એવી ઉતાવળ હોય કે જો તે મોડો પડશે તો સ્વર્ગનો દરવાજો બંધ થઈ જશે. સ્ટ્રગલનું પણ એવું જ છે. કોઈને સ્ટ્રગલ કરવી નથી અને એ સ્ટ્રગલની પ્રોસેસ ફૉલો કરવી નથી. બસ, એટલી ઉતાવળ છે કે મને તાત્કાલિક કામ મળી જાય. કામ મળી જાય તો એવી ઉતાવળ છે કે મને જલદી ફેમ મળી જાય. ફેમ મળી જાય તો એવી ઉતાવળ છે કે મને જલદી પૈસો મળી જાય. પૈસો મળી જાય તો તરત જ લક્ઝરી જોઈએ છે અને લક્ઝરી મળી જાય તો નવાં સપનાંઓ શરૂ થઈ જાય છે. સપનાંઓ ખરાબ નથી, પણ સપનાંઓ પૂરાં કરવા માટે જોઈતી ધીરજનો અભાવ હોય છે એ અહિત ઊભી કરનારી વાત છે. ઉતાવળ જરૂરી નથી, જરા પણ જરૂરી નથી.
માન્યું કે કોઈ વાર ઉતાવળ પણ કામ લાગી જતી હોય છે; પણ કોઈ વાર, દરેક જગ્યાએ આવી ઉતાવળ નકામી છે. એ દિવસે મેં પહેલી વાર આટલી લાંબી વેઇટ કરી હતી. દસ કલાકની વેઇટ. કંઈ કર્યા વિના બેસી રહેવાનું, પણ એ બેસી રહેવાની આદતને લીધે જ કદાચ મારી વેઇટિંગ કૅપેસિટી વધી ગઈ. કહો કે રાહ જોવાની આ જે રીત છે એ રીત સાથે મારી દોસ્તી થઈ ગઈ જે આજ સુધી મને બેસ્ટ લાભ આપી રહી છે.
પેશન્સ-લેવલ ઓછું હોય છે તેનું સ્ટ્રેસ તરત જ બહાર આવે છે અને આ સ્ટ્રેસ બહાર આવવાના અનેક રસ્તાઓ પણ છે. અચાનક જ ગુસ્સો આવવા માંડે, બોલવાની સભાનતા ન રહે, ભૂખ લાગતી બંધ થઈ જાય, ઊંઘ ન આવે ને કાં તો ઊંઘ આવે તો ખૂબ ઊંઘ આવે. આગળ વધતું સ્ટ્રેસ હંમેશાં વ્યસન આપવાનું કામ કરે છે. સિગારેટ ફૂંકીને કે પછી દારૂ પીને સ્ટ્રેસ ભગાડવાનું કામ દુનિયાભરના યંગસ્ટર્સ કરે છે, પણ એનાથી સ્ટ્રેસ ક્યારેય ભાગતું નથી. ઊલટું એ તો સ્ટ્રેસ વધારવાનું અને નવું સ્ટ્રેસ ઉમેરવાનું કામ કરે છે. હેલ્થનું પણ નુકસાન અને સ્ટ્રેસનું કાયમીપણું આ બન્ને પર્મનન્ટ્લી ઘર કરી જાય છે.
તમે એક વખત તમારી આજુબાજુમાં રહેલા તમારા ફાધર કે પછી દાદાને પૂછજો. આજે આપણી પાસે જેટલી ફૅસિલિટી છે એટલી તેમની પાસે નહોતી છતાં પણ એ લોકો આપણા કરતાં વધારે ખુશ હતા. આજે પણ એટલી ફૅસિલિટી એ લોકો નથી જ વાપરતા. મેં વડીલોને જૂના જમાનાનો નોકિયાનો ફોન વાપરતા જોયા છે અને એમાં આવતા તેમના પૌત્રના ફોનથી તેમને ખુશ થતા પણ જોયા છે. ખુશી મોબાઇલમાં નથી, ખુશી મોબાઇલમાં કોનો ફોન આવે છે કે પછી કોણ મેસેજ કરે છે એમાં રહેલી છે. તમારાં દાદીને પૂછજો. બે ટમેટાં ખરીદીને એ લોકો શાકમાં નાખતા. લિટરરી ખાવાની સામગ્રી લેવામાં પણ તેમણે રૅશનિંગ કરવું પડતું હતું. દાદાની આવકનાં કોઈ ઠેકાણાં નહોતાં અને એમ છતાં દાદી ખુશ રહેતાં અને એ ખુશ રહેતાં એટલે તે બધાને ખુશ રાખવાનું કામ પણ બેસ્ટ રીતે કરતાં. મારા ઘરની દરેક વ્યક્તિ ખુશ રહે એ જ તેમનો હેતુ હતો અને આપણે... આપણે આપણી જાતને ખુશ રાખવા માટે સતત ટળવળીએ છીએ. જે કોઈને મળીએ તે એક જ વાત કહેશે કે આજે કેટલી સ્ટ્રગલ વધી ગઈ છે. અરે, ખોટી વાત છે સાવ.
આજના સમયમાં એટલી સ્ટ્રગલ છે જ નહીં. સ્ટ્રગલ તો પહેલાંના લોકો કરતા હતા અને એ પછી પણ ખુશી તેમના ચહેરા પર રહેતી હતી. આજે આપણી પાસે વર્લ્ડ બેસ્ટ ટેક્નૉલૉજી છે, બેસ્ટ લક્ઝરી છે એ પછી પણ આપણા ચહેરા પર ખુશી નથી. કારણ એક જ આપીએ છીએ - સ્ટ્રેસથી ભાગવાની ઉતાવળ છે. યાદ રાખજો, સ્ટ્રેસથી ભાગવાથી એનું સમાધાન નથી થવાનું. આજે ભાગશો, કાલે ભાગશો; પણ ક્યાં સુધી ભાગતા રહેશો?
જેટલા ભાગશો એટલું જ એ સ્ટ્રેસ તમારો પીછો કરવાનું છે. એના કરતાં બહેતર છે કે ભાગવાનું ઓછું કરીને જરા ધીરજ રાખીએ. ધીરજથી બેસ્ટ ઉપાય જીવનમાં કોઈ નથી.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

