Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ફક્ત સર્વે ભવન્તુ સુખીનઃ બોલવાથી કે વિચારવાથી કોઈ સુખી થતું નથી

ફક્ત સર્વે ભવન્તુ સુખીનઃ બોલવાથી કે વિચારવાથી કોઈ સુખી થતું નથી

Published : 08 October, 2024 03:32 PM | Modified : 08 October, 2024 03:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યારે સમૂહજીવન વ્યક્તિની સુરક્ષાનો બીજો ગઢ છે. સમાજની શરૂઆત સમૂહજીવનથી થઈ. મનુષ્ય એકલો જીવતો નથી, સમાજમાં જીવે છે.

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


કુટુંબજીવન અને સમાજજીવન, સમાજધર્મ વિશે પ્રખ્યાત ચિંતક, સમાજસેવક ડૉ. અમૂલ શાહે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ લખે છે, ‘આપણા જીવનમાં દરેક તબક્કે યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, અપંગાવસ્થામાં કોઈ પણ સમયે કુટુંબનો સહારો હંમેશાં હોય છે. જ્યારે સમૂહજીવન વ્યક્તિની સુરક્ષાનો બીજો ગઢ છે. સમાજની શરૂઆત સમૂહજીવનથી થઈ. મનુષ્ય એકલો જીવતો નથી, સમાજમાં જીવે છે. આપણે સાથે રહીએ છીએ, પણ સાથે જીવતા નથી. જેમ એક કુટુંબના સભ્યો સાથે હસે, રમે, સુખદુઃખમાં સહભાગી થાય એ રીતે વસાહતના સભ્યો નાગરિક-કેન્દ્રો બનાવીને એકબીજાના સહભાગી થઈ શકે. ૨૧મી સદીનાં મંદિરો આ નાગરિક-કેન્દ્રો બનવાં જોઈએ. કહેવત છે કે ‘પહેલો સગો પાડોશી’ પણ એનું પૂરું અગત્ય લોકોને સમજાતું નથી. અત્યારે જ્ઞાતિ તૂટતી જાય છે એટલે આડોશપાડોશના લોકો મળી શકે એવું એક મિલનસ્થાન હોવું જરૂરી છે. આ દૃષ્ટિએ દરેક ૨૫૦થી ૨૦૦૦ની વસ્તીના સમૂહ માટે (કમ્યુનિટી સેન્ટર) વસાહત-કેન્દ્ર જોઈએ, જેથી આજુબાજુના લોકો સાથે મળીને સામાજિક પ્રવૃત્તિ કરી શકે. આપણે સાથે જીવીએ છીએ એમ ક્યારે લાગે જ્યારે એકબીજાને મદદ મળે ત્યારે. જેમ કે નબળા સભ્યોનાં બાળકો માટે ફ્રી ક્લાસિસ હોય, વૃદ્ધોને સહાય, ગરીબો માટે જૂનાં કપડાં, દવા, દવાખાનું આપી શકાય. માંદા માણસની જરૂરિયાતો જેવી કે વ્હીલચૅર, લાકડીઓ, ઑક્સિજન જે માંદગી સિવાય ઉપયોગમાં આવતાં નથી એ આવાં કેન્દ્રોમાંથી મળે એવી વ્યવસ્થા થઈ શકે. સમાજ આપણને ઘણું આપે છે, એ માગતો નથી એટલે આપણે કંઈ આપતા નથી. એક માણસ સમાજને દર મહિને ૧ રૂપિયો પણ આપે તો ૮૦ કરોડની વસ્તીમાંથી સહેલાઈથી ૧૦ કરોડ તો ઊભા થઈ શકે. આ રકમમાંથી ગરીબોની મદદ માટેનાં અનેક કામ થઈ શકે. ફક્ત ‘સર્વે ભવન્તુ સુખીનઃ’ બોલવાથી કોઈ સુખી નથી થઈ જતું. સમાજ પ્રત્યેની અને સામાન્ય માણસના પ્રશ્નો વિશેની ઉદાસીનતા એ માટે જવાબદાર છે. સરકાર પાસે બધા પ્રશ્નોના ઉકેલની આશા રાખવી વ્યર્થ છે. આપણે આપણી જાતમાં એટલા ઓતપ્રોત રહીએ છીએ કે સતત ‘મારું મારું’માં મન લાગેલું રહે છે. મનુષ્ય પોતાના ઉદ્ધારની અને પોતાના ‘મોક્ષ’ની ફિકરમાં એટલો બધો પડી ગયો છે કે આજુબાજુના લોકોનો વિચાર તેને આવતો જ નથી. માણસાઈ એટલે બીજાના અસ્તિત્વનો સ્વીકાર અને તેને આપવામાં આવતો સહકાર. આપણે સૌ બીજાનો વિચાર કરીએ અને બીજાના અભિપ્રાયને સાંભળતા રહીએ, માન આપીએ તો સમાજના ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ મળી આવશે. બીજાના ભિન્ન મતને સ્વીકારવો એ સ્વસ્થ સમાજ માટે ખૂબ જરૂરી છે.                           


 



- હેમંત ઠક્કર


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK