જીવનમાં એક ‘ઇમોશનલ વૅક્યુમ’ હોવા છતાં રાજ કપૂર દિલોજાનથી ફિલ્મનું કામ આગળ વધારતા હતા
વો જબ યાદ આએ - રાજ કપૂર સ્પેશ્યલ
એ ભાઈ ઝરા દેખ કે ચલોઃ ઋષિ કપૂરને ડાન્સના સ્ટેપ સમજાવતા રાજ કપૂર
જીવનમાં એક ‘ઇમોશનલ વૅક્યુમ’ હોવા છતાં રાજ કપૂર દિલોજાનથી ફિલ્મનું કામ આગળ વધારતા હતા. તેઓ સભાન હતા કે ફિલ્મમેકર તરીકે આ ફિલ્મ તેમના જીવનની એક મોટી ચૅલેન્જ છે એટલે અંગત જીવનમાં લાગણીઓની શૂન્યતા અનુભવતા હોવા છતાં તેઓ દિવસ-રાત એ કોશિશમાં રહેતા કે પૂરી ટીમ પાસેથી તેઓ ઉત્તમ કામ લઈ શકે. કેવળ કલાકારો જ નહીં, તેમની ટેક્નિકલ ટીમ પાસેથી પણ અદ્ભુત કામ કઢાવવામાં તેઓ સફળ થયા.
Unless you are mad about something, You can not achieve anything.
- Anonymous
ADVERTISEMENT
પૅશન અને પાગલપનમાં ઝાઝો ફરક નથી. દુનિયા જેને ગાંડપણ સમજતી હોય, હકીકતમાં એ તમારે માટે એવું પૅશન (એને પ્રબળ ઇચ્છા કહી શકાય) હોય, જે માટે તમે જીવ આપવા રાજી થઈ જાઓ. કોઈકે કહ્યું હતું કે કંટાળાજનક જિંદગી જીવીને મરવા કરતાં હું મારું પૅશન પૂરું કરવામાં મરી જવાનું વધારે પસંદ કરીશ. પૅશન તમને દિવસે નિરાંતે બેસવા ન દે અને રાતે ચેનથી સૂવા ન દે.
‘મેરા નામ જોકર’ જેવી એક ફિલ્મ બનાવવી એ રાજ કપૂરનું પૅશન હતું. ‘સંગમ’ પછી રાજ કપૂરે તેમના જીવનની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું પેપરવર્ક શરૂ કર્યું હતું. હકીકતમાં આ ફિલ્મ વિશે તેમણે ૧૦ વર્ષ પહેલાં જ મનોમન કલ્પના કરવાનું શરૂ કરી દીધું હતું. ચેકોસ્લોવેકિયા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા આવ્યા બાદ તેમણે લેખક ખ્વાજા અહમદ અબ્બાસ સાથે ફિલ્મ વિશે વાતચીત કરી હતી. તેમની ઇચ્છા હતી કે ૬ હિરોઇન સાથેની આ વાર્તાની રજૂઆત માટે ત્રણ-ત્રણ કલાકની બે ફિલ્મ બનાવવી જોઈએ.
કે. એ. અબ્બાસ ૧૯૭૦ની ૪ ડિસેમ્બરે ‘ફિલ્મ ફેર’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહે છે, ‘જ્યારે ‘આવારા’ની સ્ક્રિપ્ટ લખાઈ ત્યારે એ નાની વાર્તા હતી, ‘શ્રી ૪૨૦’ એક નવલકથા હતી, પરંતુ ‘મેરા નામ જોકર’ માટે મેં એક ગ્રંથ જેટલી મોટી કથા લખીને તૈયાર કરી. મને એ દિવસ યાદ છે જ્યારે મારા સાથી વી. પી. સાઠે (જેની સાથે વિચારવિમર્શ કરીને હું મારા સ્ક્રીનપ્લે લખું છું) સાથે હું રાજ કપૂરને ચેમ્બુર મળવા ગયો.
એ વાતની દાદ આપવી જોઈએ કે એ દિવસે રાજ કપૂરે પોતાની દરેક અપૉઇન્ટમેન્ટ કૅન્સલ કરી. ટેલિફોન ઑપરેટરને કડક શબ્દોમાં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં અમને ડિસ્ટર્બ નથી કરવાના. નાહીધોઈને તેઓ કોટેજમાં આવ્યા, ધૂપસળી પેટાવીને દેવી-દેવતાઓની મનોમન પ્રાર્થના કરી અને બે હાથે સ્ક્રિપ્ટને નમન કર્યા બાદ સ્વીકારી. રાજ કપૂરની એક ખાસિયત છે કે તેઓ પોતાના લેખકોનું જ નહીં, સ્ક્રિપ્ટનું પણ એટલું જ સન્માન કરે છે. તેમને માટે સિનેમાનું માધ્યમ પૂજનીય છે. સાથે એ કહેવું જોઈએ કે પોતાની આ માન્યતા સૌ સુધી દાર્શનિક રીતે પહોંચે એ બાબતે તેઓ એટલા જ સભાન છે.
એ વાત અલગ છે કે એમ કરવામાં થોડું નાટ્યતત્ત્વ આપોઆપ આવી જાય. મારી ‘લેધર બાઉન્ડ’ સ્ક્રિપ્ટ હાથમાં લઈને તેમણે માથે ચડાવી; જાણે એ કોઈ પવિત્ર પુસ્તક ન હોય? જે હોય તે, તેમની સચ્ચાઈ વિશે કોઈ શંકા ન હોય. તેઓ હંમેશાં કહેતા કે ફિલ્મની સ્ક્રિપ્ટ તેમને માટે એક પ્રેરણાસ્રોત બની રહે છે. એ દિવસે મેં વિગતવાર પૂરી સ્ક્રિપ્ટ વાંચીને સંભળાવી ત્યારે ઑડિયન્સમાં ત્રણ વ્યક્તિ હતા રાજ કપૂર, વી. પી. સાઠે અને પત્રકાર પંડિત શિંપી. હા, એ દિવસ મને બરાબર યાદ છે, ૨૪ ઑક્ટોબર, ૧૯૬૧.’
કે. એ. અબ્બાસના ઇન્ટરવ્યુ પરથી ખ્યાલ આવે છે કે ‘સંગમ’ પહેલાં જ રાજ કપૂર પાસે ‘મેરા નામ જોકર’ની સ્ક્રિપ્ટ તૈયાર હતી. એ ફિલ્મની વહેલી રજૂઆત થઈ હોત તો કદાચ એને ઘોર નિષ્ફળતા ન મળી હોત. એ માટેનાં અનેક કારણો હતાં. જ્યારે ‘મેરા નામ જોકર’ની શરૂઆત થઈ ત્યારે રાજ કપૂર શારીરિક રીતે થાકેલા અને માનસિક રીતે અસ્વસ્થ હતા. તેમની ત્રણેત્રણ હિરોઇન જેમની સાથે તેમની ‘રોમૅન્ટિક ઇન્વૉલ્વમેન્ટ’ હતી, પરણીને ઠરીઠામ થઈ ગઈ હતી. ખાસ કરીને વૈજયંતીમાલાનાં ડૉ. બાલી સાથેનાં લગ્ન તેમને માટે મોટો આઘાત હતો. અંગત જીવનમાં ઊથલપાથલ થવાને કારણે રાજ કપૂરની ‘ગ્રેટ લવર’ની જે ઇમેજ હતી એ ખરડાઈ ગઈ હતી. બહારની ફિલ્મોમાં પૂરતું ધ્યાન ન આપવાને કારણે માર્કેટમાં તેમની ‘સ્ટાર-વૅલ્યુ’ ઓછી થઈ ગઈ હતી. પરિણામે તેમને માટે આવકનાં સાધનો ઓછાં થઈ ગયાં. ‘મેરા નામ જોકર’ જેવી ખર્ચાળ ફિલ્મ માટે આ કપરાં ચડાણ હતાં.
‘સંગમ’ પહેલાં આરકે સિવાયની બહારની ફિલ્મોમાં રાજ કપૂર સ્ટાર હતા. ‘સંગમ’ દરમ્યાન તેમના હાથમાં કેવળ ત્રણ ફિલ્મ હતી શૈલેન્દ્રની ‘તીસરી કસમ’, મહેશ કૌલની ‘દીવાના’ અને બી. અનંતસ્વામીની ‘સપનોં કા સૌદાગર’ (પછીની ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ તેમણે બાદમાં સાઇન કરી). જોકે આને માટે રાજ કપૂર પોતે જ જવાબદાર હતા. તેમણે એ ધ્યાન ન રાખ્યું કે એક ‘સેલેબલ હીરો’ તરીકે તેમની ડિમાન્ડ ઓછી થતી જાય છે. બહારની ફિલ્મોમાં તેઓ કામ કરતા ત્યારે તેમના મનમાં એક જ ખ્યાલ હતો કે ‘આ ફિલ્મો હું એટલા માટે કરું છું કે એમાંથી મળેલા પૈસા મારી ફિલ્મો માટે વાપરી શકું. એ ફિલ્મોના ડાયરેક્ટર્સ ‘ટૅલન્ટ’ અને ‘અચીવમેન્ટ’માં મારાથી ઊતરતા છે.’ આ માન્યતાને કારણે રાજ કપૂરનો અભિનય એ ફિલ્મોમાં ચીલાચાલુ રહ્યો.
સરવાળે બન્યું એવું કે એ ફિલ્મોની રજૂઆત કે સફળતામાં રાજ કપૂરને કોઈ રસ ન રહ્યો. એ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ‘ઍવરેજ’ સાબિત થઈ. એનું પરિણામ એ આવ્યું કે ડિસ્ટ્રિબ્યુટર્સ અને ફાઇનૅન્સર્સ સમજી ગયા કે આરકે સિવાયની રાજ કપૂરની ફિલ્મો લેવામાં મોટું જોખમ છે. બીજું એક કારણ હતું તેમના શરીરની સ્થૂળતા. એમ કહેવાય છે કે જ્યારે વ્યક્તિ માનસિક રીતે ડિસ્ટર્બ હોય ત્યારે તેનું ખાવા-પીવાનું વધી જાય છે. રાજ કપૂરે પોતાના સ્વાસ્થ્ય બાબતમાં કદી ધ્યાન આપ્યું નહોતું. તેમની સ્થૂળતાની આરકેની ફિલ્મમાં નોંધ ન લેવાતી, કારણ કે એમાં મનોરંજનનો ભરપૂર મસાલો રહેતો, જ્યારે બહારની ફિલ્મો માટે આ વાત માઇનસ પૉઇન્ટ બની જતી.
આરકેની ફિલ્મોનું બજેટ હંમેશાં ધાર્યા કરતાં વધી જતું. રાજ કપૂરના ફાઇનૅન્સર્સ એ જાણતા હતા છતાં સૌને એ વાતનો ભરોસો હતો કે તેમની ફિલ્મો અંતે તો સારો એવો નફો કરે છે એટલે તેમને વધારાના પૈસા મેળવવામાં કોઈ તકલીફ નહોતી પડતી. રાજ કપૂરના મિત્ર અને જૂના ડિસ્ટ્રિબ્યુટર બાબુભાઈ મહેતા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘જ્યાં સુધી રાજ કપૂર એક અભિનેતા તરીકે સફળ હતા ત્યાં સુધી તેઓ પોતાની રીતે આરકેની ફિલ્મો પ્રોડ્યુસ કરી શક્યા. જેવી એક હીરો તરીકેની તેમની માર્કેટને અસર થવા માંડી એટલે તેમને ફિલ્મોના ફાઇનૅન્સ માટે તકલીફ પડવા માંડી.’
‘મેરા નામ જોકર’ માટે આવું જ થયું. જ્યારે રાજ કપૂરે પોતાના જીવનની સૌથી વધુ ખર્ચાળ ફિલ્મની જાહેરાત કરી ત્યારે જૂના મિત્રોએ ફાઇનૅન્સ બાબતમાં સાથ તો આપ્યો, પરંતુ ફિલ્મનું બજેટ જેમ-જેમ વધતું ગયું એમ રાજ કપૂરની મુશ્કેલી વધતી ગઈ. જૂના ફાઇનૅન્સર્સની વધુ પૈસા આપવાની અનિચ્છાને કારણે રાજ કપૂરે માર્કેટમાંથી ઊંચા વ્યાજે પૈસા ઉધાર લીધા. ગૅરન્ટી માટે તેમણે અનેક પ્રૉપર્ટી ગીરવી મૂકવી પડી. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને રિલીઝ થઈ એ દરમ્યાન લગભગ ૬ વર્ષ નીકળી ગયાં. ત્યાં સુધી રાજ કપૂરે શક્ય હોય એટલા સોર્સ પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા.
ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓનું મુખ્ય કામ હતું. ફિલ્મના ત્રીજા ભાગમાં પદ્મિની (જેનું શૂટિંગ સૌથી પહેલું થયું હતું), પહેલા ભાગમાં સિમી અને બીજા ભાગમાં રશિયન અભિનેત્રી કેસનિયા રેબિનકિયાની ભૂમિકા હતી. એક રીતે ફિલ્મની કથા ઓછેવત્તે અંશે રાજ કપૂરની આત્મકથા હતી. જીવનની ત્રણ અવસ્થામાં, ત્રણ સ્ત્રી સાથેના સંવેદનાભર્યા સંબંધો હોવા છતાં ફિલ્મનો નાયક અંતમાં એકલતા અનુભવતો હોય છે. પુરુષ તરીકે તે એક એવી સ્ત્રીની તલાશમાં હોય છે જે જીવનભર તેને પ્રેમ કરે, તેની સાચી મિત્ર બની રહે. તેમની ઝંખના હતી કે જીવનની દરેક ક્ષણ તે વ્યક્તિ તેના કામમાં, તેના દરેક વર્તનમાં, વિચારોમાં સાથ આપે. હકીકતમાં એવું બન્યું કે આરકે ફિલ્મ્સ અને રાજ કપૂરની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ફિલ્મના નિર્માણ દરમ્યાન રાજ કપૂરના જીવનમાં આવી કોઈ વ્યક્તિ હાજર નહોતી. એકાંતની પળોમાં, નજીકના મિત્રોની સંગતમાં, રાજ કપૂર આ વાતનો એકરાર કરવામાં સંકોચ નહોતા રાખતા.
જીવનમાં એક ‘ઇમોશનલ વૅક્યુમ’ હોવા છતાં રાજ કપૂર દિલોજાનથી ફિલ્મનું કામ આગળ વધારતા હતા. એ વાતથી તેઓ સભાન હતા કે ફિલ્મમેકર તરીકે આ ફિલ્મ તેમના જીવનની એક મોટી ચૅલેન્જ છે એટલે અંગત જીવનમાં લાગણીઓની શૂન્યતા અનુભવતા હોવા છતાં તેઓ દિવસ-રાત એ કોશિશમાં રહેતા કે પોતે જ નહીં, પૂરી ટીમ પાસેથી તેઓ ઉત્તમ કામ લઈ શકે. કેવળ કલાકારો જ નહીં, તેમની ટેક્નિકલ ટીમ પાસેથી પણ અદ્ભુત કામ કઢાવવામાં તેઓ સફળ થયા. જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે સૌને લાગ્યું કે રાજ કપૂર સિવાય બીજા કોઈ ફિલ્મમેકર પાસે એવી ક્ષમતા નથી કે આ ફલક પર ફિલ્મ બનાવી શકે.
રાજ કપૂરનું આ ફિલ્મ માટેનું વળગણ સમજવું હોય તો થોડા ભૂતકાળમાં જવું પડે. ‘સંગમ’ની શરૂઆત પહેલાં અને બહારની ફિલ્મોમાં કામ કરતા હતા એ દિવસોમાં પણ આ ફિલ્મ તેમના અસ્તિત્વનો એક હિસ્સો બનીને તેમની સાથે જીવતી હતી. ૧૯૬૧માં ફિલ્મની સ્ક્રિપ્ટ તેમના હાથમાં આવી. ત્યાર બાદ એ સ્ક્રિપ્ટ હંમેશાં તેમની સાથે રહેતી. ફિલ્મોનું શૂટિંગ હોય કે પછી વિદેશના પ્રવાસે હોય, સતત તેઓ ફિલ્મને ‘વિઝ્યુલઆઇઝ’ કરતા. પોતાની હિરોઇનોને એ વિશે વાત કરીને એમ સમજાવવાનો પ્રયત્ન કરતા કે શા માટે તેમણે આ ફિલ્મમાં કામ કરવું જોઈએ. એટલું જ નહીં, પોતાના ડિસ્ટ્રિબ્યુટર્સને મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરતા કે આવી ફિલ્મ માટે ગમે એટલા પૈસાનું રોકાણ કરવું પડે તો પણ પાછા ન હટવું જોઈએ.
૧૯૬૧થી ૧૯૭૦ (એ ૯ વર્ષ જેમાં ૧૯૬૫થી ૧૯૭૦ ફિલ્મનું શૂટિંગ થયું) દરમ્યાન ફિલ્મની સ્ક્રિપ્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા. નવાં દૃશ્યો ઉમેરાયાં, જૂનાં દૃશ્યોમાં ફેરફાર કરાયા. નવા સંવાદ લખાયા, એમાં પણ એક નહીં, અનેક વાર સુધારા-વધારા થયા. રાજ કપૂર માનતા કે ફિલ્મના કલાકારોની ઇમેજને ‘સૂટ’ થાય એ માટે આ સઘળું કરવું આવશ્યક હતું. એ દરમ્યાન સ્વાભાવિક છે કે ડાયરેક્ટર અને રાઇટર વચ્ચે મતભેદ થાય. એનો ઉલ્લેખ કરતાં કે. એ. અબ્બાસ કહે છે...
‘આમ જુઓ તો અમારી વચ્ચે ‘લવ-હેટ’ રિલેશનશિપ હતી. પ્રામાણિકતાથી કહું તો રાજ કપૂરના વ્યક્તિત્વનાં અમુક પાસાં મને ગમતાં નથી. એમ કહી શકો કે એ મને સમજાતાં નથી. અમુક સમયે તેઓ નક્કામી, ગેરવાજબી દલીલો કરે, કારણ વિના ગુસ્સે થઈ જાય અને બેજવાબદારીભર્યું વર્તન કરે છતાં મને તેમની સાથે કામ કરવું ગમે છે. લાંબા સમય સુધી બે વ્યક્તિ એકમેક સાથે કામ કરતી હોય ત્યારે આવું બનતું હોય છે. એ સમય દરમ્યાન તમે એકમેકની સર્જનાત્મક ક્ષમતાને ઓળખી ગયા હો એટલે સહજ છે કે તમે એને માન આપતા હો. એ જરૂરી છે કે તમારે એકમેકના દૃષ્ટિકોણને સમજવા પડે. તમારી પાસે એક ‘સિક્સ્થ સેન્સ’ હોવી જોઈએ જે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના આ સમજી શકે. ત્યાર બાદ એ વૈચારિક મતભેદોનું મહત્ત્વ રહેતું નથી. એટલા માટે આવી પરિસ્થિતિ કંટાળાજનક નથી બનતી. એકમેકનાં સૂચનનો આદર કરવો પૂરા પ્રોજેક્ટ માટે જરૂરી છે. એક સમય એવો આવે છે જ્યારે તમે બીજાને શું જોઈએ છે એ કહ્યા વિના જ સમજી શકો છો.’
કે. એ. અબ્બાસની આંખે રાજ કપૂરના વ્યક્તિત્વનો ક્લાઇડોસ્કોપ હજી પૂરો નથી થયો. એ મેઘધનુષી ઇન્ટરવ્યુની વધુ વાતો આવતા રવિવારે.