દુનિયાના ૧૫ ટકાથી વધુ એટલે કે લગભગ એક અબજ જેટલા લોકો કોઈ ને કોઈ પ્રકારની શારીરિક અક્ષમતા ધરાવે છે, જેમાં ૨૦૧૧ના ભારતના સેન્સસ રિપોર્ટ પ્રમાણે લગભગ પોણાત્રણ કરોડ લોકો કોઈ ને કોઈ શારીરિક અક્ષમતા ધરાવતા હતા.
હર્ષિલ શાહ , જીજ્ઞા કારાણી , સુનીતા સંચએતિ
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ પ્રમાણે દુનિયામાં ૬૫ કરોડથી વધારે લોકો વ્હીલચૅરનો ઉપયોગ કરે છે. પૈડાંઓ જ્યારે પગની ભૂમિકામાં હોય ત્યારે હિંમત હારવાને બદલે એનો પણ સર્વાધિક ઉપયોગ કરીને સપનાંઓને સાકાર કરવાની હિંમત રાખનારાઓ છે જ આપણે ત્યાં. ભારતમાં આજેય શ્રેષ્ઠ ક્વૉલિટીની વ્હીલચૅર બનાવવાનો અને એના ઉપયોગની ટ્રેઇનિંગની દિશામાં ભરપૂર સ્કોપ છે ત્યારે વ્હીલચૅર સાથે પણ જબરા વટ સાથે જીવતા લોકો સાથે ‘વર્લ્ડ વ્હીલચૅર ડે’ નિમિત્તે વાત કરીએ
દુનિયાના ૧૫ ટકાથી વધુ એટલે કે લગભગ એક અબજ જેટલા લોકો કોઈ ને કોઈ પ્રકારની શારીરિક અક્ષમતા ધરાવે છે, જેમાં ૨૦૧૧ના ભારતના સેન્સસ રિપોર્ટ પ્રમાણે લગભગ પોણાત્રણ કરોડ લોકો કોઈ ને કોઈ શારીરિક અક્ષમતા ધરાવતા હતા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક ડેટા પ્રમાણે અત્યારે ભારતનું લગભગ પાંચથી આઠ ટકા પૉપ્યુલેશન ‘ડિસેબિલિટી’ની કૅટેગરીમાં આવે છે. ચાહે એ જન્મજાત હોય કે પછી કોઈ અકસ્માત અથવા હેલ્થ ઇશ્યુઝને કારણે આવેલી અક્ષમતા હોય, પણ પરિણામે જીવનને સરળતાથી અને સ્વતંત્રતાથી જીવવાનું અઘરું થઈ જતું હોય છે. એવામાં મદદરૂપ બનનારી કોઈ બાબત હોય તો એ છે વ્હીલચૅર. દુનિયાભરમાં વ્હીલચૅર કઈ રીતે શારીરિક અક્ષમતા ધરાવતા લોકોના જીવનમાં સૂર્યનું કિરણ બની શકે એમ છે એની જાગૃતિ લાવવા માટે દુનિયામાં આજે ‘વર્લ્ડ વ્હીલચૅર ડે’ની ઉજવણી થઈ રહી છે ત્યારે મળીએ કેટલાક એવા વ્હીલચૅર વીરોને જે શારીરિક નબળાઈઓને આડે આવવા દીધા વિના સેલ્ફમેડ બન્યા છે.
ADVERTISEMENT
બહુ જ સિમ્પલ છે
૨૦૧૬ સુધી લાઇફ એકદમ નૉર્મલ ચાલતી હોય અને અચાનક એક એવો અકસ્માત ઘટે અને કમરથી નીચેના ભાગનાં સ્પંદનો જાણે નષ્ટ થઈ જાય. કૉમર્સ ગ્રૅજ્યુએટ અને અકસ્માત પછી ફાઇનૅન્સમાં ડિપ્લોમા કરનારા હર્ષિલ શાહે જોકે ઉમ્મીદનું કિરણ છોડ્યું નહીં. છેલ્લાં આઠ વર્ષથી પોતાના મોટા ભાગના કામ વ્હીલચૅરના સહારે કરતો ૨૯ વર્ષનો હર્ષિલ ગાડી પણ ચલાવે છે. તે કહે છે, ‘પૅરાપ્લેજિક અવસ્થામાં નૅચરલી મૂવમેન્ટ કરવા માટે સતત હેલ્પની જરૂર પડે. શરૂઆતનાં બે વર્ષ તો સંપૂર્ણ પથારીવશ અવસ્થા હતી પણ પછી ધીમે ધીમે જાતને તૈયાર કરી. મારી ગાડી કસ્ટમાઇઝ્ડ કરી જેથી પગને બદલે ગાડીના તમામ કન્ટ્રોલ માટે હાથનો ઉપયોગ કરી શકું. નજીકમાં આવવા જવા માટે કોઈ હેલ્પની મદદ ન લેવી પડે એટલે વ્હીલચૅરનો વપરાશ વધાર્યો અને આજે પોતાને ખૂબ જ સંતુષ્ટ માનું છું. હું દુબઈ અને બૅન્ગકૉક મારા ફ્રેન્ડ્સ સાથે ફૉરેન ટ્રિપ પર જઈ આવ્યો છું. બહાર એકલો જમવા જાઉં છું, દરરોજ આઠથી દસ કલાક ઑફિસમાં જાઉં છું. ટેબલ ટેનિસ રમું છું. મારી જિંદગીની રફતાર ક્યાંય અટકી નથી. પગ ભલે કામ નથી કરતા પરંતુ આ પૈડાંવાળા પગને તમે ઓછા નહીં આંકતા.’
બધું જ સંભવ
છેલ્લાં ૩૭ વર્ષથી વ્હીલચૅર સાથે જીવનને વિતાવી રહેલાં સુનીતા સંચેતીએ વ્હીલચૅર પર બેસીને આખી વર્લ્ડ ટૂર કરી છે. દિવ્યાંગોના અધિકાર માટે લડતી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં અંધેરીનાં સુનીતાબહેન કહે છે, ‘દેશનાં ૨૮ રાજ્યની રાજધાનીઓ, ચાલીસ શહેર સાથે ઓગણીસ હજાર કિલોમીટર ૮૪ દિવસમાં કવર કરીને અમે ચાર વ્હીલચૅર યુઝર ફ્રેન્ડ્સે ભારત દર્શનની ટૂર કરેલી. જસ્ટ ઇમૅજિન, અમે ચારેય ફ્રેન્ડ્સ વ્હીલચૅર પર જ હતી. આજના સમયમાં તમારામાં હિંમત છે અને કંઈક કરી દેખાડવાનો જઝ્બા છે તો રસ્તાઓ તો આપોઆપ મળી જતા હોય છે.’
ટીનેજમાં એક ટ્યુમર ડિટેક્ટ થયું અને એની સર્જરી માટે જે ઇન્જેક્શન અપાયું એની આડઅસરના ભાગરૂપે સુનીતાબહેનનું લોઅર બૉડી પૅરેલાઇઝ્ડ થઈ ગયું. ફૅમિલી બિઝનેસમાં અકાઉન્ટ તરીકે પણ કામ કરતા સુનીતાબહેન માટે નૅચરલી એ સમયે પડકારોનો સામનો કરવાનું અઘરું હતું પણ તેઓ ન હાર્યા કે ન થાક્યા. ડિસેબલ લોકો અત્યારે સમાજમાં સૌથી વધુ અવગણાયેલો વર્ગ છે અને એમના અધિકાર માટે વાત કરનારા અને લડનારા લોકો ઓછા છે પરંતુ સુનીતાબહેન એમાંના એક છે. તેઓ કહે છે, ‘વ્હીલચૅર સો ટકા તમને હરવાફરવાની સુવિધા આપે છે પરંતુ એમાં તમને બીજા ઘણા પડકારો પણ સહેવા પડે છે એ વાત કૉમન મૅન નથી સમજી શકતા. હું તમને દાખલો આપું. તમે મોટી-મોટી હોટેલ્સમાં જશો તો જોશો કે લિફ્ટ છે પણ ત્યાં પહોંચવા માટે બે ડગલાં ચડવું પડે. હવે વ્હીલચૅરવાળી વ્યક્તિ એ પગથિયાંને કઈ રીતે પાર કરશે? એવી જ રીતે હોટેલની લિફ્ટ જોશો તો એટલી નાની કે એમાં વ્હીલચૅર પ્રવેશી જ ન શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ લેવલ પર શારીરિક અક્ષમતા ધરાવતા લોકોએ ખૂબ બધું સહન કરવું પડે છે. વ્હીલચૅરનો મહત્તમ ત્યારે ઉપયોગ થશે જ્યારે એને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં ડેવલપમેન્ટ થશે. હું છેલ્લાં ચોવીસ વર્ષથી બૅડમિન્ટન રમું છું અને સ્ટેટ અને નૅશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ પણ લઈ ચૂકી છું. હું આર્થિક રીતે એટલી સધ્ધર હતી કે ડિસેબિલિટી આવ્યા પછી એમાં સર્વાઇવ થવા માટેની શ્રેષ્ઠ ટ્રેઇનિંગ મને યુકેમાં મળી શકી. જોકે ભારતમાં એવાં કોઈ ટ્રેઇનિંગ સેન્ટર જ નથી. વ્હીલચૅર પર બેઠા પછી તમે મૂવ થઈ શકો પણ વ્હીલચૅર પર બેસવું કેવી રીતે, વ્હીલચૅર પરથી બેડ પર કે કારમાં કેવી રીતે શિફ્ટ થવું એની ટ્રેઇનિંગ તો આપણે ત્યાં કોઈ આપતું જ નથી. મારે એ દિશામાં પણ કંઈ કામ થાય એવા પ્રયાસો કરવા છે. મને યુકેની ટ્રેઇનિંગમાં જ વ્હીલચૅર માટેના ટ્રાન્સફર બોર્ડ પરથી જાતે જ શિફ્ટ થતાં શીખવા મળ્યું. હવે આજે આપણે ત્યાં કોણ આવું શીખવે છે? મારું કહેવું માત્ર એટલું જ છે કે વ્હીલચૅર સો ટકા ડ્રીમચૅર બની શકે પરંતુ વ્હીલચૅર ફ્રેન્ડ્લી વાતાવરણ ઊભું કરશો તો. તમારે ત્યાં હોટેલમાં શાવર વ્હીલચૅરનો કન્સેપ્ટ જ કોઈને ખબર નથી. તમે વ્હીલચૅરમાં હો તો હોટેલની અંદરના બાથરૂમ પણ એને ફ્રેન્ડ્લી નથી હોતાં તો
કઈ રીતે કોઈ વ્યક્તિ એનો સહજ રીતે ઉપયોગ કરશે? કઈ રીતે તે સ્વાલંબી બની શકશે?’
મારું સપનું છે
ચિંચપોકલીમાં રહેતાં જિજ્ઞા કારાણી બાળપણથી જ વ્હીલચૅરના માધ્યમે જ પોતાનાં રોજબરોજનાં કામ કરતાં હોય છે. બાળકોનાં ટ્યુશન્સ લેતાં જિજ્ઞા કારાણીનું સપનું છે કે વ્હીલચૅર પર બેસીને તેઓ એક વાર વર્લ્ડ ટૂર કરે. તેઓ કહે છે, ‘જે નથી એની ચિંતામાં જીવ બાળવાને બદલે જે છે એ દિશામાં ફોકસ કરીએ તો જીવનમાં કંઈક સારું કરી શકીએ. વ્હીલચૅરે મને વિન્ગ્સ આપવાનું કામ કર્યું એમાં સહેજ પણ ખોટું નથી. બેશક, એમાં પણ સંપૂર્ણ સ્વાવલંબી થઈ ગઈ એવું તો ન કહી શકાય. ઇન ફૅક્ટ, હું સ્કૂટી પણ ચલાવું છું. પૈડાં એ જ મારા પગ છે અને પૈડાં દ્વારા દુનિયા ફરવાનું મારું સપનું હું પૂરું કરીશ.’