બીજી તરફ એવું પણ બને કે કશુંક અણધાર્યું ઝોળીમાં આવી પડે. એ સમયે ભગવાન હોવાનો અહેસાસ દૃઢ થાય. સંધ્યા ભટ્ટ અંતરની અનુભૂતિ તરફ લઈ જાય છે...
પ્રતીકાત્મક તસવીર
આપણે જિંદગીમાં જે ધારીએ એ આકરી મથામણ પછીયે મોટા ભાગે નથી મળતું. ત્યારે ભગવાન પરનો વિશ્વાસ ઊઠી જાય. બીજી તરફ એવું પણ બને કે કશુંક અણધાર્યું ઝોળીમાં આવી પડે. એ સમયે ભગવાન હોવાનો અહેસાસ દૃઢ થાય. સંધ્યા ભટ્ટ અંતરની અનુભૂતિ તરફ લઈ જાય છે...
પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઈ લે
ADVERTISEMENT
ભીતરી મારગ વિના આરો નથી
ત્યાં જ મળશે, દ્વારને તું જોઈ લે
આપણે ભૌતિક અને આધ્યાત્મિક ખેંચતાણ વચ્ચે જીવીએ છીએ. આત્મિક વિકાસ માટે કશુંક ત્યાગ કરવાની ભાવના સવારે થાય અને સાંજે સૂર્યાસ્ત સાથે એનો પણ અસ્ત થઈ જાય. આપણને અલગારીપણાના હળવા અટૅક આવે છે જે થોડા કલાકમાં મૂળ સ્થિતિમાં લાવીને મૂકી દે. મનોજ ખંડેરિયા જાત સાથેના તનાવની વાત કરે છે...
હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી
સંઘર્ષ વગર જિંદગી શક્ય નથી. રમેશ પારેખના કાવ્યમાં આવે છે એ પ્રમાણે જો સસલાને શિંગડાં હોય તો માણસને સુખ હોય. સર્વશક્તિમાન ઈશ્વરે પોતે પણ અવતાર લઈને કષ્ટ તો ભોગવવાં જ પડ્યાં છે. કૃષ્ણ, મહાવીર, ઈશુ, બુદ્ધ સૌએ જિંદગીની આકરી વેદનાઓ સહન કરવી પડી છે. કિરણસિંહ ચૌહાણ મૂળ વિભાવનાને પંક્તિમાં પરોવે છે...
નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે
નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે
સમસ્યાને હાજર થવા કહેણ મોકલવું પડતું નથી. એ એટલી ઉદારહૃદયી હોય છે કે કીધા વગર મળવા આવી જ જાય. તમે એને સવારે ચા માટે ન બોલાવો તો એ લંચ સમયે આવીને થાળીમાં એવી બેસી જાય કે ભોજન બેસ્વાદ બનાવી દે. હળવેથી બિલ્લીપગે આવીને બેસી ગયેલી સમસ્યાઓ જીવનમાંથી નૂર ખેંચતી જાય. મનહર જાની લખે છે...
સળગતું ઘર મને મળશે મને એવી ખબર નહોતી
પવન મારો પીછો કરશે મને એવી ખબર નહોતી
ભરી મહેફિલમાં ભય નહોતો મને ક્યારેય કોઈનો
અજાણ્યાં કોઈ આંતરશે મને એવી ખબર નહોતી
પોતાના ઘરને સળગતું જોવું કપરું હોય છે. જિંદગીભરની મૂડી ભેગી કરીને ઊભું કરેલું ઘર જ્યારે ખાખ થઈ જાય ત્યારે પગ તળેથી ધરતી ખસી જાય. જંગલોમાં લાગતી વિકરાળ આગને કારણે અમેરિકામાં હજારો ઘરો તબાહ થઈ ગયાં. ઇઝરાયલે ગાઝા પરના નવેસરથી હુમલા શરૂ કર્યા પછી ગાઝાની રહીસહી ઇમારતો પણ ધૂળધાણી થવા લાગી છે. એક તરફ ઇઝરાયલ આક્રમક વલણ દાખવવા મક્કમ છે તો બીજી તરફ હમાસ પીછેહઠ કરવા નથી માગતું. આ બન્નેની લડાઈમાં લાખો લોકોની જિંદગી નરક બની ગઈ છે. અહીંતહીં ભટકીને જિંદગી આખરે તાર-તાર થઈ જાય છે. બરકત વિરાણી ‘બેફામ’ આવી પરિસ્થિતિને નિરૂપે છે...
તું મને મળશે હવે તો ઓળખી શકશે નહીં
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે
તારું સરનામું મને આપ્યું નહીં, તો જો હવે
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે
પ્રવાસ કરતાં-કરતાં વિહરવાનું હોય તો મજા પડે. ઠરીઠામ થવા ભટકવું પડે તો એ સજા થઈ પડે. હજી માંડ એક જગ્યાની ગડ પડી હોય ત્યાં ઘર બદલવાનું આવે એમાં બધી ગરબડ શરૂ થઈ જાય. તાજેતરમાં રશિયાએ યુક્રેનના એક નાના ગામનો કબજો લીધો. કહો કે ખંડેર બનેલા ગામનો કબજો મેળવ્યો, કારણ કે ગામવાસીઓ તો પલાયન થઈ ગયેલા. ક્યાં ગયા હશે, ક્યાં રહેતા હશે, ખાવાપીવાનો મેળ કેવી રીતે બેસાડતા હશે, અર્થોપાર્જનનું શું વગેરે સેંકડો સવાલો આંખ સામે ખડા થઈ જાય. કઈ જગ્યાએ ખરેખર જવાનું છે એ પ્રવીણ શાહ ચીંધી બતાવે છે...
માણસો આ વિશ્વમાં મળશે ઘણા
પ્રેમ જ્યાં છલકાય ત્યાં જઈશું અમે
જીવવું આ જીવવું છે કોણ કહે
મન ભરી જિવાય ત્યાં જઈશું અમે
લાસ્ટ લાઇન
જઈને ત્યાં આખરમાં મળશે
નદીઓ તો સાગરમાં મળશે
ભૂલ ફૂલોની વાત હૃદય તું
કાંટા છે હાજરમાં, મળશે
લૂખા ઘા ને ધિંગી મસ્તી
સાચકલા આદરમાં મળશે
ભોળા મનને જાણ હતી ક્યાં
ઝેર મને સાકરમાં મળશે
દૃષ્ટિનો વિસ્તાર છે સઘળો
સાગર પણ ગાગરમાં મળશે
રાધાજીનાં મદભર શમણાં
ગોકુળના પાદરમાં મળશે
નવલા યુગનો માનવ દિલહર
મળશે તો શાયરમાં મળશે
દિલહર સંઘવી

