કોઈ તમને કહે કે અરે, તમે તો સો વર્ષના થવાના તો તમારું રીઍક્શન શું હોય?
પ્રતિકાત્મક તસવીર
નેશનલ રિસોર્સ સેન્ટર ફૉર અર્બન પૉવર્ટી અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા આજથી લગભગ બારેક વર્ષ પહેલાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે દેશનાં અન્ય રાજ્યો કરતાં મુંબઈકરોની ઍવરેજ ઉંમર ૫૬ વર્ષ છે. એમાં પણ પુરુષોની ઍવરેજ ઉંમર બાવન વર્ષ અને મહિલાઓની ઍવરેજ ઉંમર ૫૮ વર્ષ છે. અન્ય ભારતીયો કરતાં મુંબઈકરો સાત વર્ષ વહેલા મૃત્યુ પામે છે અને મહારાષ્ટ્રનાં અન્ય રાજ્યોમાં રહેતા લોકો કરતાં ૧૨ વર્ષ મુંબઈના લોકો ઓછું જીવે છે. સર્વેમાં મુંબઈની આધુનિકતાની પાછળ છુપાયેલી સ્પીડ અને કથળેલા સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગને જવાબદાર માનવામાં આવ્યાં છે. એ પછી પણ મુંબઈગરાના મૃત્યુ દર, અહીંની જીવનશૈલી પર અવારનવાર સર્વેક્ષણો થતાં રહ્યાં છે. એવામાં કોરોના દરમ્યાન મુંબઈ જે રીતે લીડમાં રહ્યું અને લોકોની આવકનાં માધ્યમો પણ બંધ થઈ ગયાં એમાં ભલભલા એક વાર મુંબઈ છોડવાનું વિચારી ગયા. બીજી એક વાત પર પણ નજર ફેરવી લો. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે મુંબઈમાં ૨૦૨૦માં કુલ ૧,૧૧, ૯૪૨ લોકોનાં મૃત્યુ થયાં જે આગલા વર્ષ કરતાં ૨૫થી ૩૦ ટકા વધારે છે. જીવનની તમામ પ્રકારની ઍડ્વાન્સ મેડિકલ સુવિધાઓ અને આધુનિક જીવનશૈલી હોવા છતાં મુંબઈની હાડમારી છે જેને કારણે લોકો અહીંના સુખને માણી નથી શકતા. જો મુંબઈગરાના વ્યક્તિગત પ્રેફરન્સની ચર્ચા કરવાની હોય તો એમાં પણ તમને આ વાત સાર્થક થતી દેખાશે. લાંબું જીવવાની વાત હોય ત્યારે સામાન્ય મુંબઈકરનો અભિગમ શું હોય છે અને એની પાછળના તેમના તર્કો શું છે એ વિષય પર આજે વાતો કરીએ.
સમાજને ઉપયોગી થવાતું હોય અને કોઈની તકલીફો દૂર કરવામાં આપણે નિમિત્ત બની શકતા હોઈએ એવી અવસ્થા હોય તો જેટલાં વર્ષો મળે એ ચાલે. અંધેરીમાં રહેતા ૫૭ વર્ષના સંજય શાહ આ વાત સ્વીકારે છે. જો પરવશતા સાથે જીવવાનું હોય તો ૬૫ વર્ષથી વધુ લાંબું ન જિવાય. તેઓ કહે છે, ‘હું ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરું છું. મારાં સંતાનો મોટાં થઈ ગયાં છે. તેમનાં લગ્ન થઈ જાય અને હું મારી જવાબદારીઓ પૂરી કરું પછીનાં વર્ષો જે જીવવા મળે છે એ જ સાચું જીવન છે. મને સો ટકા સો વર્ષ જીવવું છે. હજી સુધી ડાયાબિટીઝ, બીપી જેવી કોઈ બીમારી નથી. આવી જ હેલ્થ જો છેક સુધી રહે તો સો વર્ષ અને જો પરવશ થવાનું હોય તો ૬૫-૭૦માં ઈશ્વર બોલાવી લે એ વધુ પસંદ પડે. મેં તો નક્કી કરી લીધું છે કે ૬૦ વર્ષ પછી હું મારું જીવન સમાજને અર્પણ કરીશ અને આટલાં વર્ષ સુધી સમાજ પાસેથી આપણે મેળવ્યું છે એ તેમને રિટર્ન આપવાના પ્રયાસો કરીશ.’
ADVERTISEMENT
આ તો ત્યારની વાત થઈ જ્યારે હજી પણ કંઈક ઓરતા બાકી હોય, પરંતુ જીવનના અંતિમ દાયકામાં ઊભેલા અને ખરેખર સો વર્ષ જીવવાની સંભાવના ધરાવતા લોકો શું વિચારતા હશે એ જાણવું હોય તો ૯૬ વર્ષનાં દમયંતી કાપડિયાને મળવું પડે. તેમને આજે પણ જીવનથી હારીને મરવાનું મન નથી થયું. તેમનાં પુત્રવધૂ ભારતી કાપડિયા કહે છે, ‘મારાં દાદી સાસુ થાય. તેમને એકેય બીમારી શરીરમાં નથી. માત્ર એક કાને ઓછું સંભળાય છે. તેમનું વજન ૩૩ કિલો છે. આજ સુધી તેમના મોઢેથી મેં નથી સાંભળ્યું કે એના કરતાં તો ઈશ્વર બોલાવી લે તો સારું. હા, હમણાં એક ઘટના એવી ઘટી જેણે દાદીને હચમચાવી દીધાં. તેમનાં સૌથી નાનાં દીકરી સાવ અચાનક હાર્ટ-અટૅકથી ગુજરી ગયાં ત્યારે તેમને એમ લાગ્યું કે હું હજી જીવું છું અને મારે તેને જતાં જોવી પડી. બાકી આટલાં વર્ષોમાં ધીરજથી પોતાનું કામ કર્યા કરે, ઘરમાં અમને પણ નાના-મોટા કામમાં મદદ કરે, જીવનને હજી પૂરી તન્મયતા સાથે માણે છે.’
સો વર્ષના થવું કે નહીં એનો નિર્ણય આપણા હાથમાં છે જ નહીં એ પણ આટલી જ સાચી વાત છે. આ સંદર્ભે સ્વરકાર અને ગાયક સુરેશ જોશીના આ વિષય પર પોતાના અલગ વિચારો છે. તેઓ કહે છે, ‘મ્યુઝિક પર્સન તરીકે મને જો કોઈ કહે કે તમે તો સો વર્ષના થવાના તો હું ખુશ થાઉં. મને હંમેશાં એમ જ લાગ્યું છે કે હજી ઘણું કામ બાકી છે. વધુ જીવીશ તો કામ કરવાનો વધુ સમય મળશે અને ઘણા આઇડિયાઝને અમલમાં મૂકી શકાશે. બેશક, મારાં દાદી કહેતાં કે હાલતા-ચાલતા હોઈએ તો વાંધો નહીં. મને તો એમ જ છે કે છેલ્લા શ્વાસ હોય ત્યારે પણ હું મ્યુઝિકની વચ્ચે હોઉં, સંગીત સાથેની સફર અંત સુધી રહે એવી તંદુરસ્તી હોય તો ઘણું. બાકી જીવન અને મૃત્યુ વિશે વિચારવાનો સમય પણ બગાડવાનું હું ઉચિત નથી માનતો. મને હંમેશાં એમ જ લાગ્યું છે કે ઈશ્વરે જીવન આપ્યું ત્યારે આપણને પૂછ્યું નહોતું અને મૃત્યુ પણ એની ઇચ્છા મુજબ આવી જશે. જ્યારે આવશે ત્યારે ખરું. જ્યારે ઈશ્વરને એમ લાગશે કે હવે આને સ્વર્ગમાં બોલાવીને આપણી પાસે કૉન્સર્ટ કરાવે તો એમ જ ભલે. એમાં રેઝિસ્ટન્સનો પ્રશ્ન જ નથી.’
જીવનનાં વર્ષોની અંદર આપણા જીવનની ઘટનાઓ ઉમેરાય પછી અભિગમ બદલાતો હોય છે. આર્કિટેક્ટ પાર્થ મહેતાએ એપ્રિલમાં પોતાનાં મમ્મીને ગુમાવ્યાં. એ એક ઘટનાએ તેના દૃષ્ટિકોણને ફેરવી નાખ્યો. પાર્થ કહે છે, ‘મમ્મી હતાં ત્યારે મેં જીવનને ખૂબ જ કૅઝ્યુઅલી રાખ્યું હતું. જલસા કરવાના અને મજાથી જીવવાનું. જોકે મમ્મીની અચાનક વિદાય મારા માટે ખૂબ જ શૉકિંગ હતી. એ પછી હું જીવનને સમજતો થયો છું. જવાબદારીઓ સમજાઈ. એ દરમ્યાન મેં મહાભારત સિરિયલ આખી જોઈ લીધી, ભગવદ્ગીતા સમજવાના પ્રયાસો કર્યા. આખી જર્નીમાં એક વસ્તુ સમજાતી ગઈ કે પ્રત્યેક ક્ષણ જીવવાના પ્રયાસો કરીએ, કારણ કે કઈ ક્ષણ આખરી છે એ ખબર નથી. એ ક્ષણોમાં સો વર્ષ હોય કે દસ વર્ષ હોય, કોઈ ફરક નથી પડતો. કોઈ આપણને સો વર્ષ જીવશો એવું કહે તો મને પસ્તાવો નથી થતો કે ખુશી પણ નથી થતી. એક વસ્તુ સમજાય છે કે આપણા હાથમાં કંઈ નથી, જે છે એ બધું ઈશ્વરના હાથમાં છે અને તે જેમ, જેટલાં વર્ષ જિવાડે એટલાં વર્ષ જીવવાનું, પોતાની જવાબદારી નિભાવવાની. હું મારી જાત સાથે શાંતપણે રહેતાં શીખી ગયો છું.’
લોકો જ્યારે જીવનને સંકેલવાનું વિચારતા હોય ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે જીવવાનું શરૂ કરતા હોય. અંધેરી સાત બંગલોમાં રહેતાં ૭૨ વર્ષનાં મીનાક્ષી વખારિયાએ ૬૦ વર્ષે તો જીવવાનું શરૂ કર્યું છે એટલે એવા સમયે કોઈ તેમને સો વર્ષ જીવવાના આશીર્વાદ આપે તો તેમને એનો આનંદ જ થશે. આજે તેમનું વાર્તાનું પહેલું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે મીનાક્ષીબહેન કહે છે, ‘સો વર્ષ જીવવા મળે તો ઘણું કરવા મળે. ઘણુંબધું લખવાનું બાકી છે એ લખી શકાય. પણ હા, પરવશતા સાથેનાં સો વર્ષ નહીં, સો કલાક પણ નથી જોઈતા અને પરવશતા વિનાના હોય તો સો નહીં, ૧૨૦ વર્ષ પણ ચાલશે. પરિવારની જવાબદારીઓ વચ્ચે પોતાને ગમતું કામ કરવાનો સમય નહોતો મળ્યો.’
અત્યારની પેઢીની જીવનશૈલી અને ભાગદોડ જોતાં તેમને જીવન દોજખથી ઓછું નથી લાગતું. મીનાક્ષીબહેન કહે છે, ‘સપનાંઓ મોટાં જુઓ પણ દોડાદોડમાં જ જીવન વેડફાઈ ન જાય એનું પણ ધ્યાન રખાવું જરૂરી છે. હમણાંના યુવાનોની જીવનશૈલી જોઉં છું ત્યારે થાય છે કે આ રીતે તો ૬૦ વર્ષ પણ તંદુરસ્તી સાથે જીવી લેવાય તો ઘણું છે. થોડીક સભાનતા આજના યુવાનો પોતાની તંદુરસ્તીને લઈને કેળવે અને મુંબઈમાં રહીને પણ મુંબઈની દોડધામથી સમયે-સમયે અલિપ્ત થવાના પ્રયાસો કરે એ જરૂરી છે. બધું જ મેળવી લેવાની દોડમાં આપણે ઘણુંબધું ખોઈ દેતા હોઈએ છીએ એના પ્રત્યે થોડાક અલર્ટ થવાની જરૂર છે.’
કોઈકને જીવન ત્યારે જ જીવન લાગે જ્યારે એમાં પ્રિયજનનો અને તંદુરસ્તીનો સાથ ભળે. એવી સ્થિતિમાં ગમે તેટલાં વર્ષો જીવવા મળે એનો આનંદ જ રહેશે. માટુંગામાં રહેતાં અને પૅકેજિંગનો બિઝનેસ કરતાં ભૂપેન્દ્ર અને સ્મિતા શાહ આ વિશે કહે છે, ‘આજે પણ જલસાથી જીવો એ જ લાઇફનો ફન્ડા છે અને આગળ પણ એ ફન્ડા બરકરાર રહેશે. શરીર સારું હોય તો જીવવાની મજા આવે. આજે મોટી ઉંમરે પણ એન્જૉયમેન્ટ સાથે જીવી શકાય એવા અઢળક પર્યાયો ઊભા થયા છે. સિનિયર સિટિઝનનાં હોમ્સ અને અપાર્ટમેન્ટ પણ હોય છે. મને તો એ જ ઇચ્છા છે કે એક સમય પછી આ રીતે કોઈ વેલ ઍડ્વાન્સ્ડ સિનિયર સિટિઝન માટેની આવી સગવડ સાથે સો વર્ષ નહીં, બસો વર્ષ પણ આરામથી નીકળી જાય.’
આટલા લોકો સાથેની વાતચીત પરથી બે નિષ્કર્ષ નીકળે છે કે જીવનને જીવવા માટે તંદુરસ્તી અને જે મળ્યું છે એનો માણવાનો અભિગમ મળી જાય પછી કોઈ તમને સો વર્ષના થશો એવું કહેશે ત્યારે એમાં મનના તર્ક-વિતર્કો નહીં ભળે, પણ સહજ રીતે એ માણવાનું જ મન થશે એ નિશ્ચિત છે.

