Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > નામ બદલો ભાઈ નામ

નામ બદલો ભાઈ નામ

16 March, 2024 03:55 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈનાં કેટલાંક રેલવે-સ્ટેશનોનું નવું નામકરણ થવાનું છે ત્યારે જાણીએ એનાં જૂનાં નામો પાછળનો ઇતિહાસ

મુમ્બાદેવીનું મંદિર અને એની બાજુમાં આવેલું તળાવ

ચલ મન મુંબઈનગરી

મુમ્બાદેવીનું મંદિર અને એની બાજુમાં આવેલું તળાવ


નરસિંહ મહેતાએ ભલે ગાયું હોય કે ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે’ અને શેક્સપિયરે પણ ભલે કહ્યું હોય કે નામમાં તે શું બળ્યું છે? આપણા રોજિંદા જીવનમાં નામનું પારાવાર મહત્ત્વ છે. પહેલાં રૅશન કાર્ડમાં અને હવે પૅન અને આધાર કાર્ડમાં સાચું નામ હોવું જરૂરી. નામ બદલવું હોય તો બદલી શકાય, પણ એ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પણ આપણા આ મુંબઈ શહેરના રસ્તા, ઇમારત, સ્ટેશન, બગીચા વગેરેનાં નામ લગભગ રાતોરાત બદલાઈ જાય છે. કારણ? કારણ ‘સંસ્થાનવાદી’ નામો હટાવો. એમાંય ચૂંટણી નજીક આવે ત્યારે તો આ નામરોગ બહુ ઝડપથી ફેલાય છે.


કોઈ નવો રસ્તો તૈયાર થાય, નવી ઇમારત ચણાય, નવી સંસ્થા શરૂ થાય ત્યારે ‘સંસ્થાનવાદી’ સરકાર ઘણી વાર પહેલાં લોકોના અભિપ્રાય જાણતી અને પછી નામ પાડતી, પણ હવે તો રાજકારણીઓ કુલડીમાં ગોળ ભાંગીને રાતોરાત નામો બદલવાનું નક્કી કરીને જાહેર કરી દે નવાં નામ. જેમ કે હમણાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનોનાં નામ બદલવાની જાહેરાત થઈ ગઈ.



મુંબઈ સેન્ટ્રલ


પહેલાં હતું બૉમ્બે સેન્ટ્રલ. પણ જ્યાં આખા શહેરનું જ નામ બદલાયું ત્યાં સ્ટેશનનું નામ તો બદલવું જ પડેને! અગાઉ લોકલ અને બહારગામની ટ્રેનો માટે ટર્મિનસ હતું કોલાબા સ્ટેશન પણ પછી ત્યાં જમીનની ખેંચ વર્તાવા લાગી એટલે સરકારે બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (BBCI)રેલવે (આજની વેસ્ટર્ન રેલવે)ને આદેશ આપ્યો કે ‘ભાડે કી જગહ ખાલી કરો.’ એટલે નછૂટકે નવું સ્ટેશન બાંધવું પડ્યું. પણ આ સ્ટેશન બંધાઈ રહેવા આવ્યું ત્યારે એનું નામ શું પાડવું એ વિશે છાપાં દ્વારા લોકોને અભિપ્રાય પૂછ્યો. સાધારણ રીતે સ્ટેશનનું નામ કાં કોઈ અંગ્રેજના નામ પરથી કે કાં નજીકના જાણીતા વિસ્તાર પરથી પડે એવો શિરસ્તો. જુદાં-જુદાં સૂચનો આવ્યાં એમાંનું એક હતું કે નવા સ્ટેશનનું નામ પાડો ‘કામાઠીપુરા’, કારણ કે સ્ટેશન એ વિસ્તારની નજીક હતું. રેલવે કંપની કદાચ આ નામ અપનાવે એ બીકે એનો જોરદાર વિરોધ લોકોએ કર્યો. કારણ? કારણ આ ‘કામાઠીપુરા’ એ વખતે બદનામ બસ્તી. હવે તમને કોઈ પૂછે કે કેમ મકનજી, ક્યાં ચાલ્યા? અને તમે જવાબ આપો કે ‘કામાઠીપુરા’ તો કેવો અનર્થ થઈ જાય? અને સ્ત્રીઓ? એ તો બિચારી મૂંગી જ રહે. એટલે પછી કંપની ફોઈએ ઓળી ઝોળી કરીને નામ પાડ્યું બૉમ્બે સેન્ટ્રલ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મીથી એ કામ કરતું થયું.  દાયકાઓ સુધી બહારગામની ટ્રેનોનું એકમાત્ર ટર્મિનસ રહ્યું. ચર્ચગેટ બન્યું લોકલ ટ્રેનોનું ટર્મિનસ.

પણ હવે આ બન્ને સ્ટેશનોનાં નામ બદલવાની તૈયારી થઈ ગઈ છે. મુંબઈ સેન્ટ્રલ જેવા ભૌગોલિક નામમાં સંસ્થાનવાદની બૂ કોને આવી, કઈ રીતે આવી એ તો એક મોટો કોયડો છે. જો વડોદરા, અમદાવાદ કે નવી દિલ્હી જેવાં નામ સ્ટેશનનાં હોઈ શકે તો બૉમ્બે સેન્ટ્રલ કેમ નહીં? પણ ના. મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને એની સાથે નામ જોડવું છે જગન્નાથ શંકરશેટનું. ૧૯મી સદીના મુંબઈના પાંચમાં પુછાતું એવું આ નામ એની ના નહીં. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે શરૂ કરનાર ધ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે (GIP)-હાલની સેન્ટ્રલ–રેલવેના કારોબાર સાથે નિકટતાથી તેઓ સંકળાયેલા. પણ ૧૯૩૦માં બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયું એ પહેલાં છેક ૧૮૬૫માં તેમનું અવસાન થયું હતું. અને હા, જો મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાય તો પછી આખા મુંબઈમાં ‘મુંબઈ’ નામવાળું એક પણ સ્ટેશન નહીં રહે! અહો, કેવી વિચિત્રતા!


મરીન લાઇન્સ

એક જમાનામાં અંગ્રેજોના સૈન્યના નૌકાદળના સૈનિકોને રહેવા માટે જ્યાં બૅરૅક્સ બાંધવામાં આવેલી એ જગ્યા પછીથી ઓળખાઈ મરીન લાઇન્સ તરીકે. અને એ વિસ્તારમાં આવેલા સ્ટેશનને પણ એ જ નામ મળ્યું. એ વિસ્તારના બીજા ઘણાખરા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે. પણ આજેય મેટ્રો સિનેમા પાછળના એક રસ્તાનું નામ છે બૅરૅક રોડ. પણ આ ઇતિહાસને સાચવવાને બદલે આ સ્ટેશનને નામ અપાવાનું છે ‘મુંબાદેવી સ્ટેશન.’ હા, આ મુંબા તે કોળી-માછીમારોની દેવી. મુંબઈ નામ આ દેવીના નામ પરથી પડ્યું. એટલે એકાદ સ્ટેશનને આવું નામ અપાય એમાં ખોટું શું? ખોટું તો કશું નથી, પણ મરીન લાઇન્સથી ચાલીને મુંબાદેવી મંદિર જતાં ખાસ્સો અડધો કલાક થાય. અને વાહનમાં જાઓ તો પોણો કલાક. આટલે દૂર આવેલી જગ્યાનું નામ કોઈ સ્ટેશનને આપવું કેટલું યોગ્ય?

ચર્ની રોડ

હવે ચર્ની રોડ નામને તો સંસ્થાનવાદ સાથે કે અંગ્રેજો સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી. બલકે અંગ્રેજોના અયોગ્ય નિયમ સામે માથું ઊંચકાયું એ ઘટના આ સ્ટેશનના નામ સાથે જોડાયેલી છે, જે આજે ભુલાઈ ગઈ છે. હવે ગમ્મત જુઓ. આ ચર્ની રોડનું અસલ સત્તાવાર નામ હતું ઓલિવન્ટ રોડ. ૧૮૪૬માં જન્મેલા સર સી. કે. ઓલિવન્ટ ૧૮૮૧થી ૧૮૯૦ સુધી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. પણ લોકો તો એને ચર્ની રોડ તરીકે જ ઓળખતા. છેવટે અંગ્રેજ સત્તાવાળાઓએ પણ આ ચર્ની રોડ નામ સ્વીકારી લીધું! પછી ૧૮૬૭માં એ રોડ પર જે સ્ટેશન બંધાયું તેને પણ એ જ નામ અંગ્રેજ રેલવે કંપનીએ આપ્યું. અને આ ‘ચર્ની’ એ કોઈ અંગ્રેજનું નામ નથી. ‘ચરણી’ એટલે મરાઠીમાં ઢોરઢાંખર ચારવાની જગ્યા. એક જમાનામાં મુંબઈમાં ઠેર-ઠેર ઢોરઢાંખર જોવા મળે. આજે આઝાદ મેદાન તરીકે ઓળખાતા મેદાનનું એ વખતનું નામ એસ્પ્લેનેડ મેદાન. આજે છે એના કરતાં એ વખતે ઘણું મોટું અને ત્યાં લીલુંછમ ઘાસ ઊગે. રખેવાળો અને ગોવાળો પોતાનાં ઢોરને રોજ ત્યાં ચરવા લઈ જાય. આ મેદાનની જગ્યા સરકારી માલિકીની. ૧૮૩૮માં એકાએક સરકારને તુક્કો આવ્યો કે અરે! આ તો આપણી જમીન પરનું ઘાસ દેશી ઢોર મફતમાં ચરી જાય છે. એટલે આ મેદાન પર ઢોર ચરાવવા માટે ફી વસૂલવાની જાહેરાત કરી. ઢોરઢાંખર રાખનારા કહે કે અમે એવું તે શું રળીએ કે દીવો લઈને દળીએ? આવી ફી આપવાનું અમને પોસાય નહીં. સર જમશેદજી જીજીભાઈ (૧૭૮૩-૧૮૫૯) એ જમાનાના બહુ મોટા વેપારી અને દાનવીર. જેટલા ઉદાર એટલા જ સમજુ. આવી બાબતમાં સરકાર સાથે લમણાઝીંક કરવાથી કશું વળે નહીં એ જાણે. આજના ઠાકુરદ્વાર નજીક દરિયાકિનારાથી થોડે દૂર જમીનનો મોટો ખાલી પ્લૉટ. ભરપૂર ઘાસ ઊગે. વીસ હજાર રૂપિયાને ખર્ચે સરસાહેબે એ ખરીદી લીધો અને ઢોરઢાંખર ચરાવનારાઓને કહી દીધું :

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2024 03:55 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK