આપમેળે પ્રેગ્નન્સી રહી જશે એની રાહ જોયા કરવાને બદલે તમારે તરત જ ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ અને પૂરેપૂરું ચેકઅપ તથા સોનોગ્રાફી કરાવી લેવાં જોઈએ.
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૩૧ વર્ષ છે. લગ્નને અઢી વર્ષ થયાં છે. શરૂઆતમાં બે વર્ષ અમારે બાળક નહોતું જાઈતું. બે-ત્રણ વખત કૉન્ડોમ વાપરવાનું ચુકાઈ જતાં મૉર્નિંગ આફ્ટરપિલ લીધેલી, પણ એ પછી તો કૉન્ડોમનો ઉપયોગ કમ્પલ્સરી કરી નાખ્યો હતો. જોકે થોડા સમય પહેલાં કૉન્ડોમ ફાટેલું હતું જેની ખબર ન રહી અને પ્રેગ્નન્સી રહી ગઈ. મહિના ઉપર પંદરેક દિવસ થયા ત્યારે અબૉર્ટ કરવા માટે મોંથી લેવાની ગોળીઓ લીધી. એ પછી ખૂબ જ બ્લીડિંગ થયું અને પુષ્કળ કચરો નીકળી ગયો. એ પછીના બે-એક મહિના માસિક પણ વધારે આવ્યું. એ પછી જ્યારે પણ મને પિરિયડ્સ આવે છે ત્યારે ખૂબ ઓછું બ્લીડિંગ થાય છે અને અનિયમિતતા પણ ખૂબ વધી ગઈ છે. છેલ્લા છ મહિનાથી હવે અમે પ્રેગ્નન્સી પ્લાન કરીએ છીએ, પણ સફળતા નથી મળતી. અમારે કેટલો સમય રાહ જોવી જોઈએ?
બોરીવલી
સૌથી પહેલી વાત એ કે ગર્ભપાત માટેની ઓરલ ગોળીઓ તમે જાતે લીધેલી કે ડૉક્ટરને કન્સલ્ટ કરીને? એકેય બાળક ન થયું હોય ત્યારે એમ જ ઓરલ પિલ્સ લઈને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાનો પ્રયોગ કદી કરવો ન જોઈએ. પિલ્સ લઈને ગર્ભપાત કરવાની રીત ક્યારેક જોખમી નીવડે છે; કેમ કે ઘણી વાર જોવા મળ્યું છે કે અબૉર્શનની ગોળીઓથી ગર્ભ પડી તો જાય, પણ ગર્ભાશય પૂરેપૂરું ક્લીન નથી થતું. એને કારણે ગર્ભાશયમાં કચરો જમા થયેલો રહે છે અને આખરે અંદર ગરબડ પેદા થાય છે. તમારા માસિકમાં અનિયમિતતા આવી છે એ બતાવે છે કે માસિકચક્રમાં કંઈક તો ગરબડ થઈ છે. ગર્ભપાત પછી ગર્ભાશયની સંપૂર્ણ સફાઈ ન થાય તો ક્યારેક ઇન્ફેક્શન અંદર ને અંદર વધતું જાય એવું પણ બની શકે.
ADVERTISEMENT
આપમેળે પ્રેગ્નન્સી રહી જશે એની રાહ જોયા કરવાને બદલે તમારે તરત જ ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ અને પૂરેપૂરું ચેકઅપ તથા સોનોગ્રાફી કરાવી લેવાં જોઈએ. જરૂર પડ્યે હૉર્મોન્સની ટેસ્ટ પણ કરાવવી પડી શકે છે અને આ બધાની સાથે જ પતિની પણ સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ કરાવી લેવી હિતાવહ છે. એમ જ રાહ જોયા કરવાનો કોઈ મતલબ નથી એટલે વહેલી તકે તમે ગાયનેકોલૉજિસ્ટને મળી લો એ હિતાવહ છે.