મૃત્યુ એ અવિચળ સત્ય છે. બધા જ જાણીએ છીએ છતાં અમર હોઈએ એમ જીવીએ છીએ
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
એકલતા અને એકાંત.
૨૧મી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ શબ્દો વગરબોલ્યે કાને અથડાયા કરતા હોય છે. લોકલ ટ્રેનની બારી પાસેની સીટ પર બારી બહાર જોતો પ્રવાસી ક્યાંક એકાંતમાં ખોવાયેલો છે અને લગ્નના મંડપમાં પરણવા બેઠેલી નવોઢા એકલતા અનુભવતી દેખાય છે. આજે ભરકુટુંબ વચ્ચે કે અસંખ્ય ચાહકો હોવા છતાં માણસ એકલતાથી પીડાતો દેખાય છે.
એકાંત વ્યક્તિએ પોતે-જાતે નીવડેલી અવસ્થા છે. ઊંડા પાણીમાં સહેલાઈથી સરી જતા મરજીવાની જેમ મનના અતલ ઊંડાણમાં સમજ, લાગણી, બુદ્ધિ સહેલાઈથી સરી જાય. આસપાસનું વાતાવરણ, માનવમહેરામણ, સ્થળકાળ કાંઈ જ ન અનુભવાય. અનુભવાય તો ફક્ત શાંતિ અને સહજ આનંદ. વગરપાણીની છાલકે જ અસ્તિત્વની આસપાસ એક અજબ ભીનાશ અનુભવાય અને મન તરબતર થઈ જાય.
અને જ્યારે એ પરિસ્થિતિ અનુભવ્યા બાદ સતહ પર જાગ્રત વિશ્વમાં પાછા ફરીએ ત્યારે સવારની દૂધવાળાની ઘંટીમાં રાગ ભૈરવી સંભળાય અને પતિ કે પત્નીની બીબાઢાળ વાતોમાં સંતોની વાણી અને ઑફિસમાં અણગમતા સહકાર્યકર કે ઉપરી પ્રિયજન સમાન વહાલા લાગવા માંડે અને અનાયાસ તમારી આંખોમાં, ચહેરા પર જગત પ્રત્યે, જગતનિયંતા પ્રત્યે સ્નેહનું સ્મિત રેલાયા કરે અને તમારા સંપર્કમાં આવનાર દરેકને તમારા સ્નેહ અને સ્મિતનો ચેપ લાગે અને અનાયાસ જ તમે પ્રેમનું પરબીડિયું પકડાવનાર પોસ્ટમૅન જ બની જાઓ.
ADVERTISEMENT
જ્યારે એકલતાની આંખો સતત ભયપ્રેરક હોય, સતત પોતાની એકલતાના અજગરપાશમાંથી છૂટવા માગતી, ફાંફાં મારતી, અટવાતી હોય. તમારો સતત પીછો કરતી, અકળાતી-અકળાવતી હોય.
સવારની ચા માટે ન પૂછ્યું તો અહંની એકલતા, પ્રેમનો પ્રતિસાદ ન મળ્યો તો અપેક્ષાની એકલતા, જોઈતી પ્રસિદ્ધિ કે પૈસો ન મળ્યો તો મહેચ્છાની એકલતા, કૌટુંબિક કે સામાજિક માન્યતા, માન-અકરામ ન મળ્યાં તો રહી ગયેલી ઓળખની એકલતા, જૂના મિત્રને મળતાં આપણું નામ ન યાદ રહ્યું તો નામશેષ થઈ જવાની એકલતા. રોજેરોજ એકલતાના ભરડામાં ફસાયેલો માણસ અકળાતો, ગૂંગળાતો જાય, અટવાતો જાય અને ઉચ્છ્વાસમાં, આસપાસના પરિસરમાં, સંબંધોમાં અને હૃદયમાં વિષ ફેલાવતો જાય.
મૃત્યુ એ અવિચળ સત્ય છે. બધા જ જાણીએ છીએ છતાં અમર હોઈએ એમ જીવીએ છીએ. કારણ આપણે મૃત્યુની શીતળ એકલતાથી ડરીએ છીએ, પણ જો એને આત્માને શાંતિ આપતું એકાંત ગણીએ તો? વિચારજો. જ્યારે કોઈ માણસ આનંદિત હોય તો કદાચ તેનો સાથી એકાંત હશે અને ભરેલા ટોળા વચ્ચે પણ ઉદાસ હોય તો કદાચ એકલતાના રોગથી ગ્રસ્ત હશે. તમે શું પસંદ કરશો? એકલતા કે એકાંત?
- વૈશાલી ત્રિવેદી