અબ્રાહમ લિન્કને જ્યારથી કહ્યું છે કે ‘બૅલટ ઇઝ સ્ટ્રૉન્ગર ધૅન બુલેટ’ ત્યારથી આ અહિંસક શસ્ત્ર (!)ની તાકાતનો પરચો દરેક રાજકીય પાર્ટીને આવી ગયો છે. ચૂંટણીનો માહોલ છે. વચનોની લહાણીનો માહોલ છે
સોશ્યોલૉજી
તસવીર સૌજન્ય : એ. આઈ
અબ્રાહમ લિન્કને જ્યારથી કહ્યું છે કે ‘બૅલટ ઇઝ સ્ટ્રૉન્ગર ધૅન બુલેટ’ ત્યારથી આ અહિંસક શસ્ત્ર (!)ની તાકાતનો પરચો દરેક રાજકીય પાર્ટીને આવી ગયો છે. ચૂંટણીનો માહોલ છે. વચનોની લહાણીનો માહોલ છે. આપણી જ બૅગ, કોઈ ખોલાવે કે ન ખોલાવે, ખાલી થવાની છે. એ શું સાવ યોગાનુયોગ છે કે અમેરિકામાં ૨૦ નવેમ્બરને ‘નૅશનલ ઍબ્સર્ડિટી ડે’ (વાહિયાત, કઢંગો,બેહૂદો દિવસ) તરીકે ઊજવવામાં આવે છે? વધુમાં મિકી માઉસ કાર્ટૂનની પ્રથમ ફિલ્મ ‘સ્ટીમબોટ વૅલી’ પણ ૨૦ નવેમ્બરે જ પ્રથમ વાર ન્યુ યૉર્કમાં રિલીઝ થઈ હતી (‘પન’ ઇન્ટેન્ડેડ). કોઈએ એ નોંધ્યું છે કે એક પણ પક્ષના મૅનિફેસ્ટોમાં પર્યાવરણનો ઉલ્લેખ નથી? રાજકારણીઓના મોઢામાંથી નીકળતા શબ્દોનું પ્રદૂષણ સૌથી વધુ ખતરનાક છે. અભદ્ર ભાષા બોલતા આ પરોપજીવીઓના પ્રદૂષણથી કોણ બચાવશે?
આવા માહોલમાં સાહિત્ય અકાદમીએ ‘ગુજરાતી સાહિત્ય અને પર્યાવરણ’ પર પરિસંવાદ આયોજવાની પહેલ કરી એ સ્તુત્ય પગલું કહી શકાય. નવલકથામાં પર્યાવરણ તેમ જ વાર્તામાં, નિબંધમાં અને કવિતામાં પણ પર્યાવરણ વિશે ચર્ચાસત્રનું આયોજન કરવું એ સાંપ્રત સમયની માગ કહેવાય. કોવિડકાળ દરમ્યાન જ્યારે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ હતી ત્યારે હરિયાણાથી હિમાલય દેખાતો હતો. દિલ્હીના પ્રદૂષણ પર સોશ્યલ મીડિયા પર ફરતાં મીમ્સ મુંબઈને પણ ચેતવણી તો આપે જ છે. એક દિલ્હીવાસી મુંબઈકરને કહે છે, ‘અરે વાહ! તમારે ત્યાં તો આકાશ દેખાય છે.’ દિલ્હીના એક યોગશિક્ષકની ખૂનના ‘પ્રયાસ’ બદલ ધરપકડ કરવામાં આવી, કારણ કે તેણે ક્લાસમાં વિદ્યાર્થીઓને કહ્યું, ‘ઊંડા શ્વાસ લો.’ મુંબઈના પ્રદૂષણ માટે પણ કહેવાય છે કે ૮૦ ટકા પ્રદૂષણ ‘પ્લાન્ટ્સ’ને કારણે છે. અહીં શ્લેષ છે. ઇન્ડસ્ટ્રિયલ યુનિટને પણ પ્લાન્ટ કહેવાય છે. કેટકેટલા પ્રકારના પ્રદૂષણની વાત કરીએ?
ADVERTISEMENT
વૈચારિક પ્રદૂષણ વિશે ગાંધીજીએ કહ્યું હતું કે ‘શરીરથી જ નહીં પણ વિચારોથી પણ વ્યભિચાર ન કરે એ જ સાચો બ્રહ્મચારી.’ ઓશો રજનીશે તો ધર્મના જ ‘પ્રદૂસણ’ની ક્રાન્તિકારી વાત કરેલી (તેમનાં પ્રવચનોમાં ‘શ’ હોતો જ નથી). સોશ્યલ મીડિયાના પ્રદૂષણની વાત કરવા તો કોઈ રાજી જ નથી. બ્રિટિશરોએ ભારતમાં ફેલાવેલા રાજકીય પ્રદૂષણને નાથવા જ ઝઝૂમેલી રાણી લક્ષ્મીબાઈને ૧૯ નવેમ્બરે (૧૮૨૮) યાદ કરવી જ જોઈએ. ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ પણ આ જ દિવસે ૧૯૭૧માં હતો એ કેવો યોગાનુયોગ! સુરેશ દલાલે કહેલું કે ‘જેના નામ પર મેં ચોકડી મારી એ લોકો જ ચૂંટાઈ આવ્યા.’ હવે સમજાય છે કે રાજકારણમાં આટલું પ્રદૂષણ કેમ છે. ‘ગુજરેજી’ કે ‘હિંગ્લિશ’માં બોલાતી આજની ભાષાના આ પ્રદૂષણને નાથવા બ્રો, ડૂ યુ હૅવ ઍની સૉલ્યુશન?
- યોગેશ શાહ