Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધર્મયુદ્ધમાં કૃષ્ણ ભલે સાથે હોય, પરંતુ બાણ તો અર્જુને જ ચલાવવાનું હોય

ધર્મયુદ્ધમાં કૃષ્ણ ભલે સાથે હોય, પરંતુ બાણ તો અર્જુને જ ચલાવવાનું હોય

Published : 28 October, 2024 03:21 PM | Modified : 28 October, 2024 03:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણી વાર આપણને થાય છે કે આટઆટલા પ્રયત્નો કર્યા છતાં પરિણામ કેમ આવતું નથી? મારી તનતોડ મહેનત છતાં સફળતા કેમ મળતી નથી? તો એનું કારણ કદાચ એ હોઈ શકે કે જે પરિણામની અપેક્ષા છે એને અનુરૂપ, એ દિશાના પ્રયત્નો ન થયા હોય

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


સવાલ નથી કે તારી મોહબ્બતમાં અસીમ દર્દ હતું કે નહીં,


સવાલ છે કે મહેફિલ રડી ઊઠી કે નહીં?



ઘણી વાર આપણને થાય છે કે આટઆટલા પ્રયત્નો કર્યા છતાં પરિણામ કેમ આવતું નથી? મારી તનતોડ મહેનત છતાં સફળતા કેમ મળતી નથી? તો એનું કારણ કદાચ એ હોઈ શકે કે જે પરિણામની અપેક્ષા છે એને અનુરૂપ, એ દિશાના પ્રયત્નો ન થયા હોય. બહુ મહેનત કરી હોય, રાતદિવસ એક કરી નાખ્યાં હોય, પણ કદાચ ખોટા કસ્ટમર પાછળ આપણો ટાઇમ વેસ્ટ કરી રહ્યા હોઈએ. વિવિધ ઑફર્સ આપી રહ્યા હોઈએ અને છતાં ઑર્ડર મળતો ન હોય. એમ થાય તો નાસીપાસ થવું ન જોઈએ. કદાચ ડિમાન્ડ અને સપ્લાય મૅચ ન થઈ રહી હોય અથવા કદાચ આપણે સડેલાં બીજને ખાતરપાણી આપી રહ્યા હોઈએ એવું બને. આપણો વાંક આમાં એ જ કે બીજ કોહવાયેલું છે એ ન પારખ્યું. પેલી પૉલિટિકલ પાર્ટીઓ ચૂંટણીમાં હાર્યા પછી મનોમંથન કરતી હોય છે એમ આપણે પણ મનોમંથન કરવું પડે. ઘણી વાર ખબર પડે કે જેને માટે આપણે ચા બનાવી રહ્યા હતા એ તો કૉફીનો શોખીન નીકળ્યો. આપણી દર્દભરી કહાનીથી મહેફિલ રડી ન ઊઠે તો એ અસીમ મોહબ્બતની બીજાને શું કિંમત?


એ વિચારવું પડે જેની સામે ફૂટી-ફૂટીને હું મનની વ્યથા ઠાલવી રહ્યો છું એ પાત્ર એને ઝીલવાની ક્ષમતા ધરાવે છે કે નહીં? એ મારી તકલીફને સમજી શકે એવો છે કે નહીં? જેને ઊંડો કૂવો ધાર્યો હોય એ છીછરું ખાબોચિયુંય નીકળે! કૃષ્ણ જેવો ઉપદેશક મળે તો પછી બધી શંકાઓ નિર્મૂળ થાય. પણ કૃષ્ણ સાથે હોવા છતાં બાણ તો પોતે જ ચલાવવાનાં છે એનું ભાન તો અર્જુને રાખવું જ પડે. મૅનેજમેન્ટના ક્લાસિસમાં ભણાવવામાં આવે છે કે યોગ્ય સમયે, યોગ્ય દિશામાં, યોગ્ય વ્યક્તિ સાથે કરેલું કાર્ય યોગ્ય પરિણામ આપે છે. પણ આ સમય, દિશા અને વ્યક્તિ દરેકનાં જુદાં હોય છે. એટલે જ એકની સફળતાના સિદ્ધાંતો બીજાને કામ આવતા નથી. મોટિવેશનલ સેમિનાર્સ અને મોટિવેશનલ બુક્સ આપણને ચાર્જ્ડ રાખે છે એટલું જ. કમાતાં પહેલાં ખર્ચવાનું તમારા મનમાં ઠસાવીને સફળ તો એ લોકો જ થઈ રહ્યા હોય છે. તમને સપનાં જોતા રાખવામાં જ તેમનાં સપનાં સાકાર થતાં હોય છે. ટૂંકમાં દરેકની પરિસ્થિતિ જુદી હોય છે અને એથી દરેકે પોતાના નિર્ણય પોતાની પરિસ્થિતિ પ્રમાણે જુદા લેવાના હોય છે. ખાંડની ગૂણીઓનો ભાર લઈ જતો ગધેડો પાણીમાં ઊતરતો અને એનું વજન પાણીમાં હલકું થઈ જતું એ જોઈને કપાસની ગૂણીઓનો ભાર લઈ જતો ગધેડો પાણીમાં ઊતરે તો? -યોગેશ શાહ


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK