કૉલમ: એક કિસ્સા પરથી શીખવા મળેલો પાઠ પૂરા દેશના હિતમાં ઉપયોગી બન્યો
ફાઈલ ફોટો
ભારતમાં સર્વોચ્ચ અદાલતે કામ કરતી સ્ત્રીઓની જાતીય સલામતી માટે કેટલાક માર્ગદર્શક નિયમોની સૂચિ ૧૯૯૭માં બહાર પાડી હતી. વિશાખા ગાઇડલાઇન્સ તરીકે જાણીતી એ માર્ગદર્શિકાના આધારે જ ૨૦૧૩માં વર્કપ્લેસમાં સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા માટે ‘સ્ત્રીયૌન શોષણ (નિવારણ, પ્રતિબંધ અને દાદનિવારણ)’ કાયદો ઘડાયો હતો, પરંતુ એ વિશાખા ગાઇડલાઇન્સના મૂળમાં નેવુંના દાયકામાં રાજસ્થાનમાં થયેલી એક કુખ્યાત ઘટના હતી. ભંવરીદેવી નામની એક સરકારી કર્મચારી બાળલગ્નો અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરતી હતી. ‘મહિલા વિકાસ કાર્યક્રમ’ની કર્મચારી તરીકે એ કામ તેની ફરજનો હિસ્સો હતો, પરંતુ તેના કામથી ગિન્નાયેલા રૂઢિચુસ્ત ગુજ્જર જમીનદારોએ તેના પર અનેક વાર બળાત્કાર કર્યા. ભંવરીદેવીએ રાજસ્થાન હાઈ કોર્ટમાં બળાત્કારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ ગુનેગારો સામે કોઈ પગલાં નહોતાં લેવાયાં. આ અન્યાયથી મહિલા સંગઠનો ખૂબ જ ધૂંધવાયેલાં. વિશાખા નામના મહિલા અધિકાર જૂથે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરી કાર્યસ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે નિયમોની માગ કરી હતી. એ ગાઇડલાઇન્સના પરિણામે આજે દેશની લાખો વ્યાવસાયિક સ્ત્રીઓને જાતીય સતામણી સામે સુરક્ષા આપતો કાયદો પ્રાપ્ત થયો છે.
આ પ્રકારે કોઇ ઘટનાને આધારે કાનૂન બનવાની બાબત અમેરિકામાં બહુ કૉમન છે. તેની પાછળ લોકોની જાગૃતિ અને તંત્રની ત્વરિત પગલાં લેવાની તત્પરતા જવાબદાર છે. બે-ત્રણ કિસ્સા જુઓ: વર્ષ ૨૦૧૩ના ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે કારી ડુન્ન નામની મહિલા અલગ રહેતાં તેના પતિને મળવા ટેક્સાસની એક મોટેલમાં ગઈ હતી. તેનાં ત્રણ બાળકો પણ સાથે હતાં. કારી અને બ્રૅડનું દસ વરસનું લગ્નજીવન વિખવાદપૂર્ણ હતું એટલે જ બન્ને અલગ રહેતાં હતાં. છૂટાછેડાની પ્રક્રિયા ચાલતી હતી, અને હવે બધું પૂરું થવામાં જ હતું એવામાં બન્નેએ રૂબરૂ વાત કરી લેવા આ મુલાકાત ગોઠવી હતી. કારીએ તો નવો સાથી શોધી પણ લીધો હતો. બન્ને મોટેલના બાથરૂમમાં વાત કરવા ગયાં, પરંતુ ત્યાં બ્રૅડે છરી કાઢી અને એકવીસ વાર કારીના શરીરમાં હુલાવી દીધી! એ જોઈને મોટેલરૂમમાંથી કારીની નવ વરસની દીકરીએ તરત અમેરિકાનો ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર ૯૧૧ ડાયલ કર્યો, પરંતુ લાગ્યો નહીં. એ સતત ૯૧૧ લગાવવા મથતી રહી, પરંતુ નંબર કનેક્ટ થતો જ નહોતો. એ નાનકડી બાળકીને મોટેલમાંથી ફોન કરવો હોય તો નંબરની પહેલાં પહેલાં ૯નો આંકડો ડાયલ કરવો જોઈએ તે નિયમની જાણ નહોતી. આમ ફોન નહીં લાગવાને પરિણામે એ છોકરી પોલીસને પોતાની મમ્મીની હત્યાના સ્થળે બોલાવી ન શકી.
ADVERTISEMENT
આ કિસ્સા પરથી પાઠ લઈને ટેક્સાસમાં કાયદો બન્યો કે હોટેલો, રેસ્ટોરાં, ઑફિસો કે અન્ય કોઈ પણ જગ્યાએ મલ્ટિ-લાઇન ટેલિફોન સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી હોય તેમાં ઇમર્જન્સી નંબર લગાડતાં પહેલાં કોઈ આંકડો લગાવવાની જરૂર ન પડે એ જાતનું કૉન્ફિગરેશન હોવું જોઈએ. આમ ૯૧૧ નંબર ડાયલ કરતી વખતે આગળ કે પાછળ કોઈ પણ આંકડો જોડવાની જરૂર ન પડે એવી જોગવાઈ હોવી જોઇએ. આનો અર્થ એ કે આવી સિસ્ટમ બનાવતી વખતે જ તેમાં વિશિક્ટ જોગવાઈ કરવી પડે અથવા તો જે સિસ્ટમ બનેલી છે તેમાં સુધારા-વધારા કરવા પડે. એ બનાવનાર, વેચનાર, ખરીદનાર, ઇન્સ્ટૉલ કરનાર અને ઉપયોગ કરનાર દરેકે આ કાનૂનનું પાલન કરવું પડે.
આ કાયદાને નામ અપાયું ‘કારી’ઝ લૉ’. હા, અમેરિકામાં આવી પદ્ધતિ છે. જે ઘટના પરથી પાઠ લઈને કાનૂન બને તેની સાથે એ ઘટનાનો શિકાર બનેલી વ્યક્તિનું નામ જોડવામાં આવે છે! અત્યાર સુધી તો આ કાયદો રાજ્યના સ્તરે હતો, પરંતુ ગયા વરસના ફેબ્રુઆરી મહિનામાં ફેડરલ કાયદો બની ગયો છે, જે સમગ્ર અમેરિકામાં લાગુ થઈ ગયો છે! એક કિસ્સા પરથી શીખવા મળેલો પાઠ પૂરા દેશના હિતમાં ઉપયોગી બન્યો!
આવો બીજો કિસ્સો જોઈએ. લૉરેન્સ લૉ નામનો એક કાયદો સ્કૂલમાં બનેલી એક ઘટનાને આધારે ઘડાયો હતો. ૨૦૦૮ના ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના ઇલિનોઈ રાજ્યની એક હાઈસ્કૂલમાં અઢાર વરસની વિદ્યાર્થિની લૉરેન લામાન સ્કૂલના મેદાનમાં ડ્રિલની પ્રૅક્ટિસ કરી રહી હતી. અચાનક તે બેભાન થઈ ગઈ. માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ નામની બીમારીને કારણે લૉરેનને અચાનક કાર્ડિયેક અરેસ્ટનો હુમલો થયો હતો. તેર મિનિટે તબીબી સહાય પહોંચી અને લૉરેનને નજીકની હૉસ્પિટલના ઇમર્જન્સી સારવાર માટે લઈ ગયા, પરંતુ એ દરમ્યાન લૉરેન મૃત્યુ પામી. લૉરેનના પપ્પાએ કહ્યું કે સ્કૂલમાં જ કોઈએ તેને સી.પી.આર. (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) અર્થાત્ છાતી પર મસાજ આપ્યું હોત કે બાહ્ય ડિફિબ્રિલેટરની શૉક થેરપીનો ઉપયોગ કર્યો હોત તો મારી દીકરીનો જાન બચી જાત.
આ ઘટના પછી આ પ્રકારની સારવાર અંગેની જાગૃતિ અને જરૂરિયાત અંગે ઇલિનોઇની ધારાસભામાં ચર્ચા થઈ અને ૨૦૧૪માં એક ખરડો પસાર થયો કે તમામ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો અને સ્ટાફને સી.પી.આર. તેમ જ ડિફિબ્રિલેટર્સના ઉપયોગ અંગે શિક્ષિત કરવા અને એની તાલીમ આપવી જરૂરી છે. હકીકતમાં આ બન્ને બાબતોને સ્કૂલના રેગ્યુલર અભ્યાસક્રમમાં સામેલ કરવાની સૂચના અપાઈ. અલબત્ત, જે વિદ્યાર્થીના પેરન્ટ્સ આ માટે પરવાનગી ન આપે તેમને એમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાનું નામ લૉરેન્સ લૉ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કૉલમ : જોખમ લેવું કે ન લેવું?
આવા કાયદાઓને પરિસ્થિતિમાંથી શીખેલા પદાર્થપાઠ કહી શકાય ને! આપણે ત્યાં માનવભૂલો, માનવીય બેદરકારી અને અપૂરતાં સાધનો કે અપૂરતી જાણકારીને અભાવે કેટલા લોકોના જાન જાય છે. રસ્તા પરના ખાડા તો દર વરસે કેટલાય નિર્દોષોના જાન લે છે. જરા કલ્પના કરો કે આપણી જનતામાં અને આપણા શાસકો-વહીવટદારોમાં આ પ્રકારની અને આ સ્તરની જાગૃતિ કેળવાય તો કેટલા બધા નિર્દોષ લોકોના પરિવાર વિખેરાઈ ના જાય! પશ્ચિમની ફૅશનો અને લાઇફસ્ટાઇલનું અનુકરણ કરવામાં એક્કા આપણે જરાક તેમની આવી જાગૃતિની નકલ કરવામાં પણ માહેર બનીએ તો?!