કૉલમઃ જીદ ગાંધીની, જીદ ઝીણાની, જીદ અહમની, જીદ સ્વાભિમાનની
જીદ ગાંધીની, જીદ ઝીણાની, જીદ અહમની, જીદ સ્વાભિમાનની
મહાત્મા ગાંધીની જીદે દેશને આઝાદી અપાવી તો અલગ થવાની જીદ પકડીને બેઠેલા ઝીણાને લીધે હજારો અને લાખો લોકોનાં મૂળિયાં ઊખડી ગયાં. જીદ એક છે, પણ એ એક જ જીદનાં બે અલગ-અલગ પરિણામ છે. આ જ દર્શાવે છે કે જો અયોગ્ય સ્વભાવ નિરંતર સાથે રહેવા માંડે તો એ અનર્થ સર્જી શકે અને જો અયોગ્ય સ્વભાવને હથિયાર બનાવીને રાખવામાં આવે તો એનો ધાર્યો સકારાત્મક લાભ લઈ શકાય.
વાત સો ટકા સાચી છે અને એમાં કોઈ તર્કને અવકાશ સુધ્ધાં નથી. એક જ જીદનાં બે રૂપ છે. જો જીદનો સકારાત્મક ઉપયોગ થશે તો એ જીદ આભૂષણ બનીને ઊભરી આવશે અને જો જીદ સાથે નકારાત્મકતા જોડી દેશો તો એ હથિયાર કરતાં પણ વધારે ધારદાર રૂપ લેશે. જો ધારો તો જીદને હથિયાર બનાવી એ હથિયારનો અર્થહીન ઉપયોગ કરી શકો અને જો ધારો તો તમારી જીદ આભૂષણ બનીને તમારા સૌંદર્યમાં નવો નિખાર લાવી શકે છે. બહુ દૂર જવાની જરૂર નથી. મહાત્મા ગાંધી અને મહમદ અલી ઝીણાને જોઈ લેવાની છૂટ. ગાંધીની જીદમાં આભૂષણનું સૌંદર્ય હતું અને એટલે જ તે પોતાની જીદ પર અડગ રહીને દેશને આઝાદી જેવી અદ્ભુત ભેટ આપી શક્યા તો બીજી જીદથી એક રાષ્ટ્ર વચ્ચે સરહદ બની અને બીજા રાષ્ટ્રનું નિમાર્ણ થયું.
ગાંધીની જીદમાં આભૂષણનું સૌંદર્ય હતું તો ઝીણાની જીદમાં હથિયારની બદબૂ હતી. આ જીદ આજે પણ આપણે જોઈએ છીએ અને આજે પણ આપણી આસપાસ એ નગ્ન તાંડવ કરે છે. હથિયાર બનેલી જીદે તમારા જ કુટુંબીજનોમાં ભાગલા પડાવ્યાના દાખલાઓ પણ બેસાડી દીધા છે. જુદા થવા માટે જીદ પર ઊતરેલી વહુ કે પછી નાના ભાઈની જીદને લીધે એક પરિવારને બે ભાગમાં વહેંચી દેવાનું કામ કર્યું છે અને એ કામ વચ્ચે જીદ પોષીને અહમ્ને સંતોષવાનો આનંદ પણ લીધો છે, પણ એમ છતાં જીદનું સ્વરૂપ વરવું જ રહ્યું છે.
ગાંધીજીની આત્મકથા વાંચતાં હોઈએ ત્યારે એ આત્મકથામાં પણ બાપુની જીદ તમને દેખાયા વિનાની રહેતી નથી, પણ એક હકીકત એ પણ છે કે એ જીદમાં તમને નક્કરતા દેખાય છે અને એ નક્કરતામાં ક્યાંય અંગત સ્વાર્થની બદબૂ તમને સ્પર્શતી નથી, પણ એવું કામ વ્યવહારુ દુનિયા વચ્ચે કરી નથી શકાતું કે થઈ નથી શકતું. કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ, દરેકેદરેક વ્યક્તિએ આ કામ કરવું જ જોઈએ. વહુને પોતાની જીદ છે અને એ જીદને એણે હથેળીમાં જ રાખવી છે. સાસુની પાસે પોતાની જીદ છે તો સસરાના ગલોફામાં પોતાની જીદની તમાકુ ચડાવેલું છે અને એનો ધીમો, પણ અસરકારક નશો ધીમે ધીમે પેટમાં ઊતરી રહ્યો છે. નણંદને પણ જીદ છે અને જેઠાણીના ઉન્નત મસ્તક પર પણ જીદનો ખુમાર અકબંધ છે. અફસોસની વાત તો એ છે કે આ જીદ માટે એક પણ પક્ષ પાસે સચોટ કારણ નથી હોતું અને એ પછી પણ જીદનું ગુમાન સર આંખો પર જાળવી રાખવામાં આવે છે. જાળવવામાં આવતા આ ગુમાને કંઈકેટલાય પરિવારોને જુદાં કરીને મૂકી દીધા છે અને કંઈકેટલીય માઓને દીકરાઓ વચ્ચે મહિનાઓ મુજબ જીવન પસાર કરવા જવું પડે છે.
માન્યું કે જીદ એ જીવનનું પરમ સત્ય છે અને એ સત્યને ક્યારેય કોઈ તબક્કે તમે હાંકી કાઢી ન શકો, પણ આ સત્યની સાથોસાથ જોડાયેલું એક સત્ય એ પણ છે કે જીદ હાનિકર્તા પણ ન જ બનવી જોઈએ. પછી એ નુકસાન કોઈ પણ સ્તરનું કે ક્ષેત્રનું ભલે હોય. વાજબી રીતે અને યોગ્ય રીતે રજૂઆત ન થાય અને એને લીધે ધાર્યું કરવાનું જે ઝનૂન આવે એ જીદ, પેલી આભૂષણવાળી જીદ પણ જો આ ઝનૂનને બદલે ઘમંડ બનીને ગુમાનનું સ્વરૂપ ધારણ કરે તો એ પેલી હથિયારવાળી જીદ અને ધારો કે એવું જ બને તો એ જીદને કાબૂમાં લેવાનું કામ કોઈ કરી ન શકે. એ કાબૂમાં આવે એ પહેલાં અનેકના ભોગ પણ લેવાય અને અનેકના શિરચ્છેદ પણ થાય. બને કે જીદનું ઉદ્ભવસ્થાન કયું છે. જો ઉદ્ગમસ્થાન ગ્લાનિ અને અપમાન હોય તો એ જીદ પણ શિરચ્છેદ કરનારી હોય છે અને જો જીદનું ઉદ્ગમસ્થાન દુ:ખ હોય તો એ જીદ ક્યાંક અને ક્યાંક હકારાત્મકતા સાથે જોડાઈ જતી હોય છે. જગતમાં ત્રણ જીદને સૌથી ખરાબ ગણવામાં આવી છે. બાળહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ. જો આ ત્રણેત્રણ જીદને સમજવાની પાત્રતા મેળવી લેશો તો એટલું ચોક્કસ બનશે કે આ પ્રકારની જીદને જન્મ આપતાં પહેલાં એક નહીં અનેક વખત વિચાર કરશો.
સૌથી પહેલાં સમજવાની જરૂર છે બાળહઠને. બાળહઠના ઉદ્ગમસ્થાનમાં ક્યાંક અને ક્યાંક પઝેસિવનેસ, માલિકીભાવ આવી જાય છે. માલિકીભાવ સાથે કરવામાં આવતી જીદમાં અફસોસ એ વાતનો હોય છે કે હું કહું છું અને મારું માનવામાં નથી આવતું. તમે ધ્યાનથી જોશો તો તમને પણ વાતમાં વાજબીપણું દેખાશે. કહેવામાં આવેલી, માગવામાં આવેલી અને ડિમાન્ડ કરવામાં આવેલી વાત કે વસ્તુ જોઈએ અને મને જોઈએ એટલે એ મને મળે પણ ખરી એવો ભાવ જ્યારે મનમાં હોય અને એ ભાવનું સિંચન ન થાય ત્યારે પીડામાંથી જે જન્મે છે એ બાળહઠ છે. બાળહઠ બાળકોની જ હોય એવું જરા પણ જરૂરી નથી, એ સહેજ તમારી જાણ ખાતર. બૂઢામાં પણ બાળહઠનાં સીડ્સ જોવા મળે છે અને પુત્રવધૂમાં પણ બાળહઠના ગુણ જોવા મળતા હોય છે.
સ્ત્રીહઠ. સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જવલ્લે જ સ્ત્રીહઠે હકારાત્મક પરિણામ આવ્યું છે અને એનું કારણ જો કોઈ હોય તો અનુભવનો અભાવ છે. સ્ત્રીહઠ જ્યારે પણ દેખાય છે ત્યારે એમાં વાતાવરણ, પરિસ્થિતિ અને સંજોગો જોવામાં નથી આવતા હતા, પણ પોતાને કેન્દ્રસ્થાનમાં રાખીને જ વાત વિચારવામાં આવતી હોય છે. પરિણામે એવા સંજોગો ઊભા થાય છે કે સ્ત્રીહઠ મોટા ભાગના કિસ્સામાં સંહારક બનીને ઊભી રહી જાય છે. સ્ત્રીહઠમાં જો કોઈ હકારાત્મકતા હોય તો એ કે એમાં લાગણીનું સત્વ વધારે હોય છે અને સ્ત્રીહઠની નકારાત્મક વાત જો કોઈ હોય તો એ કે એમાં સ્વકેન્દ્રીયપણું વધારે સર્વોચ્ચ હોય એવું બનતું હોય છે.
આ પણ વાંચોઃ કૉલમ : નિષ્ફળતા નહીં, ઘોર ખોદવાનું કામ તો સફળતા કરે છે
ADVERTISEMENT
ત્રીજા ક્રમે આવે છે રાજહઠ. રાજહઠમાં અહમ્ કેન્દ્રસ્થાનમાં હોય છે. ગરોળી માટે હવેલી બાળી નાખવાની માનસિકતા પણ એમાં સામેલ છે અને એટલે જ કહી શકાય કે રાજહઠમાં સમજદારીનો અભાવ હોય છે. સમજદારીના અભાવ વિના જ્યારે પણ જીદને અમલમાં મૂકી દેવામાં આવે છે ત્યારે વિનાશની દિશા આપોઆપ ખૂલી જતી હોય છે અને જ્યારે વિનાશની દિશામાં વગર નિમંત્રણે ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે ત્યારે ખુવારીને કોઈ રોકી નથી શકતું. કોઈ દલીલ નહીં, કોઈ તર્ક નહીં, કોઈ બચાવ નહીં. ઇતિહાસ જોઈ લેવાનો, એમાં એક નહીં, અઢળક કિસ્સાઓ જોવા મળશે અને અઢળક ઘટનાઓ આસપાસમાં પણ જોવા મળી જશે. રાજહઠ ભયાનક છે અને એની ભયાનકતાની અસર બહોળા વર્ગે જોવી પડે છે. જીદની આ સમૂળગી ચર્ચામાં મુદ્દો માત્ર એ જ સ્પષ્ટ કરવાનો કે જીદને ઓળખતાં શીખશો તો વાજબી રીતે એને આભૂષણ બનાવીને રાખી શકશો, પણ જો ભૂલથી પણ એને હથિયાર બનાવ્યું તો એ તમને પણ હણવાની ક્ષમતા ધરાવે છે. આ જ વાતનો અંતિમ અને સામા છેડાનો દૃષ્ટિકોણ. જીદ જો સામે આવીને ઊભી રહે તો એનું શમન કરવું, વાજબી રીતે શમન કરવું એ પ્રથમ તબક્કે તમારા હાથમાં જ હોય છે. જો એનું શમન ન કરી શક્યા તો આભૂષણ બનેલી જીદ હથિયાર બની જાય તો વગર કારણે કોઈને દોષિત ગણવાની ભૂલ પણ ન કરવી, ક્યારેય નહીં, કારણ કે જીદના બદલાયેલા એ રૂપમાં તમારો પણ ફાળો તો નોંધાઈ જ ચૂક્યો હોય છે.