તમે તમારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ ચોવટ કરવા માટે કે પછી સારા શબ્દોમાં કહીએ તો રિલેશનશિપ બિલ્ટ કરવા માટે બનાવી રહ્યા છો.
પ્રતીકાત્મક તસવીર
હા, સાવ સાચી વાત છે. તમે તમારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ ચોવટ કરવા માટે કે પછી સારા શબ્દોમાં કહીએ તો રિલેશનશિપ બિલ્ટ કરવા માટે બનાવી રહ્યા છો. અમારે ત્યાં ગામડામાં વડીલો માટે જે રીતે પાદર બનતું એવું સોશ્યલ મીડિયા એ આજની સદીનું પાદર છે, પણ એ પાદરે બેસીને વાતો થતી, એકબીજાના ખબરઅંતર પુછાતા અને સારા-નરસા પ્રસંગે એકબીજાને ત્યાં જઈ શકે એને માટેનું વાતાવરણ બનાવવામાં આવતું. સોશ્યલ મીડિયાનું આ જ કામ છે અને એ જ હોવું જોઈએ, પણ મફતમાં ચાલતા આ અકાઉન્ટ પરથી ન્યુઝ વાઇરલ કરવાની અને એ બહાને સોશ્યલ મીડિયા પ્રેઝન્ટ ઊભી કરવાની માનસિકતા ધીમે-ધીમે ડેવલપ થઈ અને સોશ્યલ મીડિયાને કારણે જ એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ કે બ્રેકિંગ ન્યુઝે દોટ મૂકી. પરિણામ એ આવ્યું કે ન્યુઝની ખરાઈ કર્યા વિના પણ લોકો ભાગતા થયા અને પછી તો તમને ખબર જ છે, સોશ્યલ મીડિયા અફવાઓનું ઘર બનવા માંડ્યું. ન્યુઝ ડિલીટ કરી નાખો એટલે વાત પૂરી એવી ક્ષુલ્લક માનસિકતા ધરાવતા આ સોશ્યલ મીડિયા પર કડક પગલાં લેવાનું કામ, રાધર હિંમત જો કોઈએ કરી હોય તો એ કૅનેડા છે.
કૅનેડા સરકારે બે દિવસ પહેલાં આદેશ આપી દીધો કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ન્યુઝ પ્રસારિત થશે તો પ્રસારિત થયેલા એ ન્યુઝ માટે મીડિયા પ્લૅટફૉર્મે પેમેન્ટ કરવાનું રહેશે. આ વાત જરા ધ્યાનથી સમજજો. જો ફેસબુક પર ન્યુઝ આવ્યા હોય તો એનો ચાર્જ બીજા કોઈએ નહીં, પણ ફેસબુકની માલિકી ધરાવતી મેટા કંપનીના માલિક માર્કભાઈ ઝકરબર્ગે ચૂકવવાના. હવે આવું તો કોણ કરવા રાજી થાય અને આને માટે કયો ક્લાયન્ટ પણ પોતાની આઇડી પરથી કંપનીને પૈસા ચૂકવે?
ADVERTISEMENT
સિમ્પલ. માર્કભાઈએ શાણપણ વાપરીને ન્યુઝને લગતાં તમામ સેક્શન બંધ કરી દીધાં, તો સ્થાનિક ન્યુઝ એજન્સીનાં પેજ પણ બંધ કરી દીધાં. માત્ર ફેસબુક જ નહીં, ઇન્સ્ટાગ્રામને પણ આ જ વાત લાગુ પડી હોવાથી એ જગ્યાએ પણ કંપનીએ આ જ નિયમ કરી નાખ્યો અને ન્યુઝ સાથે સંકળાયેલાં તમામ અકાઉન્ટ બંધ કરી દીધાં. કૅનેડા ગવર્નમેન્ટને સોશ્યલ મીડિયાનો અનુભવ થતો હોવાથી પદાધિકારીઓએ આ નિર્ણય લીધો અને સોશ્યલ મીડિયા માત્ર પંચાત-પાદર રહે એવું આયોજન કરી નાખ્યું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત પણ બાવીસ પ્લૅટફૉર્મ એવાં છે જે બધાને નોટિસ પહોંચી ગઈ છે અને એ બધાએ સુધરીને, ડાહ્યાડમરા થઈને બધાનાં અકાઉન્ટ બંધ કરી દીધાં છે.
આવતા સમયમાં મીડિયા-મેસેન્જરમાં પણ આ જ નિયમ લાગુ કરવામાં આવે એવી વાત છે. તમે ન્યુઝ રિલેટેડ કશું જ ફૉર્વર્ડ ન કરી શકો. તમારું મેસેન્જર માત્ર તમારી ફૅમિલી અને ઑફિસના કામ માટે જ ચાલે અને તમારે એનાથી જ સંતોષ માનવાનો. બહુ વાજબી કહેવાય એવું આ સ્ટેપ છે અને આ સ્ટેપ દુનિયાના બધા દેશોએ લેવાની તાતી જરૂર છે. સોશ્યલ મીડિયા હવે માથે ચડ્યું છે અને માથે ચડીને એ તાગડધિન્ના કરે છે. આ તાગડધિન્ના સામે પણ કોઈ વિરોધ કે વાંધો નહોતો, પણ સાહેબ, એ કાનમાં આવીને પીપી કરે એ તો કેમ ચલાવી લેવાય?
ભારત સરકાર, સાંભળો છોને, પ્લીઝ. હરકતમાં આવો.