જાગ્યા પછી સ્નાન તો સૌ કરે, પરંતુ કુંભસ્નાન કર્યા પછી કુંભનિદ્રાથી જગાડતા મહાશિવરાત્રિના જાગરણ દ્વારા અનેક વસ્તુઓ શીખી શકાય છે અને પામી પણ શકાય છે.
કુંભ મેળો
જાગ્યા પછી સ્નાન તો સૌ કરે, પરંતુ કુંભસ્નાન કર્યા પછી કુંભનિદ્રાથી જગાડતા મહાશિવરાત્રિના જાગરણ દ્વારા અનેક વસ્તુઓ શીખી શકાય છે અને પામી પણ શકાય છે.
શિવભક્ત તો દરેક વદ ચૌદસની તિથિનું વ્રત કરે છે, પરંતુ મહા માસની વદ ચૌદસની અર્ધરાત્રિએ સૌપ્રથમ જ્યોતિર્લિંગનો ઉદ્ભવ થવાથી આ પર્વ મહાશિવરાત્રિના નામથી વિખ્યાત થયું. આ રાત્રિએ જ શિવ-શક્તિનાં લગ્ન થયાં હતાં અને તેમના મિલનથી સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જા ફેલાઈ હતી. આ ઊર્જાને ઝીલવા ભાવિકો પૂરી રાત જાગરણ અને શિવપૂજા કરે છે.
ADVERTISEMENT
અન્ય દેવતાઓની પૂજા કે ઉત્સવ દિવસે મનાવી શકાય છે, પણ ભગવાન શંકરને રાત્રિ વધુ પ્રિય છે. બ્રહ્મા અને વિષ્ણુ સૃષ્ટિના સર્જન અને પાલન સાથે સંકળાયેલા છે, પરંતુ ભગવાન શંકર સંહારશક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા છે. તમ એટલે અંધકાર તેથી તમોમયી રાત્રિ સાથે તેમનો સ્નેહ (પ્રેમ) હોવો એ એક સ્વાભાવિક બાબત છે. રાત્રિ અનેક પ્રકારના સંહાર સર્જે છે. એનું આગમન થતાં જ પ્રકાશનો નાશ થાય છે, જીવોનાં દૈનિક કર્મોનો નાશ (વિરામ) થાય છે અને અંતે નિદ્રા દ્વારા જાણે ચૈતન્યનો સંહાર થઈને સંપૂર્ણ સૃષ્ટિ રાત્રિની ગોદમાં અચેતન થઈને છુપાઈ ગઈ હોય એવું લાગે છે. બીજી બધી શક્તિઓ કે દેવો ભલે નિદ્રાધીન હોય, પરંતુ ભગવાન શિવ જાગતા હોય છે. આ કારણે ભગવાન શંકરની આરાધના રાત્રિમાં કે પ્રદોષ (રાત્રિના પ્રારંભનો સમય)ના સમયમાં કરી શકાય છે.
સુદ પક્ષમાં ચંદ્ર પૂર્ણ અને ચડતી કળામાં હોય છે અને વદ પક્ષમાં એ ઘટતી અને ક્ષીણ થતી કળામાં હોય છે. ક્રમશઃ ઘટતાં-ઘટતાં ચંદ્ર અમાસે બિલકુલ લુપ્ત થઈ જાય છે. ચંદ્રનો ક્ષય થવાથી દરેક જીવના અંતઃકરણમાં તામસી શક્તિઓ પ્રબુદ્ધ થઈને અનેક પ્રકારના નૈતિક અને સામાજિક અપરાધોનું કારણ બની જાય છે. આ શક્તિઓને આધ્યાત્મિક ભાષામાં ભૂત, પ્રેત કે પિશાચ જેવાં ડરામણાં અને સંહારક નામ અપાયાં છે. શિવને તેમના નિયંત્રક માનવામાં આવ્યા છે. દિવસમાં જોકે પ્રકાશવાન સૂર્યની હાજરી અને આપણી જાગરૂકતાને કારણે આ તામસી શક્તિઓ પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ ચંદ્રવિહીન અંધકારથી રાત્રિના આગમનથી જ તે પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે એટલા માટે પાણી આવતાં પહેલાં પાળ બાંધવામાં આવે છે. એ રીતે જ આ ચંદ્રક્ષય (અમાસ) તિથિ આવવાથી તરત જ એના પહેલાં જ આ સંપૂર્ણ તામસી વૃત્તિઓના શમન માટે આ વૃત્તિઓના એકમાત્ર અધિષ્ઠાતા ભગવાન શંકરની આરાધના કરવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે માટે જ વદ ચૌદસની તિથિની રાત્રિએ શિવ આરાધનાનું મહત્ત્વ વધી જાય છે.
આપણે જોઈએ છીએ કે ચોરીનું પ્રમાણ રાત્રે વધી જાય છે. રાત્રિના સમગ્ર સૃષ્ટિ નિદ્રાધીન હોવાથી ચોર-લૂંટારાઓનું કામ સરળ બની જાય છે. આ જ સમયે જાગતા રહેવું લાભદાયક બની રહે છે.
જાગરણ દરમ્યાન આપણે મહાદેવનું ભાવપૂર્વક પૂજા-અર્ચન કરી શકીએ તો તેમનું ધ્યાન પણ આપણા તરફ આકર્ષાય છે અને તેમની કૃપા વરસતી રહે છે. તેમની ઊર્જા આપણને પણ મળતાં અનેક સમસ્યાઓને હલ કરવાની અમાપ શક્તિ મળતી રહે છે. અગાઉના લેખોમાં આપણે ઉપવાસ અને ઉપવાસથી થતા લાભ વિશે તો ઘણું જાણ્યું.
ઋષિ-મહર્ષિઓએ સમસ્ત આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ માન્યા છે. ભગવદ્ગીતાના બીજા અધ્યાયના પ૯મા શ્લોક મુજબ ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ’ અનુસાર ઉપવાસ એ વિષય (વાસના કે ઇચ્છા)ની નિવૃત્તિનું એક અચૂક સાધન છે તેથી આધ્યાત્મિક સાધના માટે ઉપવાસ કરવો એ પરમ આવશ્યક છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણના મહત્ત્વ પર ગીતામાં આ જ અધ્યાયના ૬૯મા શ્લોકમાં જણાવાયું છે કે ‘યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાર્ગિત સંયમી’. આ કથનનું તાત્પર્ય એ થાય છે કે ઉપવાસ વગેરે દ્વારા ઇન્દ્રિયો અને મન પર નિયંત્રણ કરનાર સંયમી વ્યક્તિ જ રાત્રિએ જાગીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ થઈ શકે છે તેથી શિવઉપાસના માટે ઉપવાસ અને રાત્રિ જાગરણ ખૂબ જ યોગ્ય છે. રાત્રિપ્રિય શિવની સાથે મુલાકાત કરવાનો સમય રાત્રિ સિવાય અન્ય કયો હોઈ શકે છે? આ સઘળાં કારણોને લક્ષમાં લઈને આ મહાવ્રતમાં શ્રદ્ધાળુઓ ઉપવાસની સાથોસાથ રાત્રિના જાગરણ કરીને શિવની પૂજા કરે છે.
શિવપુરાણ અનુસાર ભક્તોએ પ્રાતઃકાળે ઊઠીને સ્નાન-સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈને શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવાં જોઈએ. હાથમાં પુષ્પ, અક્ષત, જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે. રાત્રિના ચારેય પ્રહરોની પૂજાનું વિધાન શાસ્ત્રોમાં જોવા મળે છે .
શિવ પરિણીત હોવા છતાં કામવાસના પર નિયંત્રણ મેળવેલા વિજેતા સમાન છે. ગૃહસ્થ હોવા છતાં સંન્યાસી જીવન જીવી શકે છે, ઝેર પીને પણ વિષથી અલિપ્ત રહી શકે છે, રિદ્ધિ-સિદ્ધિના સ્વામી હોવા છતાં પણ તેમનાથી અલિપ્ત રહી શકે છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે. ઝેરી નાગ અને સૌમ્ય ચંદ્રજી એ બન્ને વિરોધાભાષી તત્ત્વોને તેમણે પોતાનામાં સમાવ્યાં છે. લલાટમાંમાં ત્રીજી આંખમાં સર્વસ્વ ભસ્મ કરી શકે એવો અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો વિશેષ શણગાર છે.
તેમને ત્યાં નંદી અને સિંહ તથા મોર અને સર્પ એકસાથે રહી શકે છે, જીવન જીવી શકે છે.
આ વાત હાલના સંજોગોમાં અતિ મહત્ત્વની છે. સનાતન ધર્મના અદ્ભુત રત્ન સમાન કુંભમેળામાં અમૃત સ્નાન તો કર્યું, પરંતુ હવે જ સનાતનધર્મીઓએ ખરેખર જાગરણ કરવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે.
શિવે આપણને જાગરણ કરતાં તો શીખવ્યું અને એના ઘણા વ્યક્તિગત લાભ થાય છે એ પણ આપણે જોયું, પરંતુ તેઓ જેમ વિવિધ વિરોધાભાસી તત્ત્વોને એક કરીને જીવે છે એ ગુણમાંથી આપણે પણ શીખવું જોઈએ .
વિવિધ કાર્યોની વહેંચણી થાય અને રોજિંદા કામમાં સરળતા રહે એ માટે વર્ણાશ્રમ ધર્મ અપનાવવામાં આવ્યો હતો જેમાં બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય અને શૂદ્ર જેવા ભાગ પડી ગયા હતા. આ ચારે વર્ણો એકબીજાના વિરોધી નહીં પણ પૂરક હતા. જેમ મસ્તક, હૃદય, હાથ અને પગ મળીને એક શરીર બને છે એમ આ ચારે વર્ણો હળી-મળીને રહે તો એક સશક્ત સમાજ બને છે. આપણા આ સશક્ત સમાજને ભૂતકાળમાં ઊંચનીચ, અસ્પૃશ્યતા, જાતિવાદ અને જાતિભેદના નામે ઘણો નબળો પાડી દેવામાં આવ્યો હતો. આ નબળાઈનો લાભ અરાજક તત્ત્વો અને વિદેશીઓએ ખૂબ લીધો. જે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી એ દેશ કંગાળ થવા લાગ્યો હતો. ડિવાઇડ ઍન્ડ રૂલની થિયરી વાપરીને આપણું શોષણ જ કરવામાં આવ્યું હતું. કુંભમેળામાં જેમ દરેક વર્ણના ભારતીયોએ અતૂટ સંપ અને ઉત્સાહની ધ્વજા લહેરાવી એ ધજા ભવિષ્યમાં પણ લહેરાતી રહે અને કોઈ પણ બાહ્ય પરિબળ આપણને અલગ ન કરી શકે એ માટે સજાગ રહેવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે, જાગરણની જરૂર છે એ વાત શિવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે યાદ રાખવાની જરૂર છે.
(ક્રમશ:)

