શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં વર્ષની શરૂઆત માગશર માસથી થતી હતી
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
શેરડીના આખા સાંઠાને દાંતથી છોલીને એનો રસ સીધો જ જેમણે પીધો હોય એ જ માગશર માસની મીઠાશને સમજી શકે. તુલસી વિવાહના મંડપ માટે વપરાયેલા શેરડીના સાંઠાઓ ઘરે-ઘરે વહેંચવાની એક સુંદર પ્રથા હતી. દાંતથી છોલી શેરડી ખાનારી આ કદાચ છેલ્લી પેઢી હશે. વેદકાળની વસંત ઋતુ એટલે માગશર માસ. લગ્નોની ફૂલબહાર સીઝન એટલે માગશર માસ. શેરડીના રસની કુદરતી મીઠાશ જેવું કલાપીનું ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ યાદ આવે. આ ઋતુનું કેવું સરસ વર્ણન છે! વૃદ્ધ માતા અને તાત સગડી કરી તાપે છે. ખેતરમાં રમતાં નાનાં બાળકોના રાતા ગાલ પર સૂરજ કિરણોરૂપી હાથ ફેરવે છે. નભ સ્વચ્છ છે, એકે વાદળી નથી. ઠંડો હિમભર્યો વાયુ વાય છે, એ હેમંત ઋતુની શરૂઆત. માગશર મહિનો હેમંતની આલબેલ પોકારે છે. શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં વર્ષની શરૂઆત માગશર માસથી થતી હતી અને એ સમયે વસંત પણ ખીલી ઊઠતી હતી. પણ વર્તમાન સમયમાં બન્ને અલગ થઈ ગયાં છે. બે મહિનાનો તફાવત આવી ગયો છે. આ વર્ષે માગશર અને ડિસેમ્બર સાથે-સાથે ચાલે છે. એકબીજાના હાથમાં હાથ પરોવીને, મિત્રની જેમ. માગશર સુદ સાતમ ને ‘મિત્રસાતમ’ કહે છે એ કેવો યોગાનુયોગ! આ મહિનાની સુદ બીજ એ બહુચરામાતાની પ્રાગટ્ય તિથિ. ‘મા’ ને યાદ કરો તો ‘બહુચરબાવની’ રચનાર વલ્લભ ભટ્ટને કેમ ભુલાય? રંગતાળી-રંગતાળીનો આનંદનો ગરબો રચનાર વલ્લભ ભટ્ટ નવરાત્રિ ઊજવાતી રહેશે ત્યાં સુધી યાદ રહેશે. એક કિંવદંતી મુજબ જેમ નરસિંહ મહેતાનું મામેરું ગિરધરશેઠે કર્યું હતું એમ વલ્લભ ભટ્ટના બ્રાહ્મણ અતિથિઓને બહુચરામાએ માગશર મહિનામાં રસ-રોટલી જમાડી મુશ્કેલ એવી તેમની ઇચ્છા પૂરી કરી (એક સમાચાર મુજબ આફ્રિકાથી અદ્દલ આફૂસની બહેન કહેવાય એવી કેરીઓ મુંબઈ માર્કેટમાં માગશરમાં જ આવી ગઈ છે).
તાંત્રિકો અને માંત્રિકોની સાધના માટે પણ આ મહિનો ઉત્તમ છે. સુદ સાતમે પુષ્ટિમાર્ગીઓ ગોકુલનાથજીનો ઉત્સવ રંગેચંગે ઊજવે છે. સુદ અગિયારસ ‘મોક્ષદા’ કહેવાય છે. ગજેન્દ્ર મોક્ષ અને વિષ્ણુસહસ્ર નામનો મહિમા છે. તો પૂનમ ભગવાન દત્તાત્રેયનો જન્મ મહોત્સવની સાથે-સાથે શ્રીનાથજીના છપ્પનભોગનો પણ ઉત્સવ. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, ભગવદ્ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે ‘મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું.’ ફૂલગુલાબી ઠંડીમાં ઘરે જ હિલ સ્ટેશનની મજાની સાથે તહેવારોની સીઝન માણતાં કહીએ, ‘ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં.’
ADVERTISEMENT
- યોગેશ શાહ