અફિલીએટ માર્કેટિંગમાં કોઈ પણ થર્ડ વ્યક્તિની પ્રોડક્ટ તમારે સેલ કરવાની અને એ પ્રોડક્ટ વેચાય તો તમને એના પૈસા મળે, જેમ કે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ સેલ કરવા તમને આપે છે અને એ પ્રોડક્ટ જો વેચાય તો એના પર અમુક ટકા કમિશન મળે
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સોશ્યલ મીડિયા પર ઘરે બેસીને કમાવી શકો એવી લોભામણી ઍડ્વર્ટાઇઝમેન્ટ ભરપૂર આવ્યાં કરે છે, જે આપણે રોજ જોતાં હોઈએ છીએ, જેમાં લખ્યું હોય કે ઘરે બેસીને ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ કમાઓ. એટલું જ નહીં, જો એ કોર્સ વિશે કોઈને રિફર કરશો તો એમાં તમને પણ કમિશન મળશે. અફિલીએટ માર્કેટિંગમાં કોઈ પણ થર્ડ વ્યક્તિની પ્રોડક્ટ તમારે સેલ કરવાની અને એ પ્રોડક્ટ વેચાય તો તમને એના પૈસા મળે, જેમ કે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ સેલ કરવા તમને આપે છે અને એ પ્રોડક્ટ જો વેચાય તો એના પર અમુક ટકા કમિશન મળે. તમારું કામ માત્ર પ્રોડક્ટને સેલ કરવાનું હોય છે. કોઈ વ્યક્તિ જો ખરીદી કરે તો એની ડિલિવરી, સર્વિસ જેવી બધી જિમ્મેદારી એ કંપનીની હોય, પણ શું આ ખરેખર પૉસિબલ છે?
આવી ઍડ જોઈને આપણે જલદી અને વધુ પૈસા કામવાની લાલચમાં તેમણે આપેલા નંબર પર કૉલ કરીએ ત્યારે આપણને એવું જાણવા મળે કે તમારે એના માટે કોર્સ કરવો પડશે, એની દસથી પંદર હજાર ફી ભરવી પડશે. આવા કોર્સ કર્યા બાદ પણ કોઈ ગૅરન્ટી નથી હોતી કે તમને કોઈ ફિક્સ અમાઉન્ટ મળશે. ખાસ કરીને યુવાનો આ પ્રકારની લાલચમાં ફસાઈ જાય છે અને તેમનો કીમતી સમય બરબાદ કરે છે, એનું કારણ હોય છે શૉર્ટકટથી પરિણામ મેળવવાની લાય.
ADVERTISEMENT
એ તો હવે બધા જ જાણે છે કે ઑનલાઇન સોશ્યલ મીડિયા પર બતાડવામાં આવતી ઍડ્વર્ટાઇઝમેન્ટમાંથી મોટા ભાગની ઍડ બોગસ હોય છે કાં પછી એમાં જે પ્રોડક્ટ કે દાવા થયા હોય છે એ સાચા નથી હોતા, જેની સાથે આપણે આપણી બધી ડીટેલ્સ શૅર કરી દેતાં હોઈએ છીએ. ઑનલાઇન ફ્રૉડના કેસ વધી રહ્યા છે એનું કારણ આવા પ્રકારની બોગસ ઍડ્વર્ટાઇઝમેન્ટ છે. માટે ખરેખર તમે આવા પ્રકારના ફ્રૉડથી બચવા તમારી આસપાસ, ઓળખીતા તેમ જ તમે તમારા નૉલેજના આધાર પર જાતે ચકાસીને કામ કરવાનું શરૂ કરો.
પૈસા કમાવવા માટે શૉર્ટકટ હોતા નથી. એ વાત સાચી છે એવું જ્યારે આપણી સામે શૉર્ટકટની લાલચ આવે છે ત્યારે સમજાતી નથી હોતી. આવા શૉર્ટકટ્સ વાપરવા કરતાં ઇમાનદારીથી કામ કરી જાતમહેનતથી પૈસા કમાવવામાં વધારે મજા છે. એનું કારણ એ છે કે મહેનતની કમાણી કરવામાં કોઈને ફસાવવાનું ગિલ્ટ કે આપણા પૈસા અટકી ગયાનો કોઈ ડર નથી રહેતો.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)