અહીં સાસરીમાં પણ સાસુ-સસરા રહ્યાં નહીં. મોટાં જેઠ-જેઠાણીની દીકરી દુબઈમાં પરણી અને બંને દીકરા અમેરિકા ભણવા ગયા તે ત્યાં જ રહી ગયા. સમયગાળે ઉદય અને પ્રભા પોતાનો ફ્લૅટ વેચીને દીકરાઓ પાસે રહેવા જતાં રહ્યાં.
શૉર્ટ સ્ટોરી
ઇલસ્ટ્રેશન
હર્યુંભર્યું એવું સવિતાનું પિયર. લાડકું નામ સવિ. દાદા ધનજીભાઈ, દાદી મોંઘીબહેન, મમ્મી-પપ્પા, મોટાં કાકા-કાકી, નાનાં કાકા-કાકી, તેમનાં કુલ આઠ બાળકો અને પોતે મળીને ત્રણ સગાં ભાઈ-બહેન. આવા સંયુક્ત વિશાળ કુટુંબમાં સૌ હળી-મળીને રહે. ક્યારેય તારું-મારું કે સગાં અને પિતરાઈ ભાઈ-બહેનમાં કોઈ ભેદભાવ નહીં. આ બધાને સવિ પર અતિશય પ્રેમ. અને કેમ ન હોય? કુલ અગિયાર ભાઈ-બહેનોમાં સૌથી નાની ને સાવ સરળ. તેના જાગવાની સાથે જ આ શાહ પરિવારમાં સવાર પડે. નહાઈ-ધોઈ, ઢીંગલીની જેમ તૈયાર થઈને દાદીમા સાથે કાનાને ભજન ગાઈને જગાડવો, ‘યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું વા’લમા...’ દાદી ગાતાં જાય ને સવિ તેમના કહ્યા મુજબ કાનાને નવડાવે, નવા વાઘા પહેરાવે અને પ્રસાદ ધરાવે. એ પછી જ શાળા માટે તૈયાર થઈને નીકળે.
આવી આ સવિને એક છીંક પણ આવે તો આખું ઘર ઊંચું-નીચું થઈ જાય અને દાક્તરોની લાઇન લાગી જાય. જો તે માંદી પડે તો દાક્તરોનો આવરો-જાવરો તો ઠીક, મંદિરોના ફેરા અને જુદી-જુદી માનતાઓમાં ઘરના હરકોઈ કામે લાગી જાય. કહોને, ચાંદીની ચમચી ને સોના જેવું ઝગમગતું નસીબ લઈને જન્મી હતી સવિ.
ADVERTISEMENT
વળી શહેરના મધ્ય પરામાં વિશાળ રજવાડી બંગલામાં આ સુખી પરિવાર પર ઈશ્વરના ચાર હાથ. કુબેરનો ભંડાર જાણે અહીં જ ઠલવાયો હોય એમ લાગે. તોય કોઈને આ ઐશ્વર્યનું અભિમાન નહીં. સંસ્કાર અને ગુણમાં સૌ એકમેકથી ચડિયાતા. તેમના ઘરેથી કોઈ જરૂરિયાતમંદ ખાલી હાથે પાછું ન જાય.
દિવાળીના દિવસે મીઠાઈ, કપડાં, સીધું લેવા ગરીબ લોકોની રીતસર લાઇન લાગે. આજુબાજુના વિસ્તારોમાંથીયે સેંકડો લોકો આવે. તોય જાણે આ ઘરમાં ઈશ્વરે અક્ષયપાત્ર ઠાલવ્યું હોય એમ કોઈ પણ લીધા વિના પાછું ન જાય. બીજાં ભાઈ-બહેનો સંગે સવિ પણ ખુશી-ખશી સઘળું આપતી જાય ને લોકોના આશીર્વાદ લેતી જાય. ક્યારેક મમ્મી કે કાકીએ લાવેલી બાર્બી ડૉલ કે નવાં-નવાં રમકડાં તેની સખીઓને ગમે તો અચકાયા વગર આપી દે.
આવી વિશાળ હૃદયવાળી સવિ માટે દાદા-દાદી, માવતર અને સર્વ વડીલોને ખૂબ ગર્વ હતો.
સમયાંતરે એક પછી એક ભાઈઓ અને બહેનો પરણીને પોતાની ગૃહસ્થીમાં થાળે પડવા લાગ્યાં. ભાભીઓ દૂધમાં સાકરની જેમ આ બહોળા કુટુંબમાં સમાઈ ગઈ તો બહેનોએ સાસરિયાંમાં માવતરે આપેલા સંસ્કારને લઈને પિયરિયાંનું નામ રોશન કર્યું. હવે રહી એક સવિ. તેને તો ખૂબ ભણવું હતું. જોકે કૉલેજના આખરી વર્ષમાં જ દક્ષિણ મુંબઈમાં ચાર-ચાર બેડરૂમના બે ફ્લૅટ, મોટા બે હૉલ અને નીચેના ફ્લૅટમાં વિશાળ રસોડું ધરાવતા મનસુખભાઈના નાના દીકરા સત્યેન્દ્રનું કહેણ લાવ્યું. સત્યેન્દ્રથી મોટો ઉદય તેની પત્ની પ્રભા અને ત્રણ બાળકો સહિત ઉપરના ફ્લૅટમાં રહેતો. એથી નીચે મનસુખભાઈ તેમનાં પત્ની મીના અને સત્યેન્દ્ર રહેતા હતા.
આધુનિક રાચરચીલું, નવીન ઉપકરણો ધરાવતું રસોડું - જે એક જ રાખવામાં આવેલું જેથી પૂરો પરિવાર સાથે મળીને જમે અને સૌમાં ઐક્ય રહે. નોકર-ચાકર અને મહારાજની પૂરી ફોજ હતી. વળી સંસ્કાર અને શાલીનતામાં મનસુખભાઈ અને ધનજીભાઈ બંને કુટુંબ એક જ ત્રાજવે તોળાય. ના પાડવાનો સવાલ જ નહોતો. સગપણ થયું ને જેવી સવિની કૉલેજ પતી કે લગ્ન લેવાયાં.
આગળ ભણવા ન મળ્યું એનું દુખ, પણ પ્રેમાળ પતિ અને સાસરિયાંમાં સવિ હોંશે-હોંશે સમાઈ ગઈ. પિયર જાય ત્યારે સાસરીનાં ગુણગાનમાંથી ઊંચી જ ન આવે. દાદા-દાદી, માવતરને તો સવિ માટે શોધેલું આ ભર્યુંભાદર્યું ઘર, સુરીલો સંસાર, હરકોઈનો તેના પર અપાર પ્રેમ જોઈને સવિનું આ લગ્નજીવન તેની કાના પ્રત્યેની સેવા-પૂજાના ફળસ્વરૂપે મળ્યું હોય એમ લાગ્યું. પાંચે આંગળીએ દેવ પૂજ્યા હોય તેને જ આવું ઘર મળે. તોય સવિની ખબર હરકોઈ રાખતું. તેને કોઈ વાતનું દુખ નથીને બસ એ જ ફિકર રહેતી. જોકે સત્યેન્દ્ર અત્યંત પ્રેમાળ પતિ હતો. સવિનું ખૂબ ધ્યાન રાખતો અને તેની સઘળી ઇચ્છા પૂરી કરવાની કોશિશ કરતો. સાસુ-સસરા અને જેઠાણી પણ સવિને ખૂબ લાડ લડાવતાં. સવિ અહીં પણ વહેલી સવારે નાહી-ધોઈને સાસુની સાથે પૂજાપાઠમાં લાગી જતી. તાજાં ફૂલો વડે રોજ નવી-નવી માળા કાના માટે બનાવતી. પછી મહારાજ સાથે રસોઈના કામમાં લાગી જતી. ગરમ નાસ્તો, બધાને ભાવતાં ભોજનનો તે ખૂબ ખ્યાલ રાખતી. મીનામા અને પ્રભાભાભી તો સવિનાં પગલાં સાથે જાણે ઘરની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયાં.
વખત જતાં સવિ બે દીકરાની મા બની, પણ ત્યાં સુધી દાદા-દાદી અને મોટાં કાકા-કાકી હયાત નહોતાં. નાના કાકાના બે દીકરાઓ સિંગાપોર કામ કરતા હતા એટલે તેમણે પણ માબાપને ત્યાં બોલાવી લીધાં. બીજા દીકરાના જન્મ બાદ મમ્મી કૅન્સરના જીવલેણ રોગમાં ઈશ્વરને ધામ ગઈ, જ્યારે પપ્પાને ભૂલવાની બીમારી વળગી. મોટા ભાઈઓ અને બહેનો પણ પોતપોતાના સંસારમાં વ્યસ્ત હતાં.
અહીં સાસરીમાં પણ સાસુ-સસરા રહ્યાં નહીં. મોટાં જેઠ-જેઠાણીની દીકરી દુબઈમાં પરણી અને બંને દીકરા અમેરિકા ભણવા ગયા તે ત્યાં જ રહી ગયા. સમયગાળે ઉદય અને પ્રભા પોતાનો ફ્લૅટ વેચીને દીકરાઓ પાસે રહેવા જતાં રહ્યાં.
સત્યેન્દ્ર સવિને ખૂબ પ્રેમ કરતો. દીકરાઓના ઉછેર અને કેળવણી બાબત સવિના દરેક નિર્ણયમાં તે સાથ આપતો. સત્યેન્દ્ર જેવો પ્યારો પતિ, પ્રેમાળ પિતા, કુશળ અને ઈમાનદાર ધંધાદારી, સૌ પ્રત્યે કરુણાભાવ રાખનાર ભરથાર પામીને સવિ પોતાની જાતને ધન્ય માનતી અને રોજ કાના પાસે જન્મોજનમ આ જ ભરથાર દેજે એવી પ્રાર્થના કરતી. દીકરાઓ પણ કેવા? માબાપનો પડ્યો બોલ ઝીલતા. પૈસાનો ઘમંડ નહીં, વર્તનમાં ક્યાંય આછકલાપણું નહીં એવા ભારોભાર સંસ્કારથી શોભતા આ દીકરાઓ ક્યારે ભણીને પાર ઊતરે અને ક્યારે પોતાની દીકરીઓનું માગું નાખીએ એવા કેટલીયે દીકરીનાં માબાપના ઓરતા હતા.
મોટો કિરણ ખૂબ ભણ્યો. સવિની ભણવાની ઇચ્છા કિરણે પૂરી કરી. તે ગ્રૅજ્યુએશન, પોસ્ટ-ગ્રૅજ્યુએશન, એમબીએ ભણ્યો અને પપ્પાના ધંધામાં જોડાઈ ગયો. પોતાની બુદ્ધિ અને કુનેહથી તેણે ધંધાને ઘણો વિસ્તાર્યો. નાનો દીકરો સમીર પણ ખૂબ ડાહ્યો અને સમજુ હતો. પિતરાઈ ભાઈઓના પગલે તે અમેરિકા ભણવા ગયો. ત્યાં પોતાની સાથે ભણતી જેનિફર નામની અમેરિકન છોકરીના પ્યારમાં પડી તેની સાથે લગ્ન કરીને ત્યાં જ ઠરીઠામ થઈ જવાનો નિર્ણય લીધો. સત્યેન્દ્ર, સવિ અને મોટા ભાઈને અમેરિકા તેડાવ્યાં. ઉદયકાકા, પ્રભાકાકી અને તેમના દીકરાઓ અમેરિકામાં જ રહેતાં હતાં. કાકાની દીકરી દુબઈ પરણી હતી તેને પણ સપરિવાર આમંત્રણ આપીને તેડાવી અને માતા-પિતાની સંમતિ અને પૂરા પરિવારની હાજરીમાં હિન્દુ વિધિથી અને ચર્ચમાં બંને રીતરિવાજથી લગ્ન કર્યાં. જેનિફર ઘણી ડાહી અને પ્રેમાળ હતી. બધાની સાથે પ્રેમથી હળી-મળી ગઈ. સત્યેન્દ્ર અને સવિને ચાર મહિના માટે રોકી લીધાં. જોકે માણસોના મેળા વચ્ચે રહેલાં સવિ અને સત્યેન્દ્રને અમેરિકાની જિંદગી ન ફાવી. દૂર-દૂર સુધી કોઈ દેખાય નહીં. બાજુમાં કોણ પાડોશી છે એની જાણ નહીં. શાકપાન લેવા જવા કોઈ બજાર નહીં. ફોન પર વાત કરવા કોઈ મળે નહીં. આ જીવન એ બંનેને ન સદ્યું. ચાર મહિને પાછા ફર્યાં અને મુંબઈની હવામાં નિરાંતનો શ્વાસ લીધો. બે વરસે અમેરિકાથી દીકરો-વહુ નોકરીમાંથી લાંબી રજા લઈને મુંબઈ ઘરે આવ્યાં. અહીં મહિનોમાસ રોકાયાં. સવિ અને સત્યેન્દ્રને લઈને ભારતભરનાં કેટલાંય શહેરો ફરી વળ્યાં. વળી શ્રીનાથજીનાં દર્શને પણ જેનિફર હોંશે-હોંશે ગઈ. પાછા ફરવાનું મન તો નહોતું, પણ નોકરીમાંથી લીધેલી રજા પૂરી થવામાં હતી એટલે દુખી હૃદયે સૌ છૂટા પડ્યા.
હવે કિરણ માટે કન્યા ખોળવાની હતી. સવિએ જ્ઞાતિના મેળાવડામાં એક જાણીતી શાળાના માસ્તરની દીકરી સંજુક્તાને જોઈ. રૂપાળી, આત્મવિશ્વાસથી છલોછલ, સુઘડ અને સુરેખ આ છોકરી સવિને પહેલી જ નજરમાં ગમી દઈ. ઘર સાધારણ, પણ આદર્શ અને મૂલ્યોમાં માનવાવાળું. સંજુક્તા બાર વરસની હતી ત્યારે જ તેની માતા મૃત્યુ પામી હતી. રાતોરાત તે પીઢ બની ગઈ અને આખું ઘર સંભાળી લીધું. પિતા માસ્તર હતા એટલે શિક્ષણનું એટલું જ મહત્ત્વ હતું. સંજુક્તાએ સીએ થઈને એક ફર્મમાં નોકરી લઈ લીધી હતી. સવિએ સત્યેન્દ્ર અને કિરણને વાત કરી અને એ બંનેની સંમતિ મળતાં સંજુક્તાનો હાથ માગ્યો. દીકરીનાં આવાં ઊજળાં ભાગ્ય જોઈને માસ્તર ગદ્ગદ થઈ ગયા. માસ્તરની ઇચ્છા મુજબ ઘણી જ સાદગીથી કેવળ ઘરના લોકોની હાજરીમાં લગ્ન લેવાયાં. કિરણ અને જેનિફર આ બહાને ફરી પંદર દિવસ માટે આવી ગયાં.
બંને દીકરાઓ સંસારમાં ઠરીઠામ થયા કે સવિએ ચારધામની યાત્રાની ઇચ્છા જતાવી. વહુને ઘરનો ભાર સોંપીને સત્યેન્દ્ર અને સવિ જાત્રાએ નીકળ્યાં. અમરનાથની યાત્રા દરમિયાન પતિ-પત્ની ઘોડા પર બેસીને સાંકડી કેડીએ મંદિર જઈ રહ્યાં હતાં ત્યારે સત્યેન્દ્રના ઘોડાનો પગ લપસ્યો. ઈશ્વરકૃપા કહો કે સદ્નસીબ કહો, સત્યેન્દ્ર અને ઘોડો બંને ખાઈમાં પડતાં બચ્યા, પણ સત્યેન્દ્ર એવી રીતે પછડાયો કે ભાન ગુમાવ્યું.
તેને તાત્કાલિક ત્યાંની મોટી હૉસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક સારવાર મળી, પણ સત્યેન્દ્ર કોમામાં સરી ગયેલો. ચાર્ટર વિમાન કરીને સવિ સત્યેન્દ્રને મુંબઈ લાવી અને એક જાણીતી હૉસ્પિટલમાં દાખલ કર્યો. સમીર અને જેનિફર નોકરી છોડીને કાયમ માટે બાળકો સહિત મુંબઈ પહોંચી ગયાં. સૌકોઈ સત્યેન્દ્રની સેવામાં લાગી ગયા. ઉપચારમાં કોઈ કમી નહોતી. મોટા સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોને સત્યેન્દ્રના ઇલાજમાં રોકવામાં આવેલા, પણ પરિણામ શૂન્ય.
હવે સવિ ખરા અર્થમાં સાવિત્રી બનીને સત્યેન્દ્રની સેવામાં મંડી પડી. યમના દ્વારેથી પોતાના સત્યવાનને પાછો લાવવાનો હતો. રાત-દિવસ સત્યેન્દ્રની પથારી પાસે બેસીને તેની સાથે વિતાવેલા દિવસોની અને દીકરાઓના બચપણની વાતો કરે, જાતે તેને સ્પન્જ કરે, દવા-ભોજન બધું સમયસર આપે, પ્રભુભજન ગાય અને કાના સમક્ષ રોજ ગાય, ‘સમય મારો સાધજે વા’લા, કરું હું તો કાલાવાલા, મારો ચૂડીચાંદલો અમર રાખજે વા’લા...’
ઈશ્વર સવિની ભક્તિ અને સારવારથી રીઝ્યા હોય એમ બરાબર છ મહિને સત્યેન્દ્રએ આંખો ખોલી અને દેહમાં હલનચલન દેખાયું. ડૉક્ટરો જેમણે હથિયાર હેઠાં મૂકેલાં તેમને આશાનું ઝળહળતું કિરણ દેખાયું. સોના જેવું ઝગમગતું નસીબ હવે કાયમ રહેવાનું હતું, કારણ કે આજના સમયની સાવિત્રી તેના સત્યવાનને પોતાની ભક્તિ વડે યમરાજના દ્વારેથી પાછો લાવી હતી.
- સ્ટોરી હર્ષા મહેતા
નવા લેખકોને આમંત્રણ
ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર.
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે.
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી.
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે.
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો.
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો.