રેવા કોઈ કાળે બીજાં લગ્ન માટે તૈયાર જ ન થાય. ગામના વડીલોએ પણ ખૂબ દબાણ કર્યું. આવાં સંસ્કારી બાળકો અને આવું ઘર તને ક્યાંય નહીં મળે, તારું જીવતર લેખે લાગશે જેવું બહુ કહ્યું; પણ તે માને જ નહીં.
શૉર્ટ સ્ટોરી
ઇલેસ્ટ્રેશન
ઈશ્વર અને નર્મદાનાં લગ્નને આવતી વસંતપંચમીએ પચાસ વર્ષ પૂરાં થવાનાં હતાં. આ ઓગણપચાસ વરસ નમુ સંગ ખૂબ જ સુખ-સંતોષથી વીતેલાં. લગ્ન થયાં ત્યારે નર્મદાની વય ૧૧ વરસ અને ઈશ્વર ૧૪ વરસનો. બન્યું એવું કે ઈશ્વરના અદા ભુજથી માંડવી ૭૨ જિનાલયનાં દર્શને ગયેલા. અહીં જિનાલયમાં દર્શન કરતાં-કરતાં અદાની નજર માતા-પિતા સાથે આવેલી નર્મદા પર પડી. મહાવીર ભગવાનની મૂર્તિની સામે બેઠી તે કોઈ ભજન ગણગણતી હતી. ત્યાં એક ઘરડાં માજીને દર્શન કરવા પગથિયાં ચડતાં તકલીફ પડતી હતી. એ જોઈને નમુ તરત તેમનો હાથ પકડીને મદદ કરવા દોડી, નજીક રાખેલી ખુરશી મૂર્તિ સમક્ષ લાવીને તેમને બેસાડ્યા અને ફરી તેના ભજનમાં મગ્ન થઈ ગઈ. તેનો મધુર સ્વર, માજીને કરાયેલી મદદ અને નમણું રૂપ જોઈને અદાએ ત્યાં ને ત્યાં ઈશ્વર માટે નર્મદાનો હાથ માગ્યો.
ઈશ્વરના અદાનું નામ આખા કચ્છમાં બહુ માનથી લેવાય એટલે ના પાડવાનો સવાલ જ નહોતો. તેમના દ્વારેથી કોઈ ખાલી હાથે ન જાય. કોઈ દીકરીનાં લગ્ન હોય અને માવતરની સ્થિતિ ન હોય તો પૂરું આણું અદાના ઘરેથી જતું. કોઈનું ભણતર, કોઈને ધંધામાં મદદ, કોઈને થાળે પાડીને ઘર માંડી આપવું આવી સઘળી મદદ અદા કરતા. વળી પાંચે આંગળીએ દેવને પૂજ્યા હોય તે કન્યાને જ આવો ઈશ્વર જેવો બત્રીસલક્ષણો વર મળે. એટલે હા તો કહી, પણ નર્મદાના પિતાની એક જ વિનંતી હતી કે મારે નમુને શાળાએ મોકલવી છે એટલે લગ્ન ભલે હમણાં કરીએ, પણ કન્યાવિદાય નમુ ૧૮ વરસની થાય ત્યારે કરીએ. અદા આધુનિક વિચારસરણી ધરાવતા. નર્મદા જેવી સરસ છોકરી જ મારા ઈશ્વરને ખપે એ માટે જ બાળવિવાહ કરાવવા તૈયાર હતા. અદાએ હામી ભરી અને ત્યારે ને ત્યારે જ ગોળધાણા ખવાયા.
ADVERTISEMENT
બંને પરિવાર એકમેકના ઘરે વર-કન્યાને જોવાના બહાને મહેમાનગતિ માણી આવ્યા. વસંતપંચમી આવી અને હોંશે-હોંશે ધામધૂમથી ઈશ્વર અને નર્મદાનાં માંડવી ગામમાં લગ્ન લેવાયાં.
પરણીને ઊતર્યા એટલે વરઘોડિયાને પોંખવા, છેડાછેડી છોડવી વગેરે બધા જ રીતરિવાજ પતાવી અદા અને તેમનો પરિવાર ઈશ્વર સહિત ભુજ પરત થયો. વારતહેવારે બંને પરિવાર ભેગા થતા જેથી સંબંધ જળવાઈ રહે. અઢાર વર્ષની નર્મદા હવે કેળવાઈ ગઈ હતી. ઈશ્વરે કૉલેજ પાર કરી કે માંડવીની જહાજ બનાવતી કંપનીમાં મૅનેજરપદની નોકરી મળી ગઈ. રહેવા માટે કંપની તરફથી ઘર પણ મળ્યું. બંને ઘરે ખુશીનું વાતાવરણ રચાયું ને નર્મદાની કન્યાવિદાય થઈ.
સવારે નમુ ઈશ્વરને ચા-નાસ્તો કરાવે, જમવાનું બનાવીને ટિફિન ભરી આપે અને પછી ઘરકામમાંથી પરવારી બજાર જઈ અનાજ-શાક ખરીદે, ગરીબ-ગુરબાંને ખાવાનું અપાવે, રખડતા કૂતરાઓને બિસ્કિટ ખવડાવે. સાંજે ઈશ્વર ઘરે આવે એટલે બંને જિનાલયમાં દર્શન કરી આવે. પછી જ વાળુ કરે, દિવસ આખાની વાતો કરે અને ત્યાર બાદ પથારી ભેગાં થાય. શનિ-રવિની રજા આવે એટલે ઈશ્વર અને નર્મદા ભુજના ઘરે પહોંચી જાય. અહીં નર્મદા સાસુ અને કાકીજીને રસોડામાંથી છૂટાં કરે ને પૂરું રસોડું તે જ સંભાળે, અદાને ગમતાં ભજનો સંભળાવે. વળી ક્યારેક સૌને માંડવી તેડાવે, અદાની સેવાચાકરી કરે, ભજન સંભળાવે ને બધાને ભાવતાં ભોજન બનાવીને ખવડાવે. અદાને તો મહિનોમાસ સુધી જવા જ ન દે. આવી ગુણિયલ વહુ જોઈને અદાને ખૂબ જ ગર્વ થતો.
સમયગાળે નર્મદા અને ઈશ્વર ત્રણ સંતાનોનાં માતા-પિતા બન્યાં. મોટી કાલિંદી અને ત્યાર પછી જોડિયા ભાઈ-બહેન મોહન અને મીરા. સંસ્કારમાં ત્રણેયમાં કોઈ કહેવાપણું નહીં. નર્મદાની પરવરિશ જ એવી. વળી ત્રણેય ભાઈ-બહેનને શાળામાં રજા હોય ત્યારે બજારમાં લઈ જાય. તેમને ગમતાં રમકડાં અને વાર્તાની ચોપડીઓ તો અપાવે. સાથે-સાથે ગરીબોને મદદ કરવી, મૂક પ્રાણીઓ પ્રત્યે કરુણાભાવ રાખવો બધું સમજાવે. કચ્છની ઠંડી એટલે હાડમાંસ થિજાવી દે. નર્મદા અને ઈશ્વર એ સમયે બાળકોને લઈને રાત્રિ દરમિયાન નીકળે અને ઠંડીમાં ઠૂંઠવાતા ગરીબોને ધાબળા ઓઢાડે. આ સેવા અભિયાનમાં બાળકો પણ હોંશે-હોંશે ભાગ ભજવે. વળી ઉનાળા દરમિયાન ઘરની બહાર પાણી ભરેલું માટલું અને પવાલો મૂકે જેથી આવતા-જતા રાહદારીઓ પોતાની તરસ છિપાવી શકે.
ઈશ્વરે ત્રણે બાળકોને સારામાં સારું ભણતર અપાવ્યું અને પરણવાલાયક થતાં યોગ્ય પાત્ર શોધીને ઘર મંડાવ્યાં. કાલિંદી પરણીને તેના પતિ સાથે લંડન સ્થાયી થઈ. મીરાનાં લગ્ન અમદાવાદ રહેતા માધવ સાથે કરાવ્યાં. મોહને અમેરિકામાં માસ્ટર્સ કર્યું એટલે એક પ્રખ્યાત કંપનીમાં ઊંચા પગારે ઊંચી પદવીની ઑફર આવી. ઈશ્વર અને નર્મદા દીકરાની પ્રગતિમાં ખૂબ ખુશ હતાં. તેનાં લગ્ન મહેક નામની સુંદર-સંસ્કારી કન્યા સાથે કર્યાં. બે વરસ સાસુ પાસે ઘડાઈને મહેક પણ મોહન પાસે અમેરિકા પહોંચી ગઈ.
ત્રણે બાળકો તેમના સંસારમાં ખૂબ ખુશ હતાં. ઈશ્વર કે નર્મદાના પરિવારમાં હવે કોઈ રહ્યું નહોતું એટલે તે બંને એકમેક સંગ સારો એવો સમય પસાર કરતાં. તેઓ રોજ સાંજે માંડવીના દરિયે જઈને બેસતાં, ગરીબ-ગુરબાંને બનતી મદદ કરતાં, રખડતાં પ્રાણીઓને બિસ્કિટ-રોટલો ખવડાવતાં અને સાંજે દેરાસર દર્શને જતાં. આ તેમનો નિત્યક્રમ.
લગ્નનાં પચાસ વર્ષ ઊજવવાની ખુશી ઈશ્વરને તો ખરી, પણ એનો વિશેષ હર્ષ તેમનાં બાળકોને હતો. દીકરીઓ, જમાઈઓ, દીકરો અને વહુ બધાએ મળીને મોટા પાયે ઉજવણી કરવાનો પ્લાન કર્યો, કોને-કોને બોલાવવા એની મસમોટી યાદી બનાવી. મહિના પહેલાં બધાને આમંત્રણ આપી દઈશું એ ગણતરી હતી.
પણ કોરોના નામના એક ભયંકર રોગે માનવજાતિ પર એવો હુમલો કર્યો કે લૉકડાઉન આવી પડ્યું. વિમાનયાત્રા, રેલયાત્રા બધું જ બંધ. માણસ ઘરની બહાર નીકળી ન શકે. આખી દુનિયા સ્થગિત થઈ ગઈ. લોકો ટપોટપ મરવા માંડ્યા. એમાં નર્મદા એવી ઝડપાઈ કે ફક્ત ૧૫ દિવસમાં પ્રભુના ધામમાં પહોંચી ગઈ. છેલ્લો મોંમેળાપ પણ ન થઈ શક્યો. ઈશ્વરના વલોપાતનો કોઈ પાર ન રહ્યો. બાળકો પણ આવી ન શકે. આજુબાજુના લોકો પણ કોવિડ નામના રાક્ષસથી ડરીને ઘરની બહાર નીકળતા ગભરાતા. બાળકો રોજ પપ્પાને વિડિયો ફોન કરીને સાંત્વન આપે, પણ અવાજ ઓછો અને આંસુ વધારે નીકળે. ધીરે-ધીરે ઈશ્વર માનસિક હતાશામાં તણાતો ગયો. નર્મદાના ફોટો સમક્ષ રડ્યા કરે, અસંગત બબડ્યા કરે. ફોન પર બાળકોને એક જ વાત કહ્યા કરે કે ‘તમારી મમ્મી હજી આવી નહીં. જમવાનું મોડું થાય છે. આજે તો મેં ખીચડી બનાવી છે, પણ હજી આવી નથી.’ બાળકોથી પપ્પાની આ દશા જોવાતી નહોતી. વહેલી તકે પપ્પાને મળવું હતું, પણ સૌ નાઇલાજ હતા.
ધીરે-ધીરે દુનિયાભરમાં વૅક્સિન શોધાઈ અને માનવજીવન થાળે પડવા લાગ્યું. સૌથી પહેલાં અમદાવાદથી મીરા અને માધવ બાળકો સહિત માંડવી પહોંચ્યાં. પપ્પાની આ હાલત જોઈને મીરા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. મમ્મીની ગેરહાજરી આખા ઘરમાં ખૂંચતી હતી. ઈશ્વર એક જ વાત કરતો, ‘જોને મમ્મી ખોવાઈ ગઈ છે. તેને શોધી લાવને!’ થોડા સ્વસ્થ કરીને મીરાએ પપ્પાને ઑફિસે ફરી જતા કર્યા. ઈશ્વર કામ તો દિલ દઈને કરતો, પણ બધાને એક જ વાત કહેતો, ‘મારી પત્ની નર્મદા ક્યાંક ખોવાઈ ગઈ છે. તેને ગોતી દોને!’ કાલિંદી અને તેનો પરિવાર, મોહન અને મહેક પણ લાંબી રજા લઈને સપરિવાર માંડવી પહોંચી ગયાં. ઈશ્વર લાંબા ગાળે બાળકોને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો. જોકે ફરી એક જ વાત, ‘મમ્મી ખોવાઈ ગઈ છે. તેને શોધી લાવોને!’ પપ્પાની આ હાલત કોઈથી જોવાતી નહોતી. ઉપરછલ્લું બધા તેમને ખુશ રાખવાની બહુ જ કોશિશ કરતા, પણ અંદરખાને હચમચી ગયેલા. થોડા દહાડા વીત્યા ને કાલિંદી સાસરીના અંજાર ગામમાં બાળકોને કુળદેવીનાં દર્શને લઈ ગઈ.
અહીંની બજારમાં એક આધેડ વયની સ્ત્રીને જોઈ તે દંગ રહી ગઈ. મા જેવો જ નાક-નકશો. ઉંમરમાં નર્મદાથી બે-ત્રણ વર્ષ નાની, દેખાવે નમણી. તેનું નામ રેવા. સંસારમાં એકલી. નાની વયે વિધવા થયેલી. છૈયાંછોકરાં કોઈ નહીં એટલે એકલપંડે પતિની કરિયાણાંની દુકાન સંભાળતી. સ્વભાવે અસલ નર્મદા જેવી જ પરગજુ.
દુકાનની બહાર પાણીનું માટલું અને પવાલો રાખે જેથી આવતા-જતા રાહદારીઓ તરસ છિપાવતા જાય. વળી દરવાજે એક ડબ્બો હતો જેમાં દિવસ દરમિયાન એકઠું થયેલું પરચૂરણ રાખે. દુકાન પાસેથી પસાર થતા ભિખારીઓ, ગરીબ લોકો જોઈએ એટલું પરચૂરણ લેતા જાય. શરૂ-શરૂમાં તો એ લોકો રીતસર હાથસફાઈ જ કરતા. પછી જોયું કે આ ડબ્બો તો રોજ જ હોય છે, એટલે ખપપૂરતું જ લેતા જાય. વળી કોઈ ગ્રાહક જાતે થોડું પરચૂરણ એ ડબ્બામાં મૂકતો પણ જાય.
કોઈ નાનકડું બાળક બિસ્કિટ લેવા આવે ત્યારે રેવા તેની પાસેથી પૈસા તો ન લે, પણ તેને નોટબુક કે પેન્સિલ જેવું કંઈક આપે અને ખૂબ ભણજે હોં એવી શીખ આપે. નાની વયે વિધવા થયેલી, પણ ખુદ્દારીથી સંતોષી જીવન જીવતી. શરૂઆતમાં કોઈ વંઠેલ અણછાજતી હરકત કરે તો ગામની વચ્ચે તેને લાકડીથી ફટકારી સીધોદોર કરતી. ગામની એકલદોકલ સ્ત્રીઓની પણ વહારે આવતી. એટલે કોઈ તેની સમક્ષ માથું ન ઊંચકે.
બધું જાણીને કાલિંદીએ તરત માંડવીથી ભાઈ-બહેનને તેડાવ્યાં. સૌ અંજાર પહોંચ્યાં. રેવા બદલ જાણ્યું અને ગામના વડીલોને પોતાની મમ્મીની વાત કરી. તેમની સંમતિથી રેવાને મનાવવાની ખૂબ કોશિશ કરી, ‘તમારા દરેક ગુણ અમારી મમ્મીને મળતા આવે છે. તમને અમે અમારી મમ્મી બનવા વિનંતી કરીએ છીએ.’ પપ્પાની મનોદશાની તેમને જાણ કરી.
રેવા કોઈ કાળે બીજાં લગ્ન માટે તૈયાર જ ન થાય. ગામના વડીલોએ પણ ખૂબ દબાણ કર્યું. આવાં સંસ્કારી બાળકો અને આવું ઘર તને ક્યાંય નહીં મળે, તારું જીવતર લેખે લાગશે જેવું બહુ કહ્યું; પણ તે માને જ નહીં.
ત્યાં ગામના મુખી બોલ્યા, ‘ભુજના અદાના ઘરે તો જે નસીબદાર હોય તે જ જાય.’ એ સાંભળીને રેવાના કાન ચમક્યા. તેનાં લગ્ન પણ તો અદાએ જ કરાવેલાં અને માવતર નહોતાં એટલે દીકરી ગણીને કન્યાદાન પણ કર્યું હતું. વળી પતિને દુકાન પણ કરી આપેલી. તેની આંખમાં પાણી આવી ગયાં. આખરે અદાનું ઋણ તો રેવાએ ચૂકવવું જ રહ્યું.
મન માન્યું ને રેવાની હા આવી. બધા છોકરાઓ રાજીના રેડ. હવે પપ્પાને તો અમે મનાવી લઈશું. આખરે તેમની એકલતા, હતાશા દૂર કરવાની હતી. તરત જ તેમણે ઈશ્વરને ફોન કર્યો, ‘પપ્પા, મમ્મી મળી ગઈ.’
- સ્ટોરી હર્ષા મહેતા
નવા લેખકોને આમંત્રણ
ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર.
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે.
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી.
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે.
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો.
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો.