અખાતી દેશોના પ્રથમ હિન્દુ શેખ કચ્છી છે
અખાતી દેશોના પ્રથમ હિન્દુ શેખ કચ્છી છે
ગુજરાતમાં વડોદરા, પાટણ, ગોંડલ, ભાવનગર આ શહેરો કલા અને શિક્ષણ માટે જાણીતાં છે. એવી જ રીતે કચ્છનું માંડવી શહેર કલાનગરી કહેવાય છે. ફોટોગ્રાફીથી માંડીને સાહિત્ય સુધીની કલામાં આ શહેર કચ્છમાં જુદું પડે છે. દરિયાકાંઠે વસેલું માંડવી એની દરિયાદિલી માટે પણ જાણીતું છે. કચ્છની એ શિક્ષણનગરી કહેવાય છે. આજે પણ સ્ત્રીશિક્ષણમાં કચ્છમાં માંડવી તાલુકો અને શહેર અગ્રસ્થાને છે. માંડવીમાં ઝળહળતી સ્ત્રીશિક્ષણની જ્યોત આજકાલની નથી. જે કન્યાશાળાનું નામ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ગાજતું રહ્યું છે એ ખીમજી રામદાસ હાઈ સ્કૂલ શરૂ કરનાર સખાવતી શેઠ કનકશી ગોકુલદાસ ખીમજીનું ૮૭ વર્ષની વયે કોચીન ખાતે અવસાન થયું ત્યારે કચ્છ જ નહીં, ઓમાન દેશની આંખોમાં પણ આસું આવી ગયાં હતાં.
કચ્છનું માંડવી શહેર એના દરિયાકાંઠાના સૌંદર્ય માટે તો જાણીતું છે જ, પરંતુ આ શહેરે કચ્છને એવા નરવીરો આપ્યા છે જેમનો ઉજ્જવળ ઇતિહાસ છે. માંડવી બંદરે જ્યારે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા ત્યારથી કચ્છનો સંબંધ અખાતી દેશો અને આફ્રિકા સાથે જોડાયો હતો. સંભવતઃ ભારતમાંથી આફ્રિકા જઈને ધંધો કરનાર પહેલી પ્રજા કચ્છની હતી. એવી જ રીતે ખાડી દેશોમાં પણ પોતાના રોજગારથી ત્યાંની રાજસત્તાને પ્રભાવિત કરનાર પણ પહેલો માણસ કચ્છી હતો. યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો શ્રેય ભલે વાસ્કો ડ ગામાને નામે નોંધાયેલ હોય, પરંતુ એ જળમાર્ગ શોધવાનો અથવા નક્કી કરવાનો ખરો હકદાર માંડવીનો કચ્છી વહાણવટી કાનજી માલમ હતો. જ્યારે ચૌલુક્ય વંશના રાજાઓએ નૌકાદળ મજબૂત બનાવ્યું હતું. ભારતના પૂર્વ કાંઠેથી ઊપડતાં વહાણો જાવા, સુમાત્રા જેવા દેશાવરોમાં સફર કરતાં હતાં ત્યારે પૂર્વ દિશાનો દરિયો ખેડતાં વહાણો માંડવીનાં હતાં. એટલે માંડવીની વેપારી પ્રજાને સદીઓથી અખાતી દેશો અને આફ્રિકાના દેશો સાથે સંબંધો રહ્યા છે. એ વેપારી જ્ઞાતિમાં મુખ્યત્વે લોહાણા અને ભાટિયા હતા. ૧૫૦ વર્ષ પહેલાં મસકત જઈને એ દેશમાં શાખ ઊભી કરનાર શેઠ ખીમજી રામદાસનું નામ આજે બ્રૅન્ડ નેમ બની ગયું છે. શેઠ ખીમજી રામદાસની આજે છઠ્ઠી પેઢીની અટક જ ખીમજી તરીકે જાણીતી છે. આ ભાટિયા પરિવારની મૂળ અટક તો ચાડ હતી, પણ શેઠ ખીમજી રામદાસનું નામ એટલું જાણીતું બન્યું કે તેમની અટક જ ખીમજી બની ગઈ. ૧૫૦ વર્ષ પહેલાં માંડવી છોડી ઓમાન જનાર શેઠ ખીમજી રામદાસ પહેલાં એવા હિન્દુ છે જેમના વારસદાર શેઠ કનકશી ખીમજીને ઓમાનની રાજસત્તાએ ‘હિન્દુ શેખ’નો ઇલકાબ આપ્યો છે.
અખાતી દેશોમાં ભારત અને કચ્છનું નામ રોશન કરનાર સમગ્ર ભારતનું ગૌરવ એવા માંડવીના ખીમજી પરિવારના વડીલ શેઠ કનકશી ગોકુલદાસ ખીમજીનું ૧૮ ફેબ્રુઆરીએ નિધન થયું ત્યારે માંડવી દરિયો ઘડીભર ડહોળાઈ ગયો હતો. કચ્છી, ગુજરાતી, મરાઠી, અરબી, બલોચી, હિન્દી, અંગ્રેજી સહિત ૧૨ જેટલી ભાષાના જાણકાર શેઠ કનકશી ખીમજીએ આજથી પાંચ દાયકા પહેલાં વેર હાઉસિંગકીપર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમના સખત પરિશ્રમ અને કોઠાસૂઝ થકી આજે તેમનાં ઉદ્યોગગૃહોમાં પાંચથી છ હજાર લોકોને રોજગારી મળી રહી છે. વર્ષો પહેલાં સ્થપાયેલી ખીમજી રામદાસ પેઢીનો વ્યાપ વધતો જ રહ્યો અને અત્યારે ખીમજી રામદાસ કંપની પ્રાઇવેટ લિમિટેડ તરીકે એક એકમ અમદાવાદમાં ચાલે છે, જ્યારે હૈદરાબાદમાં રોલેક્ષનો શોરૂમ છે. કનકશી શેઠના પિતાશ્રી ગોકુલદાસ શેઠને મુલજીભાઈ, કનકસિંહ અને અજિતસિંહ એમ ત્રણ દીકરા. તેમના પિતાજી ગોકુલદાસ માંડવી શહેરમાં શિક્ષણના હિમાયતી રહ્યા હતા. પિતાના વિચારો અને ધ્યેયને તેમનાં સંતાનોએ મૂર્ત સ્વરૂપ આપ્યું. ૧૯૫૦માં માંડવીમાં શેઠ ખીમજી રામદાસ ગર્લ્સ હાઈ સ્કૂલની સ્થાપના કરી. દૃષ્ટિવાન ટ્રસ્ટીઓ અને કુશળ શિક્ષકો થકી એ હાઈ સ્કૂલ ગુજરાતની એક નામાંકિત હાઈ સ્કૂલ ગણાવા લાગી. જ્યારે ગુજરાતમાં ખાનગી શાળાઓ જૂજ હતી ત્યારે કે.આર.ના ટૂંકા નામથી ઓળખાતી માંડવીની હાઈ સ્કૂલમાં શિક્ષણ મેળવવું એક મોભો ગણાતો. એ હાઈ સ્કૂલમાં ભણેલી હજારો કન્યાઓ આજે પુખ્ત બની અનેક પદોને શોભાવી રહી છે. કે.આર. હાઈ સ્કૂલની બાળાઓનું બૅડ્મિન્ટનની રમતમાં એક ચોક્કસ નામ હતું. આ શાળાની અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે. પચીસ જ વર્ષમાં જાણીતી બની ગયેલી હાઈ સ્કૂલની બાળાઓને છાત્રાલયની સુવિધા આપવા શેઠ કનકસિંહ ખીમજીએ ૧૯૭૬માં ખીમજી રામદાસ ગર્લ્સ છાત્રાલયની સ્થાપના કરી અને શિક્ષણનો પાયો વધુ સુદૃઢ કર્યો. અત્યારે આ ટ્રસ્ટ દ્વારા માંડવીમાં જ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય ઉપરાંત રામકૃષ્ણ ગુજરાતી માધ્યમની હાઈ સ્કૂલ, સાકરબાઈ ખીમજી રામદાસ મેમોરિયલ અંગ્રેજી માધ્યમની શાળા ચાલી રહી છે. હાઈ સ્કૂલ અને પ્રાથમિક સહિત સાડાત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શેઠ ખીમજી રામદાસ પેઢીએ અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણનું અજવાળું આપ્યું છે. આ પરિવારે માત્ર માદરે વતન જ નહીં, તેમની કર્મભૂમિ મસ્કતમાં પણ ભારતીય પરિવારોનાં સંતાનોને માતૃભાષા તેમ જ અન્ય ભાષાઓનું શિક્ષણ આપવા શાળાઓ ચલાવી છે.
જેમની નસેનસમાં દેશપ્રેમ વહેતો હતો એવા શેઠ કનકસિંહ ગોકુલદાસ ખીમજી એવા પહેલા ભારતીય અને પહેલા હિન્દુ હતા જેમને ઓમાન સરકારે ‘હિન્દુ શેખ’નો ઇલકાબ આપ્યો હતો. આ કોઈ નાનોસૂનો ઇલકાબ નથી. આવું પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત કરનાર શેઠ કનકસિંહ પહેલા હિન્દુ છે. રાજાશાહી માનસિકતા ધરાવતા ખાડી દેશોમાં ત્યાંના રાજાઓ અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં આ ભાટિયા પરિવારનો બહુ મોટો ફાળો રહ્યો છે, જેમાં શેઠ કનકસિંહ ગોકુલદાસ મુખ્ય છે. શેઠ કનકસિંહ અને તેમના પરિવારે પોતાના માદરે વતન કચ્છની હંમેશાં ખેવના રાખી છે. ૨૦૦૧માં કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો એ વખતે તેમણે અઢી કરોડ રૂપિયા મોકલ્યા હતા તથા ભુજ તાલુકાના ગુણાતીતપુર ગામના ૧૧૨ પરિવારો માટે નવી વસાહત ઊભી કરી હતી. તેમણે માત્ર કચ્છ જ નહીં, બિહારમાં પૂર આવ્યું ત્યારે બિહારમાં ‘ઓમાન અનુભૂતિ’ નામે અઢી કરોડ રૂપિયાના ખર્ચે ગામ વસાવ્યું. માંડવીમાં ગોકુલ રંગભવન નામે સાંસ્કૃતિક કેન્દ્રની ઇમારતનું ૧૯૮૬માં નિર્માણ કર્યું. માંડવીમાં ‘આપણી નવરાત્રિ’ નામે માંડવી બીચ પર ઊજવાતી નવરાત્રિ મહોત્સવમાં કલાકારોને ઇનામ આપવા તેઓ ખાસ આવતા. ગરીબ દરદીઓને તબીબી સારવાર આપવા માટે તેમણે ૧૯૮૩માં ગોકુલ હૉસ્પિટલ ઊભી કરી હતી, જે કોઈ કારણસર બંધ થઈ ગઈ. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ મેળવનારા કનકસિંહ શેઠ કૉલેજકાળમાં NCCમાં જોડાયા ત્યારથી ભારતીય લશ્કરમાં જોડાવાની ઇચ્છા હતી, પરંતુ તેમના પિતાજીએ તેમને મસ્કત બોલાવતાં લશ્કરી અધિકારી બનવાનું તેમનું સપનું અધૂરું રહ્યું. પોતે સારા ક્રિકેટર પણ હતા અને તેઓ આઇસીસીના સભ્ય પણ રહી ચૂક્યા હતા. કનકસિંહ શેઠ એક ભારતીય તરીકે ન માત્ર ઓમાનમાં લોકપ્રિય રહ્યા, તેઓ ભારત અને ઓમાન વચ્ચે કડીરૂપ પણ હતા. તેમની કુનેહ અને ભારતીય પ્રેમને જોઈ ૨૦૦૩માં તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને પ્રવાસી ભારતીય તરીકેનો અવૉર્ડ આપ્યો હતો. શેઠ કનકસિંહ પ્રાદેશિક સંકુચિતતામાં જરાય માનતા ન હતા. તેઓ જેટલું ભારત અને કચ્છને ચાહતા હતા એટલો જ પ્રેમ ઓમાનને કરતા હતા. તેઓ માનતા કે વિદેશી ભૂમિ પર ધંધો કરનારે એ ભૂમિને માતૃભૂમિ સમાન જ ગણવી જોઈએ. તેઓએ કહ્યું હતું કે અમારા વડીલો પરદેશી ધરતી પર ધંધાનો વિકાસ કરી શક્યા હોય તો ઓમાનની વિશાળ હૈયું ધરાવતી પ્રજાને આભારી છે. એટલે જ તેમને ઓમાનની પ્રજાનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. કનકસિંહ શેઠના વડવાઓ વહાણ મારફતે ઓમાન પહોંચ્યા હતા. વહાણવટું અને દરિયો તેમના માટે એક રોમાંચ જ નહીં, ભાગ્ય ઘડનારો માર્ગ હતો. એટલે જ તેઓ ૨૦૧૭માં પરિવાર સહિત કચ્છ આવ્યા ત્યારે વિમાનમાર્ગે નહીં, પણ ‘લૈલા’ નામના દરિયાઈ જહાજમાં ૭૨ કલાકની મુસાફરી કરીને આવ્યા હતા. એ મુસાફરીને પોતાના પૂર્વજોની સ્મૃતિ સાથે જોડાણ કરનારી ગણાવી હતી. ૧૮ ફેબ્રુઆરીએ તેમનો જીવનદીપ બુઝાયો ત્યારે ભારત અને ઓમાનમાં શોકનું મોજું પ્રસરી ગયું. ઓમાનની ગુજરાતી શાળાઓએ તેમને અંજલિ આપવા એક દિવસ શિક્ષણકાર્ય બંધ રાખ્યું હતું.

