રોજ સવારે ઊઠીને વિચારવું પડે કે હાલમાં કઈ સીઝન ચાલી રહી છે?
પ્રતીકાત્મક તસવીર
રેકૉર્ડબ્રેક ગરમી પછી ખૂબ વધુ હ્યુમિડિટી અને પછી અચાનક જ ઠંડા પવન સાથે વરસાદ. કન્ફ્યુઝ થઈ જવાય એવી મોસમમાં ફ્લુ અને કોરોના જેવાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ વધે એવી પૂરી સંભાવનાઓ નિષ્ણાતો જતાવી રહ્યા છે ત્યારે અસ્થમા, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ અને ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ ધરાવતા લોકોએ એક્સ્ટ્રા કૅરફુલ રહેવું જરૂરી છે
‘મૈં કન્ફ્યુજિયા ગયા હૂં....’ સાચે જ ‘pk’ના આમિર ખાનની જેમ આ ડાયલૉગ બોલવાનું મન થાય એવી વેધરની સ્થિતિ છે. માર્ચ મહિનાના બીજા વીકમાં બે દિવસ માટે મુંબઈમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. હ્યુમિડિટી સીઝનની પીક પર ૮૫ ટકા જેટલી હતી અને આ વીક-એન્ડ આવતા સુધીમાં તો વરસાદનાં ઝાપટાં સાથે પવન ફુંકાયો અને અચાનક જ ઠંડક થઈ ગઈ. જસ્ટ દસ દિવસના ગાળામાં ત્રણ અલગ-અલગ સીઝનના એક્સ્ટ્રીમ વેધરનો અનુભવ થાય ત્યારે સ્વાભાવિકપણે એની સ્વાસ્થ્ય પર અસર પડવાની જ.
ADVERTISEMENT
છેલ્લા પાંચથી છ દિવસમાં ઇન્ફ્લુએન્ઝાના કેસમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે અને એને કારણે ડેથ પણ નોંધાયાં છે. ત્યારે સવાલ એ થાય કે મુંબઈની આબોહવાને થયું છે શું? ડસ્ટ પાર્ટિકલ્સ અને ટ્રાફિકનું પૉલ્યુશન તો માઝા મૂકી જ રહ્યું છે અને એમાં ઉપરથી આ બધાં કુદરતી પરિબળોને કારણે સ્વાસ્થ્યના મામલે કેટલી ચિંતા જેવું છે? ગરમી, ઠંડી, ભેજ અને વરસાદ આ બધાનું જ એકસામટું જે રીતે કૉકટેલ બની રહ્યું છે એ આગામી દિવસો માટે ઘાતક પુરવાર થઈ શકે છે એવી ચેતવણી આપતાં આયુર્વેદ નિષ્ણાત અને નાડીવિદ્યાના વિશેષજ્ઞ ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આગામી થોડા દિવસો દુઃદિન હશે. જો કાળજી નહીં રાખવામાં આવે તો શ્વાસને લગતા ઇન્ફેક્શનનો એવો રાફડો ફાટી શકે છે કે ન પૂછો વાત. આમેય જ્યારે બે ઋતુઓની સંધિમાં ક્રમવાર એકમાંથી બીજી ઋતુમાં જવાનો ગાળો હોય ત્યારે રોગોનું પ્રમાણ વધે જ છે, પણ આ વખતે તો ઋતુસંધિ પૂરી થઈ ગયા પછી ઊંચું તાપમાન અને અચાનક તાપમાનમાં ઘટાડો થયો છે એ અનેક રોગોને નિમંત્રણ આપી શકે એમ છે અને એ જ કારણ છે કે અત્યારે ઇન્ફ્લુએન્ઝાના કેસમાં પણ જોરદાર વધારો થયો છે.’
વાઇરસનું જોર વધી શકે
જ્યારે પણ આવી કન્ફ્યુઝ્ડ સીઝન હોય, વાઇરસ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન જોર પકડી શકે છે. આવા તાપમાન ડ્રૉપને કારણે અત્યારે ફ્રીક્વન્ટ રેસ્પિટરેટરી ઇન્ફેક્શન કૉમન છે એમ જણાવતાં ૧૭ વર્ષનો અનુભવ ધરાવતા અંધેરીના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. પરાગ મહેતા કહે છે, ‘અત્યારે હાઇપર રીઍક્ટિવ ઍરવેઝની તકલીફ જેમને પણ હોય તેમનું સ્વાસ્થ્ય અત્યારે હાયર રિસ્ક પર રહે છે. ઍલર્જી, સાઇનસાઇટિસ અને બ્રૉન્કાઇટિસના કેસમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. ઇન જનરલ પણ શરદી, કફ, સળેખમ, સસણી, દમની સમસ્યા વધી છે. બ્રૉન્કાઇટિક અને અસ્થમૅટિક અટૅક્સ પણ વધી શકે છે. એમાંય જેઓ ડાયાબિટીઝ કે લો ઇમ્યુનિટી ધરાવે છે તેઓ જો સમયસર શ્વસનતંત્રના ગંભીર ચેપો બાબતે સજાગ ન થાય તો ન્યુમોનિયા પણ થઈ શકે છે. આજકાલ ફ્લુ અને કોરોના વાઇરસનાં ઇન્ફેક્શન્સમાં પણ વધારો જોવા મળ્યો છે.’
ઇમ્યુનિટી માટે વૅક્સિન ઇઝ મસ્ટ
જ્યારે પણ બીમારીઓનો વાવર ફેલાય એટલે એને રોકવા માટે કે પ્રિવેન્ટ કરવા માટે શું કરવું એની વાતો થવા લાગે છે, પણ આ સવાલ સીઝનલ ન હોવો જોઈએ એમ જણાવતાં ડૉ. પરાગ મહેતા કહે છે, ‘વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે કોરોનાની વૅક્સિન છે જ. ઇન્ફ્લુએન્ઝા માટે સૌથી સરસ અને અસરકારક વૅક્સિન આપણી પાસે છે જ. આ વૅક્સિન તો ઘણાં વર્ષોથી પુરવાર થયેલી છે તો શા માટે આપણે દર વર્ષે એક શૉટ ઇન્ફ્લુએન્ઝાનો લેતા નથી? હું તો મારા પોતાના પરિવારજનોને દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાની વૅક્સિન આપું જ છું. જ્યારે પણ તાવ-શરદી થાય ત્યારે કોરોના કે વાઇરલ ચેપના નિદાન માટે બે-અઢી હજાર રૂપિયાનો ખર્ચ કરવાને બદલે પંદરસો રૂપિયાની ઇન્ફ્લુએન્ઝાની વૅક્સિન તમને ચેપથી તો રક્ષણ આપે જ છે અને સાથે માનસિક શાંતિ પણ.’
આયુર્વેદનું શરણું
ગ્લોબલ વૉર્મિંગ, વાઇરસ કે બૅક્ટેરિયાના વાવર અને વિવિધ ઋતુઓનો ગોટાળો આપણા શરીરમાં કેવા ફેરફારો કરી શકે છે એ વિશે ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ત્રણ ઋતુઓનું જે મિશ્રણ છે એનાથી કફજ વિકૃતિ થાય છે. ખાંસી-શરદી-કફ અને નાક ગળવું અને તાવ આવવો જેવાં લક્ષણો વર્તાય. આવી મિશ્ર આબોહવાને જનપદનાશક એટલે કે એપિડેમિક રોગોના વાવર થકી વસ્તીનાશક કહેવાય છે. સામાન્ય રીતે ગ્રીષ્મમાંથી વસંતની ઋતુસંધિ થાય ત્યારે કફ અને વાત વધે છે, પણ હાલમાં ખૂબ ટેમ્પરેચર વધ્યા પછી વરસાદ આવવાથી શરીરનું તાપમાન મેઇન્ટેન કરવાની સિસ્ટમમાં ગરબડ થાય છે. આમેય મુંબઈમાં હાલમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા જેટલું થઈ ચૂક્યું છે ત્યારે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનનું પ્રમાણ વધે છે.’
નિવારણ માટે શું?
સ્વસ્થતાની ચાવી આપતાં સાડાચાર હજાર વર્ષ પુરાણા આયુર્વેદમાં હાલની સ્થિતિનાં પણ અનેક સૉલ્યુશન્સ છે જ. એની વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘સૌથી પહેલાં તો કફ જમા ન થાય એનું ધ્યાન રાખવું. આ સીઝનમાં કશું જ ઠંડું ન લેવું. પાણી પણ નહીં. આખા દિવસ દરમ્યાન થોડું-થોડું ગરમ પાણી પીધા કરવું. કફજ વિકૃતિનું આ સૌથી શ્રેષ્ઠ મારણ છે. એ કફનું કન્જેશન રોકશે. હાલમાં વાઇરલ ફીવરનો પણ વાવરો છે તો એવામાં પાણીમાં સૂંઠ નાખીને ઉકાળેલું અને પછી ઠારીને એ પાણી પીવાથી ઇમ્યુનિટી વધશે. સૂંઠ ઍન્ટિ-વાઇરલ પ્રૉપર્ટી ધરાવે છે અને ભેજશોષક છે. ધારો કે છાતી અને માથામાં કફ ભરાયો હોય તો એવામાં સૂંઠ અને વચાને પથ્થર પર ઘસીને એની પેસ્ટ છાતી અને કપાળ પર લગાવવી. એનાથી કફ સુકાશે અને તરત રાહત મળશે.’
એપિડેમિક મંત્ર
કોરોનાકાળને યાદ કરીને અત્યારે ફરીથી ઇમ્યુનિટી બૂસ્ટર આયુષ કાઢો વાપરવાનું શરૂ કરવું જોઈએ એવી સલાહ આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘સૂંઠ, તુલસી, તજ અને કાળાં મરીને ઉકાળીને એનો કાઢો જેમ કોરોનાકાળમાં પીતા હતા એ જ રેમેડી અત્યારે પણ એટલી જ કારગર નીવડશે. અત્યારે વરસાદની પણ આગાહી છે અને તાપમાન પણ ઊંચું છે ત્યારે સ્ટીમ લઈને શ્વસનમાર્ગને સાફ રાખવાનું કામ પણ ભૂલવા જેવું નથી. આવી નાની આદતો માત્ર કોરોના માટે જ નહોતી, એ હાલની કફજ વિકૃતિમાં પણ એટલી જ ઉપયોગી છે. ’
અત્યારે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ રીડેવલપમેન્ટને કારણે ધૂળ, ધુમાડો અને ઊડતી માટીનું પ્રમાણ પણ જોખમી છે એમ જણાવતાં ડૉ. પરાગ કહે છે, ‘બહાર નીકળો ત્યારે માસ્ક પહેરી રાખવો એ આ પ્રદૂષણની સામે રક્ષણ મેળવવાનું હાથવગું હથિયાર છે. વાઇરસને ફેલાવવા માટે પણ કોઈ ટ્રાન્સપોર્ટ વેહિકલ જોઈએ છે અને મુંબઈમાં આ ડસ્ટ પાર્ટિકલ્સ વાઇરસ માટે ટ્રાવેલનું માધ્યમ બની શકે છે.`
મુંબઈમાં હ્યુમિડિટી વધુ છે એનો મતલબ શું?
આમેય મુંબઈમાં હ્યુમિડિટીનું પ્રમાણ ઘણું ઊંચું રહે છે અને એને કારણે શ્વાસની તકલીફ ધરાવતા લોકોનું સ્વાસ્થ્ય અહીં નરમગરમ જ રહેતું હોય છે. ડ્રાય પ્રદેશોમાંથી મુંબઈ આવતા લોકોને શરૂઆતના છ-આઠ મહિના ઍડ્જસ્ટ થવામાં પણ તકલીફ પડતી હોય છે. ત્યારે સમજીએ કે હ્યુમિડિટી શું છે અને કેટલી હ્યુમિડિટી હોય તો એ જોખમી કહેવાય. સામાન્ય શબ્દોમાં કહીએ તો હ્યુમિડિટી એટલે કોઈ પણ ચીજમાં રહેલું ભેજનું પ્રમાણ. ભૌતિકશાસ્ત્ર અનુસાર પૃથ્વી પરની દરેક ચીજ મુખ્ય ત્રણ સ્વરૂપે હોય - ઘન, પ્રવાહી અને વાયુ. વાતાવરણમાં જ્યાં આપણને કશું જ નથી દેખાતું એ જગ્યા વાયુથી ભરેલી હોય છે. સૂકા અને ચંચળ વાયુમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે એમ કહેવાય. હવામાં પાણીનું વરાળ થઈને ઊડી જવાની ક્રિયા દરેક તાપમાને અલગ-અલગ હોય છે અને એટલે એને માપવાનું યુનિટ ટકાવારીમાં હોય છે. જેટલી હ્યુમિડિટી ઓછી એટલું બાષ્પીભવન ઝડપી અને હ્યુમિડિટી વધારે એટલે બાષ્પીભવન ધીમું પડે. ગરમ ભેજને કારણે જે બફારો પેદા થાય છે એનાથી શરીરની તાપમાન જાળવવાની ક્ષમતા ખોરવાય છે અને પસીનો વધુ થાય છે, જેનાથી લૂ લાગવી કે ડીહાઇડ્રેશન થવું જેવી સમસ્યા પેદા થાય છે.
સામાન્ય રીતે ૩૦થી ૬૦ ટકા હ્યુમિડિટીમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય નૉર્મલ રહી શકે છે, પરંતુ એમાં વધારો કે ઘટાડો થાય ત્યારે એ બન્ને બેધારી તલવાર બનીને સ્વાસ્થ્યની સમસ્યાઓ પેદા કરે છે.