માત્ર હાઈ-એન્ડ મેકઅપ પ્રોડક્ટ્સ વાપરવાથી જ તમે સુંદર લુક મેળવી નથી શકતાં, યોગ્ય પ્રોડક્ટ્સની સાથે કલર પ્રોફાઇલની સમજણ અને એને ચહેરા પર અપ્લાય કરવાની યોગ્ય ટેક્નિક ન આવડતી હોય તો અમુક પ્રયોગો ન કરવા જ બહેતર છે
બ્યુટી ઍન્ડ સ્ટાઇલ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મેકઅપ વખતે રૂમમાં લાઇટિંગ કેવું છે એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. લાઇટ્સ સફેદ હોય એ જરૂરી છે નહીંતર લાઇટના શેડમાં તમે મેકઅપના શેડ્સની યોગ્ય કમ્પૅરિઝન નહીં કરી શકો.
લગ્નપ્રસંગમાં જવાનું હોય તો મોટા ભાગે સ્ત્રીઓ પ્રોફેશનલ્સ પાસે જ તૈયાર થવાનો આગ્રહ રાખે છે, પણ કેટલાક નાના-મોટા સામાજિક પ્રસંગો હોય કે પાર્ટી જેવું હોય ત્યારે જાતે જ મેકઅપ કરી લે છે. હવે તો યુટ્યુબ વિડિયોઝ એટલા અવેલેબલ છે કે એ જોઈને ઘણી સ્ત્રીઓમાં મેકઅપ આર્ટિસ્ટ જેવો કૉન્ફિડન્સ આવી જાય છે. અલબત્ત, દરેક વસ્તુ વિડિયોમાં જોઈને શીખી શકાતી નથી. ૨૫,૦૦૦થી વધુ બ્રાઇડ્સને તૈયાર કરી ચૂકેલાં અને ૩૬ વર્ષનો અનુભવ ધરાવતા ઘાટકોપરનાં મેકઅપ આર્ટિસ્ટ રીટા મારુ કહે છે, ‘સારા લુક માટે સારી બ્રૅન્ડની પ્રોડક્ટ્સ હોવી જેટલી જરૂરી છે એટલું મહત્ત્વનું છે કલર પૅલેટની સમજણ અને મેકઅપ ટેક્નિકનું જ્ઞાન. યુટ્યુબમાં જે બતાવાયું હશે એ તમારા ચહેરાના શેપને અનુકૂળ કેટલું આવશે એ સમજ્યા વિના કૉપી કરવાનું ભારે પડી શકે છે.’
ADVERTISEMENT
રીટા મારુ
મોટા ભાગે સ્ત્રીઓ પોતાના સ્કિન-ટોન તેમ જ એજ મુજબ ફાઉન્ડેશનની પસંદગી કરવામાં થાપ ખાતી હોય છે. બીજી મોટી ભૂલ એ થાય છે કે ચહેરા પર મેકઅપ કરવામાં ગરદનને સાવ ઇગ્નૉર કરવામાં આવે તો પણ એ જાણે બીજા કોઈનો ચહેરો ચિપકાવ્યો હોય એવું લાગે છે. જોકે આ તો થઈ બહુ સામાન્ય ભૂલો. મેકઅપ આવડતો હોય એવા ઓવરકૉન્ફિડન્સમાં કેવી ભૂલો ન થાય એ વિશે રીટાબહેન પાંચ ટિપ્સ આપે છે.
આ પણ વાંચો : શું રોઝમૅરી વૉટર વાળ માટે મૅજિકલ છે?
કેવી-કેવી ભૂલો?
૧. મેકઅપ કરતાં પહેલાં સ્કિનને તૈયાર કરવી જરૂરી છે અને એ માટે CTM બહુ મહત્ત્વનું છે. CTM એટલે કે ક્લેન્ઝિંગ, ટોનિંગ અને મૉઇશ્ચરાઇઝિંગ. જો ત્વચાને પૂરી રીતે મૉઇશ્ચરાઇઝ ન કરવામાં આવે તો પાછળથી મેકઅપ બ્રેકઆઉટ થઈ જાય છે. ફાઉન્ડેશનનાં ધાબાં પડી જઈ શકે છે.
૨. આજકાલ મહિલાઓ હાઈ-એન્ડ આઇ-શૅડો વાપરવા લાગી છે, પણ એને કઈ રીતે વાપરવો એ નથી આવડતું. સ્કિન-કલર અને કૉસ્ચ્યુમની સાથે મૅચ થાય એવો આઇ-શૅડો હોવો જરૂરી છે. ઘણાને બહુ કૉન્ફિડન્સ હોય છે કે તેમને સ્મોકી આઇઝ બહુ સારી કરતાં આવડે છે. પણ એ બધાને સૂટ નથી થતી. ડ્રૂપ આઇઝ હોય તેમણે સ્મોકી આઇઝ કરાય જ નહીં. ચામડીનાં વધુ પડ ખૂલીને બહાર આવશે અને આંખો સુંદર દેખાવાને બદલે ભદ્દી લાગશે.
૩. કલર થિયરીનું જ્ઞાન હોવું જોઈએ. આઇ-શૅડો અલગ, લિપસ્ટિક અલગ, બ્લશર અલગ એમ પચરંગી થઈ જાય છે. મેકઅપમાં કલરનો રિધમ હોવો જ જોઈએ.
૪. આલિયાને જોયા પછી હવે ન્યુડ મેકઅપ બહુ ચાલ્યો છે. લોકોને એવું લાગે છે કે એ તો બહુ સહેલો છે, પણ એવું નથી. તમારે મલ્ટિપલ લેયર્સ સાથે રમવું પડે છે. ન્યુડ મેકઅપ વધુ અઘરો છે. અને હા, એ માટે તમારી સ્કિનની હેલ્થ સારી હોય એ પહેલી શરત છે. આજકાલ ખીલ, ઝીણી ફોડલીઓ અને ઓપન પોર્સ અને ઝીણી કરચલીઓ યંગ એજમાં જ જોવા મળે છે. એવામાં તમે ન્યુડ મેકઅપ કરશો તો પ્રૉપર ટેક્નિકની જરૂર છે. સેલિબ્રિટી લોકો બોટોક્સ કે કોલાજન ફિલર્સ લગાવીને ત્વચાને ટાઇટ રાખતા હોય છે, જ્યારે નૉર્મલ મહિલાઓ બહુમાં બહુ ફેશ્યલ કરતી હોય ત્યારે એવી ત્વચા પર ન્યુડ મેકઅપ કરવાનું અઘરું છે.
૫. દેખાદેખીમાં મેકઅપનો એક બીજો ટ્રેન્ડ નીકળ્યો છે કૉન્ટુરિંગનો. મતલબ કે ગાલને હાઇલાઇટ કરવા કે પછી નાકને પૉઇન્ટેડ બનાવવાનું. કૉન્ટુરિંગ વખતે તમને તમારા ચહેરાના આકાર અને બોનને કારણે જે નૅચરલ શેપ ઊભો થાય છે એની સમજણ હોવી જરૂરી છે. તમે જે ભાગને હાઇલાઇટ કરવા માગો છો એ માટે રાઇટ ટેક્નિક હોવી જોઈએ. ઘણી વાર કૉન્ટુરિંગ દ્વારા એક ગાલ ઊંચો અને બીજો ગાલ નીચો દેખાતો હોય છે, જે તમારા ચહેરાને સુંદર દેખાડવાને બદલે કૃત્રિમ ફીલ આપે છે.