કાટમાળ, કચરો અને ઑર્ગેનિક વેસ્ટને કારણે ઈ-કોલીથી ખદબદતી ફ્રાન્સની હેરિટેજ નદી સેનની ઑલિમ્પિક્સ પહેલાં જ કાયાપલટ કરવામાં આવી છે. ૧૪,૦૦૦ વર્ષ પહેલાં ઉદ્ભવેલી આ નદી પાસે પૅરિસનાં જોવાલાયક સ્થળોનું અનોખું નજરાણું પણ છે.
સેન રિવર
ઑલિમ્પિક્સના ઇતિહાસમાં આ ત્રીજી વાર ફ્રાન્સ યજમાન દેશ તરીકે ઑલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. સામાન્ય રીતે વિશ્વ ખેલ મહોત્સવની ઓપનિંગ સેરેમની સ્ટેડિયમમાં થતી હોય છે, પણ આ વખતે ફ્રાન્સે ઓપનમાં અને એ પણ પૅરિસની સેન નદીના કિનારે ભવ્ય સમારોહ રંગેચંગે યોજ્યો. તમામ દેશના ઍથ્લીટ્સે ફ્રાન્સની આન, બાન અને શાન ગણાતી હેરિટેજ રિવર સેનમાં બોટમાં સફર કરીને વિશ્વ ખેલોત્સવનો આગાઝ કર્યો હતો. કુલ ૬૮૦૦થી વધુ ઍથ્લીટ્સ ૮૫ બોટમાં સેન નદીમાં સફર કરતા નીકળ્યા અને લગભગ એના બન્ને કિનારે લાખો લોકોએ તેમને આતશબાજી, રંગબેરંગી લાઇટિંગ થકી સ્વાગત કર્યું. ભારતની બોટ પણ એમાં હતી અને એમાં સાડી અને કુરતા-પાયજામામાં સજ્જ આપણા ખેલાડીઓએ ભારતીય સંસ્કૃતિનું નિદર્શન કર્યું હતું. પહેલી વાર ૧૯૦૦, એ પછી ૧૯૨૪ અને ત્રીજી વાર ૨૦૨૪માં પૅરિસમાં ઑલિમ્પિક યોજાઈ રહી છે અને આ વખતે કંઈક નવતર રીતે ઓપનિંગ સેરેમની કરવાની ફ્રાન્સની ઇચ્છા કામયાબ થઈ અને જબરદસ્ત હિટ પણ રહી.
ADVERTISEMENT
વિવિધ દેશના ઍથ્લીટ્સને ચિયર કરી રહેલા દર્શકો
જોકે સેન નદીમાં ઓપનિંગ સેરેમની કરવાની કે પછી કેટલીક રમતો આ નદીમાં રમાડવાની વાત એટલી સરળ નહોતી જેટલી લાગે છે. હેરિટેજ રિવરની આસપાસ ઓપનિંગ સેરેમની કરવાનો નિર્ણય જાહેર થયો ત્યારથી અનેક લોકો આ બાબતે વિરોધ કરી રહ્યા હતા. લિટરલી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ હતો, કેમ કે એક નહીં બે-બે મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા દેખાઈ રહી હતી. વાત કંઈક એવી હતી કે ફ્રાન્સના હવામાન ખાતાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ઉદ્ઘાટનના દિવસે જબરદસ્ત વરસાદ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. હવે હવામાન ખાતાની આ આગાહી જો સાચી પડે તો ઑલિમ્પિક્સનો ઉદ્ઘાટન સમારોહ બે રીતે મુશ્કેલીમાં આવી શકે. એક તો આ ખેલોત્સવની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સમાન એની મશાલ વરસાદને કારણે ઓલવાઈ જાય અને એવું એક વાર આ પહેલાં પણ ઑલિમ્પિક્સમાં થઈ ચૂક્યું છે. સાલ હતી ૧૯૭૬ અને ઑલિમ્પિક્સ રમાઈ રહી હતી મૉન્ટ્રિયલમાં. એ જ સમયે મૉન્ટ્રિયલમાં એક જબરદસ્ત તોફાન આવ્યું અને ઑલિમ્પિક્સની મશાલ ઓલવાઈ ગઈ. ત્યાર બાદ એને ફરી સિગારેટ સળગાવવાના લાઇટરની મદદથી સળગાવવામાં આવી હતી. હવે એ જ રીતે જો આ વખતે પણ મશાલ ઓલવાઈ જાય તો ફ્રાન્સના પ્લાનિંગનો આખા વિશ્વમાં ફજેતો થાય. અને બીજું, જો વરસાદનું જોર જબરદસ્ત રહે તો વરસાદના પાણીને કારણે પૅરિસની સેન નદીનો પ્રવાહ વધી જાય અને પૅરિસમાં જ્યારે પણ આ રીતે ધોધમાર વરસાદ આવે છે ત્યારે આખા શહેરની ગંદકી અને ડ્રેનેજનો કચરો સેન નદીમાં વહેતો હોય એ સપાટીએ વહેવા માંડે. જો એમ થાય તો વિશ્વ આખું ફ્રાન્સ પર થૂ-થૂ કરે.
સેન નદી અને રમાનારી રમત
વાત માત્ર ઓપનિંગ સેરેમનીની જ નહોતી. ઑલિમ્પિક્સ ગવર્નિંગ બૉડી સાથે યજમાન દેશ ફ્રાન્સે નક્કી કર્યું હતું કે પૅરિસમાં વહેતી સેન નદીમાં ઓપન સ્વિમિંગ કૉમ્પિટિશન અને ટ્રાયથલોન રેસ કરાવવામાં આવશે. સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે ઓપન સ્વિમિંગ અને ટ્રાયથલોન ગેમ્સ શું છે? તો ઓપન સ્વિમિંગનો અર્થ તો એના નામમાં જ સમજાઈ જાય છે. જે રીતે ઇન્ડોર સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગની સ્પર્ધા હોય એ જ રીતે ખુલ્લામાં એટલે કે નદીમાં સ્વિમિંગની સ્પર્ધા કરાવવામાં આવે એને ઓપન સ્વિમિંગ કહેવામાં આવે છે. ટ્રાયથલોન રેસ અર્થાત્ ત્રણ અલગ-અલગ સ્પોર્ટ્સને એક જ સ્પર્ધામાં જોડી દઈ રમાડવામાં આવે એને ટ્રાયથલોન કહે છે. એટલે કે આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે સૌથી પહેલાં સ્વિમિંગથી શરૂ કરવાનું હોય, ત્યાર બાદ તેણે સાઇક્લિંગ કરવાનું અને ત્યાર બાદ રનિંગ એટલે કે દોડવાનું. અને આ સંદર્ભના બધા નિયમો પહેલેથી નક્કી હોય છે. જેમ કે, સ્વિમિંગ કઈ સ્ટાઇલમાં કરવાનું હશે અને કેટલું અંતર હશે. સાઇક્લિંગ ક્યાંથી ક્યાં અને કેટલા અંતર સુધી કરવાનું હશે અને ત્યાર બાદ દોડવાનું ક્યાંથી શરૂ કરી સ્પર્ધા ક્યાં પૂર્ણ કરવાની હશે. આ બધું જ નિયમ અનુસાર નક્કી કરવામાં આવ્યું હોય છે.
બસ, આ બે રમતો સેન નદીમાં રમાડવામાં આવશે એવા નિર્ણયની સામાન્ય જનતાને જાણ થઈ કે તરત ચર્ચાઓ અને વિરોધ-પ્રદર્શન વેગ પકડવા માંડ્યાં. પૅરિસ અને ત્યાં વહેતી સેન નદીની ગંદકી ઑલિમ્પિક્સના બીજા પણ એક કારણથી છેલ્લા થોડા સમયથી જબરદસ્ત ચર્ચામાં રહી છે. એ ચર્ચાનું સ્વરૂપ ધીરે-ધીરે કંઈક એ રીતે બદલાતું ગયું કે પહેલાં હા-નાની ચર્ચા થઈ, ત્યાર બાદ સર્વે થયો, પ્લાનિંગ કરવામાં આવ્યું અને ત્યાર બાદ થઈ એક જાહેરાત. હવે એ જાહેરાતને કારણે સૌથી પહેલાં તો એ નિર્ણય વિરુદ્ધ કંઈકેટલાય સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો. વિરોધથી વાત નહીં બની તો પ્રદર્શન થયાં. પ્રદર્શનથી પણ પેલા નિર્ણય કે જાહેરાતમાં કોઈ ફરક ન પડ્યો તો ક્યાંક-ક્યાંક હિંસક ઝડપ પણ થઈ અને અનેક મીડિયા રિપોર્ટ્સ અને ઇન્ટરવ્યુ પણ થયા.
વિરોધ શા માટે?
હવે વાત કરીએ વિરોધ વિશેની. તો પૅરિસની સેન નદીમાં આ રમત રમાડવાના છે એમાં સ્થાનિક લોકોને શું કામ કોઈ વાંધો જ હોવો જોઈએ? નદીમાં તરવૈયાઓ તરે તો એમાં શું લૂંટાઈ જાય? પણ વાત આપણે માનીએ એટલી સીધી નથી. સ્થાનિક લોકોની ચિંતા અને વિરોધ અસ્થાને નથી જ નથી. એ કઈ રીતે? તો એનો જવાબ થોડો વિગતે જાણવો પડે એમ છે.
ઓપનિંગ સેરેમની દરમ્યાન ભારતીય ઍથ્લીટ્સની બોટ
હવે મૂળ વાત કંઈક એવી છે કે પૅરિસની આ સેન નદીમાં કોઈ પણ વ્યક્તિને તરવાની પરવાનગી નથી. છેલ્લાં લગભગ ૧૦૦ વર્ષથી પૅરિસ દ્વારા સેન નદીમાં કોઈ પણ જાતની તરણ-પ્રવૃત્તિની મનાઈ ફરમાવવામાં આવી છે. એનાં કેટલાંક વાજબી કારણો પણ છે. વાસ્તવિકતા કંઈક એવી છે કે એક સમયે પૅરિસના વ્યાપાર વાણિજ્ય અને જળમાર્ગે પ્રવાસ માટેનો સૌથી મહત્ત્વનો સ્રોત ગણાતી આ સેન નદી હવે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત જોખમી થઈ ચૂકી છે. આખા પૅરિસની ડ્રેનેજનો કચરો એમાં ઠલવાય છે. એ સિવાય લોકવપરાશ પછીની પણ અનેક વસ્તુઓ કચરા તરીકે આ સેન નદીમાં અથવા એના કિનારે ફેંકી દેવામાં આવતી હોવાને કારણે એમાં અનેક રોગજન્ય કીટાણુ અને વાઇરસ પણ હોઈ શકે છે. વળી, આટલાં વર્ષોથી એની સાફસફાઈ વિશે પણ કોઈ ખાસ કામ નહીં થયાં હોવાને કારણે નદીની તળેટીમાં અનેક પ્રકારનો કચરો અને કાટ લાગી ગયાં હોય એવાં સાધનો કે પ્રાણીઓની કોહવાઈ ગયેલી લાશ સુધ્ધાં હોવાની શક્યતાને નકારી શકાય એમ નથી. આ બધાં કારણોને લીધે સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેલવીરોનાં સ્વાસ્થ્ય અને બીજી અનેક બાબતોને ધ્યાનમાં લેતાં ઑલિમ્પિક્સ ગવર્નિંગ બૉડી અને ફ્રાન્સની સરકાર દ્વારા સેન નદીમાં ખેલ-સ્પર્ધાઓ રમાડવા વિશેનો લેવાયેલો નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ, કારણ કે આ નિર્ણય સ્વાસ્થ્ય અને ખેલ બન્નેની દૃષ્ટિએ અત્યંત જોખમી છે.
કહેવાતું હતું કે જૂની કટાઈ ગયેલી સાઇકલોથી લઈને બીજાં વાહનોના કાટમાળ સહિત અનેક પ્રાણીઓનાં હાડકાં, પ્લાસ્ટિકનો કચરો, સૅનિટરી પૅડ્સ અને નૅપી જેવી કેટલીય ગંદકીનો નિકાલ અને એ ઉપરાંત સૌથી મોટી કસોટીરૂપ હતું ડ્રેનેજના કચરાની સફાઈનું કાર્ય. આ બધી સાફસફાઈનું કાર્ય લગભગ એક વર્ષ કરતાં વધુ લાંબા સમય સુધી ચલાવવામાં આવ્યું. ત્યાર બાદ પૅરિસની જ નહીં, ફ્રાન્સની પણ અનેક સંસ્થાઓને નદીના પાણીની ગુણવત્તા અને એમાં જોવા મળતા ઈ-કોલી બૅક્ટેરિયાના સ્તરનો સતત અભ્યાસ કરતા રહેવાનું જણાવવામાં આવ્યું. રિપોર્ટ્સ યોગ્ય સમયાંતરે સરકારને સુપરત કરવામાં આવતા હતા. એના આધારે સરકારનું કહેવું છે કે સેન નદીમાં હવે ઈ-કોલી બૅક્ટેરિયાનું પ્રમાણ ખૂબ ઓછું અને નુકસાન નહીં કરે એટલા સ્તરે પહોંચી ચૂક્યું છે.
પૅરિસે શું પગલાં લીધાં?
એક સમયે ગંદા કિનારાઓ ધરાવતી સેન નદીની હવે કાયાપલટ થઈ ગઈ છે
ઈ-કોલી નામના બૅક્ટેરિયાનું ખૂબ મોટું પ્રમાણ આ નદીમાં હોવાને કારણે એમાં તરવા કે નાહવાથી ખેલવીરોનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે એવી વાતો જ્યારે એક્સપર્ટ્સ અને સામાન્ય જનતા દ્વારા કહેવાવા માંડી ત્યારે પૅરિસનાં મેયર ઍની હિડાલ્ગોએ એક જબરદસ્ત પેંતરો અપનાવ્યો. હિડાલ્ગોએ જાહેરાત કરી કે તેઓ પોતે સેન નદીમાં ડૂબકી લગાવીને સ્વિમિંગ કરશે અને માત્ર પૅરિસને જ નહીં, પરંતુ આખા વિશ્વને વિશ્વાસ અપાવશે કે સેન નદીની સાફસફાઈ વિશે અમે પૂરતું કામ કર્યું છે. જરૂરિયાત મુજબની બધી કાળજીઓ પણ લીધી હોવાનો ભરોસો બેસાડવા માટે આ થયું હતું અને એ પહેલાં ઘણું કામ પણ થઈ ચૂક્યું હતું.
તો પ્રશ્ન એ આવે કે પૅરિસે એવું તે શું કર્યું છે?
સૌથી પહેલાં તો સેન નદીને ઑલિમ્પિક્સની રમતો રમવાલાયક બનાવવા માટે એટલે કે સાફસફાઈ માટેનો એક પ્રોજેક્ટ ફ્રાન્સની સરકારે હાથ ધર્યો. એ માટે એણે અંદાજે ૧.૪ બિલ્યન યુરો (૧૨૭.૪૨ અજબ રૂપિયા)ના ખર્ચે આ સફાઈકાર્ય થયું હતું. સરકારનું કહેવું હતું કે આ સાફસફાઈ માત્ર ઑલિમ્પિક્સ માટે જ થઈ હતી એવું નથી. પૅરિસને એની વિરાસત સમાન સેન નદી ફરી ચોખ્ખી મળે અને ૨૦૨૫ની ઉનાળાની મોસમમાં સ્વિમિંગની રમતોનું આયોજન પણ આ નદીમાં થઈ શકે એવા આશય સાથે આ રિવર ક્લીનિંગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
ઑલિમ્પિક્સ તો હજી હમણાં શરૂ થઈ, પરંતુ એ માટે પૅરિસે સેન નદીની સાફસફાઈનું કાર્ય છેલ્લા ઘણા લાંબા સમયથી શરૂ કરી દીધું હતું. આખરે આ હોબાળો ત્યાં સુધી ચાલ્યો જ્યારે પૅરિસનાં મેયરે જાતે સેન નદીમાં ડૂબકી લગાવવી પડી. જાહેર જનતા અને એના દ્વારા આખા વિશ્વને તેમણે તરીને સાબિતી આપવી પડી કે ફ્રાન્સ અને ઑલિમ્પિક્સ ગવર્નિંગ બૉડી દ્વારા લેવાયેલો નિર્ણય જરાય ખોટો કે જોખમી નથી અને બધું બરાબર છે.
સફાઈ દરમ્યાન કટાયેલી સાઇકલોનો સેંકડો ટન કાટમાળ નીકળ્યો હતો
આપણે અનેક વાર કહીએ છીએ કે માનવી જેમ-જેમ પ્રગતિ કરતો જઈ રહ્યો છે એમ-એમ કુદરતી સંપદાનું નિકંદન કાઢતો જઈ રહ્યો છે. સેન નદી સાથે આટલાં વર્ષો દરમ્યાન જે વ્યવહાર થયો છે એ પણ કંઈક આ જ હકીકતના તાદૃશ નમૂના જેવું નથી લાગતું? કોઈ નિર્મળ વહેતી નદીને આપણે આપણી બેદરકારીને કારણે એટલી ગંદી અને અસ્વસ્થ બનાવી મૂકીએ છીએ કે કુદરતે જે જળ અને એના પ્રવાહનું આપણા માટે જ સર્જન કર્યું છે એ સર્જનને જ આપણે શ્રાપરૂપ બનાવી મૂકીએ છીએ.
૧૪,૦૦૦ વર્ષ જૂની સેન નદીનો ઇતિહાસ
સેન નદીના પાણીની ગુણવત્તાની ચકાસણી કરતા વૈજ્ઞાનિકો
સેન નદી આમ તો માત્ર પૅરિસની જ નહીં, પરંતુ આખા ફ્રાન્સની મહત્ત્વની ઓળખ સમાન નદી છે. ફ્રાન્સમાં વહેતી નદીઓમાં સૌથી લાંબી નદી તરીકે બરગંડીથી વહેતી પૅરિસ થઈને આખરે લે હાવરે બંદરગાહે ઇંગ્લિશ ચૅનલમાં ભળી જતી સેન નદીનું સ્થાન બીજા ક્રમે આવે છે. કુલ ૭૭૭ કિલોમીટર સુધી વહેતી આ સેન નદી ફ્રાન્સની સૌથી પ્રખ્યાત નદી છે. જેનું એક કારણ એ પણ ખરું કે સેન નદીના કિનારે જ ફ્રાન્સનાં અનેક જાણીતાં પર્યટક સ્થળો પણ આવેલાં છે. જેમ કે પૅરિસની ઓળખ સમું આઇફલ ટાવર, નૉસ્ટ્રડેમસ વગેરે વગેરે...
કહેવાય છે કે સેન નદી ૧૪,૦૦૦ વર્ષ જૂની છે. મતલબ કે ૧૨,૦૦૦ બિફોર ક્રાઇસ્ટની આસપાસ એ અસ્તિત્વમાં આવી હતી. હજારો વર્ષ પછી પણ આ નદીનું વહેણ અને પાથ એવાં ને એવાં જ રહ્યાં છે. ૮૪૧માં ચાંચિયાઓની ટોળકીએ અહીં ધાડ પાડી હતી એવું કહેવાય છે.
સેન નદીની વ્યક્તિગત મુલાકાત લીધા વિના એના વિશે વિશ્વના અનેક દેશો અને લોકો ત્યારે વધુ જાણતા થયા જ્યારે ૧૯૧૦માં આ નદીમાં પૂર આવ્યું હતું. ૮.૬૨ મીટર ઉપર સુધી સેન નદીના પાણીનું સ્તર એ સમયે આવી ગયું હતું.
ત્યાર બાદ ૧૯૨૩ની એ સાલ જ્યારે સેન નદીમાં નાહવું કે તરવું પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું. ૧૯૯૧માં તો સેન નદીને યુનેસ્કોએ વિશ્વની હેરિટેજ સાઇટ્સમાં સ્થાન આપ્યું હતું. એવો ભવ્ય ઇતિહાસ ધરાવતી આ નદી જે ઇંગ્લિશ ચૅનલને મળે છે એ એ જ પોર્ટ છે જે આખા યુરોપના સૌથી વ્યસ્ત પોર્ટ્સમાં બીજા ક્રમાંકે આવે છે. આમ તો એક સમય હતો જ્યારે પૅરિસને મહત્ત્વનું પોર્ટ ગણવામાં આવતું હતું. ત્યાર બાદ સમય જતાં પૅરિસ એક શહેર તરીકે સ્થાપિત થયું.
પૅરિસમાં સેન નદીનો લગભગ ૧૩ કિલોમીટર લાંબો પ્રવાહ વહે છે. એના પર લગભગ ૩૭ બ્રિજ બાંધવામાં આવ્યા છે. એમાંથી ૪ ફુટઓવર બ્રિજ છે અને આ નદીનું સૌંદર્ય નિહાળવાનો મુખ્ય પૉઇન્ટ અહીં છે.
ઉત્તરથી પશ્ચિમ તરફ વહેતી આ નદી મધ્ય યુગમાં ફ્રાન્સ માટે એક અત્યંત મહત્ત્વની કનૅલ હતી જે ફ્રાન્સ અને પૅરિસને દરિયાઈ માર્ગે થતા વ્યાપારમાં મહત્ત્વનો માર્ગ પૂરો પાડતી હતી. એટલું જ નહીં, કેટલાકનું તો ત્યાં સુધી માનવું છે કે ફ્રાન્સના પૅરિસનો આ સેન નદીનો વ્યાપાર-રૂટ એ વિશ્વના સૌથી જૂના ટ્રેડ-રૂટમાંનો એક રૂટ છે.