બદલાઈ રહેલી સ્લીપ-પૅટર્ન વચ્ચે બાળકોની સ્કૂલના સમયમાં બદલાવની ચર્ચા શરૂ થઈ છે. વાત તો સાચી કે બાળકો મોડાં સૂએ છે એટલે વહેલી સ્કૂલથી તેમની ઊંઘ બગડે છે જેની અસર તેમની હેલ્થ પર પણ પડવાની જ. તો એનું સૉલ્યુશન શું? શિક્ષણ અને બાળકોની હેલ્થ સાથે સંકળાયેલા ન
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસે બે દિવસ પહેલાં બાળકોને પૂરતી ઊંઘ મળી રહે એ માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને તેમના સ્કૂલના સમયપત્રકમાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલા શિક્ષણ વિભાગના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રમેશ બૈંસે લોકોની બદલાઈ રહેલી સ્લીપ પૅટર્ન વિશે વાત કરી હતી અને સાથે કહ્યું હતું કે આજે બાળકો રાતે મોડે સુધી જાગે છે એને લીધે વહેલી સવારની સ્કૂલમાં જતાં બાળકોની ઊંઘ પૂરી થઈ શકતી નથી એટલે સ્કૂલના ટાઇમ બદલવા જોઈએ. જોકે તેમની આ ભલામણ ક્યારે અમલી બનશે અને કેટલી અમલી બનશે એ તો પછીની વાત છે, પણ તેમણે કરેલી ભલામણ સ્કૂલ અને બાળકો સાથે સંકળાયેલા લોકો અને એક્સપર્ટ્સને આ સંદર્ભે પૂછવામાં આવ્યું તો તેમનું એવું જ કહેવું છે કે આરોગ્યથી લઈને શિસ્તબદ્ધ લાઇફ માટે વહેલાં ઊઠીને સ્કૂલમાં જવું યોગ્ય છે, પણ એ માટે બાળકોને ફિઝિકલી અને મેન્ટલી તૈયાર કરવાની જવાબદારી પેરન્ટ્સ ઉપરાંત સ્કૂલની પણ એટલી જ છે.
ઝોકું ખાતાં બાળકો
આમ જોવા જઈએ તો સવારની સ્કૂલનો ટાઇમ સૌથી બેસ્ટ છે, પરંતુ વર્તમાન સમયમાં સ્લીપિંગ પૅટર્ન બદલાવાને લીધે બાળકોની ઊંઘ પૂરી થતી નથી એને લીધે ઘણી વખત તેઓ સ્કૂલમાં ઝોકાં ખાતાં જોવા મળે છે. કાંદિવલીની એક સ્કૂલનાં ટીચર અંજના પરમારનો આ અનુભવ છે. તેઓ બહુ સ્પષ્ટતા સાથે કહે છે, ‘ઘણી વખત તો તેમના એકાદ-બે પિરિયડ ઝોકાં ખાવામાં જ નીકળી જાય છે. એને લીધે અમારે ઘણી વખત વાલીઓને એ બાબતે પીટીએમમાં જણાવવું પડે છે. વાલીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે તેઓ જણાવે છે કે અમને ઑફિસથી આવતાં મોડું થઈ જાય છે, જમતાં મોડું થાય છે. પછી બાળકો સાથે ટાઇમ સ્પેન્ડ કરે છે એને લીધે ઊંઘવાનું મોડું થઈ જાય છે.’
ADVERTISEMENT
ગૅજેટનો અતિરેક
બાળકો મોડાં સૂએ છે એની પાછળ એક જ કારણ નથી, ગૅજેટ્સ પણ એટલાં જ જવાબદાર છે એમ જણાવીને પીડિયાટ્રિશ્યન નીતા જગડ કહે છે, ‘અમારું ઇન્ડિયન ઍકૅડમિક ઑફ પીડિયાટ્રિશ્યનનું જે અસોસિએશન છે, જેનો પ્રેસિડેન્શિયલ ઍક્શન પ્લાન છે એ પ્રમાણે અમે એક મૉડ્યુલ બહાર પાડ્યું છે.એ પ્રોગ્રામનું નામ છે ‘સંકલ્પ સંપૂર્ણ સ્વાસ્થ્ય.’ એ અંતર્ગત સ્કૂલમાં ડાયટ, હાઇજિન, લિમિટેડ ગૅજેટ્સ યુઝ, ફિઝિકલ એક્સસાઇઝ અને મેન્ટલ હેલ્થ ચેક કરવામાં આવી રહ્યું છે અને જેમાં રેકમન્ડેશન છે કે ૧૦ વર્ષથી ઓછી વયનાં બાળકોને ઓછામાં ઓછી ૯થી ૧૦ કલાકની પૂરતી ઊંઘની જરૂર હોય છે અને ૧૦ વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને ૭થી ૮ કલાકની ઊંઘની જરૂર હોય છે. આમ જોવા જઈએ તો આટલા કલાક આ ઉંમરનાં બાળકો ઊંઘ માટે આપી શકે એમ છે; પણ તેઓ ગૅજેટ્સ, ટીવી, મૂવીમાં એટલો બધો સમય આપી દે છે કે તેમની ઊંઘ પૂરી થતી નથી. સૂતી વખતે શરીરમાં સેલ્સનું નિર્માણ, રિલૅક્સેશન અને આજુબાજુના એન્વાયર્નમેન્ટમાં ઍડ્જસ્ટ થઈ શકાય એ માટે શરીર રેડી થતું હોય છે એટલે ઊંઘ તો પૂરતી જોઈએ જ, પણ બીજી બાજુ એ પણ છે કે જો સ્કૂલનો સમય મોડો કરી દેવામાં આવે તો બાળકોને વધુ મોડે સુધી ગૅજેટ્સ વાપરવાની મજા પડી જાય છે એટલે એ પણ યોગ્ય નથી.’
આવી રીતે બીજું એક રિસર્ચ પણ હાથ ધરવામાં આવ્યું છે જે મુજબ બાળકોની નિદ્રા અને એની સાથે
તેમની સક્રિયતા વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે.
રિસર્ચ શું કહે છે?
અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન, અસોસિએશન ફૉર પ્રાઇમરી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ એક મજેદાર રિસર્ચના ઉલ્લેખ સાથે કહે છે, ‘ન્યુરોસાયન્સના એક રિસર્ચ પ્રમાણે ટીનએજ બાળકોનું મગજ સવારે ૧૦ વાગ્યા પછી સક્રિય થાય છે, જ્યારે નાનાં બાળકો જો રાતે જલદી સૂઈને સવારે વહેલાં ઊઠે તો તેઓ ફ્રેશ ફીલ કરે છે અને બપોરે ૧૨ વાગ્યા બાદ તેઓ થાક અનુભવવા માંડે છે. આમ બન્ને વસ્તુ સાયન્સે સાબિત કરી છે. આમાં તમે બાળકોને કેટલા વાગ્યે સુવડાવો છો એ વધારે મહત્ત્વનું છે, કેમ કે જો તેઓ મોડાં સૂએ તો મોડાં ઊઠે અને જો વહેલાં ઊઠે તો ઊંઘ આવવી, કંટાળો આવવો, થાક લાગવો વગેરે અનુભવે છે એટલે બાળકો કેટલા વાગ્યે સૂએ છે એ વધારે મહત્ત્વનું છે.’
બાળકોને હવે વહેલાં ઊઠવાની આદત નથી, પણ પહેલાંના સમયમાં તો બધાં જલદી ઊઠતાં જ હતાંને? બહુ જ પ્રૅક્ટિકલ વાત કરતાં ડૉ. સ્વાતિ પોપટ કહે છે, ‘આપણા દેશમાં પહેલાં ગુરુકુળ હતાં ત્યાં ભણતાં બાળકો વહેલાં ઊઠતાં, પણ ઊઠીને નાહીને તેઓ સીધાં અભ્યાસ કરવા માટે બેસી જતાં નહોતાં. તેઓ અભ્યાસ શરૂ કરતાં પૂર્વે પ્રાર્થના, યોગ અને કસરત કરતાં, જેને લીધે તેમની ઊંઘ ઊડી જતી અને ફ્રેશ તથા ઍક્ટિવ થઈ જતાં હતાં, પણ અત્યારે તો બાળકને ઉઠાડીએ પછી ફટાફટ નવડાવીને તેમને સ્કૂલની વૅનમાં કે બસમાં મૂકી આવીએ છીએ. ત્યાંથી તેઓ સ્કૂલમાં જઈ ક્લાસરૂમમાં બેસી જાય છે. આવી સ્થિતિમાં બાળકો સ્કૂલમાં ઝોકાં નહીં તો શું ખાય? બાળકોને ફિઝિકલ જ નહીં, પણ મેન્ટલી પણ જગાડવાની જરૂર હોય છે એટલે ઘણી બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે એટલે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં આ બધા જ પૉઇન્ટ પર પણ વિચાર કરવો જોઈએ એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે.’
પેરન્ટ્સનો રોલ
પીડિયાટ્રિશ્યન નીતા જગડ કહે છે, ‘મારી પાસે ઘણા પેરન્ટ્સ આવે છે ફરિયાદ લઈને કે બાળકો વહેલાં ઊઠતાં નથી. સાથે એમ કહેતાં હોય છે કે રાતે વહેલાં સૂતાં નથી ત્યારે અમે પેરન્ટ્સને કહી દઈએ છીએ કે પહેલાં તમારી આદત બદલો, બાળકોની આદત પણ બદલાશે.’
બાળકો કરતાં પહેલાં પેરન્ટ્સે સમજવાની જરૂર છે એ બાબત પર પ્રકાશ પાડતાં કાઉન્સેલર ધ્વનિ ગાલાનું કહેવું છે, ‘બાળકોને એટલી ખબર નથી પડતી જેટલી ખબર આપણને પડે છે કે બાળકની ઊંઘ પૂરી થાય છે કે નહીં. દરેક બાળકને ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોય છે. જો કાઉન્સેલર તરીકે કહું તો બાળકોને મોડાં ઉઠાડવા કરતાં વહેલાં સુવડાવવા માટે તૈયાર કરવાં જોઈએ. તેઓ વહેલાં સૂએ તો કેટલો ફાયદા થાય છે એ તેમને સમજાવવું જોઈએ. સવારે જલદી ઊઠવાથી કેવું સારું લાગે છે. દિવસ મોટો લાગે છે અને અનેક કામ પણ આપણે કરી શકીએ છીએ એવું સમજાવીને તેમને મેન્ટલી તૈયાર કરવાં જોઈએ. બાળકો થાકી જાય છે, ઊંઘ પૂરતી મળતી નથી. ભણવા પર ધ્યાન નથી આપતાં એવી બધી ફરિયાદો અમારી પાસે પણ આવે છે, પણ એ બધા માટે માત્ર પૂરતી ઊંઘ જ એકમાત્ર જવાબદાર નથી. બીજાં અનેક પરિબળો પણ હોય છે જેને લીધે બાળકોને ઊંઘ સરખી મળતી નથી. એ સંદર્ભે બાળકો સાથે પેરન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરવાની જરૂર હોય છે.’
અહીં પોતાનો સ્વાનુભવ જણાવતાં એક સ્કૂલનાં ટીચર અંજના પરમાર ચિંતા વ્યક્ત કરતાં ઉમેરે છે, ‘બાળકોની ઊંઘ પૂરી નથી થતી એને લીધે તેમને ઍકૅડેમિકની સાથે હેલ્થ પ્રૉબ્લેમ પણ આવે છે. સવારે બાળકો આવે ત્યારે ઊંઘમાં જ હોય છે. ઘણી વખત ચોપડાં પણ એવી જ રીતે બૅગમાં ગોઠવીને લાવે. ક્યારેક-ક્યારે તો કોઈ ને કોઈ બુક મિસિંગ જ હોય. આટલું ઓછું હોય એમ ઘણી વખત સવાર-સવારમાં બાળકોનાં ટિફિન રેડી કરવાનો પણ મમ્મીને ટાઇમ હોતો નથી એને લીધે ઘણાં બાળકોને ડબ્બામાં જન્ક ફૂડ લાવતાં જોઉં છું, જે આરોગ્ય માટે સારું નથી.’
ઊંઘ ઓછી પડે તો બાળકોને ઘણા પ્રૉબ્લેમ આવે છે; ગ્રોથ પ્રૉબ્લેમ, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, વજનમાં ઘટાડો, સ્ટ્રેસમાં વધારો, મેન્ટલ ઇશ્યુ થાય છે. આવા પ્રૉબ્લેમ સાથે અનેક બાળકો અમારી પાસે આવે છે. નો ડાઉટ, આ બધી બીમારીઓ પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોય જ છે, પણ એક કારણ અપૂરતી ઉંઘ છે એમ પીડિયાટ્રિશ્યન નીતા જગડ કહે છે.
ઈટિંગ-હૅબિટ્સ
‘ઊંઘ બગડે તેનો દિવસ બગડે’ એ સાચું છે અને એ પણ સાચું છે કે જેનું આરોગ્ય બગડે તેની ઊંઘ બગડે અને ઊંઘ બગડવા પાછળ વહેલી સ્કૂલનો ટાઇમ નથી, પણ બાળકોની દિનચર્યા અને ખોરાક જ જવાબદાર છે. આ બાબતે બાળકોને અને પેરન્ટ્સને સલાહ આપતાં જુહુ સ્થિત ડાયટિશ્યન શીલા તન્ના કહે છે, ‘સ્કૂલ ગમે એટલા વાગ્યાની હોય, પણ વહેલા ઊઠવું સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. સ્કૂલ મોડી શરૂ કરીએ તો બાળકોને વધુ ઊંઘ મળે અને તેઓ ફ્રેશ રહે એ બધાં મને ઍક્સક્યુઝ જેવાં લાગે છે. વહેલા ઊઠવું કાંઈ ખોટું નથી. વહેલાં ઊઠવાથી બાળકોની પાચનશક્તિ સુધરે છે જેથી તેમને આળસ નથી આવતી અને ઍક્ટિવ રહી શકે છે, પણ એ માટે તેમનામાં એનર્જી હોવી જોઈએ જે માટે ડાયટ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જન્ક ફૂડ, શુગર, કાર્બોહાઇડ્રેટ્સ, વધુ પડતી ફૅટ ધરાવતા ખોરાક આજકાલ બાળકોમાં ખૂબ પ્રચલિત છે. આ ખોરાક હેલ્થ તો બગાડે જ છે, પણ પચવામાં પણ હેવી છે અને એને લીધે તેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે. બાળકોને આળસ ભરાય છે અને ઊંઘ આવે છે. ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઘટી ગયું છે જેને લીધે પેટ પણ સાફ આવતું નથી એટલે અપચો અને ઍસિડિટી વધી છે જેને લીધે બાળકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે. આજે નાનાં-નાનાં બાળકોમાં ડાયાબિટીઝ, બીપી, કૉલેસ્ટરોલ જોવા મળી રહ્યું છે જે ખૂબ ચિંતાનો વિષય છે. હમણાંની વાત કરું તો મારી પાસે એક એનઆરઆઇ પેરન્ટ્સ તેમના ૧૪ વર્ષના દીકરાને લઈને આવ્યા હતા. બાળકને વારંવાર બાથરૂમ જવું પડતું હતું એટલે મેં તેમને ટેસ્ટ કરાવવાનું કહ્યું. તેમને પણ અજીબ લાગ્યું કે આમાં શું થયું કે ટેસ્ટ કરાવવી જરૂરી છે. પણ જ્યારે ટેસ્ટ કરાવી અને એનો રિપોર્ટ આવ્યો એ જોઈને હું અને બાળકના પેરન્ટ્સ અવાચક થઈ ગયાં. તેમના બાળકને ઓબેસિટી, ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ આવ્યું. માનવામાં ન આવે, પણ ૧૪ વર્ષના બાળકને પણ આવું થઈ શકે છે. આ એક દાખલો નથી, આવાં તો અનેક ઉદાહરણો હવે સામે આવી રહ્યાં છે. બાળકોને વધારેમાં વધારે પચવામાં હલકો અને પોષણયુક્ત ખોરાક આપવાની હું ભલામણ કરું છું. ખીચડી, દાળ-ભાત, હોમ મેડ ફૂડ, પ્રોટીનયુક્ત ખોરાક, નટ્સ, સીઝનલ ફ્રૂટ્સ ખવડાવો. સૂતાં પહેલાં બૉર્નવિટા આપવા કરતાં હળદરવાળું દૂધ આપો. બટર, પૅકેજડ ફૂડ્સ, કોલ્ડ ડ્રિન્ક વગેરે ન આપો. એનાથી બાળકોને ઊંઘ પણ સારી આવશે અને વહેલું ઊઠી પણ શકશે તેમ જ સાત્ત્વિક ખોરાક ખાવાથી તેમનો શારીરિકની સાથે માનસિક વિકાસ પણ સરસ રીતે થઈ શકશે. એટલે ફોકસ કરવું હોય તો બાળકોના આરોગ્ય પર કરો, સ્કૂલનાં ટાઇમિંગ આગળ-પાછળ કરવાથી કંઈ થવાનું નથી.’
દુનિયાના દેશોમાં સ્કૂલ-ટાઇમ કેટલા વાગ્યાનો?
ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગની સ્કૂલો સવારે ૮.૪૫ વાગ્યે શરૂ થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સરેરાશ સ્કૂલો સવારે ૮ વાગ્યા પછી જ શરૂ થાય છે, જે સમય તેમના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન દ્વારા સૂચવવામાં આવ્યો છે.
કૅનેડામાં સામાન્ય રીતે સ્કૂલો સવારે ૮.૩૦ બાદ જ શરૂ થાય છે તેમ જ પ્રી-સ્કૂલમાં દાખલ કરવાની બાળકો
માટેની લઘુતમ વયમર્યાદા
પણ ચાર અથવા પાંચ
વર્ષની છે.
શૈક્ષણિક સિદ્ધિ અને સ્પર્ધાત્મકતા માટે વિશ્વમાં ટોચના ક્રમાંકે આવતા કોરિયામાં સ્કૂલનો સમય વહેલી સવારનો નહીં, પણ સવારે ૮થી ૯ વાગ્યાથી શરૂ થાય છે.
શ્રેષ્ઠ ગુણવત્તાનું શિક્ષણ આપતા ટોચના દેશોમાં સ્થાન ધરાવતા ન્યુ ઝીલૅન્ડમાં સ્કૂલ શરૂ થવાનો સમય સવારે ૯ વાગ્યાનો છે.
બ્રિટન, ચીન અને સિંગાપોરમાં પણ સ્કૂલનો સમય સવારે ૮ વાગ્યા પછીનો છે.
પેરન્ટ્સ શું કહે છે?
બાળક સૂએ જ નહીં તો કરવાનું શું? ઃ કલ્પા બોરીચા
મલાડમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની મમ્મી કલ્પા બોરીચા કહે છે, ‘બાળકો કેટલા વાગ્યે સૂએ છે એ સૌથી મહત્ત્વની બાબત તો છે, હું મારી વાત કરું તો મારા દીકરાની સવારની ૭ વાગ્યાની સ્કૂલ છે. સ્કૂલ ભલે નજીક છે, પણ તેણે મોડામાં મોડું ૬ વાગ્યા સુધી તો ઊઠી જ જવું પડે છે અને એ માટે તેણે વહેલા સૂવું જોઈએ, પણ તે રાતે ૧૧ વાગ્યા પહેલાં સૂતો જ નથી. જો તમે મારા દીકરાને પૂછશો તો તે એમ જ કહેશે કે હા સ્કૂલ મોડી જ શરૂ થવી જોઈએ. કેમ કે બાળકોને વહેલાં ઊઠવાનો કંટાળો જ આવતો હોય છે. જો મારો વિચાર પૂછવામાં આવે તો હું તો એમ જ કહીશ કે સવારે વહેલી સ્કૂલ હોય એ જ બેસ્ટ છે. પેરન્ટ્સને થોડી તકલીફ પડે, પણ પછી એક શેડ્યુલ બની જાય છે. અર્લી મૉર્નિંગ સ્કૂલ હોય તો બાળકોમાં વહેલાં સૂઈને વહેલાં ઊઠવું જોઈએ એવા ગુણ આવશે. બાળકોને જ નહીં, પેરન્ટ્સને પણ વહેલાં સૂઈને વહેલાં ઊઠવાની આદત પડશે, પણ જો તેમનો સ્કૂલનો ટાઇમ પાછળ ધકેલવામાં આવશે તો તેમને વહેલાં ઊઠવાની આદત પડશે નહીં.’
સવારે વહેલા ઊઠવાની આદત ભવિષ્યમાં પણ કામ લાગશે ઃ દેવાંશુ જોષી
મેં તો મારી દીકરી માટે સ્કૂલમાં સામેથી સવારની શિફ્ટ માગી છે એમ જણાવતાં દેવાશું જોષી કહે છે, ‘અત્યારે મારી દીકરી પ્લે-ગ્રુપમાં છે અને આવતા વર્ષે નર્સરીમાં જવાની છે. અત્યારે પણ તેનો સવારનો ટાઇમ છે જે તેને અને અમને બન્નેને ફાવી ગયો છે. પ્લે-ગ્રુપ બે-અઢી કલાકનું હોય છે એટલે પછી તેને આખો દિવસ રમવા માટે મળી રહે છે. બપોરે સૂઈ શકે છે જેથી તેનો સમય પણ સરસ પસાર થઈ જાય છે. અત્યારથી જો તેને વહેલી ઊઠવાની આદત પડી જશે તો ભવિષ્યમાં સારું જ છે એટલે અમને અને તેને સવારની સ્કૂલ જ ગમે છે.’
બપોરની સ્કૂલ હોય તો બાળક બરાબર જમે તો ખરું ઃ વૈશાલી અને કૃતાર્થ રાવલ
કાંદિવલીમાં રહેતાં વૈશાલી અને કૃતાર્થ રાવલ કહે છે, ‘અમને બપોરની સ્કૂલ જ ગમે. એનું મુખ્ય કારણ એ છે કે બાળકો ગરમ-ગરમ જમીને સ્કૂલ જઈ શકે. આઇસીએસઈ સ્કૂલનો ટાઇમ સવારે ૮ વાગ્યાથી શરૂ થાય છે અને ઘરે આવતાં બાળકોને બહુ મોડું થઈ જાય છે ત્યારે જમવાનો કસમય થઈ જાય છે. મારા દીકરા સાથે પણ એવું જ થયું હતું. તેને ટિફિનમાં રોટલી-શાક લઈ જવાનું નહોતું ગમતું. તે ચિડાઈ જતો હતો. એને લીધે તે સ્કૂલમાં ટિફિન ખોલતો જ નહોતો. એટલે અમે તેની બપોરની સ્કૂલ હોય ત્યાં મૂકી દીધો. જો બાળક બરોબર જમશે નહીં તો પોષણ ક્યાંથી મળશે અને એ જ મુખ્ય કારણને લીધે અમને સવારની સ્કૂલ નથી ગમતી.