હું રોજ એવું યાદ કરતો હતો કે હું જો એ સડકો પર હોત તો યહૂદી હોવાને કારણે મારો પણ જીવ ગયો હોતઃ સ્ટીવન સ્પીલબર્ગ
બ્લૉકબસ્ટર
કદાચ ઇતિહાસને ક્યારેય ખબર નહીં પડે કે ભ્રષ્ટ બિઝનેસમૅને પોતાના જીવને દાવ પર મૂકીને મરવાને વાંકે જીવી રહેલા ગરીબ યહૂદીઓને લાંબા આયુષ્યની ભેટ કેમ આપી હતી
મેં બાળપણમાં ઘણા વ્યક્તિગત કિસ્સા સાંભળ્યા હતા, પરતું આ કિસ્સો દિલચસ્પ અને અનોખો હતો. આ અટપટો માણસ જે પોતે પીડિત નહોતો, જે બિઝનેસમૅન હતો, કૅથલિક હતો અને નાઝી પાર્ટીનો સભ્ય હતો તેણે કોઈ અગમ્ય કારણસર ૧૧૦૦ યહૂદીઓના જીવ બચાવ્યા હતા. હું રોજ એવું યાદ કરતો હતો કે હું જો એ સડકો પર હોત તો યહૂદી હોવાને કારણે મારો પણ જીવ ગયો હોતઃ સ્ટીવન સ્પીલબર્ગ
નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’નો વિવાદ થયો ત્યારે વારંવાર બીજી એક ફિલ્મનો ઉલ્લેખ થતો રહ્યો હતો ઃ હૉલીવુડ ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની ‘શિન્ડલર્સ લિસ્ટ.’ દ્વિતીય મહાયુદ્ધ અને જર્મનીની નાઝી સેનાના અત્યાચાર પર યુરોપ-અમેરિકામાં ઘણી ફિલ્મો બની છે, એમાંથી ‘શિન્ડલર્સ લિસ્ટ’ સૌથી મહત્ત્વની ફિલ્મ છે. સવાત્રણ કલાક લાંબી આ ફિલ્મ ગ્રીક ટ્રૅજેડી જેવું ફિલ્મી મહાકાવ્ય છે. એમાં ઍડૉલ્ફ હિટલરના નાઝી સિપાહીઓએ યહૂદીઓ પર જે બર્બરતા આચરી હતી એનું પીડાદાયી વર્ણન બીજી કોઈ ફિલ્મમાં નથી.
ADVERTISEMENT
‘શિન્ડલર્સ લિસ્ટ’ કેમ અન્ય ફિલ્મોથી અલગ છે એ સમજાવતાં ‘લોલિતા’, ‘સ્પેસ ઓડીસી’, ‘અ ક્લૉકવાઇઝ ઑરેન્જ’ અને ‘ધ શાઇનિંગ’ જેવી ફિલ્મોના સર્જક સ્ટૅન્લી કુબ્રિકે એક વાર કહ્યું હતું કે ‘હોલોકાસ્ટ (નરસંહાર) પર બનેલી દરેક ફિલ્મો એમાં માર્યા ગયેલા ૬૦ લાખ લોકોની વાત કરે છે, ‘શિન્ડલર્સ લિસ્ટ’ એમાં બચી ગયેલા ૬૦૦ લોકોની વાત કરે છે.’
આ ફિલ્મની વાત કરતાં પહેલાં એના બૅકગ્રાઉન્ડમાં હોલોકાસ્ટને સમજવું જરૂરી છે. હોલોકાસ્ટ મૂળ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘સામૂહિક નરસંહાર.’ દ્વિતીય મહાયુદ્ધ દરમ્યાન ૧૯૪૧થી ૧૯૪૫ વચ્ચે નાઝી જર્મની અને એના મળતિયાઓએ જર્મન નિયંત્રણ હેઠળના યુરોપમાં ૬૦ લાખ યહૂદીઓને અલગ-અલગ રીતે મારી નાખ્યા હતા. ઍડૉલ્ફ હિટલરે જર્મની અને યુરોપમાંથી યહૂદીઓના ‘ગંદા’ લોહીને સાફ કરવા માટે નરસંહાર આદર્યો હતો અને એને રોકવા માટે જ બ્રિટન, અમેરિકા અને સોવિયેટ સંઘે મહાયુદ્ધ છેડ્યું હતું.
આ નરસંહાર અને યુદ્ધના અનેક દર્દનાક કિસ્સા-કહાનીઓથી ઇતિહાસ ભરેલો છે. આધુનિક માનવ-ઇતિહાસમાં આ પ્રકરણ એક મહાન કલંક જેવું છે. માણસ વહેશી બની જાય તો તે શું કરી શકે એનું આ ઇતિહાસ ઉદાહરણ છે. આ કલંકની યાદમાં જેરુસલેમની બહાર એક હોલોકાસ્ટ મ્યુઝિયમ છે. ત્યાં વૃક્ષોની હારમાળા છે. એ દરેક વૃક્ષ એવા ગેરયહૂદીને યાદ કરે છે જેણે મહાયુદ્ધ દરમ્યાન જીવનને દાવ પર મૂકી દઈને યહૂદીઓને બચાવ્યા હતા. એવા ગેરયહૂદીનાં નામ સાથે એ વૃક્ષ પર યહૂદી ધર્મનું એક સૂત્ર લખેલું છે ઃ ‘જે પણ વ્યક્તિ એક આત્માને બચાવે છે, એ પૂરી દુનિયાને બચાવે છે.’
આવો જ એક ગેરયહૂદી હતો ઑસ્કર શિન્ડલર. નાઝી ગૅસ ચેમ્બરમાં સળગીને મરી જવામાંથી ૧૧૦૦ યહૂદીઓને બચાવ્યા હતા. જેરુસલેમના એ મ્યુઝિયમમાં તેના નામે એક વૃક્ષ છે, પણ શિન્ડલર કોઈ સેવાભાવી સંત નહોતો. તે એક જર્મન કૅથલિક અને ફૅક્ટરીનો માલિક હતો. ૧૯૩૬માં તે નાઝી સેનાની ઇન્ટેલિજન્સ સર્વિસમાં ભરતી થયો હતો. ૧૯૩૯માં તે નાઝી પાર્ટીમાં જોડાયો હતો અને તે સ્વાર્થી અને ચાલુ બિઝનેસમૅન હતો. એ નાઝીઓ સાથે ઊઠબેસ રાખીને તેમ જ લાંચરુશવત આપીને મલાઈદાર બિઝનેસ કૉન્ટ્રૅક્ટ મેળવતો હતો. એ ખાવા-પીવાનો અને છોકરીઓનો શોખીન હતો.
જોકે એમ છતાં જ્યારે તેની ફૅક્ટરીના યહૂદી કામદારો પર નાઝીઓની તલવાર વીંઝાઈ ત્યારે શિન્ડલરે ખુદ જીવના જોખમે તેમને સલામત સ્થળે ખસેડી દીધા હતા. ‘શિન્ડલર્સ લિસ્ટ’ તેની એ માનવતા અને સાહસની કહાની હતી. શિન્ડલરે એવી માનવતા કેમ બતાવી એની કોઈ સ્પષ્ટતા સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મમાં કરી નહોતી. કદાચ ઇતિહાસને ક્યારેય ખબર નહીં પડે કે એક ભ્રષ્ટ બિઝનેસમૅને તેની સંપત્તિ અને જીવને દાવ પર મૂકીને મરવાને વાંકે જીવી રહેલા ગરીબ યહૂદીઓને લાંબા આયુષ્યની ભેટ કેમ આપી હતી, પણ હકીકત તો છે કે એક માણસે આ કામ કર્યું હતું. સ્પીલબર્ગે એ માનવતાને દુનિયા સમક્ષ મૂકવા માટે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ એ જ નામની એક નવલકથા પર આધારિત હતી. થોમસ કેનીલી નામના ઑસ્ટ્રેલિયન લેખકે ૧૯૮૨માં એ લખી હતી.
સ્ટીવન સ્પીલબર્ગ પોતે અમેરિકન-યહૂદી છે. તેમના દાદા યુક્રેનના યહૂદી હતા અને ૧૯૦૦ના દાયકામાં અમેરિકામાં સ્થાયી થયા હતા (બાય ધ વે, રશિયાએ યુક્રેન પર ચડાઈ કરી એની પાછળ એક કારણ એવું પણ આપ્યું છે કે યુક્રેનમાંથી નાઝીઓનો સફાયો કરવો છે).
એક ઇન્ટરવ્યુમાં સ્પીલબર્ગે કહ્યું હતું કે ‘મેં બાળપણમાં ઘણા વ્યક્તિગત કિસ્સા સાંભળ્યા હતા, પરંતુ આ (ઑસ્કર શિન્ડલરનો) કિસ્સો દિલચસ્પ અને અનોખો હતો. આ અટપટો માણસ જે પોતે પીડિત નહોતો, જે બિઝનેસમૅન હતો, કૅથલિક હતો અને નાઝી પાર્ટીનો સભ્ય હતો તેણે કોઈ અગમ્ય કારણસર ૧૧૦૦ યહૂદીઓના જીવ બચાવ્યા હતા. હું રોજ એવું યાદ કરતો કે હું જો એ સડક પર હોત તો યહૂદી હોવાને કારણે મારો પણ જીવ ગયો હોત. એ સચ્ચાઈને યાદ રાખવા જેવી છે, જેથી એનું પુનરાવર્તન ન થાય. દુનિયામાં આજે પણ બહુ નફરત છે.’
‘શિન્ડલર્સ લિસ્ટ’ ૧૯૯૩માં આવી હતી. એ વખતે રંગીન ફિલ્મો જ બનતી હતી છતાં સ્પીલબર્ગે એને બ્લૅક ઍન્ડ વાઇટ બનાવી હતી, જેથી ફિલ્મના વિષયની ગમગીનતા અને ઐતિહાસિકતા જળવાઈ રહે. ફિલ્મની શરૂઆત રંગીન મીણબત્તીઓથી થાય છે. એ રંગ આશાનો છે. જેવી એ મીણબત્તી ઓલવાઈ જાય છે કે તરત બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મ શરૂ થાય છે.
હિટલરના જર્મનીએ ૧૯૩૯માં પોલૅન્ડને પચાવી પાડ્યું હતું. ફિલ્મનું કેન્દ્ર પોલૅન્ડનું ક્રેકો શહેર હતું. અહીં પોલૅન્ડના યહૂદીઓ નાઝીઓથી ગભરાઈને એક બસ્તીમાં રહેતા હતા. યુદ્ધનો લાભ ઉઠાવવા માટે ઑસ્કર શિન્ડલર (લિયમ નીસન) નામના બિઝનેસમૅને નાઝીઓને લાંચ આપીને ક્રેકોમાં મીનાકારીવાળાં વાસણ બનાવવાની ફૅક્ટરી નાખી હતી. એ યહૂદી કામદારો પાસે ચીજવસ્તુઓ બનાવે છે અને જર્મન સેનાને સપ્લાય કરે છે. ફૅક્ટરીમાં મદદ કરવા માટે તે સ્થાનિક યહૂદી અધિકારી અઇઝૅક સ્ટર્નની નિમણૂક કરે છે. આ સ્ટર્ન જ તેને યહૂદી કામદારો લાવી આપે છે.
દરમ્યાનમાં ક્રેકોમાં યાતના શિબિરના નિર્માણકાર્યને જોવા માટે નાઝી લેફ્ટનન્ટ અમોન ગોથે ત્યાં આવે છે. શિબિર તૈયાર થઈ જાય છે, પછી તે યહૂદીઓની બસ્તીને સફાઈનો હુકમ કરે છે. ૨૦૦૦ યહૂદીઓને ક્રેકો નજીક પ્લાસ્ઝો યાતના શિબિરમાં લઈ જવાય છે અને અન્ય ૨૦૦૦ લોકોને સડક પર જ ગોળી મારી દેવામાં આવે છે.
શિન્ડલર સગી આંખે આ નરસંહાર જુએ છે અને એમાં ખાસ તો લાલ રંગનો કોટ પહેરેલી એક નાની છોકરીને જોઈને વિચલિત થઈ જાય છે. આ ફિલ્મનો આખો સંદેશ આ એક દૃશ્યમાં છે. લાલ રંગ યહૂદીઓની નિર્દોષતાનું પ્રતીક છે. પછી શિન્ડલર આ જ છોકરીને મૃતદેહના ઢગલા વચ્ચે જુએ છે. અહીંથી તેનું હૃદયપરિવર્તન થાય છે. તેને નાઝીઓની બર્બરતા અને એમાં તેની ખુદની હિસ્સેદારીનો અહેસાસ થાય છે.
શિન્ડલર તેના ધંધા માટે અમોન ગોથે સાથે સારા સંબંધ રાખે છે અને બીજી તરહ ગોથેની બર્બરતા જોઈને મનોમન દુખી પણ થાય છે. સમય જતાં શિન્ડલરનો જીવ પૈસા બનાવવાને બદલે બને એટલા લોકોને બચાવવા માટે તલપાપડ થાય છે. જર્મની જેવું યુદ્ધમાં કમજોર પડવા માંડે છે કે તરત ગોથે બાકીના યહૂદીઓને ઓશવિચ યાતના શિબિરમાં ખસેડવા માટે હુકમ કરે છે. શિન્ડલર તેના કામદારોને સ્વિચાઉ શહેરમાં આવેલી તેની હથિયાર બનાવતી ફૅક્ટરીમાં ખસેડવાની પરવાનગી ગોથે પાસે માગે છે. ગોથે આનાકાની કરીને તગડીના બદલામાં હા પાડે છે.
શિન્ડલર અને સ્ટર્ન યહૂદી કામદારોની એક યાદી બનાવે છે - એનું નામ છે ‘શિન્ડલર્સ લિસ્ટ.’ એમાં ૧૧૦૦ લોકોનાં નામ છે, જેમને ટ્રેનમાં ચડાવીને સ્વિચાઉ મોકલી દેવાના છે. એમાં ભૂલ થાય છે અને સ્ત્રીઓ તેમ જ છોકરીઓ ઓશવિચની યાતના શિબિરમાં પહોંચી જાય છે (અહીં ઉલ્લેખનીય છે કે હિટલરના શાસનમાં જર્મન નિયંત્રણ હેઠળના યુરોપમાં ૧૦૦૦થી વધુ યાતના શિબિર બનાવવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યહૂદીઓને ગૅસ ચેમ્બરમાં સળગાવી દેવાનો હતો).
ઓશવિચના નાઝી કમાન્ડરને લાંચ આપીને શિન્ડલર તેમને છોડાવે છે અને સ્વિચાઉની ફૅક્ટરીમાં પહોંચાડે છે. ફૅક્ટરી પર નાઝી સૈનિકો શિન્ડલરને અંદર આવતાં અટકાવે છે. ૭ મહિના સુધી સંઘર્ષ કર્યા પછી શિન્ડલર તેમને પણ લાંચ આપીને રસ્તો કાઢે છે. દરમ્યાનમાં શિન્ડલર પાસે પૈસા ખૂટી પડે છે અને બીજી બાજુ ૧૯૪૫માં જર્મન સેના યુદ્ધમાં ઘૂંટણિયે પડી જાય છે.
હવે શિન્ડલરને ડર લાગે છે કે તે નાઝી પાર્ટીના સભ્ય અને યુદ્ધમાં કાળાબજાર કરતો હતો એટલે સોવિયેટ સંઘના રેડ આર્મી તેને પકડી લેશે, પરિણામે અમેરિકન આર્મી સામે આત્મસમર્પણ કરવા માટે તે પશ્ચિમ તરફ રવાના થાય છે. શિન્ડલર તેના કામદારો સામે ભાંગી પડે છે. તેને અફસોસ થાય છે કે તે તેમને માટે બીજું કશું કરી ન શક્યો. કામદારો શિન્ડલર અને તેની પત્નીને આશ્વાસન આપે છે. તેઓ તેમની સહી કરેલું એક સ્ટેટમેન્ટ શિન્ડલરને આપે છે કે તેણે એ લોકોના જીવ બચાવ્યા હતા. પત્ર સાથે એક વીંટી પણ છે જેમાં યહૂદી ધર્મનું સૂત્ર અંકિત છે ઃ ‘જે પણ વ્યક્તિ એક આત્માને બચાવે છે તે પૂરી દુનિયાને બચાવે છે.’
શિન્ડલર અને તેની પત્ની કારમાં પશ્ચિમ તરફ રવાના થાય છે. બીજા દિવસે યહૂદી કામદારો ઊઠે છે ત્યારે ઘોષણા થાય છે કે સોવિયેટ સૈનિકોએ તેમને નાઝીઓથી કાયમ માટે આઝાદ કર્યા છે. એ પછી યહૂદીઓ નજીકના શહેરમાં જવા માટે ચાલતા નીકળી પડે છે.
સ્પીલબર્ગ કહે છે કે આ ફિલ્મ બનાવવાનો મારો ઉદ્દેશ શિક્ષણનો હતો. લોકોએ એ જાણવું જરૂરી હતું કે હોલોકાસ્ટમાં શું થયું હતું. ઘણા લોકો ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને પણ ત્રાજવામાં તોળે છે, પરંતુ ‘શિન્ડલર્સ લિસ્ટ’ જોયા પછી દર્શકો એ સંદેશ સાથે બહાર નીકળે છે કે ‘ફરી આવું થવું ન જોઈએ’ અને લઘુમતીઓ સાથે આવી બર્બરતા સહન ન થવી જોઈએ. ‘ધ કશ્મીર ફાઇલ્સ’માં ઊંધું થાય છે. લોકો લઘુમતીઓ પ્રત્યે નફરત સાથે બહાર આવે છે.
‘શિન્ડલર્સ લિસ્ટ’માં બે બોધપાઠ છે; એક, ઘૃણાથી હંમેશાં તબાહી જ આવે છે અને તાકાતના દુરુપયોગથી આતંક ફેલાય છે. બે, માણસોની સામૂહિક જંગલિયત વચ્ચે પણ એક માણસનો વ્યવહાર પરિવર્તન લાવી શકે છે અને ઘૃણા સામે વિજય મેળવી શકાય છે.
કદાચ ઇતિહાસને ક્યારેય ખબર નહીં પડે કે ભ્રષ્ટ બિઝનેસમૅને પોતાના જીવને દાવ પર મૂકીને મરવાને વાંકે જીવી રહેલા ગરીબ યહૂદીઓને લાંબા આયુષ્યની ભેટ કેમ આપી હતી
જાણ્યું-અજાણ્યું
lફિલ્મને ઑસ્કર અવૉર્ડમાં ૧૨ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી અને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ સંગીતના ૯ અવૉર્ડ મળ્યા હતા. બાફટામાં એને ૭ અને ગોલ્ડન ગ્લોબમાં ૩ અવૉર્ડ મળ્યા હતા.
l૨૨ મિલ્યન ડૉલરના ખર્ચે બનેલી આ ફિલ્મની વિશ્વભરમાં કમાણી ૩૨૨ મિલ્યન ડૉલર હતી.
lફિલ્મમાં ૨૦,૦૦૦ એક્સ્ટ્રા કલાકારો માટે કપડાંની જરૂર હતી અને એને માટે અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી. પોલૅન્ડના ઘણા ગરીબ લોકો પાસે ૩૦ અને ૪૦ના દસકાનાં કપડાં હતાં.
lસ્ટીવન સ્પીલબર્ગે જ્યારે સંગીતકાર જૉન વિલિયમને આ ફિલ્મ બતાવી ત્યારે સંગીતકારનું દિલ ભરાઈ આવ્યું હતું અને તેઓ બહાર ટહેલવા નીકળી ગયા હતા. પાછા આવીને તેમણે સ્પીલબર્ગને કહ્યું હતું, ‘આ ફિલ્મ માટે બહેતર સંગીતકાર જોઈએ.’ સ્પીલબર્ગે કહ્યું, ‘સાચું, પણ એ બધા મરી ગયા છે.’
lસ્પીલબર્ગે આ ફિલ્મનો વકરો પોતે લીધો નહોતો. એને બદલે દુનિયાભરમાં નરસંહારના પીડિતો માટે કામ કરતા શોઆહ ફાઉન્ડેશનને બધી કમાણી આપી દીધી હતી.
lશિન્ડલરનું મૂળ લિસ્ટ ૧૯૯૯માં જર્મન શહેર હિલ્ડેશેઇમના ઘરમાં એક સૂટકેસમાં મળ્યું
હતું. ૧૯૪૭માં તેનું અવસાન થયું એ પહેલાં તે આ ઘરમાં રહ્યો હતો.