Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘વાંચે ગુજરાત’ અભિયાનનાં બીજ જ્યાં રોપાયેલાં એ પુસ્તકાલય સવાસો વર્ષનું થયું

‘વાંચે ગુજરાત’ અભિયાનનાં બીજ જ્યાં રોપાયેલાં એ પુસ્તકાલય સવાસો વર્ષનું થયું

Published : 02 July, 2023 12:32 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૮૯૮ની પહેલી જુલાઈએ નવસારીમાં સ્થાપેલું શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય એક એવું નોખું પુસ્તકાલય છે જ્યાં ૧૧ ભાષાનાં ૧ લાખ ૪૬ હજારથી વધુ પ્રાચીન, દુર્લભ પુસ્તકો છે અને આ સમૃદ્ધ પુસ્તકાલયના ૧૨,૦૦૦થી વધુ સભ્યો છે

નવસારીમાં આવેલ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય

નવસારીમાં આવેલ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય


એક રાજા પોતાની રૈયત માટે શું કરી શકે? રાજા હોય એટલે તે ઘણુંબધું કરી શકે એવો જવાબ આપણા મનમાં આવે, પરંતુ જો એ રાજા દીર્ઘદૃષ્ટિવાળો હોય તો? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડની જેમ પુસ્તકાલય શરૂ કરાવે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એવું કહેતા કે ‘પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ છે. રત્નો તો બાહ્ય ચમકદમક દેખાડે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે.’ સર સયાજીરાવ ગાયકવાડ આ વાતને સુપેરે જાણતા હતા અને એટલે જ તેમણે નગરજનો સુસંસ્કૃત અને વિચારોથી સમૃદ્ધ બને અને નગર સંસ્કારી બને એવા ઉમદા હેતુથી દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારીમાં આજથી સવાસો વર્ષ પહેલાં પુસ્તકાલયની સ્થાપના કરી હતી. આજે આ પુસ્તકાલય વાંચનની જિજ્ઞાસા પૂરી કરવાનું વટવૃક્ષ બની ગયું છે. પુસ્તકાલયરૂપી આ ઘેઘુર વડલાની છાયામાં બેસીને કંઈકેટલાય વિદ્યાર્થીઓ સુસંસ્કૃત બનવાની સાથે સમાજમાં ઊંચા સ્થાને પહોંચ્યા છે અને ઘણાબધા લોકો જ્ઞાન મેળવવાની તરસને છિપાવી રહ્યા છે.


નવસારીમાં આવેલા શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયને સવાસો વર્ષ પૂરાં થયાં એના ઉપલક્ષ્યમાં પુસ્તકાલય દ્વારા શ્રી સવા શતાબ્દી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે અને સાહિત્ય પર્વની ઉજવણી શરૂ થઈ છે.



આ સાર્વજનિક પુસ્તકાલય એક એવું નોખું પુસ્તકાલય છે જ્યાં વિદ્યાર્થીઓ વાંચીને મોટા થઈને નોકરી મળતાં પહેલા પગારમાંથી પુસ્તકાલયનું ઋણ અદા કરે છે. અહીં એક પણ રૂપિયો લીધા વગર લોકોની વાંચનભૂખને ઉઘાડવાની સાથે સંતોષવામાં પણ આવે છે. ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપ દ્વારા આ પુસ્તકાલય બાળકો, યુવાનો, મહિલાઓ સહિત સૌકોઈને એક સ્ટેજ આપે છે તો ‘મળવા જેવા માણસ’, ‘ચાલો માણસ વાંચીએ’ જેવા જુદા જ પ્રકારના કાર્યક્રમો કરીને સમાજની સિદ્ધહસ્તથી માંડીને અનેક પ્રતિભાઓ સાથે નાતો જોડવા સાથે માણસની પરખ કરાવડાવે છે. ‘વાંચે ગુજરાત’ અભિયાનનાં બીજ જ્યાં રોપાયાં એ નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય સવાસો વર્ષની મજલ કાપીને નગરજનોને સુસંસ્કૃત કરી રહ્યું છે ત્યારે આવો આ પુસ્તકાલયની વાંચન-સફર કરીએ.


જે વ્યક્તિએ નવમા ધોરણથી લઈને કૉલેજ સુધી જે પુસ્તકાલયમાં બેસીને અભ્યાસ કર્યો અને સમાજમાં એક મુકામે પહોંચીને એ પુસ્તકાલયના પ્રમુખનું સ્થાન શોભાવી રહી છે તે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીના પ્રમુખ પ્રશાંત પારેખ આ પુસ્તકાલયનો પરિચય કરાવતાં કહે છે, ‘૨૦૨૩ની પહેલી જુલાઈએ આ પુસ્તકાલયને ૧૨૫ વર્ષ પૂરાં થયાં. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ૧૮૯૮ની પહેલી જુલાઈએ એની સ્થાપના કરી હતી. એની પાછળનો તેમનો હેતુ એવો હતો કે પ્રજાને વાંચનભિમુખ રાખવી હતી. પુસ્તકાલય હશે તો એમાંથી સારા વિચારો ઉત્પન્ન થશે, સંસ્કારી નાગરિકો બનશે અને નગર પણ સંસ્કારી બનશે. તેમણે નવસારીમાં જ નહીં, ઘણી જગ્યાએ આવાં ઘણાં શૈક્ષણિક કામો કર્યાં છે. આ પુસ્તકાલય શરૂ થયા પછી ધીરે-ધીરે એમાં વાચકો આવવાનો સિલસિલો શરૂ થતો ગયો. પૈસાના વાંકે પુસ્તકાલયમાં નાગરિકો આવતા અટકવા ન જોઈએ એવો આશય અમારો છે તેમ જ આ પુસ્તકાલયની સ્થાપના પાછળનો હેતુ પણ એ હતો કે લોકો અહીં આવીને વાંચે એટલે એમાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ. એટલા માટે અમે આ પુસ્તકાલયમાં સભ્યો પાસેથી સભ્યફી તરીકે એક પણ પૈસો લેતા નથી અને એટલે જ આજે આ પુસ્તકાલયમાં ૧૨,૮૨૬ સભ્યો છે. એમાં ૨,૪૮૩ મહિલાસભ્યો, ૩,૯૫૦ પુરુષસભ્યો અને ૬,૩૯૩ બાળવાચકો છે. પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, બંગાળી, તમિલ, મલયાલમ, સિંધી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનાં ૧ લાખ ૪૬ હજારથી વધુ પુસ્તકો છે. આમાં પ્રાચીન અને દુર્લભ પુસ્તકો પણ છે, જેમનું ડિજિટાઇઝેશન કરી રહ્યા છીએ. અમારા પુસ્તકાલયમાંથી કોઈ તેમના ઘરે પુસ્તક લઈ જાય તો અમે એની ડિપોઝિટ લઈએ છીએ, જે પુસ્તક પાછું મળે ત્યારે પાછી આપી દઈએ છીએ. આ પુસ્તકાલય વર્ષમાં માત્ર પાંચ દિવસ રજા રાખે છે. ૧૫ ઑગસ્ટ, ૨૬ જાન્યુઆરી, રક્ષાબંધન અને દિવાળીમાં બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસે રજા પાળે છે. દર રવિવારે આ પુસ્તકાલય સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રાખીએ છીએ.’

વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકાલય ઘરની જેમ સુવિધા પૂરી પાડે છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘જેમના ઘરે લાઇટની સગવડ ન હોય, ઘર નાનું હોય કે પછી વાંચવાની તકલીફ પડતી હોય એવા સહિતના વિદ્યાર્થીઓ આ પુસ્તકાલયમાં વાંચવા આવે છે. સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે ૧૦ વાગ્યા સુધી ઓપન હોય છે. મારું ઘર નાનું હતું ત્યારે હું પોતે પણ ૧૯૭૬થી ૧૯૮૧ સુધીનાં વર્ષોમાં નવમા ધોરણથી કૉલેજ સુધીના અભ્યાસ દરમ્યાન આ પુસ્તકાલયમાં વાંચવા આવતો હતો. અહીં જે છોકરા-છોકરીઓ વાંચવા આવે છે તેઓ પહેલી નોકરી મળે ત્યારે તેમના પહેલા પગારમાંથી કંઈ ને કંઈ પુસ્તકાલયને આપીને પુસ્તકાલયનું ઋણ અદા કરે છે.’


આ પુસ્તકાલય માત્ર અખબારો, મૅગેઝિન કે પુસ્તકો વાંચવા માટેની સગવડ પૂરી પાડવા પૂરતું સીમિત રહ્યું નથી, પણ અહીં વર્ષ દરમ્યાન અલગ-અલગ કાર્યક્રમો યોજાતા રહે છે એની વાત કરતાં પ્રશાંત પારેખ કહે છે, ‘૧૯૯૬થી દર શનિવારે ‘મને ગમતું પુસ્તક’નો વાર્તાલાપ યોજાય છે. પહેલો શનિવાર યુવાનો માટે, બીજો શનિવાર બાળકો માટે, ત્રીજો શનિવાર મહિલાઓ માટે અને ચોથા શનિવારે તમામ લોકો માટે વાર્તાલાપ યોજાય છે જેમાં ઘણા લોકો ભાગ લેતા હોય છે. આ ઉપરાંત અમે ‘મળવા જેવા માણસો’ નામથી એક શ્રેણી ચલાવીએ છીએ. એમાં અમે નવસારીની આસપાસના સમાજના જુદા-જુદા વર્ગની જાણીતી વ્યક્તિઓને બોલાવીએ છીએ. તેઓ તેમની સફળતાની વાત કરે છે અને શ્રોતાઓ સાથે તેમની પ્રશ્નોત્તરી થાય છે. બીજો એક કાર્યક્રમ છે ‘ચાલો માણસ વાંચીએ’. એમાં કલા–સાહિત્યક્ષેત્રે પ્રદાન કરનાર વ્યક્તિઓને બોલાવીએ છીએ. તેઓ તેમના ક્ષેત્ર વિશે, તેમના વિશે વાત કરે છે અને ત્યાર બાદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવે છે.’

‘વાંચે ગુજરાત’ અભિયાનનાં વિચારબીજ નવસારીના આ પુસ્તકાલયમાં રોપાયાં હતાં એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘વાંચે ગુજરાત અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું. મહાદેવભાઈ દેસાઈ અને અમે બધા આ પ્રોજેક્ટ પહેલાં નવસારી જિલ્લા પૂરતો કરવાના હતા, પરંતુ ૨૦૦૮માં અમે આ પ્રોજેક્ટ લઈને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે ગાંધીનગર ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ આખા ગુજરાતમાં થવો જોઈએ. ત્યાર બાદ ‘વાંચે ગુજરાત’ની કમિટી બનાવી હતી અને એમાં અમારા મહાદેવભાઈ દેસાઈ અને જયપ્રકાશ મહેતાને લીધા હતા.’

કોરોનાકાળ પછી વડીલો ઘરે બેસીને પણ તેમની પસંદગીનાં પુસ્તકો વાંચી શકે એ માટે હેલ્લો લાઇબ્રેરી સુવિધા શરૂ કરી, જેમાં છ મહિના માટે થોડી ફી લઈને તેઓ જે પાંચ પુસ્તકો કહે એ તેમના ઘરે પહોંચાડી દેવાનાં અને પાછાં લઈ આવવાની સુવિધા કરી છે.

આ પુસ્તકાલયમાં બાળકોનો મોબાઇલ સાથેનો નાતો તૂટતો જાય છે અને પુસ્તકો સાથેનો જોડાતો જાય છે : મીનલ દવે, લેખિકા

લેખિકા, અનુવાદક, વિવેચનકાર અને સારા વક્તા હોવા ઉપરાંત ભરૂચની કૉલેજમાં એક સમયનાં લેક્ચરર રહી ચૂકેલાં સાહિત્યકાર મીનલ દવે નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ સાથે જોડાયેલા પોતાના અનુભવોના આધારે કહે છે, ‘મમ્મી-પપ્પા, વડીલો કે શિક્ષકો મોટા ભાગે વિદ્યાર્થીઓને મોબાઇલથી દૂર નથી કરી શકતાં ત્યારે આ લાઇબ્રેરી એ કામ કરી રહી છે. એક વાર વિદ્યાર્થી આ લાઇબ્રેરીનો સભ્ય થાય પછી તેનો મોબાઇલ સાથેનો નાતો તૂટતો જાય છે અને પુસ્તકો સાથેનો નાતો જોડાતો જાય છે. અહીં યોજાતો પુસ્તક પરિચયનો કાર્યક્રમ જુઓ તો ૮, ૧૦ કે ૧૧ વર્ષનાં છોકરા-છોકરીઓ આત્મવિશ્વાસથી વાત કરતાં હોય છે. એ કાર્યક્રમ લાઇવ કરે છે એટલે હું દર વખતે જોઉં છું. વિદ્યાર્થીઓ વાત કરે એ હું જોઉં છું. એમાં મને રસ પડે છે. એ આવનારી પેઢી છે જે પુસ્તક સાથે જોડાયેલી છે. ગુજરાતીમાં હોય કે પછી અંગ્રેજીમાં, એ બાળકો એટલી સરસ અને આત્મવિશ્વાસથી વાત કરતાં હોય છે કે આપણે જોતા જ રહીએ અને સાંભળતા જ રહીએ. આ લાઇબ્રેરીએ તેમને એ આપ્યું છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2023 12:32 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK