ઘરખર્ચ માંડ પૂરા થાય છે ત્યાં રોકાણની વાત કેવી રીતે કરવી? જો તમને આવો સવાલ થયો હોય તો આ લેખ તમારા માટે જ છે.
પ્રતીકાત્મક તસવીર
ઘરખર્ચ માંડ પૂરા થાય છે ત્યાં રોકાણની વાત કેવી રીતે કરવી? જો તમને આવો સવાલ થયો હોય તો આ લેખ તમારા માટે જ છે.
જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનું અંતર ઓળખો
ADVERTISEMENT
તમારા રોજિંદા અને બીજા ખર્ચની યાદી બનાવો. એનું જરૂરિયાતો અને ઇચ્છાઓ એવી બે શ્રેણીમાં વર્ગીકરણ કરો. દાખલા તરીકે...
જરૂરિયાતો : કરિયાણું, શાળા-કૉલેજની ફી, વીજળી-પાણીનાં બિલ, મેઇન્ટેનન્સ, કપડાંની ખરીદી વગેરે.
ઇચ્છાઓ : બહાર જમવા જવું, OTT પ્લૅટફૉર્મનું સબસ્ક્રિપ્શન, હોય એના કરતાં મોટું ફ્રિજ લેવું, કાર ખરીદવી, ઍર-કન્ડિશનર ખરીદવું વગેરે.
લોકોને આ તફાવત કરવામાં જ ઘણી તકલીફ પડતી હોય છે. કોઈ પણ ખરીદી કરવાનું મન થાય ત્યારે એને ઇચ્છા અને જરૂરિયાત તરીકે વર્ગીકૃત કરો. જો એ ઇચ્છાની શ્રેણીમાં આવતી હોય તો એને ૨૪ કલાક પાછળ ધકેલી દો. શક્ય છે કે એક દિવસ પૂરો થયા બાદ મન બદલાઈ જાય અને તમે બિનજરૂરી ખર્ચ કરતા બચી જાઓ.
નાની-નાની બચતનું પણ મહત્ત્વ હોય છે
ટીપે-ટીપે સરોવર ભરાય એ ઉક્તિ આપણે જાણીએ છીએ. દરેક નાની બચત લાંબા ગાળે સંપત્તિસર્જન કરવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. દાખલા તરીકે જો વિક્રમ ૨૫ વર્ષની ઉંમરથી દર મહિને ૩૫૦૦ રૂપિયા જેટલી પણ બચત કરવા લાગે અને એના પર તેને વાર્ષિક ૧૨ ટકાના દરે વળતર મળે તો તેની ૬૦ વર્ષની ઉંમરે તેની પાસે ૨.૨૭ કરોડ રૂપિયા જમા થઈ જાય. રોકાણ કરવામાં જેટલું મોડું થાય એટલું જ ઓછું સંપત્તિસર્જન થાય છે.
નાની ઉંમરે શરૂઆત અને ચક્રવૃદ્ધિનો લાભ
જે રીતે નાની બચત મોટું ભંડોળ બની શકે છે એ રીતે લાંબા ગાળા સુધી સતત બચત કરતા રહેવાથી ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. ઉક્ત દાખલામાં વિક્રમે ૨૫ વર્ષની ઉંમરથી દર મહિને ૩૫૦૦ રૂપિયાનું રોકાણ શરૂ કર્યું, જ્યારે તેના મિત્ર વિજયે ૩૫ વર્ષની ઉંમરથી દર મહિને ૫૦૦૦ રૂપિયાનું રોકાણ શરૂ કર્યું. બન્નેએ ૬૦ વર્ષની ઉંમર સુધી રોકાણ કર્યું તથા બન્નેને ૧૨ ટકાના દરે વળતર મળ્યું. વિક્રમ અને વિજય બન્નેએ લગભગ સરખી રકમ એટલે કે ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ તેમણે રોકાણ શરૂ કર્યું એ વખતની તેમની ઉંમરને લીધે વિક્રમનો રોકાણનો સમયગાળો વધારે હતો. વિક્રમનું ભંડોળ ૨.૨૭ કરોડ થાય છે, જ્યારે વિજયનું ભંડોળ માત્ર ૯૫ લાખ રૂપિયા થાય છે. આમ થવા પાછળનું કારણ ચક્રવૃદ્ધિનો લાભ છે. રોકાણ જેટલું વધારે સમય રહે એટલો ચક્રવૃદ્ધિનો લાભ વધારે મળે.
આવક વધારવા માટે કૌશલ્યની વૃદ્ધિ
ઘરની કમાઉ વ્યક્તિએ પોતાના કૌશલ્યમાં વધારો કરીને આવક વધારવા માટે પ્રયાસ કરવા જોઈએ. આજકાલ નવું શીખવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે અને કમાવા માટે યુટ્યુબના વ્લોગ જેવી વસ્તુઓ પણ છે. આ ઉપરાંત પણ અનેક રીતે નવી તાલીમ પ્રાપ્ત કરીને આવક વધારી શકાય છે.

