Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્રવીણ જોષી વાર્તા કહે ત્યારે એમાં ચાલતી ઘટના તેના ચહેરા પર ઊભરી આવે

પ્રવીણ જોષી વાર્તા કહે ત્યારે એમાં ચાલતી ઘટના તેના ચહેરા પર ઊભરી આવે

Published : 04 April, 2023 05:34 PM | IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

‘ચંદરવો’ નાટકની આખી સ્ક્રિપ્ટ મારી સામે મૂકવામાં આવી, પણ ગુજરાતી વાંચવામાં હું સહેજ નબળી અને એટલે મેં કહ્યું કે આનો કોઈ અર્થ નથી, બહેતર છે કે મને વાર્તા સંભળાવો અને પ્રવીણે ચૅર પર સહેજ આગળ આવીને વાર્તા કહેવાની શરૂઆત કરી

સરિતા જોશી

એક માત્ર સરિતા

સરિતા જોશી


તમારા કરતાં વધારે અનુભવીઓ આ જગતમાં પુષ્કળ છે અને દરેક વખતે જરૂરી નથી કે તમે અનુભવ લઈને જ વાત સમજો કે શીખો. કેટલીક વખત વાતને અનુભવી પાસેથી પણ જાણીને શીખી-સમજી શકાય છે. 


સૌથી પહેલાં તો એ સૌનો અંતઃકરણપૂર્વક આભાર જેઓએ પ્રવીણની વાતોને દિલથી વધાવી લીધી અને મને ફોન-મેસેજ કર્યા. ખરેખર એ મેસેજ વાંચીને, ફોન પર વાત કરીને બહુ સારું લાગ્યું. થયું કે આજે પણ પ્રવીણને યાદ કરનારાઓ એટલા જ છે.



પ્રવીણ સ્ટેજ પર એન્ટ્રી કરે ત્યારે તાળીઓના ગડગડાટથી ઑડિયન્સ એને વધાવી લેતી. આ વખતે પણ એવું જ થયું. પ્રવીણ જોષીની એન્ટ્રી અહીં, મારી આ જીવનીમાં પણ આવી અને વાચકોએ એ રીતસર વધાવી લીધી. પ્રવીણ સંભળાય છેને તને? આ તાળીઓના ગડગડાટ અને શબ્દોમાંથી ઊભરતું તારું વ્યક્તિત્વ...


ઍનીવેઝ, આપણે ફરી ત્યાં કનેક્ટ થઈ જઈએ જ્યાં ગયા મંગળવારે વાત અધૂરી છોડી હતી.

lll
એ સમયે પ્રવીણ ‘ચંદરવો’ નાટકની તૈયારી કરતો હતો. પ્રવીણની ઇચ્છા હતી કે તે આ ‘ચંદરવો’માં મને લે, એટલે તેણે બધા વચ્ચે એ વાત મૂકી, પણ ત્યારે જેકોઈ ત્યાં હાજર હતા એ બધાને ખબર કે હું એકસાથે ઘણાં કામમાં લાગેલી હતી.


‘પ્રવીણ, તું જરાક તો સમજ યાર...’ ગિરેશ દેસાઈએ પ્રવીણને વાસ્તવિકતા સમજાવી, ‘સરિતા અત્યારે હિન્દી નાટક ‘ઇન્કલાબ’ અને બે ગુજરાતી નાટક ‘મંગળફેરા’ અને ‘વેણીનાં ચાર ફૂલ’માં બિઝી છે. મળીને આપણો સમય જ બરબાદ થશે.’
‘આપણો નહીં, મારો...’ પ્રવીણે ચોખવટ કરી લીધી, ‘ભાઉ, સારો સમય અને સારી વ્યક્તિ જીવનમાં ભાગ્યે જ આવે... માટે તમે મારા સમયની ચિંતા ન કરો. બસ તેને પૂછો કે તે ક્યારે મળી શકશે? ૨૪ કલાકમાં કોઈ પણ સમય આપે એ સમયે હું તેને મળવા તૈયાર છું...’

હિન્દી નાટક ‘ઇન્કલાબ’ની તમને મેં વાત કરી હતી, તો ‘વેણીનાં ચાર ફૂલ’માં પણ મોટા-મોટા કલાકારો હતા; પદ્‍મારાણી, અરવિંદ પંડ્યા, સંજીવકુમાર અને હું. એ બધાં દિગ્ગજોની સામે હું બહુ નાની ગણાઉં, છતાં મને એટલું જ માન-સન્માન મળતું અને નાટકમાં મારો અભિનય પણ એવો જ હતો. એ દિવસોમાં હું બે વાતનું ખાસ ધ્યાન રાખતી; એક, એવું કામ કરતાં રહેવું જેનાથી લોકોની નજરમાં રહો અને બીજું, એવા લોકો સાથે કામ કરતાં રહો જેનાથી તમારો ગ્રોથ થતો રહે, તમે વિકાસની દિશામાં આગળ વધતાં રહો.
lll

આ વાત ફૉલો કરવાની સલાહ હું આજે પણ તમામ લોકોને આપું છું. જો લાઇફમાં કશુંક કરવું હોય, મોટા થવું હોય અને નામ કમાવું હોય તો આ બે વાતને ચોક્કસપણે અનુસરવી. અનુસરવી પણ અને એ રસ્તે ચાલતા પણ રહેવું. હું તો હંમેશાં કહેતી હોઉં છું કે મેં નથી કોઈ એવું ભણતર લીધું કે ન તો હું અભિનયની બાબતમાં પણ કોઈ શિક્ષણ લેવા ગઈ. મારી આ જે આજ છે એ આજનું ઘડતર મેં કર્યું છે, જાતે અને એકલા હાથે. હા, એમાં ફાળો બહુ બધા લોકોનો, પણ એ ફાળો તમને મળતો રહે એ પ્રકારનો વ્યવહાર અને વર્તન પણ તમારાં હોવાં જોઈએ. જો તમને કોઈ કંઈ સમજાવતું હોય, કહેતું હોય, શિખામણ આપતું હોય તો તમારે એ સમયે તમારા મૂળભૂત સ્વભાવને કાબૂમાં રાખીને કહેવામાં આવતી, સમજાવવામાં આવતી વાતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ પણ વાંચો:  સારો સમય અને સારી વ્યક્તિ જીવનમાં વારંવાર નથી મળતી

તમારા કરતાં વધારે અનુભવીઓ આ જગતમાં પુષ્કળ છે અને દરેક વખતે જરૂરી નથી કે તમે અનુભવ લઈને જ વાત સમજો, શીખો. કેટલીક વખત વાતને અનુભવી પાસેથી પણ જાણીને શીખી-સમજી શકાય છે. અનુભવ લઈને સમય બગાડવા કરતાં તો બહેતર છે કે વિશ્વાસુ અનુભવી પાસેથી વાતને જાણી-સમજી લેવામાં આવી હોય તો જીવન વધારે બહેતર બને.
lll

‘ચંદરવો’ માટે મને ખરેખર પ્રવીણ જોષી ફરી મળવા આવ્યા. તેમને ઘણા લોકોએ રોક્યા હતા. સમજાવ્યા હતા કે સરિતા કામમાં ખૂબ વ્યસ્ત છે એવા સમયે આપણે નાહકની ના સાંભળવા ન જવું જોઈએ, પણ પ્રવીણને વિશ્વાસ હતો કે તે એક વાર મળશે તો કદાચ હું તેની વાત સમજી શકીશ.

પ્રવીણ મને મળવા આવ્યા ત્યારે ગૌતમ જોષી સાથે આવ્યા હતા. આઇએનટી એટલે કે ઇન્ડિયન નૅશનલ થિયેટરમાં ગૌતમ જોષી અને મનસુખ જોષી બહુ મોટાં નામ. આમ તો બૅક-સ્ટેજમાં રહેનારા, પણ એમ છતાં તેમણે પોતાનું એક નામ બનાવી લીધું હતું. મનસુખ જોષીના દીકરા રાજુ જોષીને તો આજે બધા ઓળખે છે. રાજુ બહુ સારો લેખક અને ગુજરાતી રંગભૂમિનો ડિરેક્ટર છે. તેણે ડિરેક્ટ કરેલું નાટક ‘કોડમંત્ર’ એવું તો અદ્ભુત બનાવ્યું હતું કે જેણે જોયું હોય તેની આંખો સ્ટેજ પરથી દૂર જાય જ નહીં. ‘કોડમંત્ર’ની સેટ-ડિઝાઇન આજે પણ મને યાદ છે અને એટલે જ મને એ બધા સેટ પણ યાદ છે જે એમ. એસ. સતાયુ અને વિનય કાપડિયા જેવા દિગ્ગજ સેટ-ડિઝાઇનરોએ તૈયાર કર્યા હતા. 

એ લોકોની ડિઝાઇન બહુ મૉડર્ન કન્સેપ્ટ મુજબની હોય, આર્ટિસ્ટિક લેવલની હોય. ઘણી વાર તો એવી પ્રતિકૃતિ રીતે પણ હોય જે જોઈને તમે ખરેખર મૂંઝાઈ જાઓ અને સમજાયા પછી તમે એ ડિઝાઇન અને એના ડિઝાઇનરથી અભિભૂત પણ થઈ જાઓ. ઍનીવેઝ, આપણે વાત કરતા હતા પ્રવીણ જોષી ઘરે આવ્યા એ સમયની.
પ્રવીણ સાથે ગૌતમ જોષી હતા અને ગિરેશ દેસાઈ પણ હતા. એ લોકો આવ્યા અને પ્રવીણને જોઈને હું રીતસર હતપ્રભ થઈ ગઈ, પણ હા, આ વખતે મેં તેની સાથે સારી રીતે વાત કરી હતી. થોડી વાર એમ જ વાતો થઈ અને એ વાતો પછી થોડી વારે ગિરેશ દેસાઈએ મારી સામે ‘ચંદરવો’ની સ્ક્રિપ્ટ મૂકી.

આખી બાઉન્ડ સ્ક્રિપ્ટ. ફાઇલ કરેલી.
મેં એ ફાઇલ સામે જોયું અને પછી ગિરેશ સામે જોયું. હકીકત એ હતી કે એ સમયે મને બહુ સારી રીતે ગુજરાતી વાંચતાં આવડતું નહીં. હું મરાઠી છોકરી, મરાઠી મારી માતૃભાષા, એ હું કડકડાટ વાંચી લઉં, પણ ગુજરાતી વાંચવામાં મને તકલીફ પડે. મારી આ મર્યાદાને છુપાવ્યા વિના જ મેં ગિરેશને કહ્યું,
‘ગિરેશ, આ સ્ક્રિપ્ટથી કોઈ ફાયદો નથી થવાનો... એના કરતાં મને વાર્તા કહો. હું વાર્તા પરથી તમારી આખી વાત સમજી લઈશ.’
ગૌતમ જોષીએ તરત જ સામેથી કહ્યું કે ‘જો તમને એવું હોય તો બાઉન્ડ સ્ક્રિપ્ટ છે એ સંભળાવી દઈએ.’

‘ના, એવું હેરાન થવાની જરૂર નથી. માત્ર વાર્તા અને બહુ-બહુ તો જો સ્ક્રીનપ્લે મોઢે હોય તો એ કહી દો... હું બરાબર સમજી જઈશ...’
‘હંઅઅઅ... જુઓ.’
પ્રવીણે બાજી પોતાના હાથમાં લઈ લીધી અને પછી તેણે વાર્તા કહેવાનું શરૂ કર્યું. વાર્તાના દરેક વળાંક, વાર્તાની દરેક ઘટના તેને કંઠસ્થ અને એનાથી પણ મોટી વાત, એ જ્યારે વાર્તા કહે ત્યારે વાર્તામાં ચાલતા એ દરેક ભાવ તેના ચહેરા પર સહેજ રીતે અંકાઈ જાય. હું તો બસ તેને જોતી જ રહી.

અત્યારે પણ મારી આંખ સામે એ દિવસ છે જે દિવસે ‘ચંદરવો’ની વાર્તા મને પ્રવીણે કહી હતી. હું છું, પ્રવીણ છે અને હવામાં એ વાર્તા મંદ-મંદ રીતે લહેરાય છે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 05:34 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK