પ્રવીણ જોષીનો આ સિદ્ધાંત હતો અને આ જ સિદ્ધાંતે પ્રવીણને ‘ધ ગ્રેટ પ્રવીણ જોષી’ બનાવવાનું કામ કર્યું
એક માત્ર સરિતા
પ્રવીણ જોષી
પ્રવીણ જોષી. નાટક સાથે આ પાંચ અક્ષર જોડાય એટલે પત્યું. ઑડિયન્સ પછી આગળ-પાછળ, ઉપર-નીચે કશું ન જુએ અને થિયેટર પહોંચી જાય. પ્રવીણ જોષીનું નામ હોય એટલે એ નાટક સર્વગુણસંપન્ન જ હોય. ઍક્ટર કોણ છે, નાટકમાં ઍક્ટ્રેસ કોણ છે એ બધી ચિંતામાં નહીં પડવાનું. પ્રવીણ હોય એટલે પત્યું.
હિન્દી નાટક ‘ઇન્કલાબ’ માટે તમને કહ્યું એમ, એ નાનકડા રોલમાં હું હતી અને મારી સાથે કાન્તિ મડિયા અને અમરીશ પુરી હતા. એક નાનકડા રોલમાં સત્યદેવ દુબે હતા. મારી ઑલમોસ્ટ બધી વાત મંજૂર થઈ એટલે મેં એ નાટક પર કામ કરવાનું શરૂ કર્યું. રિહર્સલ્સમાં જવાનું, એકેક ડાયલૉગ કંઠસ્થ કરવાનો અને એને સમજીને એ મુજબ રજૂ કરવાનો. મારા ડિરેક્ટરથી માંડીને બધા બહુ ખુશ હતા. કાન્તિ મડિયા તો મને પહેલેથી જ ઓળખતા એટલે તેમને તો ખાતરી હતી કે દિગ્દર્શકે ધારણા રાખી હશે એના કરતાં એક વેંત વધારે સારું કામ હું કરી દેખાડીશ અને એવું જ થયું.
ADVERTISEMENT
રિહર્સલ્સ દરમ્યાન દરરોજ મારા દિગ્દર્શકને અચરજ થયું હોય કે સરિતાએ આ કેવી રીતે કરી લીધું! નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં એ પહેલાં જ આખી સ્ક્રિપ્ટ મને મોઢે હતી એટલે રિહર્સલ્સ દરમ્યાન દિગ્દર્શકસાહેબ સ્ક્રિપ્ટ હાથમાં લઈને લાઇન ચેક કરવા જાય કે તરત હું કહું કે હવે આ લાઇન છે કે પેલી લાઇન છે.
‘બહોત તૈયારી કર લી હૈ આપને...’ એક વખત રિહર્સલ્સમાં બ્રેક પડ્યો ત્યારે દિગ્દર્શકે મને કહ્યું હતું કે ‘અગર ઐસા હૈ તો યહાં આપ થોડે લેટ આઓગે તો ભી...’
‘નહીં ચલેગા...’ મેં જવાબ આપ્યો હતો, ‘તૈયારી કરવી એ મારી ફરજ છે અને અહીં આવીને એ તૈયારીને નવો ઓપ આપવો એ કલાકાર તરીકે મારી જવાબદારી છે એટલે હું એ જવાબદારી માટે અહીં દરરોજ આવીશ, સમયથી પાંચ મિનિટ પહેલાં આવીશ અને રિહર્સલ્સ પૂરાં થયા પછીની પાંચ મિનિટે નીકળીશ...’
‘ક્યોં ઐસા...’ દિગ્દર્શકે હસતાં-હસતાં પૂછ્યું હતું, ‘જ્યાદા ક્યું રુકના હૈ?’
‘મન મેં જો બાત આયેગી વો તબ તો પૂછુંગી...’ મેં સ્પષ્ટતા કરી, ‘બધા હાજર હોય એવા સમયે પૂછવાથી બધાનો સમય બગડે અને મડિયા કે પુરીસાહેબ જેવા દિગ્ગજનો સમય મારે કારણે બરબાદ થાય એ હું નથી ઇચ્છતી...’
‘ઇન્કલાબ’ મારું પહેલું હિન્દી નાટક હતું. એણે મને ખૂબ શીખવ્યું અને સમજાવ્યું. સમજાવ્યું કે આપણી બોલચાલની ભાષાથી જો ડાયલૉગ ડિલિવર થાય તો એ સીધા જ ઑડિયન્સના હૈયામાં બેસી જાય. સમજાવ્યું કે ગુજરાતી હોય કે હિન્દી, તમારી વાતમાં સેન્સિબિલિટી હોય તો એ ઑડિયન્સ એક્સેપ્ટ કર્યા વિના રહે નહીં.
lll
‘ઇન્કલાબ’ નાટકે મને હિન્દી સ્ટેજ પર નામના આપી. લોકો કહેતા થયા કે આ ઍક્ટ્રેસને ક્યાંક જોઈ છે અને આવું કહ્યા પછી તેઓ રીતસર મને યાદ કરતા, મને શોધતા. ઘણી એવી ઑડિયન્સ પણ હતી જે જૂની રંગભૂમિનાં નાટકો વિશે સાંભળી ચૂકી હોય. લોકો મને સ્ટેજ પર જોતાં જ કહેતા કે આ છોકરી તો પડદાના કૉમેડી રોલ કરતી, હવે જુઓ કેવું સરસ કામ કરે છે.
‘ઇન્કલાબ’ નાટક દરમ્યાન મેં એક નામ સાંભળ્યું, પ્રવીણ જોષી.
હા, રામલાલ જોષીનો દીકરો પ્રવીણ જોષી. ગુજરાતી રંગભૂમિનો પહેલો એવો સ્ટાર જેણે આખેઆખી રંગભૂમિની કાયાપલટ કરી નાખી. મેં સાંભળ્યું હતું કે આ પ્રવીણ જોષી ગુજરાતી પ્રેક્ષકોનો ખૂબ લાડકો છે અને એવું જ હતું સાહેબ.
પ્રવીણ જોષી. નાટક સાથે આ પાંચ અક્ષર જોડાય એટલે પત્યું. ઑડિયન્સ પછી આગળ-પાછળ, ઉપર-નીચે કશું ન જુએ અને થિયેટર પહોંચી જાય. પ્રવીણ જોષીનું નામ હોય એટલે એ નાટક સર્વગુણસંપન્ન જ હોય. ઍક્ટર કોણ છે, નાટકમાં ઍક્ટ્રેસ કોણ છે એ બધી ચિંતામાં નહીં પડવાનું. જોષી હોય, પ્રવીણ હોય એટલે પત્યું. તમારા પૈસા વસૂલ થાય અને સાહેબ, ખરેખર હં, એ માણસમાં એટલી તાકાત હતી કે તે રીતસર એવી અનાઉન્સમેન્ટ કરે કે નાટક ન ગમે તો પૈસા પાછા લઈ જવાના. માત્ર અનાઉન્સમેન્ટ કરે એવું નહીં, આખા શોમાં તે બહાર ટિકિટબારી પર પોતે બેસે, જેથી જેકોઈ બહાર નીકળે તેની પાસેથી રિવ્યુ લઈ, જો તેને પેમેન્ટ પાછું જોઈતું હોય તો આપી દે.
જો કોઈ ટિકિટના પૈસા પાછા લેવા ન માગતું હોય એટલે એ નાટકનો રિવ્યુ સાવ ખરાબ આપવાને બદલે સહેજ નબળા હાવભાવ સાથે આપે તો પણ પ્રવીણ તરત સમજી જાય અને ટિકિટના પૈસા પાછા આપી દે. આને માટે જિગર જોઈએ સાહેબ, જિગર પણ અને આત્મવિશ્વાસ પણ કે મારું નાટક ખરાબ હોય જ નહીં, હું ઑડિયન્સને ઓળખવામાં થાપ ખાઉં જ નહીં અને એ આત્મવિશ્વાસ પ્રવીણને પોતાના પર હતો અને એ જ આત્મવિશ્વાસે પ્રવીણને સ્ટાર બનાવ્યો હતો.
પ્રવીણ પહેલાં ગુજરાતી રંગભૂમિ પર ઍક્ટર હતા. એકથી એક ચડિયાતા ઍક્ટર, પણ સ્ટાર કોઈ નહોતું અને એવું પણ નહોતું કે કોઈ ડિરેક્ટરને ઓળખતું હોય, તેના નામથી રંગભૂમિની ટિકિટો વેચાઈ જતી હોય. આ સ્તરે જવાનું કામ પ્રવીણ જોષીએ કર્યું. શું વાત કરું હું સાહેબ, એ સમયે પ્રવીણનું નામ રીતસર બ્રૅન્ડ બની ગયું હતું. પ્રવીણનું નામ જોડાય એટલે બધેબધાના હૈયે નિરાંત વળી જાય અને એ નિરાંત પ્રવીણ સાર્થક પણ કરી દેખાડે. પ્રવીણ જોષી પોતાના ક્રાફ્ટની બાબતમાં એટલી હદે ચીવટ રાખે કે કોઈ વિચારી સુધ્ધાં ન શકે. મારે કહેવું જ રહ્યું કે જ્યાં વાત ટૅલન્ટની આવે ત્યાં પ્રવીણ ભલભલાની સામે મસ્તક મૂકી દેવા તૈયાર થઈ જાય એવો તેનો સ્વભાવ. અત્યારે મને એક કિસ્સો યાદ આવે છે, જે હું તમારી સાથે શૅર કરવા માગું છું.
lll આ પણ વાંચો: હું, કાન્તિ મડિયા અને અમરીશ પુરી
પ્રવીણ પોતાના કામ વિશે ઘરમાં બહુ વાતો ન કરે. તેનું કામ ચાલ્યા કરતું હોય. એક વખતની વાત છે. પ્રવીણ ઘરે હતા ત્યારે ફોન આવ્યો અને ફોન પછી પ્રવીણ સહેજ અકળાઈ ઊઠ્યા. મને યાદ છે કે નૅશનલ સ્કૂલ ઑફ થિયેટરમાંથી એ ફોન હતો. ફોન કોઈ મોટા માણસનો હતો, જેણે ઍડ્મિશન માટે કોઈનું રેકમેન્ડેશન મોકલ્યું હતું. પ્રવીણે ફોનમાં જ તેને કહ્યું કે એ વ્યક્તિ આટલી હોશિયાર છે તો પછી શું કામ તેણે આ રીતે તમારી પાસે ફોન કરાવવો પડે.
‘માણસો શું કામ આટલા ઇનસિક્યૉર હોતા હશે?!’ થોડી વાર પછી પ્રવીણે મને કહ્યું કે ‘હું શું કામ કોઈ ટૅલન્ટેડ વ્યક્તિને આગળ વધતી રોકું અને કેવી રીતે મારાથી એ કામ થઈ પણ શકે. મારો પણ અંતરઆત્મા છે, મને પણ એ કનડે, મને પણ એ દુખી કરે... તો પછી હું શું કામ કોઈના કામમાં વિઘ્ન બનું અને માણસ એવું વિચારી પણ કેવી રીતે શકે કે કોઈ તેનું કામ બગાડશે?’
પ્રવીણની એક વાત મને આજે પણ યાદ છે...
‘ટૅલન્ટ સૂર્ય જેવી હોય, જેમ સૂર્યને તમે આડશ ન આપી શકો એ જ રીતે, તમે ક્યારેય કોઈની ટૅલન્ટને ઢાંકી ન શકો.’
સાહેબ, આ પ્રવીણ હતો. જો તેને કોઈનું કામ ગમ્યું હોય તો તે ચાહે તેનો વિરોધી હોય તો પણ સામેથી તેની પાસે જાય અને તેના કામને બિરદાવે અને પછી જાહેરમાં પણ એ વાતનો સ્વીકાર કરે કે એ નાટકમાં તેણે બહુ ઉમદા કામ કર્યું છે. પ્રવીણ જોષીની આવી બીજી અઢળક વાતો છે, જેની સાથે હવે આપણે મળતા રહેવાના છીએ, પણ એ મેળાપ અઠવાડિયે એક વાર જ થશે, દર મંગળવારે. ચાલો, ત્યારે ફરી મળીએ આપણે આવતા મંગળવારે...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)