આ શબ્દો પ્રવીણ જોષીના હતા અને એક વખત એમ જ વાતચીત દરમ્યાન તેમણે આ વાત મને કહી હતી. પ્રવીણના એકેએક ડાયલૉગ ગોલ્ડન વર્ડ્સ સમાન હતા, જે આજે પણ મારી સાથે અકબંધ છે
એક માત્ર સરિતા
પ્રવીણ જોષી અને સરિતા જોષી
તમારી પ્રામાણિકતા ક્યારેય છોડતા નહીં. આજના સમયમાં તો આ વાતની બહુ કાળજી રાખવાની જરૂર છે. કોઈ પણ વાત છુપાવતી વખતે તમારે બે જ વાત વિચારવાની છે : એક, તમે જે વાત છુપાવો છો એ વાત મહત્ત્વની છે કે સંબંધ? અને બીજી વાત, જે વાત છુપાવો છો એના પરિણામસ્વરૂપે આવનારી ખરાબ ઘટના તમને મંજૂર છે કે નહીં?
આપણે વાતની શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાંથી એને છોડી હતી.
ADVERTISEMENT
એક વખત સંજીવકુમારે મને કહ્યું કે ‘કોઈનો લાડકવાયો’ નાટક બહુ સરસ બન્યું છે, તું જોવા જજે. એક રવિવાર મને ફ્રી મળ્યો અને સંજીવકુમારે એ જ દિવસે ફોન કર્યો એટલે મેં કહ્યું કે હું અને પદમા નાટક જોવા માટે આવીશું. સંજીવકુમારે જ ટિકિટની વ્યવસ્થા કરી અને અમારી રાહ જોતા તે ઑડિટોરિયમ પાસે ઊભા પણ રહ્યા. એ સમયે મોબાઇલ જેવું તો કંઈ હતું નહીં કે તમે ઘરેથી નીકળ્યા પછી એકબીજાને ફોન કરી શકો. અરે, ફોન પણ કીમતી જણસ ગણાતી હતી અને રેડિયો માટે પણ લાઇસન્સ લેવું પડતું હતું. દર વર્ષે તમારે એ લાઇસન્સ રિન્યુ કરાવવાનું. મને યાદ છે કે રાજકુમારના ઘરે ગ્રામોફોન પણ હતું અને રેડિયો પણ હતા. જો હું ભૂલતી ન હોઉં તો એ ઘરમાં તો બે કે ત્રણ રેડિયો હતા. અમે રોજ સવારે બ્રેકફાસ્ટ કરવા બેસીએ ત્યારે એમાં સમાચાર ચાલુ કરવામાં આવતા.
ઍનીવે, બીજી દિશામાં આગળ વધી જઈએ એ પહેલાં ફરીથી આપણે આવી જઈએ ‘કોઈનો લાડકવાયો’ નાટક પર.
નાટક જોઈને હું ખુશ થઈ ગઈ. શું નાટક હતું! શું એની વાર્તા અને શું એનું ડિરેક્શન! સ્ટેજ પર સીનની જે કોરિયોગ્રાફી થઈ હતી એ એટલી સરસ હતી કે ન પૂછો વાત. મારી ઉંમરના જે કોઈ નાટ્યશોખીનો હશે તેમણે એ નાટક જોયું જ હશે. પૂછજો તેમને કે કેવું નાટક હતું! એના સંવાદ અને સંવાદની સાથે જે પ્રકારનો અભિનય! તમારા મોઢામાંથી વાહ નીકળી જ જાય.
નાટક પૂરું થયું એટલે સંજીવકુમાર એટલે કે હરિ જરીવાલા અમને મળ્યો. મેં તેની પાસે નાટક અને નાટકના દિગ્દર્શનનાં બહુ વખાણ કર્યાં. તેણે પણ મને કહ્યું અને મેં પણ કહ્યું કે ચાલો બૅકસ્ટેજમાં જઈએ. હું તેની સાથે બૅકસ્ટેજ પર ગઈ અને બૅકસ્ટેજ પર હરિએ મારી ઓળખાણ પ્રવીણ જોષી સાથે કરાવી. આ જ શબ્દો હતા તેના.. ‘પ્રવીણ, આ સરિતા ખટાઉ... લાજવાબ ઍક્ટિંગ કરે છે.’
બૅકસ્ટેજમાં બીજા પણ અનેક કલાકારો હતા, પણ હું પ્રવીણ જોષીને જોઈને રીતસર હતપ્રભ થઈ ગઈ હતી.
- અરરર... આ ડિરેક્ટર છે. આ જ તો ‘મંજુ મંજુ’ નાટક લઈને મારી પાસે આવ્યા હતા અને આમને મેં ના પાડી દીધી હતી?!
સાચું કહું, એ સમયે મને મારી અભિનય-કળા કામ લાગી અને મેં તરત જ મારી જાત પર કન્ટ્રોલ કરી લીધો. મને બહુ અફસોસ થતો હતો કે મેં એક હોનહાર દિગ્દર્શકની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી અને તમને ગયા મંગળવારે કહ્યું હતું એમ ટેસ્ટ આપવાની બાબતમાં. આ વાતનો મને બહુ અફસોસ થતો હતો, પણ મને જાણે કે કશું યાદ ન હોય અને જાણે કે એ ઘટના મારા મનમાં સ્ટોર જ ન થઈ હોય એમ મેં એવો જ ડોળ કર્યો કે જાણે હું એ કશું જાણતી જ નથી. પણ હા, મારે સ્વીકારવું જ રહ્યું કે હું પ્રવીણ સામે બહુ કૉન્શ્યસ થઈ ગઈ હતી. ત્યાં બીજા કલાકારો પણ હતા, પણ પ્રવીણ જેવા સામે આવે કે તરત જ હું સજાગ થઈ જઉં.
કોણ જાણે કેમ પણ મને એ સ્ટાઇલ આજે પણ યાદ છે, મારી આંખ સામે છે. પગમાં સોલાપુરી ચંપલ, કૉટનનું મોટી ચેક્સવાળું વાઇટ કૉલરવાળું શર્ટ. જીન્સ જેવું ખદ્દડ પૅન્ટ, તલવાર-કટ પાતળી મૂછ અને મેકઅપ ઉતાર્યા પછી ચહેરા પર હોય એવી ફ્રેશ તાજગી. તેમની પગ મૂકવાની જે સ્ટાઇલ હતી એ અદ્ભુત હતી. પ્રવીણના રોમરોમમાં સ્ટાઇલ હતી અને એ સ્ટાઇલ તેમના દિગ્દર્શનમાં પણ છલકાતી. હું કહીશ કે આજે જે પ્રકારે સ્ટેજ પર ઍક્ટિંગ થાય છે એ ઍક્ટિંગ, સંવાદ બોલવાની છટા પ્રવીણે ડેવલપ કરી છે. ટૂંકા સંવાદો લાવવાની પણ રીત પ્રવીણ લાવ્યા અને સંવાદમાં બોલાતા એકેએક શબ્દને અભિનય આપવાનું કામ પણ પ્રવીણે કર્યું. આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું કે પ્રવીણ નખશિખ કલાકાર હતા, દિગ્દર્શક હતા. તેમની નજર પણ પડતી અને તેમને એમાં સીન દેખાતો. તેમની સામે કોઈ વાત આવે તો પણ તરત જ તેમને એમાં વાર્તા દેખાતી.
આ પણ વાંચો: આટલું કામ કર્યા પછી મારે ટેસ્ટ શાની આપવાની?
એ દિવસે બૅકસ્ટેજમાં ઘણા કલાકારો આવ્યા હતા. એ બધા કલાકારો પ્રવીણની આસપાસ ફર્યા જ કરે અને ‘પ્રવીણભાઈ’, ‘પ્રવીણભાઈ’ કર્યા કરે. થોડી વાર એમ જ બધા સાથે વાત કરીને હું ત્યાંથી નીકળી ગઈ.
ટેક્નિકલી, મારી અને પ્રવીણની આ પહેલી મુલાકાત અને પ્રૅક્ટિકલી, બીજી મુલાકાત. જોકે એ બીજી મુલાકાત હું યાદ પણ રાખવા નથી માગતી. અહીં તમારી સાથે મારે બધી વાતો શૅર કરવી હતી એટલે મેં કશું છુપાવ્યા વિના વાત કરી દીધી, કારણ કે તમે મારા વાચકો છો અને પ્રવીણ હંમેશાં કહેતા...
‘સરિતા, સ્ટેજ હોય કે સંસાર, પ્રામાણિકતા બહુ કીમતી છે. જે સમયે તમે પ્રામાણિકતા છોડો છો એ સમયે ઑડિયન્સથી માંડીને આપ્તજન સૌકોઈ તમારો સાથ છોડી દે છે...’
જરા જુઓ તમે. સામાન્ય વાતચીતમાં પણ આ માણસની વાતો કેવી હતી. સામાન્ય રીતે આપણે આવી વાતો સંવાદોમાં સાંભળીએ, પણ પ્રવીણ તો રૂટીનમાં પણ આવી જ વાતો કરતા અને તે જ્યારે તમારી સાથે વાત કરે ત્યારે એના આરોહ-અવરોહ જે પ્રકારના હતા એ પણ એ જ સ્તરના હતા જાણે કે તેના મોઢામાંથી ગોલ્ડન વર્ડ્સ આવી રહ્યા હોય.
‘સ્ટેજ હોય કે સંસાર, પ્રામાણિકતા બહુ કીમતી છે. જે સમયે તમે પ્રામાણિકતા છોડો છો એ સમયે ઑડિયન્સથી માંડીને આપ્તજન સૌકોઈ તમારો સાથ છોડી દે છે...’
સાહેબ, આ વાત તમે પોતે પણ જરા ધ્યાનથી અને બીજી-ત્રીજી-ચોથી વાર વાંચજો. ખરેખર બહુ સાચી વાત છે. આજના લગ્નજીવનમાં પ્રામાણિકતા રહી નથી અને એટલે જ એ લગ્નજીવનની લાંબી આવરદા રહી નથી. પ્રામાણિકતા બહુ જરૂરી છે - પછી એ પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ લાઇફ હોય. સારી વાત અને સાચી વાત જે માણસ તમને કહી જાય એ વાત તેના જ નામે સૌની સામે રજૂ થવી જોઈએ. પ્રોફેશનલ લાઇફમાં આજે ઘણી વાર એવું બને છે કે સિનિયર્સ એવું કરે છે કે બીજાને આવેલો વિચાર પોતાના નામે રજૂ કરી દે. બહુ ખરાબ વાત છે આ. આવું બને ત્યારે જુનિયરને ખબર પડતી જ હોય છે અને તે પાંચમી મિનિટે એ પકડી પાડતો હોય છે, પણ પછી તે ચૂપ રહેવાનું એટલા માટે પસંદ કરે છે કારણ કે તે જુનિયર છે. ઉધારની પ્રગતિ કે પછી ઉધારનો વિકાસ ક્યારેય લાંબો નથી ટકતો એ ભૂલતા નહીં.
પર્સનલ લાઇફમાં પણ હું આ જ વાત કહીશ. તમારી પ્રામાણિકતા ક્યારેય છોડતા નહીં. આજના સમયમાં તો આ વાતની બહુ કાળજી રાખવાની જરૂર છે. કોઈ પણ વાત છુપાવતી વખતે તમારે બે જ વાત વિચારવાની છે : એક, તમે જે વાત છુપાવો છો એ વાત મહત્ત્વની છે કે સંબંધ? અને બીજી વાત, જે વાત છુપાવો છો એના પરિણામસ્વરૂપે આવનારી ખરાબ ઘટના તમને મંજૂર છે કે નહીં?
આ જે વાત છે એ માત્ર સ્ત્રીઓને જ લાગુ નથી પડતી, પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે. એટલે પુરુષો એવું ન માને કે આ સલાહ વાઇફ માટે છે. પ્રામાણિકતાની સલાહ આપનારા પ્રવીણ જેટલા પ્રામાણિક હતા એટલો આજ સુધી મેં કોઈ પ્રામાણિક પુરુષ જોયો નથી અને એ જ કારણ છે કે આજે પણ પ્રવીણ મારી આંખો સામે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)