પ્રવીણ જોષીએ બહુ ઓછાં નાટકો કર્યાં, પણ એ તમામ નાટકો એવાં વજનદાર રહ્યાં કે એની વાતો વિના નવી ગુજરાતી રંગભૂમિના ઇતિહાસનો આરંભ જ ન થાય
એક માત્ર સરિતા
સરિતા જોષી
‘ગિરેશ, સ્ક્રિપ્ટથી કોઈ ફાયદો નથી... એના કરતાં મને વાર્તા કહો.’
ગૌતમ જોષીની ઇચ્છા બાઉન્ડ સ્ક્રિપ્ટ સંભળાવવાની હતી, કારણ કે એ તૈયાર હતી. પ્રવીણ હંમેશાં બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે કામ કરતો. કાન્તિ મડિયા પણ એમ જ કામ કરતા અને જે કોઈ ધુરંધરો છે તેઓ એ જ રીતે કામ કરતા. અતથી ઇતિ તમારા હાથમાં હોવું જોઈએ. જો એ હાથમાં ન હોય તો ડિઝાઇનર બેબી બને, અને ડિઝાઇનર બેબીનું આયુષ્ય ન હોય. આયુષ્ય આપવાનું કામ તો કુદરત કરે. આજે હોટેલ જેવું વાતાવરણ છે. તમે જઈને ઑર્ડર આપો એટલે એ મુજબ આઇટમ તૈયાર થતી જાય અને તમારા ટેબલ પર પીરસાતી જાય, પણ નાટકમાં એવું ન હોય. તમે એક વાર પાછળ ફરીને જુઓ. રંગભૂમિના જે ધુરંધરો છે એ એકેએકનાં નામ યાદ કરો અને સાથે એ પણ જુઓ કે તેમણે પોતાની આખી કરીઅર દરમ્યાન કેટલાં નાટકો કર્યાં? ગણ્યાંગાંઠ્યાં નાટકો એ લોકોના નામે બોલે છે, પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે એવું શું કામ? શું એ લોકોને નાટકનો ઢગલો કરી દેતાં નહોતું આવડતું? શું એ લોકોને વધારે નાટકનો શોખ નહોતો? શું એ લોકોને કોઈએ વધારે નાટક કરવાની ના પાડી હતી?
ના, ના અને ના. એ લોકો પર બાહ્ય બંધન નહોતાં, પણ એ લોકો સ્વૈચ્છિક બંધનમાં માનતા હતા. તેઓ વિષયને વફાદાર રહેતા હતા અને એ પછીની તેમની વફાદારી ઑડિયન્સ પ્રત્યેની હતી. એ વફાદારીનું જ તો કારણ હતું કે ઑડિયન્સ જે-તે દિગ્દર્શકનું નામ વાંચીને નાટકની ટિકિટ લેવા માટે દોડતા-ભાગતા.
મને આજે પણ યાદ છે કે આઇએનટી પોતાના નવા નાટકની અનાઉન્સમેન્ટ કરે અને બુકિંગ શરૂ કરે ત્યાં પહેલા ચાર-છ કલાકમાં તો ઑડિટોરિયમ હાઉસફુલ થઈ જાય. આજે પણ મને યાદ છે કે અમદાવાદમાં આઇએનટીના નાટકની ટૂર થાય એટલે ટિકિટ માટે અડધો અને પોણો કિલોમીટરની લાંબી લાઇન લાગી જતી અને અડધોઅડધ લોકો નાટકની ટિકિટ વિના નિરાશ મને પાછા જતા. અત્યારનાં આપણાં ગુજરાતી નાટકોના ગુજરાતના જે ઑર્ગેનાઇઝર છે એ ચેતન ગાંધીના પપ્પા રાજુ ગાંધી એ સમયે આ શો ઑર્ગેનાઇઝ કરતા. લોકો રાજુભાઈ પાસે જઈને બે ટિકિટ માટે રીતસર વિનંતી કરે અને રાજુભાઈ પણ લાચારી સાથે તેમને જોયા કરે.
ટિકિટ હોય તો બિચારા આપેને!
આ નાટકની કમાલ હતી, વિષયની કમાલ અને એ વિષયને આપવામાં આવેલી માવજતની કમાલ હતી, પણ હવે એવું જોવા નથી મળતું. કારણ કે હવે નાટકો બિઝનેસ માટે બને છે. હવે આંકડાબાજી મહત્ત્વની બની ગઈ છે. કેટલાં નાટક કર્યાં, કેટલાં નાટક લખ્યાં એના પર લોકોની સફળતાનો માપદંડ બંધાઈ ગયો છે, પણ એ ખોટું છે. એનો ભોગ નાટક અને પ્રેક્ષકો બને છે. ઍનીવેઝ, આપણે ફરી પાછા આવીએ પ્રવીણ જોષી અને તેણે મને ઑફર કરેલા ‘ચંદરવો’ નાટક પર.
lll
‘ના, એની જરૂર નથી...’ સ્ક્રિપ્ટ સાંભળવાની ના પાડતાં મેં કહ્યું પણ ખરું, ‘મને વાર્તા કહી દેશો તો મને આઇડિયા આવી જશે.’
મારા મનમાં હતું કે નાટકમાં કંઈ ખાસ નહીં હોય. એ સમયે પણ ચીલાચાલુ નાટકો બનતાં જ હતાં. મારી પાસે અઢળક કામ હતું અને એ કામમાંથી સમય કેમ કાઢવો એ પણ સવાલ હતો, પણ મારે પ્રવીણ જોષીના આ વિષયને એક વાર સાંભળી લેવો હતો. નમ્રતા સાથે કહું છું, હું તેના ક્રાફ્ટથી જબરદસ્ત પ્રભાવિત થઈ હતી. નાટક ‘કોઈનો લાડકવાયો’ જોયા પછી હું ખરેખર માની ગઈ હતી કે પ્રવીણની કામ કરવાની સ્ટાઇલ સાવ જુદી, નોખી છે અને મારે એ દિશામાં પણ ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો : સારો સમય અને સારી વ્યક્તિ જીવનમાં વારંવાર નથી મળતી
‘હંઅઅઅ... જુઓ.’
વાર્તા સાંભળવાની વાત આવી એટલે પ્રવીણે બાજી પોતાના હાથમાં લઈ લીધી અને પછી તેણે વાત કહેવાનું શરૂ કર્યું.
‘આ એક મૉડર્ન કન્સેપ્શનનું નાટક છે એટલે એ વાંચશો તો એનાથી વધારે સારી રીતે વાત સમજાશે, પણ તમે કહો છો એટલે હું કહીશ કે વાત એમાં પ્રોફેસરની છે, પણ નાટક એ પ્રોફેસર સાથે જોડાયેલી જે લેડી છે એનું છે!’
પ્રવીણની વાત કરવાની જે સ્ટાઇલ હતી એ સાંભળીને કોઈ પણ ઍક્ટર તેની સાથે કામ કરવા તૈયાર થઈ જાય એ મારે કહેવું જ રહ્યું. એ સાંભળતાં-સાંભળતાં ઍક્ટરને એવું જ લાગે જાણે એ તેનું જ નાટક છે અને પ્રવીણ એ વાત માનતા પણ ખરા. નાનામાં નાનો રોલ હોય તો પણ પ્રવીણ એને માટે સારામાં સારા ઍક્ટરને લાવી શકતા, જેનું કારણ પણ હતું. પ્રવીણ કહેતા કે મારી વાર્તામાં કોઈ એમ જ અવરજવર નથી કરતું એટલે પાંચ મિનિટનું પણ કોઈ કૅરૅક્ટર હશે તો પણ એનું મહત્ત્વ સ્ટોરીમાં બહુ અગત્યનું હશે.
વાત ખોટી પણ નથી. તમે એ પાંચ મિનિટના કૅરૅક્ટરને જો એ નાટકમાંથી કાઢી લો તો તરત જ તમને સમજાઈ જાય કે હા, નાટકમાં કંઈક ખૂટે છે. પ્રવીણની બીજી એક વાત મને આજે પણ યાદ છે. તેઓ ડાયલૉગ્સની બાબતમાં પણ બહુ પર્ફેક્શન સાથે આગળ વધતા. ડાયલૉગમાં આવતા એકાક્ષરી શબ્દને પણ તેઓ એટલું જ મહતત્ત્વ આપતા. ઉદાહરણ સાથે તમને આ વાત સમજાવું.
lll
‘હું જવાની જ છું...’ આ લાઇનમાં આવતો ‘જ’ શબ્દ જો ઍક્ટર બોલવાનું ભૂલી જાય તો તરત જ પ્રવીણ પકડે અને કહે કે તું આ લાઇનમાં ‘જ’ શબ્દ ભૂલી ગયો છે. ક્યારેક અમે નિરાંતે બેઠા હોઈએ ત્યારે હું પ્રવીણનું પૂછું પણ ખરી કે ઍક્ટરે એકેક ડાયલૉગ પર્ફેક્ટલી યાદ રાખ્યો અને માત્ર એક જગ્યાએ ‘જ’ ભૂલી ગયો તો એમાં શું ખોટું થઈ ગયું?
‘સરિતા, એ એક શબ્દનું મહત્ત્વ હશે તો જ રાઇટરે ત્યાં લખ્યો હશેને?! વગર કારણે તો તેને ઇન્ડિપેન ઘસવાનું મન નહીં થયું હોયને?!’ આવું કહીને પછી તે એ એક અક્ષરનું મહત્ત્વ કેવું અદકેરું છે એની લાંબી વાત સમજાવે, ‘એ એક ‘જ’ શબ્દ છે એ જીદનું પ્રતીક બનીને મૂકવામાં આવ્યો છે. તમે એ શબ્દ ભૂલી જાઓ તો સામાન્ય વ્યવહાર બની જાય છે, પણ જો એ ‘જ’ તમે બોલશો, એના પર તમે ભાર આપશો અને એને વજન સાથે આગળ લઈ જશો તો પ્રેક્ષકને પણ સમજાશે કે વાત હવે હઠ પર, જીદ પર આવી ગઈ છે અને હવે ઘટના કંઈક જુદી બનશે. એક શબ્દથી જો નાટકમાં ટ્વિસ્ટ લાવી શકાતો હોય તો પછી એ એક શબ્દ પણ શું કામ ભૂલવો?!’
પ્રવીણ, સલામ છે તમને. તમારો ક્રાફ્ટ મને જોવા-સમજવા અને શીખવા મળ્યો એ બદલ હું આજીવન તમારી ઋણી રહીશ. મારી ઍક્ટિંગની એકેક લાઇનમાં, એકેક એક્સપ્રેશનમાં તમે સતત ધબકતા રહેશો એનો વિશ્વાસ રાખજો તમે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)