આ વધારાના દિવસે એટલું નક્કી કરીએ કે જીવનમાંથી વધારાની વાતોને ત્યજીને જીવનને સુખમય બનાવીએ, સાથે સંકળાયેલા સૌકોઈને સુખ આપીએ
એક માત્ર સરિતા
પ્રતીકાત્મક તસવીર
તિથિ મુજબ તો આજનો આ દિવસ વધારાનો છે. દિવાળી કાલે ગઈ અને નવું વર્ષ આવતી કાલે છે. એ રીતે આપણે અત્યારે વર્ષના એક વધારાના દિવસે ઊભા છીએ. આ વધારાના દિવસે એટલું નક્કી કરીએ કે જીવનમાંથી વધારાની વાતોને ત્યજીને જીવનને સુખમય બનાવીએ, સાથે સંકળાયેલા સૌકોઈને સુખ આપીએ
બહુ ઊજવી લીધા અવસર ને ઉત્સવ. હવે જીવનને જ અવસર બનાવીએ અને એમાં ખુશીઓના દીવા પ્રગટાવીએ. જીવનને જ ઉત્સવ બનાવીએ અને એમાં સુખના રંગો સાથે રંગોળી બનાવીએ.
ADVERTISEMENT
જો તમે તિથિની ગણતરી ન કરો, જો તમે બીજો કોઈ હિસાબ ન કરો તો આજે નવું વર્ષ છે અને જો તમે એ બધામાં ધ્યાન આપો તો આજે ધોકો છે. વધતી તિથિને કારણે આજનો દિવસ વધારાનો છે. જીવનમાં કેટલુંબધું વધારાનું હોય છે. વધારાની વાત, વધારાની અપેક્ષા, વધારાનું દુઃખ, વધારાની પીડા. જો વધારાનો એક દિવસ આવે તો પણ આપણે એને સ્વીકારવા રાજી નથી અને ધારો કે એ સ્વીકારવો જ પડે તો પણ આપણો મૂડ ઓસરી જાય છે તો પછી વધારાનાં દુઃખ, પીડા, અપેક્ષાઓ મનમાં રાખીને આપણે શું કામ મૂડને ઓસરાવીએ છીએ?
નવા વર્ષનો શુભારંભ આવતી કાલે થશે, પણ આ નવા વર્ષે જો માત્ર એટલું આપણે કરીએ કે વધારાનું જેકંઈ છે એ બધાનો ત્યાગ કરીએ તો કેવું ઉત્તમ જીવન થઈ જાય. વધારાનો, અતિરેકનો કોઈ અર્થ નથી. જે વાતને જ્યાં છોડી દેવાની છે, જે વાતને જ્યાં દફનાવી દેવાની છે એને ત્યાં નહીં દફનાવો તો એ ભાર તો તમે તમારા પર જ વધારો છો. શું કામ વધારવો છે ભાર, શું કામ તકલીફ આપવી છે જાતને? એનો કોઈ અર્થ નથી. તમે સાંભળ્યું હશે કે ઊંચાઈ પર જવું હોય ત્યારે બધું છોડતા જવું પડે. આજે જ્યાં છીએ અને જ્યાં પહોંચવાની તૈયારી કરવી છે ત્યાં પહોંચવા માટે આપણે મનને હળવું કરવું પડશે અને મનને હળવું કરવા માટે આપણે એમાં જેકંઈ ભરી રાખ્યું છે એ બધું વધારાનું છોડતા જવું પડશે. એ જ માનવતા છે. અબોલ પ્રાણીઓ પ્રત્યે આપણે આત્મીયતા દાખવીએ છીએ તો આપણને જેની સાથે તકલીફ થઈ છે, જેની વાતોને આપણે મનમાં ભરી રાખી છે એ તો સૌ આપણા છે. આપણા લોકોની વાત છોડી નહીં શકીએ એ તો બહુ શરમજનક કહેવાય. શરૂ થતા નવા વર્ષે આપણે સૌ છોડવાનો ભાવ મનમાં સ્પષ્ટ કરીએ અને એ સઘળું છોડીએ જે આપણને પીડા આપે છે અને આપણા કરતાં પણ વધારે પીડા તો આપણે તેમને આપીએ છીએ. બહેતર છે કે આપણે આ નવા વર્ષે તેમને પણ પીડામુક્ત કરીએ, તેમને પણ રાહતનું જીવન આપીએ અને સંબંધોમાં એ નવી ઉષ્મા લાવીએ, જે મનમાં ભરેલી પેલી વધારાની વાતોને કારણે ખોવાઈ ગઈ છે.
વધારાની વાતો છે એ વધારાની પીડા આપે છે. વધારાની વાતો છે એ વધારાનું દુઃખ આપે છે. વધારાની જે અપેક્ષા છે એ વધારાની વેદના આપે છે. વધારે કશું નથી જોઈતું અને એ વધારાનો ભાર પણ કોઈ પર આપણે મૂકવો નથી. હું તો કહીશ કે આ વર્ષે તમારી હાજરીનો ભાર પણ કોઈને ન રહે એવું જીવન બનાવો.
નવું વર્ષ તમારા માટે હળવાશરૂપ બને એનાથી ઉત્તમ બીજું કશું હોઈ જ ન શકે અને એ હળવાશરૂપ ત્યારે જ બનશે જ્યારે તમે કોઈના જીવનમાં હળવાશ લાવશો. જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું કાર્ય તો સૌકોઈ કરતા હશે એવું ધારી લઉં, પણ માણસના સ્વભાવની એક લાક્ષણિકતા છે. અજાણ્યાને સતત મદદરૂપ થતો માણસ, ક્યારેક પોતાના જ લોકોને સહાયરૂપ નથી બનતો. વાત અહીં આર્થિક કે સામાજિક સ્તરની મદદની નથી. વાત અહીં માનસિક સ્તરની છે. નવું વર્ષ આવી ગયું છે સાહેબ, આજે એ સૌને એક ફોન કરો જેની સાથે તમે અબોલા લીધા હતા. એક વાર તેમની સાથે વાત કરો અને તેમને એવી હળવાશ આપો કે તેમનું આખું વર્ષ સુધરી જાય. કહ્યુંને તમને, આપણે એ બધું હાંકી કાઢવું છે જે વધારાનું છે, જેની કોઈ આવશ્યકતા નથી.
નવી ઊંચાઈએ પહોંચવા માટે આપણે જૂનો ભાર છોડતા જવો છે. જૂની વાતો, જૂની અદાવતો, જૂની પીડા, જૂનાં દુઃખ બધેબધું મૂકીને આગળ વધવું છે. આ વર્ષ જ એને માટે છે એવું ધારી લો અને એવું ધારીને વધારાનું જેકંઈ છે એ બધાનો ત્યાગ કરો. જોજો તમે, તમને બહુ લાભ થશે. જીવનમાં ક્યારેય ન અનુભવી હોય એવી હળવાશનો પણ અનુભવ થશે અને એ હળવાશને કારણે તમારી આજુબાજુના સૌકોઈનો ભાર પણ તમે દૂર કરી શકશો. સાહેબ, સાથે કશું નથી આવવાનું. મહત્ત્વનું એટલું જ છે, જે જીવ્યા છો એ જ બધા વચ્ચે મૂકીને જશો.
જો કડવાશ મૂકીને જશો તો એ કડવાશ લોકો વચ્ચે રહેશે અને અંટશ મૂકીને જશો તો મૂકેલી એ અંટશનું તમારી ગેરહાજરીમાં શું થયું એની પણ તમને ખબર નહીં પડે. પાછળ શું થવાનું છે એની ખબર તમને રહેવાની નથી તો પછી શું કામ અત્યારે આટલો ભાર, આટલી કડવાશ રાખીને જીવવું છે. સહજ રીતે જીવો અને સહજ રીતે સૌકોઈને જીવવાની તક પણ આપો.
પોતાની આસપાસ દીવાલ ઊભી કરીને રાખવાનું કામ આ સૃષ્ટિ પર એક પણ પ્રાણી નથી કરતું, સિવાય કે માણસ. મને તો ઘણી વાર થાય કે માણસ સામાજિક પ્રાણી બનીને પ્રાણીત્વના સારા ગુણો પણ ભૂલી બેઠો. આના કરતાં તો એ પ્રાણી રહ્યો હોત તો કદાચ વધારે સુખી હોત. તમે જુઓ, આજે પ્રાણીઓને સુખ કે દુઃખની કોઈ તમા નથી. જુઓ તમે, એ સાવ જ સહજ અને અલગારી થઈને જીવે છે. આપણે પણ શું કામ એવા અલગારી ન થઈએ? શું કામ આપણે પણ એ બધો ભાર છોડી દઈએ જે આપણને અલગારી થવામાં બાધારૂપ છે?
નક્કી કરો આજના આ દિવસે કે બાધાઓ જોઈતી નથી અને બાધારૂપ બનવું નથી. જ્યાં પણ, જેને પણ સાથ જોઈતો હશે તેને સાથ આપવાનું કામ કરવું છે અને જ્યાં પણ જેને હાથ જોઈતો હશે તેને હાથ આપવાનું કામ કરવું છે. મને ખરેખર ઘણી વાર થાય કે માણસ શું કામ આટલો ભારમાં રહેતો હશે? કેવું સરસ જીવન મળ્યું છે અને એ જીવનનું પણ કંઈ નક્કી નથી. જ્યારે શ્વાસની કોઈ નિશ્ચિત આવરદા નથી તો પછી આટલો ભાર શું કામ અને આવો ભાવ શું કામ?
ખુશ રહો અને સૌને ખુશ રાખો. બહુ સરળ છે એ આ ભાવ સાથે જીવવું અને આ જ ભાવને આગળ વધારવો. દિવાળી જેવા દિવસો છે ત્યારે નક્કી કરો કે મને કોઈ દુખી કરી શકવાનું નથી અને કોઈના કર્યે હું દુખી થવાનો નથી. આ જ વાતની સાથોસાથ નક્કી કરો કે મારાથી કોઈ દુખી થાય એવું મારે થવા દેવું નથી.
કાલ કોણે જોઈ છે સાહેબ, ખબર નથી આજનો દિવસ જ છેલ્લો હોય અને એ છેલ્લા દિવસની યાદ જ જીવનભર સાથે રહેવાની હોય તો પછી શું કામ દરેક દિવસને છેલ્લો દિવસ માનીને જીવનને ઉત્તમ દિશા આપવાનું કામ ન કરીએ. માણસ તમને યાદ કરે ત્યાં જ તેના ચહેરા પર સ્મિત આવી જાય, તમારો ચહેરો યાદ આવી જાય ત્યાં જ આંખોમાં મીઠાશ આવી જાય તો એનાથી રૂડું બીજું શું હોય?
બહુ ઊજવી લીધા અવસર અને ઉત્સવ. હવે જીવનને જ અવસર બનાવીએ અને એમાં ખુશીઓના દીવા પ્રગટાવીએ. જીવનને જ ઉત્સવ બનાવીએ અને એમાં સુખના રંગો પૂરીએ. માણસ છે તો સાહેબ, આ ઉત્સવ અને અવસર છે, તો પછી શું કામ તમારી હાજરી કોઈના જીવનમાં ઉત્સવ બનીને રહે એવું જીવન ન બનાવીએ.
નવા વર્ષે બસ, એટલું જ નક્કી કરો કે વાદવિવાદના ફટાકડાનો અંત આવે અને સુરમયી આતશબાજીનો પ્રારંભ થાય. નવા વર્ષે બસ એટલું નક્કી કરો કે વિચારોના વમળની જમીનચકરીને બદલે કોઠીમાંથી સંવેદના અને લાગણીઓના ફુવારા નીકળે.
(આવતા મંગળવારથી ફરી આપણે એ જ વાતનું અનુસંધાન જોડીશું, જ્યાંથી મારા જીવનની વાતોને અધૂરી છોડી હતી.)
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)