તમે સારું કામ કરો અને એ સારા કામને કોઈ બિરદાવે એનાથી વધુ બીજું શું જોઈએ અને એમાં ધારો કે એ કામગીરી તમારા પરિવારના સભ્ય દ્વારા થાય તો? તો સાહેબ, તમે આસમાન પર હો અને ‘પટરાણી’ નાટકનો શો પૂરો થયા પછી મારી અવસ્થા એવી જ હતી, હું સાતમા આસમાન પર હતી
એક માત્ર સરિતા
પ્રતીકાત્મક તસવીર
ઈરાની શેઠે મારા હાથમાં કવર મૂક્યું અને મેં એ કવર તેમની સામે જ ખોલ્યું. કવરમાં રોકડા એકસો ને એક રૂપિયા હતા. હું એ જોઈને ખુશ થઈ ગઈ. તેઓ મારી સામે જોતા રહ્યા અને પછી ધીમેકથી માથે હાથ મૂકીને બોલ્યા, ‘સરિતા, મારે આ જ ખુશી જોવી હતી.’
આપણે વાત કરતા હતા ‘પટરાણી’ નાટકની. તમને કહ્યું એમ, એ નાટકમાં મારી મોટી બહેન પદ્મા મેઇન હિરોઇન તો ચન્દ્રકાન્ત સાંગાણી પણ નાટકમાં હતા. આ નાટકથી હું ફરી જૂની રંગભૂમિ પર કૉમિકના રોલમાં આવી. અહેમદ દરબારનું નાટકમાં મ્યુઝિક. હજી મને નાટકના એ ગીતના શબ્દો યાદ છે. કૉમિકના પડદા પર હું એક ગામડાની છોકરી બનીને આવતી અને મારા પર એ ગીત હતું, ‘સોના ઈંઢોણી ને રૂપલાનું બેડું...’
ADVERTISEMENT
બિરલામાં નાટક ઓપન થયું. રંગભૂમિના બધા જાણીતા અને મોટા લોકો નાટક જોવા આવ્યા હતા. બધાની નજર પદ્મા પર. પદ્માનો ગેટઅપ, લુક બધું બહુ સરસ, પણ સાહેબ, આ નાટકમાં હું સુપરડુપર રહી, કૉમિકનો પડદો મેં રીતસર ધ્રુજાવી દીધો. લેવાની હતી એ બધી તાળીઓ તો મેં લીધી જ, પણ એ સિવાયની પણ તાળીઓ મેં લીધી અને ઑડિયન્સથી માંડીને ઈરાની શેઠ ખુશ-ખુશ.
નાટક પૂરું થયું. અગાઉ કહ્યું હતું એમ, જૂની રંગભૂમિ પર મોટા ભાગના લોકો પગાર પર રહેતા, પણ હવે હું બહાર કામ કરવા માંડી હતી એટલે મને નાઇટ આપવાની હતી, જે બંધ કવરમાં આપે. એ સમયે નાઇટના ૧૨૦ રૂપિયા મળતા, મેઇન ઍક્ટર હોય તો તેને વધીને ૧પ૦ અને ૧૭પ એટલે તો હદ થઈ ગઈ.
આ વાત છે ૧૯પ૯-’૬૦ની આસપાસની. એ સમયે તો ૧૨૫ રૂપિયાની નાઇટ એટલે સાહેબ, અધધધ... તમને જાણીને નવાઈ લાગશે, પણ એ સમયે ૭૦-૮૦ હજારમાં તો ટાઉનમાં મસ્તમજાનો ફ્લૅટ આવી જાય અને બેચાર લાખમાં તો મસ્તમજાનો બંગલો આવી જાય. એ સમયે રૂપિયો દેખાવમાં નાનો હતો, પણ એનું વજન બહુ મોટું હતું. એ સમયે લખપતિઓ ઓછા હતા અને એટલે જ રૂપિયાનું વજન બહુ હતું. આજે લખપતિ અને કરોડપતિ દેશમાં બહુ વધી ગયા, પણ આપણો રૂપિયો દૂબળો પડી ગયો. જવા દો એ બધી વાત અત્યારે. આ ઘટના જ્યારે ઘટી ત્યારે તો હું પેલા મોટા ફ્લૅટમાં, રાજકુમારના ઘરમાં હતી.
lll આ પણ વાંચો: સરિતા ઍક્ટિંગ કરે ત્યારે તેને જોવામાં મારી આંખો ઠરી જાય, હું મારું પાત્ર ભૂલી જ
નાટક ‘પટરાણી’ પૂરું થયા પછી ઈરાની શેઠ મારી પાસે આવ્યા. તેઓ મારી પાસે આવ્યા ત્યાં સુધી મને કવર નહોતું મળ્યું અને મેં એના વિશે વધારે ચિંતા પણ નહોતી કરી. મને એમ કે હું નીકળીશ ત્યારે મને આપશે.
‘સરિતા, અહીં આવ તો દીકરા...’
ઈરાની શેઠ પાસે આવ્યા અને મારા માથા પર હાથ મૂક્યો. હા, આ જ તેમના શબ્દો હતા. કહો કે તેમની આંખો ભીની થવાની બાકી રહી હતી. તેમણે મારી સામે જોયું અને ભાવવિભોર થઈને મને કહ્યું,
‘કેવી ઍક્ટિંગ કરે છે તું, કેવી ઍક્ટ્રેસ છે બેટા તું...’ ઈરાની શેઠનો હાથ છેલ્લે સુધી મારા માથા પર જ રહ્યો હતો, ‘તારું નામ સરિતા મેં પાડ્યું, કારણ કે તું નદીની જેમ વહેતી પણ સરિતા, ખબર છે તને, તું જ્યારે ઉછાળા મારે છે ત્યારે ગામનાં ગામ વહાવીને લઈ જાય છે... ખબર છે આજે તેં સ્ટેજ પર શું કર્યું?’
હું ઈરાની શેઠની સામે જ જોતી રહી એટલે તેમણે વાત આગળ વધારી, ‘તું બધેબધા કલાકારને ખેંચીને તારી સાથે લઈ ગઈ. તું ઑડિયન્સને તારી સાથે લઈ ગઈ. તેં આખા ઑડિટોરિયમને તારું કરી લીધું અને બેટા, જે કલાકાર એકેએક વ્યક્તિને પોતાની કરી લે તેને ક્યારેય કોઈ રોકી ન શકે... કોઈ નહીં, ક્યારેય નહીં.’
ઈરાની શેઠ અત્યંત ભાવુક થઈ ગયા હતા. કદાચ, તેમણે ધાર્યું નહોતું કે ‘પટરાણી’ અને મારા રોલને આવો રિસ્પૉન્સ મળશે. કદાચ, તેમણે જગ્યા ભરવાના હેતુથી મને નાટકમાં લીધી હશે અને કાં તો કદાચ, તેમણે ધાર્યું નહીં હોય કે નવી રંગભૂમિમાંથી આવીને હું અહીં એ બધી નવી ટેક્નિકનો પણ ઉમેરો કરીશ, જે હું ત્યાં શીખી હતી.
lll
જૂની અને નવી રંગભૂમિ વચ્ચેનો તફાવત જો મારે તમને સમજાવવો હોય તો હું કહીશ કે એ બન્નેમાં જમીન-આસમાનનો ફરક હતો અને એ ફરક પારખી લીધા પછી મેં એમાં જ મારા ફિલ્મના અનુભવને પણ જોડ્યો હતો.
જૂની રંગભૂમિમાં લાંબા-લાંબા ડાયલૉગ્સ હતા અને એ ડાયલૉગ્સ પૉઝ લઈ-લઈને બોલવામાં આવતા, પણ નવી રંગભૂમિમાં નાના અને અર્થસભર ડાયલૉગ્સ આવતા હતા. આપણે કહીએને કે બધું ખટ-ખટ-ખટ પસાર થતું હતું, જ્યારે જૂની રંગભૂમિમાં બધું ધીમી ધારે ચાલતું હતું. ચાર લાઇનનો ડાયલૉગ આજે હું અઢી મિનિટમાં પણ પૂરો કરી શકું અને એ જ ચાર લાઇનના ડાયલૉગને હું ૪૦-૫૦ સેકન્ડમાં પણ પૂરો કરી શકું અને એ પણ વધારે અસરકારક રીતે. શ્વાસના આરોહ-અવરોહને મૅનેજ કરવાનું કામ હું ફિલ્મોમાંથી શીખી હતી તો એ કલાકારોમાંથી પણ શીખી હતી જે ઈરાની શેઠની કંપનીમાં નાટક કરવા આવતા અને સાથોસાથ ફિલ્મો પણ કરતા. અશરફ ખાનથી લઈને રાણી પ્રેમલતા જેવા મહાન કલાકારોને કામ કરતાં જોઈને પણ હું ઘણું શીખી હતી, પણ એ બધાનો અમલ કરવાનો મોકો હવે છેક મને મળ્યો હતો.
lll આ પણ વાંચો : આજના સમયમાં પ્રામાણિક ફિલ્મો બહુ ઓછી આવે છે
‘પટરાણી’ના શો પછી ઈરાની શેઠ મારી પાસે આવ્યા. તેઓ ભાવવિભોર હતા. આવીને તેમણે ધીમેકથી મારા હાથમાં કવર મૂક્યું. ઈરાની શેઠને હું ‘બાબા’ કહેતી. મેં તેમના હાથમાંથી કવર લીધું અને પછી હું તેમને પગે લાગી.
‘થૅન્ક યુ બાબા, તમે મને કવર આપવા માટે આવ્યા...’
સામાન્ય રીતે કવર આપવાનું કામ પ્રોડક્શનનો માણસ સંભાળતો હોય, પણ પ્રોડ્યુસર પોતે મને કવર આપે એ વાત નાની નહોતી. તેમણે પણ તરત જ મને કહ્યું,
‘મારે જ કવર તને આપવું હતું...’ ઈરાની શેઠ સામાન્ય રીતે હિન્દીમાં જ બોલતા, ‘આ તારી મહેનત છે. મારે તારી આંખોમાં એ ખુશી જોવી હતી અને એને માટે હું જાતે જ તારી પાસે આવવા માગતો હતો.’
સાહેબ, મેં જ્યારે કવર ખોલ્યું ત્યારે પદ્મારાણીને જે પૈસા મળતા હતા, લીડ હિરોઇનને કે પછી કહો કે જે મોટા-મોટા કલાકારો હતા તેમને જે નાઇટ મળતી હતી એ જ નાઇટ ઈરાની શેઠે મારા કવરમાં મૂકી હતી.
રોકડા એકસો ને એક રૂપિયા એ કવરમાં હતા. હું તો ખુશ થઈ ગઈ. તેઓ મારી સામે જોતા રહ્યા અને પછી ધીમેકથી માથે હાથ મૂકીને બોલ્યા, ‘સરિતા, મારે આ જ ખુશી જોવી હતી...’
આ જે સ્વભાવ હતો એ સમયના શેઠિયાઓમાં, આ જે ખેલદિલી હતી એ સમયના શેઠિયાઓમાં એ તમે ક્યારેય વિચારી પણ ન શકો. તેઓ આપી જાણતા. તેમને ખબર હતી કે કલાકારોને રાજી રાખવાનું કામ કેવી રીતે કરવું અને તેઓ માત્ર જાણતા નહોતા, તેઓ રાજી કરી પણ જાણતા હતા.
કલાકારોનું કામ જોઈને તેમને ખુશ કરવા એ રાવ-મહારાવનું કામ હતું. મને અગાઉ અનેક ઇનામ મળ્યાં હતાં. અગાઉ અનેક મહારાવે મારા કામને બિરદાવ્યું હતું, પણ સાહેબ, તમારા કામને તમારી વ્યક્તિ બિરદાવે એનાથી ઉત્તમ બીજું શું હોય? એનાથી વધારે માણસને બીજું જોઈએ પણ શું?
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)