હા, હું સાચું જ પૂછું છું અને આ જ સવાલ તમે પણ પૂછતા હોત જો તમને પણ એ સગા દીકરાથી વિશેષ એવો દીકરો, નામે જેડી, મળી જાય તો
એક માત્ર સરિતા
મારા બર્થ-ડેનું સેલિબ્રેશન કર્યા પછી જેડીએ તરત જ સોશ્યલ મીડિયા પર ૧૦થી વધારે ફોટો વાઇરલ કર્યા હતા અને દરેક ફોટો સાથે કૅપ્શન પણ લખી હતી. આજે લોકો સગી મા માટે પણ આટલું નથી કરતા ત્યારે ઈશ્વરે આપેલા દીકરાએ મારા માટે આટલું કર્યું.
લાગણી, પ્રેમ અને આશીર્વાદ ઈશ્વરનાં મળ્યાં અને એ પછી એ બધું જેડીએ આપ્યું. દિલ્હીથી મુંબઈ પાછી જવા દેવાને બદલે તેણે મારી વર્ષગાંઠ પર મારો મથુરાનો પ્રોગ્રામ ગોઠવ્યો અને મને ખુશ કરી દીધી એ બદલ જેડીબેટા, મારા રાજાબાબા, તું સુખી રહે.
દિવાળીના એક દિવસ સુધી મારી ફિલ્મનું શૂટ ચાલતું હતું એટલે મારે જે કહેવું હતું, લખવું હતું, મારી જે લાગણી તમારા સુધી પહોંચાડવી હતી, જે વાત તમને કહેવી હતી એ કહેવામાં સહેજ મોડું થયું, પણ હશે, ‘દેર આએ દુરુસ્ત આએ’નો ભાવ રાખીને આગળ વધીએ.
ADVERTISEMENT
સંબંધો મા-બાપ, ભાઈ-બહેન કે અન્ય કોઈ પણ પ્રકારના બ્લડ-રિલેશન - બધું બરાબર, પણ ઘણી વાર એવું થાય કે લોહીનો સંબંધ ન હોય તો પણ કોઈ તમારો ભાઈ બની જાય, દીકરો બની જાય અને આજે એવી જ વ્યક્તિની વાત કરવાનું મને મન થઈ રહ્યું છે. હું મારાં બાળકો સાથે, મિત્રો સાથે તો કોઈક વાર મારા સાથી-ઍક્ટર સાથે વાત કરી લેતી હોઉં કે આ માણસ આમ છે અને એ બધાને ખબર છે, પણ આજે મારે તેને જાહેરમાં આશીર્વાદ આપવા છે અને મારે જ નહીં, લોકો પણ તેને આશીર્વાદ આપે એવી મારી ઇચ્છા છે.
૧૭ ઑક્ટોબર. ઘણા મિત્રોને અને અમારી લાઇનમાં મોટા ભાગનાને ખબર છે કે આ દિવસે મારો બર્થ-ડે છે. પ્રવીણ જોષી પણ ખૂબ પ્રેમથી મનાવતા મારો બર્થ-ડે. નાનપણમાં માતા-પિતા તો ઊજવતાં જ હશે. હું પણ મારાં બાળકોના જન્મદિવસે તેમને કેસર નાખેલા દૂધથી નવડાવતી અને બીજું ઘણું કરતી. બર્થ-ડેનું મહત્ત્વ ખૂબ વધારે છે. જન્મ એ તો ઈશ્વરે આપેલી સોગાદ છે. મનુષ્યનું શરીર લઈને આવો છો અને સંસારમાં સુખ-દુઃખ તમે માણો છો તો તકલીફો પણ જુઓ છો અને એ તકલીફોમાંથી ઈશ્વર તમને હેમખેમ બહાર પણ કાઢે છે. આડે પાટે ચડવાને બદલે મૂળ વાત પર આવું.
૧૭ ઑક્ટોબરે મારો બર્થ-ડે અને એ દિવસોમાં હું વિધુ વિનોદ ચોપડાના શૂટમાં બિઝી હતી, શૂટ આગરામાં હતું. શૂટ પૂરું કરીને આવતી હતી એ દિવસે મારી વર્ષગાંઠ એટલે મને થયું કે હું દિલ્હીથી ફ્લાઇટ પકડી લઉં જેથી ઘરે જઈને ભગવાનને દીવો કરી શકું, પણ પછી થયું કે સમયસર હું પહોંચી નહીં શકું તો મનમાં થયું કે વચ્ચે વૃંદાવન અને મથુરા આવે છે તો ચાલો એનાં દર્શન કરી આવું. અગાઉ પણ એક વાર જવાનું ચૂકી ગઈ હતી એટલે મેં મારા એક એવા દીકરાને વાત કરી. હા, હવે હું તેને દીકરો કહું છું, કહ્યુંને બ્લડ-રિલેશન જ બધું નથી હોતું. એ કલાકાર ક્યારે મારો દીકરો બની ગયો એની મને ખબર જ ન પડી. તેણે જે રીતે મને રિસ્પેક્ટ આપી છે. મારા કામને, મારા નામને, ન પૂછો વાત. પ્રોડ્યુસરના સ્વરૂપમાં મને તે મળ્યો અને પછી તે મારો દીકરો બની ગયો. તેનું નામ જમનાદાસ મજીઠિયા. હાજી સાહેબ, હૅન્ડસમ અને સુંદર કલાકાર બનવા આવેલો એ છોકરો જેની સાથે મારે શરૂઆત થઈ હતી ‘થૅન્ક યુ કોકિલા’ નાટકથી. આતિશ કાપડિયા અને જેડી મજીઠિયા. આતિશ લેખક અને દિગ્દર્શક, તેની સાથેના પણ મારા સંબંધો ખૂબ સારા, પણ તેની વાત કરીશું ફરી ક્યારેક.
આજે વાત એવા એક કલાકારની જે ક્યારે દીકરો બની ગયો એની ખબર જ ન પડી. તે મને ‘મા’ બોલતો હોય ત્યારે લાગણીનો ધોધ મારી આંખોમાં આવી જાય. હું ઘણી વાર રડી પણ છું. અત્યારે પણ મારી આંખમાં આંસુ છે, તેનું મોઢું દેખાય છે. કારણ તેનો સાચો પ્રેમ. તે મને પ્રેમ કરે ત્યારે મને એમ જ લાગે કે મારો દીકરો મને પ્રેમ કરે છે. મારાં સંતાનોમાં કેતકી છે, પૂર્બી છે, મારો દીકરો શ્યામપ્રભુ છે, જે હવે ડિવૉટી છે. આ ત્રણ સંતાનોની જેમ જ આ મારો ચોથો ભગવાને આપેલો, સંબંધથી બનેલો દીકરો છે. તેણે મારી વર્ષગાંઠ જે રીતે ઊજવી છે, અકલ્પનીય. મેં નીકળતાં પહેલાંના અડધા કલાક પહેલાં તેને ફોન કર્યો કે જેડી... અને તરત જ તેણે કહ્યું બહેન, તમારી જ રાહ જોતો હતો.
સુરેશ રાજડાએ મને હુલામણું નામ આપ્યું, બહેન. નાટકની લાઇનમાં બધા મને ‘બહેન’ જ કહે. મારો સ્વભાવ એવો કે કોઈને કોઈ વાર દુઃખ આપી દઉં, ગુસ્સે થઈ જાઉં અને પછી બધાની મનથી માફી પણ માગું, જાણે કે મોટી બહેન હોઉં. હું માફી ન માગું તો મને બહુ તકલીફ થાય. કદાચ આ જ કારણસર બધા હવે મને ‘બહેન’નું જ સંબોધન કરતા હશે. મેં કદાચ જેડીને પણ સતાવ્યો હશે, પણ તેણે ક્યારેય દેખાવા નથી દીધું. જેડીની પત્ની નીપાને જુઓ તો બન્ને રાધા-કૃષ્ણ જ લાગે. નીપા ઇન્ટીરિયર ડેકોરેટર છે. તેણે સરસ રીતે જેડીને સાચવી લીધો છે. બન્ને વચ્ચે જે સુમેળ છે એ અદ્ભુત છે. સુમેળ હોય તો જ સંસાર ચાલે. એક વ્યક્તિએ જતું કરવું પડે અને જતું કરવાનું કામ નીપા કરતી હશે એવું હું ધારી લઉં છું. જેડી-નીપાને બે દીકરીઓ, બન્નેને ખૂબ સરસ સંસ્કાર તેમણે આપ્યા છે.
સંતાનોમાં સંસ્કારો અનાયાસ નથી આવતા. એ કૌટુંબિક ભાવનાથી આવે અને આ ચાર જણનું જે કુટુંબ છે એ જોઈને શેર લોહી ચડી જાય. જેડીને મેં ક્યારેય કહ્યું નથી કે તે ક્યારે મારો દીકરો બની ગયો. તેણે ઘરથી દૂર એટલી સુંદર મારી વર્ષગાંઠ ઊજવી અને મને રાધારમણ, બાંકેબિહારી એ બધાનાં દર્શન કરાવ્યાં.
‘રાધારમણ હરિ ગોપાલ બોલો... ગોપાલ બોલો… હરિ ગોપાલ બોલો...’
આ ભલે પિક્ચરનું ગીત હોય, પણ દર્શન કરતી વખતે મારા મનમાં એ સતત વાગતું હતું. મથુરામાં દર્શન કરીને હું મન મૂકીને નાચી પણ ખરી. ભજનની એ અસર હતી. ખૂબ સુંદર વાતાવરણમાં મેં મારી વર્ષગાંઠ ઊજવી. મને જે-જે જોઈતું હતું એ જેડીની ગોઠવણથી મને મળતું જતું હતું. મને ખાવાની ઇચ્છા થાય અને ત્યાં એ જ ચીજ મારી સામે આવે. કેકનો તો મેં વિચાર સુધ્ધાં નહોતો કર્યો અને કલ્પના પણ નહોતી કરી કે હું મારા જન્મદિવસની કેક મથુરામાં કાપીશ, પણ તેના જે બે મિત્રો હતા (મને નામનો પ્રૉબ્લેમ છે, એકનું નામ આનંદ હતું અને બીજાનું કદાચ મિસીન કે એવું કંઈક, જે નામ જેડીના પેરન્ટ્સે જ આપ્યું છે) તેમણે બહુ સરસ રીતે જેડીના કહેવા મુજબની બધી અરેન્જમેન્ટ કરી.
હું જેડીના પેરન્ટ્સને પગે પડું છું. શું સંસ્કાર આપ્યા છે તેમણે. તમે તેના મોટા ભાઈ સાથે વાત કરો, તેની બહેન સાથે તો મારો ખૂબ સંપર્ક થયો છે. એ જે પવિત્રતા, એ જે લાગણીઓ. તમને સ્પર્શ કરે તો એમ જ થાય કે તમારું અંગત માણસ જ તમને સ્પર્શે છે. એ કુટુંબને હું પ્રણામ કરું છું. મારા જીવનનો આ એક સર્વશ્રેષ્ઠ દિવસ, જે મને જેડીએ આપ્યો છે એ મને આજીવન યાદ રહેશે.
લાગણી, પ્રેમ અને આશીર્વાદ ઈશ્વરનાં મળ્યાં અને એ પછી એ બધું જેડીએ મને આપ્યું. દિલ્હીથી મુંબઈ પાછી જવા દેવાને બદલે તેણે જે રીતે મારી વર્ષગાંઠ પર મારો મથુરાનો પ્રોગ્રામ ગોઠવ્યો અને મને ખુશ કરી દીધી એ બદલ જેડીબેટા, મારા રાજાબાબા, તું સુખી રહે. તારી પત્ની, તારી બન્ને દીકરીઓ કેસર અને મિસરીને ખૂબ-ખૂબ આશીર્વાદ, તું બધાનું ભલું કરજે. તારા પ્રોડક્શન થકી તારી ક્રીએટિવિટી આવે છે. તું સેટ પર આવીને અમને કશું દેખાડે તો એ જોવાની પણ બહુ મજા આવે છે. સગી મા માટે કોઈ ન કરે, સમય ન ખર્ચે અને સમય ન આપે એટલું તું મારા માટે કરે છે એ બદલ તારો આભાર તો કેવી રીતે માનું, પણ બીજા કોઈ શબ્દો નથી એટલે તને નાછૂટકે કહેવું પડે છે કે થૅન્ક યુ વેરી મચ. વાચકમિત્રો, હું તમને પણ કહીશ કે તમારો મારા પ્રત્યેનો જે પ્રેમ છે, એમાંથી થોડો પ્રેમ જેડીને પણ આપજો અને આંખ બંધ કરીને તું ધારી લે, તારા માથા પર હાથ મૂકું છું અને તને કહું છું, બેટા ખૂબ સુખી થજે.
મારી વર્ષગાંઠ આ વર્ષની તારા નામે.
(આવતા મંગળવારથી ફરી આપણે એ જ વાતનું અનુસંધાન જોડીશું, જ્યાંથી મારા જીવનની વાતોને અધૂરી છોડી હતી.)
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)