સરિતા ખટાઉ બહુ સરસ કામ કરે છે અને તે લાંબી રેસમાં ઊતરી હોય એવું લાગે છે.’
એક માત્ર સરિતા
સરિતા જોષી
‘મંજુ મંજુ’ નાટકમાં મેં ના પાડી દીધી હતી એની ખબર હોવા છતાં અને હું એકસાથે ત્રણ-ત્રણ નાટકોમાં વ્યસ્ત હોવા છતાં પ્રવીણ જોષીએ આગ્રહ રાખ્યો કે તેના નવા નાટકમાં કાસ્ટ કરવા માટે તે મને પર્સનલી મળવા માગે છે. બધાએ તેને રોકવાની કોશિશ કરી ત્યારે તેણે આ જવાબ આપીને કહ્યું હતું, ‘બસ, તમે એક વાર મળવાનું ગોઠવો’
‘ધર્મયુગ’માં મોટા ભાગે સ્પિરિચ્યુઅલ વાતો જ આવતી, પણ એમાં બે પાનાંમાં ઇતર વાંચન આવતું, જેમાં ભાગ્યે જ ફિલ્મ વિશે કંઈ હોય, પણ હા, થિયેટર વિશે એમાં વાતો આવતી. એ દિવસોના ‘ધર્મયુગ’ના એક અંકમાં મારા વિશે પણ આવ્યું હતું, જેમાં લખ્યું હતું, ‘સરિતા ખટાઉ બહુ સરસ કામ કરે છે અને તે લાંબી રેસમાં ઊતરી હોય એવું લાગે છે.’
ADVERTISEMENT
આપણે વાત કરીએ છીએ પ્રવીણ જોષીની.
પ્રવીણની આભા જ સાવ જુદી હતી. તેને તમે જુઓ ત્યાં જ તમારી આંખો તેના પર સ્થિર થઈ જાય. જે દિવસે હું ‘કોઈનો લાડકવાયો’ જોવા ગઈ અને હું પ્રવીણને મળી એ દિવસે મારી હાલત એવી જ થઈ હતી. શું કામ જૂઠું બોલવું, પણ સાહેબ, બધા પ્રવીણને ‘પ્રવીણભાઈ’, ‘પ્રવીણભાઈ’ કર્યા કરે અને હું તેને જ જોયા કરું અને પ્રવીણ, તે તો પોતાની મસ્તીમાં મસ્ત. મેકઅપ સાફ કરાવીને પ્રવીણ તો બધાને મળવામાં વ્યસ્ત થઈ ગયો અને હું તેને નીરખ્યા કરું. મને આજે પણ યાદ છે એ સમયે, એ દિવસ અને એ વાતાવરણ. પ્રબોધ જોષીથી માંડીને હરિભાઈ જરીવાલા એટલે કે સંજીવકુમાર, ગિરેશ દેસાઈ અને બીજા દિગ્ગજ કલાકારો પ્રવીણની આજુબાજુમાં અને બધાને પ્રવીણ સાથે વાત કરવી હતી. પ્રવીણ પણ એટલો જ ઓતપ્રોત થઈને, આત્મીય થઈને વાતો કરે અને દરેકેદરેકને પ્રેમથી જવાબ આપે, તો સાથોસાથ પ્રવીણ એ પણ કાળજી રાખે કે ત્યાં આવનારા પ્રેક્ષકોને પણ સમય આપે. તેમને મળે, કોઈને તેમના ઑટોગ્રાફ જોઈતા હોય તો એ પણ આપે, તો સાથોસાથ તેમની વાત પણ સાંભળે.
આ વાત દરેકેદરેક કલાકારે સમજવાની જરૂર છે કે તમે તમારા ફૅન્સને સાંભળો તો એ જે વાત છે એ તમારા જ વિકાસમાં કામ લાગતી હોય છે. મેં પ્રવીણને જોયો છે, તે પોતાના ફૅન્સની નાનામાં નાની વાત સાંભળે અને એ સાંભળ્યા પછી તે ધીરજ સાથે પોતાનો પૉઇન્ટ-ઑફ-વ્યુ સમજાવવાની કોશિશ પણ કરે. બહુ જૂજ કલાકારોમાં આ ધીરજ હોય છે. મારામાં તો આજે પણ એ ધીરજ નથી. આજે પણ મારાથી કેટલીક વાર અકળાઈ જવાય છે, પણ પ્રવીણને અકળાતા મેં ક્યારેય નથી જોયા. મને ઘણી વાર થાય પણ ખરું કે શું પ્રવીણ આ બધાની પાછળ સમય બગાડે છે. હું પ્રવીણને કહું પણ ખરી અને પ્રવીણ મારી આખી વાત સાંભળીને મને સમજાવે, ‘જો સરિતા... ઑડિયન્સ છેને એ સાચા ક્રિટિક્સ છે. તેમને સાંભળવાની તમારી ક્ષમતા ન હોય તો તમારે આ પ્રકારના ક્રીએટિવ કામમાં આવવું જ ન જોઈએ.’ પ્રવીણની એ વાત ૧૦૦ ટકા સાચી હતી, ‘સરિતા, સારું તો બધા બોલી જાય, પણ સાચું બોલે તેને વધારે ધ્યાનથી સાંભળવા અને તેને હંમેશાં સાથે રાખવા...’
lll
‘કોઈનો લાડકવાયો’ જોયા પછી હું તો ફરીથી મારા કામમાં લાગી ગઈ અને મારા એ કામે મારી પ્રવીણ સાથેની પહેલી અને ટેક્નિકલી બીજી મુલાકાત ભુલાવી પણ દીધી. એ સમયે મારું ગુજરાતી નાટક ‘મંગળફેરા’ બહુ સરસ ચાલતું હતું, તો હિન્દી નાટક ‘ઇન્કલાબ’ પણ એકદમ સરસ ચાલતું હતું. એ સમયે હિન્દી નાટકોના માંડ ૧૦થી ૧૨ શો થતા, પણ ‘ઇન્કલાબ’ના પચીસથી વધારે શો થયા હતા અને એ પછી પણ નાટકની ડિમાન્ડ અકબંધ હતી. આ ‘ઇન્કલાબ’ નાટક વિશે મેં તમને અગાઉ વાત કરી છે. સત્યજિત દુબેના આ નાટકમાં હું હતી, તો મારી સાથે કાન્તિ મડિયા અને અમરીશ પુરી હતા. આ જ નાટકના કોરસમાં જે ૧૦ કલાકારો હતા એમાં એક રાજેશ ખન્ના પણ હતા. હું મારા કામ પર લાગી ગઈ અને એ બધી વાતોને વીસરવા માંડી, પણ મારી પાછળ મારી વાતો ચાલુ હતી.
lll
‘સવાલ જ નથી, બીજું કોઈ ન ચાલે...’
‘હા, પણ તે નહીં કરે...’
કૉફી હાઉસમાં થયેલી એક મીટિંગમાં આ પ્રકારના સંવાદ ચાલતા હતા, જેના વિશે મને બહુ મોડે-મોડે ખબર પડી હતી.
‘સરિતા પાસે સમય જ નથી. જો તે હા પાડે તો તેની પાસે અત્યારે ફિલ્મોની લાઇન લાગી જાય... તમને ખબર નથી પ્રવીણભાઈ, કેટલા ગુજરાતી ફિલ્મવાળા તેને સાઇન કરવા તલપાપડ છે.’
‘એ બધા તલપાપડ તો આપણા પ્રવીણભાઈ સિંગપાપડ છે...’ ત્યાં બેસીને આખી વાત સાંભળતાં એક જણે જવાબ આપ્યો, ‘પ્રવીણભાઈની ઇચ્છા છે તો પછી ભલે તે એક વાર ‘ચંદરવો’ સરિતાને સંભળાવી દે. એ પછી બધું સરિતા ખટાઉને નક્કી કરવા દો...’
lll
સાહેબ, તમે સમજી ગયા હશો કે આ જે વાત ચાલતી હતી એ ‘ચંદરવો’ નાટકની ચાલતી હતી. એ નાટકની લીડ ઍક્ટ્રેસ શોધવાનું કામ ચાલતું હતું અને એમાં ત્યાં હાજર હતા એ પૈકીના મોટા ભાગના લોકોનું કહેવું હતું કે આ નાટક સરિતા સિવાય બીજું કોઈ કરી ન શકે, પણ આવી વાત કરનારાઓને એ પણ ખબર હતી કે સરિતા ખટાઉ અત્યારે ફ્રી નથી અને ફ્રી હોય તો પણ એ કંઈ એમ જ કામ કરવા માટે આવીને ઊભી ન રહી જાય.
આ પણ વાંચો: સ્ટેજ હોય કે સંસાર, પ્રામાણિકતા છોડો એટલે ઑડિયન્સ અને આપ્તજન તમારાથી દૂર થઈ જાય
આ એ દિવસોની વાત છે જે દિવસોમાં સરિતાનું નામ અલગ-અલગ મૅગેઝિનમાં ચમકવાનું શરૂ થઈ ગયું હતું. એક મૅગેઝિન આવતું હતું ‘ધર્મયુગ’, આમ તો મોટા ભાગે એમાં સ્પિરિચ્યુઅલ વાતો જ આવતી, પણ એ મૅગેઝિનમાં બે પાનાં એવાં હતાં જેમાં ઇતર બધું વાંચન આવતું. આ ઇતર વાંચનમાં ફિલ્મો વિશે ભાગ્યે જ આવતું, પણ હા, થિયેટર વિશે એમાં વાતો આવતી. એ દિવસોના જ ‘ધર્મયુગ’ના એક અંકમાં મારા વિશે પણ આવ્યું હતું, જેમાં એવું લખ્યું હતું કે સરિતા ખટાઉ બહુ સરસ કામ કરે છે અને તે લાંબી રેસમાં ઊતરી હોય એ પ્રકારે કામ કરે છે.
આ એ દિવસોની વાત છે જે દિવસોમાં મૅગેઝિન અને ન્યુઝપેપરમાં પીઆરશિપ ઘૂસી નહોતી. તે એ જ વાત કરતા જે પોતાને લગતી હોય અને કોઈ જાતનું પ્લગિંગ નહોતું થતું. ન્યુઝપેપર પણ સાવ જ ઓછાં અને મૅગેઝિન પણ નામ પૂરતાં. મને પાક્કું યાદ છે કે આ દિવસોમાં ‘મિડ-ડે’ ગ્રુપનો જન્મ પણ નહોતો થયો એ સહજ તમારી જાણ ખાતર.
lll
‘મારે તેને ફરી મળવું છે...’ કૉફી શૉપમાં એકધારી નકારાત્મક વાતો સાંભળ્યા પછી પણ પ્રવીણ જોષીએ એ જ વાત કહી જે તેણે ‘મંજુ મંજુ’ વખતે કહી હતી, ‘એક વાર મળીએ, મળ્યા પછી એ ના પાડે તો વાત જુદી છે, પણ મળ્યા વિના આપણે તેનો જવાબ નક્કી ન કરી લેવાય.’
‘અરે પણ અમને ખાતરી છે...’
‘તમનેને?!’ પ્રવીણે કહ્યું અને પછી તરત જવાબ પણ આપ્યો, ‘મને ખાતરી નથી એનું શું?!’
એ સમયે ત્યાં ગિરેશ દેસાઈ પણ બેઠા હતા. પ્રવીણે તરત જ ગિરેશ દેસાઈને કહ્યું કે તમે ગમે એમ કરીને મીટિંગ ગોઠવો, હું એક વાર તેને પર્સનલી મળવા માગું છું.
ગિરેશભાઈને ખબર કે એ સમયે મારું બીજું નાટક પણ ઓપન થઈ ગયું હતું એટલે તેમણે પણ પ્રવીણને સમજાવવાની કોશિશ કરી.
‘પ્રવીણ, તું જરાક તો સમજ યાર...’ આ યાર શબ્દ બોલવાની ગિરેશ દેસાઈને બહુ આદત, ‘તે અત્યારે હિન્દી નાટક ‘ઇન્કલાબ’ અને બે ગુજરાતી નાટક ‘મંગળફેરા’ અને ‘વેણીનાં ચાર ફૂલ’માં બિઝી છે. મળીને આપણો સમય જ બરબાદ થશે.’
‘આપણો નહીં, મારો...’ પ્રવીણે ચોખવટ કરી લીધી, ‘ભાઉ, સારો સમય અને સારી વ્યક્તિ જીવનમાં ભાગ્યે જ આવે... માટે તમે મારા સમયની ચિંતા ન કરો. બસ તેને પૂછો કે તેને ક્યારે મળી શકાશે? ૨૪ કલાકમાં તે ગમે તે સમય આપે એ સમયે હું મળવા તૈયાર છું...’
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)