હું બિલકુલ એવું નહીં કહું કે ભણતર ન હોય તો ચાલે. ના, એ હોવું જ જોઈએ, પણ ધારો કે તમે ભણતરની ગાડી ચૂકી ગયા હો તો એનો અફસોસ ન કરો અને આજથી તમારા ગણતરને વધારે મજબૂત બનાવવાનું કામ શરૂ કરી દો
એક માત્ર સરિતા
ડિરેક્ટર એમ. એસ. સથ્યુ જ સેટ ડિઝાઇન કરે એવો આગ્રહ પ્રવીણે છેક ત્યાં સુધી રાખ્યો જ્યાં સુધી સથ્યુ પોતાના હિન્દી ફિલ્મોના કામમાં બિઝી ન થયા.
તમારે તમારા ક્રાફ્ટ સાથેની ઑથેન્ટિસિટી જરા પણ છોડવાની ન હોય. જો તમે એ છોડી દો તો દર્શક સમજી જાય કે તમે તેમને મૂરખ બનાવો છો અને એવું તો પ્રવીણ ઊંઘમાં પણ ન કરે. એક નાનીઅમસ્તી લાઇનમાં પણ જો માહિતી આવતી હોય તો પ્રવીણ એ માહિતી માટે અનેક પુસ્તકો ઊથલાવી નાખે.
ગયા મંગળવારે મેં તમને કહ્યું એમ, પ્રવીણ જોષીને મળીને જેકોઈ છૂટું પડે એ જ્ઞાનની બાબતમાં પહેલાં કરતાં વધારે રિચ થઈને જ નીકળે અને જો એક વાર મળવાથી પણ એવું થઈ જતું હોય તો જરા વિચારો તમે કે મને કેવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હશે.
પ્રવીણનું રીડિંગ અદ્ભુત. તમને પ્રવીણ બે જ કામ કરતા દેખાય. એક કાં તો વિચારતા અને કાં તો વાંચતા. એ બન્ને પ્રવીણની ફેવરિટ દુનિયા હતી. અઢળક વાંચને તેને સમૃદ્ધિ આપી હતી. શરૂઆતમાં તેને એટલું બધું અંગ્રેજી વાંચતો જોઈને મને થોડો સંકોચ થતો, પણ એ સંકોચ વચ્ચે તેણે જ મને સમજાવીને કહ્યું હતું, ‘અંગ્રેજી નથી આવડતું તો શું થયું, અંગ્રેજી ભાષા માત્ર છે, એ બૌદ્ધિકતાનો માપદંડ નથી. અંગ્રેજી નથી આવડતું એ વાતનો અફસોસ કરવાને બદલે તારે એ વાતની ખુશી માણવી જોઈએ કે અંગ્રેજો તારા કરતાં કેટલા ગમાર કહેવાય કે તેમને તારી જેમ હિન્દી, ગુજરાતી અને મરાઠી એમ ત્રણ-ત્રણ ભાષા નથી આવડતી.’
lll
ADVERTISEMENT
હું ભણી નહોતી અને આ વાત હું આજે પણ ગર્વથી કહું છું. ભણવું ખૂબ જરૂરી છે, પણ જો તમે ભણ્યા ન હો તો તમારે એનો અફસોસ કરવાની જરૂર નથી અને પ્રવીણને મળ્યા પછી આ વાત મને સમજાઈ હતી. દુનિયામાં મહત્તમ કામ ભણતર નહીં, પણ ગણતરના આધારે ચાલતાં હોય છે અને એ ગણતર મેળવવું ખૂબ જરૂરી છે. વ્યક્તિ પાસે અક્ષરજ્ઞાન હોવું જ જોઈએ. મારી પાસે અક્ષરજ્ઞાન હતું.
હું નાનપણમાં પ્રભુલાલ ત્રિવેદી જેઓ મોટા કલાકાર હતા તેમની પાસેથી શિક્ષણ શીખી અને મેં એક જગ્યા બનાવી અને એ જગ્યાના આધારે હું આગળ વધતી ગઈ. પ્રભુલાલ ત્રિવેદીને ઍક્ટિંગનો બહુ શોખ, પણ બહુ લર્નેડ વ્યક્તિ અને એટલી જ સાલસ પણ. તેમને ખબર પડી કે હું તો માત્ર ચાર ચોપડી ભણી છું એટલે તેઓ જ સામેથી બીજી બધી બુક્સ લઈને આવે અને મને ભણવા બેસાડે.
એ ભણાવે પણ એટલું સરસ કે તમને થાય કે આ ભણતર છે જ નહીં. સાહેબ, અત્યારનું હું જે શિક્ષણ જોઉં છું એ જોતાં મને ખરેખર થાય કે શિક્ષણ આજનું સારું છે, પણ શિક્ષક તો એ જ સમયના શ્રેષ્ઠ હતા. વાત નાનીઅમસ્તી હોય, પણ એ નાનીઅમસ્તી વાતને એવાં દાખલા-ઉદાહરણો સાથે કહે કે તમે ૬ વર્ષે શીખેલી એ વાત ૮૬ વર્ષનાં થાઓ ત્યારે પણ મનમાંથી જાય નહીં. સાહેબ, એ ગણતરનું પરિણામ હતું. ભણતર અને ગણતર હંમેશાં સાથે રહેવાં જોઈએ અને જો કોઈ એકને વધારે માર્ક આપવાના હોય તો હું ગણતરને વધારે માર્ક આપીશ, કારણ કે ગણતરમાં ભણતર અને અનુભવનો સમાવેશ થતો હોય છે, જે બહુ જરૂરી હોય છે.
lll
પ્રવીણ સાથેની મારા જીવનની બીજી એક મહત્ત્વની ઘટના વિશે વાત કરું.
એક દિવસ પ્રવીણ મને કહે કે સરિતા, તમારે છેને થોડો કૉસ્ચ્યુમનો અભ્યાસ કરવો જોઈએ.
‘કેમ?’ મને ખરેખર વિચિત્ર લાગ્યું હતું કે પ્રવીણ શું કામ આવી વાત કરે છે, ‘કૉસ્ચ્યુમ તો મારા સારા જ...’
‘અરે, એમ નહીં... નાટકમાં જે કૅરૅક્ટર તમે કરો છો એ છોકરી ફ્રાન્સથી આવે છે.’
‘પણ આપણું નાટક તો ગુજરાતી...’
‘હા, નાટક ગુજરાતી જ છે.’
નાટકના લેખક જયંત પારેખ હતા અને એનો સેટ એમ. એસ. સત્યુનો હતો. સત્યુનું નામ બહુ મોટું એટલે આપણે પહેલાં તેમની વાત કરીએ.
lll
પ્રવીણ જોષીના નાટકમાં સત્યુના જ સેટ હોય. આ એમ. એસ. સત્યુ આજે પણ હયાત છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. એમ. એસ. સત્યુનું આખું નામ મૈસુર શ્રીનિવાસન સત્યુ. તેમને આજે આખી ઇન્ડસ્ટ્રી ફિલ્મ-ડિરેક્ટર તરીકે ઓળખે છે અને તેમણે ડિરેક્ટ કરેલી ‘ગર્મ હવા’ ફિલ્મ આજે પણ ક્લાસિક ફિલ્મ પૈકીની એક છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે સત્યુજી સેટ-ડિઝાઇનર હતા અને એમાંથી ફિલ્મોમાં ગયા. ફિલ્મોમાં તેમણે કામની શરૂઆત આર્ટ-ડિરેક્ટર તરીકે કરી અને પછી તેઓ ડિરેક્ટર બન્યા.
પોતાનું સાયન્સનું ભણવાનું છોડીને મુંબઈ આવી ગયેલા સત્યુએ અનેક હિન્દી નાટકોના સેટ પણ બનાવ્યા અને એવું જ એક હિન્દી નાટક જોઈને પ્રવીણ તેને ઇન્ડિયન નૅશનલ થિયેટરમાં લઈ આવ્યા. સત્યુને ‘હકીકત’માં સ્વતંત્ર આર્ટ-ડિરેક્ટર તરીકે કામ મળ્યું અને એ ફિલ્મે સત્યુનું નામ હિન્દી ફિલ્મોમાં બહુ મોટું કરી આપ્યું. એ દિવસોમાં એવું તો હતું નહીં કે વીએફએક્સથી તમે વૉર દેખાડી શકો. બધેબધું તમારે જાતે જ કરવું પડે અને જાતે કરવાનું હોય એટલે બધો માર આર્ટ-ડિરેક્ટર પર આવે.
ફિલ્મ ‘હકીકત’ સમયે પ્રવીણ સાથે વાતો કરવા સત્યુ તેમની પાસે આવે અને બન્ને કલાકો સુધી ફિલ્મના આર્ટ-ડિરેક્શનની વાત કરે. પ્રવીણ પણ પોતે જોયેલી ક્લાસિક વૉર ફિલ્મમાં કેવું-કેવું દેખાડ્યું હતું એની વાતો કરે અને પોતાની પાસે જેકંઈ નૉલેજ હતું એ બધું સત્યુ સાથે શૅર કરે. સત્યુ પ્રવીણની એ બધી વાતો સાંભળીને એક વાર બોલ્યા પણ હતા કે પ્રવીણ, તું ભી આજા. સાથ મેં કામ કરતે હૈં, પણ પ્રવીણે ના પાડી દીધી. ના પાડતાં તેણે જવાબ આપ્યો હતો કે મારે હજી ઘણું બધું અહીં કામ કરવાનું છે. પછી વિચારીશું, પણ એ વિચારવાની વાત ફરી ક્યારેય આવી જ નહીં.
એમ. એસ. સત્યુ પછી પ્રવીણનાં કેટલાંક નાટકોના સેટ વિજય કાપડિયાએ પણ બનાવ્યા.
lll
‘મને ખબર છે કે આપણે ગુજરાતીમાં નાટક કરીએ છીએ, પણ ગુજરાતી નાટક છે એટલે એવું થોડું ધારી લેવાનું હોય કે આપણે ઑડિયન્સને કંઈ પણ આપી દઈએ.’ પ્રવીણે હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘નાટકની ભાષા ભલે ગમે એ હોય, પણ ઑડિયન્સને માહિતી તો એ જ મળવી જોઈએ જે માહિતી સાચી છે.’
બહુ સાચી વાત હતી પ્રવીણની. તમારે તમારા ક્રાફ્ટ સાથેની ઑથેન્ટિસિટી જરા પણ છોડવાની ન હોય. જો તમે એ છોડી દો તો દર્શક સમજી જાય કે તમે તેમને મૂરખ બનાવો છો અને એવું તો પ્રવીણ ઊંઘમાં પણ ન કરે. એક નાનીઅમસ્તી લાઇનમાં પણ જો માહિતી આવતી હોય તો પ્રવીણ એ માહિતી માટે અનેક પુસ્તકો ઊથલાવી નાખે.
અમારા નાટકમાં ફ્રાન્સની કૉસ્ચ્યુમ-ડિઝાઇનર છોકરીની વાત હતી અને પ્રવીણે એ કૅરૅક્ટર એવું બનાવ્યું હતું જેમાં તેના ડાયલૉગમાં ફૅશન-ડિઝાઇનને લગતા શબ્દો અને વાત આવતી હોય છે અને એમાં ઑથેન્ટિસિટી રહે એને માટે તે એક ફ્રેન્ચ કૉસ્ચ્યુમ ડિઝાઇનરને મળવા માગતા હતા. એ જ મુલાકાતની વાત તેણે મને કરી હતી અને વાત કર્યા પછી મને તેણે કહ્યું કે જો તમને વાંધો ન હોય તો સરિતા, તમે પણ મારી સાથે આવો.
અમે એ ડિઝાઇનરને મળવા ગયાં અને ત્યાં શું થયું એની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હજી બાકી છે, પણ અત્યારે આપણે વિરામ લઈએ, મળીએ આવતા મંગળવારે...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)