‘મંગળફેરા’ નાટકમાં મારી ભવાઈ અને નવી રંગભૂમિની અદાકારીનું મિશ્રણ જોઈને પ્રબોધ જોષી ખુશ-ખુશ થઈ ગયા. આમ પણ તેમને મારા માટે લાગણી, પણ એ નાટકની ઍક્ટિંગ જોઈને તો તેઓ રીતસર આફરીન થઈ ગયા હતા
એક માત્ર સરિતા
સરિતા જોશી
ભાષા કોઈ પણ હોય, કલાકાર-કસબીઓને માન એકસરખું મળે. પૂરું સન્માન મળે અને બધા એકબીજાને સન્માન આપે. એવું જરા પણ નહીં કે આ તો હિન્દીના ડિરેક્ટર એટલે તે સહજ અહમ્ સાથે ફરે અને એવું પણ નહીં કે આ તો બંગાળી એટલે બંગાળી સાહિત્યના રુઆબ વચ્ચે તે બધાથી અંતર રાખે.
નાટક ‘પૃથ્વીરાજ’માં સંયુક્તાનો રોલ શારદા કરે અને તેમની સખીના સાઇડના રોલમાં હું પણ ‘મંગળફેરા’માં એ વાત બદલાઈ ગઈ. હું લીડ રોલમાં અને શારદા સાઇડ રોલમાં. આ તમને હું એટલા માટે કહું છું સાહેબ કે મહેનતનું આ પરિણામ હતું. મળેલી તકને ઝડપીને એમાં જો મહેનત ઉમેરી દેવામાં આવે તો એ કંઈક જુદું જ પરિણામ લઈ આવે. આજે જ્યારે તમારા લોકોને કારણે મને મારી પાછલી જિંદગી નવેસરથી જોવા મળે છે, નૉસ્ટૅલ્જિયાની સફર કરવા મળે છે ત્યારે મને રીતસર દેખાય છે કે મેં મહેનત કરવામાં ક્યારેય પાછીપાની નહોતી કરી, તો સાથોસાથ મેં ક્યારેય ના પાડવાની માનસિકતા નહોતી રાખી. કોઈ કામ નાનું નથી હોતું એ તો હું નાનપણથી જ શીખી, પણ મારા અનુભવોએ મને શીખવ્યું કે દરેક નાના કામને મોટું કરવાની આવડત કેળવવી પડે.
ADVERTISEMENT
હું આજની પેઢીને પણ આ જ વાત કહીશ કે ક્યારેય મહેનત કરવામાં ઓછા ઊતરતા નહીં. બીજી વાત, તકને જોતાં અને એને ઓળખતાં શીખજો, પણ સાથોસાથ તકને ડેવલપ કરવાનું પણ શીખજો. દરેક વખતે તક થાળીમાં તમારી પાસે ન પણ આવે. એવા સમયે તક ઊભી કરવાની કેળવેલી ક્ષમતા તમને ખૂબ કામ લાગશે.
ગયા મંગળવારે તમને કહ્યું એમ, ‘મંગળફેરા’માં હું ગામડાની ગોરી તરીકે આવતી જે કૅરૅક્ટરમાં મને નામદેવની ભવાઈ બહુ કામ આવી. ભવાઈ જોવી મને બહુ ગમે અને નામદેવ એમાં એકદમ એક્સપર્ટ એટલે હું તો નામદેવ પાસે ભવાઈ શીખવા બેસી જતી. તે પણ મને મન મૂકીને શીખવતા. મને પૂછે પણ ખરા કે ‘ઇન્દુ, ભવાઈ તો હવે ઘટતી જાય છે. તું આ બધું શીખીને શું કરીશ’ અને હું કહેતી, ‘સંઘરેલો સાપ અને સંઘરેલું જ્ઞાન ક્યારેય એળે ન જાય, એ કામ લાગે જ લાગે.’
શીખેલી એ ભવાઈ મને કામ લાગી અને મેં ‘મંગળફેરા’માં ભવાઈનું એ ફૉર્મ ઉમેર્યું. જેને કારણે બન્યું એવું કે આજના સમયની વાત સાથે વીસરાતી જતી કલાનું મિશ્રણ ઊભું થયું અને લોકો એ જોઈને અવાચક રહી ગયા. આજે મને હવે એ શબ્દની ખબર પડી, ફ્યુઝન. મેં એવું જ કર્યું હતું. બે કલાના એ ફ્યુઝનને લીધે પર્ફોર્મન્સ એવો થતો કે તમે વિચારી સુધ્ધાં ન શકો.
‘મંગળફેરા’ જોવા અઢળક લોકો આવ્યા. ફિલ્મલાઇનના એ સમયના મોટા પ્રોડ્યુસરોમાં જેમની ગણના થતી એ ચીમનલાલ ત્રિવેદી, ચંદુલાલ મહેતા જોવા આવ્યા હતા એ મને આજે પણ યાદ છે, તો જેમનું નામ આજે પણ આંખોમાં અહોભાવ ભરી દે એવાં ઍક્ટ્રેસ સુરૈયા પણ નાટક જોવા આવ્યાં હતાં. આ એ સમયની વાત છે જે સમયે નાટક જોવા જવું એ સ્ટેટસ ગણાતું, તો ફિલ્મલાઇનના લોકો એવું માનતા કે નાટકો જોવાથી નવું શીખવા-જાણવા મળે છે. એક પણ એવો મોટો કલાકાર બાકી નહીં હોય જે ફિલ્મોમાં બિઝી થયા પછી પણ નાટક જોવાનું ચૂકતો ન હોય. સંજીવકુમાર બહુ મોટો થઈ ગયો, તેની પાસે મોટી-મોટી ફિલ્મો આવી ગઈ એ પછી પણ તે નાટક જોવા જતો. આપણા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી પણ નાટકો જોવા જતા. અરે, આ કલાકારો રીતસર પોતાના ટાઇટ શેડ્યુલમાંથી સમય કાઢીને નાટક જોવા જતા.
મને આજે પણ યાદ છે કે અમુક કલાકારો એવા હતા જેને જોવા માટે ઑડિયન્સ તૂટી પડે અને નાટકમાં રસભંગ થાય. એવું બને નહીં એટલે એ કલાકારો કાં તો બૅકસ્ટેજમાં બેસીને નાટક જોતા અને કાં તો નાટક શરૂ થતાં પહેલાં જે બ્લૅકઆઉટ થાય એમાં આવીને ચૂપચાપ નાટક જોવા બેસી જતા.
અરે હા, નાટક જોવા પ્રબોધ જોષી પણ આવતા. પ્રબોધ જોષી આમ પણ મારા માટે બહુ લાગણી રાખતા. હંમેશાં મારા માટે લખે, મારા માટે સારી વાત કરે. ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ મને મળી એની પાછળ પણ પ્રબોધ જોષીનો હાથ હતો. તેમણે જ પ્રોડ્યુસરને મારા અને સંજીવ માટે વાત કરી હતી એવું મેં સાંભળ્યું હતું. પ્રોડ્યુસર પણ પ્રબોધ જોષીની વાત સિરિયસલી લે અને માને પણ ખરા.
પ્રબોધ જોષી ‘મંગળફેરાં’ નાટક જોવા આવ્યા. મને તો તેમણે કહ્યું પણ નહોતું કે તેઓ નાટક જોવા ઑડિયન્સમાં બેસવાના છે. નાટક પૂરું થયું એટલે હું બૅકસ્ટેજમાં ગઈ અને ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે તેઓ મને મળવા આવ્યા. હું તો તેમને જોઈને રાજી થઈ ગઈ, પણ મારા કરતાં તો અનેકગણા રાજી તેઓ હતા. મારી સામે જોતા જ રહ્યા.
‘સરિતા, આ નાટક વિશે તો હું લખીશ જ લખીશ... શું તું કામ કરે છે.’ જોષીની આંખોમાં પણ રાજીપો હતો, ‘આ ફૉર્મ તેં... જૂની અને આજની રંગભૂમિના મિશ્રણનું ફૉર્મ તેં... ખરેખર અદ્ભુત. સરિતા, તું જોજે, ચમત્કાર કરશે ચમત્કાર.’
ચંદ્રકાન્ત સાંગાણી એમાં હીરો હતા, તો ડાયરેક્ટર પ્રભાકર કીર્તિ હતા. તેઓ મારી સાથે નાટકમાં એક ડિરેક્ટર તરીકે રોલ કરતા હતા. ઘનશ્યામ નાયકના ફાધર, તેઓ ભવાઈના બહુ મોટા જાણકાર એટલે મેં જ્યારે ભવાઈ શરૂ કરી ત્યારે મને જોઈને હેબતાઈ ગયા કે તને આ પણ આવડે છે. પછી મેં તેમને કહ્યું કે ‘મારી કોઈ ભૂલ હોય તો કહેજો.’ તો મને કહે, ‘તું મને પૂછ જ નહીં. બસ કરતી રહે. તું જે કરે છે એ જોઈને મારાથી તને શીખવવાનું પણ યાદ આવશે નહીં.’
હું ઊભી રહીને ભૂંગળા સાથે ડાન્સ કરતી અને પ્રેક્ષકો પણ મારી સાથે ઊભા થઈ જતા. ઑડિયન્સે એ નાટકને માથે ચડાવ્યું અને નાટક સુપરડુપર હિટ થઈ ગયું. ‘મંગળસૂત્ર’ નાટકે મારું ખૂબ નામ કર્યું તો એ પછીના બીજા પ્રોજેક્ટે પણ મને ખૂબ સફળતા અપાવી. એવું થવા લાગ્યું અને ડિરેક્ટરો મારા નામથી પરિચિત થવા માંડ્યા.
આ પણ વાંચો : અગ્નિપરીક્ષા સીતા સમીની, રામચંદ્રને હાથે, અબોલ રહીને પીએ હળાહળ, તોયે તું બદનામ..
સત્યદેવ દુબે, હિન્દીમાં બહુ મોટું નામ, ઊંચા ગજાના ડિરેક્ટર. પ્રવીણ જોષી પણ એટલું જ મોટું નામ, તો ચન્દ્રવદન ભટ્ટનું નામ પણ એટલું જ મોટું. આ બધા મોટા દિગ્દર્શકો એકબીજાને ઓળખે. કલકત્તાના કલાકારો સાથે તેમનો મેળાપ હોય તો ગુજરાત અને દિલ્હીના કલાકાર-કસબીઓને પણ તેઓ ઓળખતા હોય. એ સમયની સૌથી સારી વાત કઈ હતી એ તમને કહું.
ભાષા કોઈ પણ હોય, કલાકાર-કસબીઓને માન એકસરખું મળે. પૂરું સન્માન મળે અને બધા એકબીજાને સન્માન આપે. એવું જરા પણ નહીં કે આ તો હિન્દીના ડિરેક્ટર છે એટલે તે સહજ અહમ્ સાથે ફરે અને એવું પણ નહીં કે આ તો બંગાળી એટલે બંગાળી સાહિત્યના રુઆબ વચ્ચે તે બધાથી અંતર રાખે. ના, કોઈ નહીં અને ક્યારેય નહીં. એનો સૌથી મોટો ફાયદો એ કે બધા એકબીજાને કલાકાર અને બીજો ટેક્નિકલ સ્ટાફ પણ સૂચવે. આવા જ એક સૂચનથી એક દિવસ મારી પાસે એક દિગ્દર્શક આવ્યા. તેઓ નાટક કરતા હતા, નાટકનું ટાઇટલ પણ ફાઇનલ થઈ ગયું હતું, ટાઇટલ હતું ‘ઇન્કલાબ’.
મને તેમણે નાટક ઑફર કર્યું અને પછી મને વાર્તા કહેવાનું શરૂ કર્યું. મેં વાર્તા ધ્યાનથી સાંભળી. નાટક સારું હતું એટલે વાર્તા સાંભળીને મેં હામી ભણી કે તરત જ તેમણે મને ધીમેકથી કહ્યું,
‘પૈસે નહીં મિલેંગે...’
મેં સ્માઇલ કરીને તેમની સામે જોયું. એ પછી શું થયું અને અમારો એ વાર્તાલાપ કેવો રહ્યો એની વાત તમને હવે આવતા મંગળવારે કહીશ, પણ વાંચવાનું ભૂલતા નહીં. કારણ કે એ વાર્તાલાપ તમને પણ દિશાસૂચન કરવાનો છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)