Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > નરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ અભિનંદન

નરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ અભિનંદન

12 December, 2023 01:23 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

ત્રણ રાજ્યોના ઇલેક્શનમાં બીજેપીએ જે સફળતા મેળવી છે એ જ દર્શાવે છે કે લોકોને હવે સક્ષમતા સાથે વિકાસના રસ્તે ચાલવું છે અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને એ જ રસ્તે આગળ વધારી રહ્યા છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી

એક માત્ર સરિતા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી


જોયુંને, ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી?! બીજેપીની આ જીતને આપણે ઊજવવી જ જોઈએ. કારણ કે આ બીજેપીની નહીં, આ વિકાસની જીત છે અને વિકાસના રસ્તે આગળ વધતો આપણો દેશ હવે બહુ ઝડપથી મહાસત્તા બનવાની દિશા તરફ આગળ વધવાનો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશની આગેવાની લઈને આગળ વધ્યા છે એ ખરેખર બહુ સુંદર છે. તેમણે જાહેર કરેલી એકેએક યોજનાથી લઈને તેમણે દેશના લોકોમાં જે આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું છે એની તો હું શું વાત કરું? એક સમય હતો કે આપણા દેશને વિદેશમાં એટલું સન્માન નહોતું મળતું, પણ સાહેબ, હવે જઈને તમે જોઈ આવો. તમને રીતસર ખબર પડશે કે ભારતીયોને કેવું માન-સન્માન આપવામાં આવે છે અને કેવા ભાવપૂર્વક બોલાવવામાં આવે છે. આ જે ભાવના છે, આ જે લાગણી છે એ લાગણીનો, ભાવનાનો જશ બીજા કોઈને નહીં પણ આપણા વડા પ્રધાનને જાય છે.


નરેન્દ્રભાઈએ જે રીતે દેશમાં કામ કર્યું, કોરોના વખતે પણ તેમણે જે પ્રકારે દેશમાં કામ કર્યું એ હજી પણ મને ભુલાયું નથી. તમને પણ યાદ હશે કે એ સમયે કેવી રીતે આપણા દેશમાં લૉકડાઉન આવ્યું અને કેવી રીતે લોકોનું ધ્યાન રાખવા માટે સરકારે મહેનત કરી હતી. સામાન્ય રીતે તો આપણે ત્યાં રાહતકાર્યો ઇમર્જન્સીમાં જ શરૂ કરવામાં આવતાં, પણ લૉકડાઉન અને કોરોનાકાળમાં તો દેશઆખાને એવી રીતે સાચવી લેવામાં આવ્યો જાણે કુદરતની ઇમર્જન્સી સામે ઊભા રહેવાનું હોય. બીજાં રાજ્યોમાં કામ કરતા શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનું કામ સરકારે પોતાની જવાબદારીથી ઉપાડી લીધું અને સૌકોઈને નિઃશુલ્ક પોતપોતાના ઘરે પહોંચાડ્યા, એટલું જ નહીં, ત્રણ મહિના સુધી સતત બધાને રૅશનની વ્યવસ્થા પણ કરી આપી. આ નાનું કામ નથી સાહેબ, એક વખત જરા હિસાબ કરીને જોજો, તમને સમજાશે કે દેશની તિજોરી પર કેવું ભારણ આવ્યું હશે? અરે, મહેમાન આવીને એક અઠવાડિયું ઘરે રહે તો પણ આપણા ઘરનું બજેટ બગડી જાય છે અને આપણે બેચાર જગ્યાએ કરકસર કરવા પર આવી જઈએ છીએ, જ્યારે આ તો દેશના બજેટની વાત હતી અને એ પણ બહુ મોટી મહામારી સમયની રાહત હતી. 



અચાનક આવેલી એ પરિસ્થિતિ વચ્ચે તમે દેશમાં બનેલી વૅક્સિનને પણ કેવી રીતે ભૂલી શકો? અને કેવી રીતે એ વાત પણ ભૂલી શકો કે જગતના બહુ ઓછા દેશો પૈકીનો એક આપણો દેશ છે, જેણે વૅક્સિન માટે એક રૂપિયો પણ કોઈ પાસેથી લીધો નહીં અને બધાને નિઃશુલ્ક વૅક્સિન આપી. ખરેખર હૅટ્સ ઑફ કહેવું પડે એવી કામગીરી નરેન્દ્રભાઈએ આ વર્ષોમાં કરી છે અને એનું જ તો પરિણામ આવ્યું કે ત્રણ રાજ્યોમાં બીજેપીની સરકાર બની. આ જે પરિણામ આવ્યું એ પુરવાર કરે છે કે આપણા દેશની જનતા ભુલક્કડ નથી. તેને યાદ છે કે કોણ કેટલું અને કેવું કામ કરી રહ્યું છે.


થોડા સમય પહેલાં મારી એક વેબ-સિરીઝ રિલીઝ થતી હતી ત્યારે એક પત્રકારે મને પૂછ્યું હતું કે તમને શું લાગે છે, દેશના જનરલ ઇલેક્શન વહેલાં આવી શકે છે અને મેં સવાલ પૂછનારા એ મહાશયને કહ્યું કે આપણે મારા ફીલ્ડની વાત કરીએ તો મને વધારે ગમશે. વાત તો એ સમયે પૂરી થઈ ગઈ અને હું એ ઘટના ભૂલી પણ ગઈ, પણ એ વાત મને હમણાં આ જે રિઝલ્ટ આવ્યાં ત્યારે અચાનક જ યાદ આવી ગઈ અને મને સંદર્ભ પણ મળી ગયો કે એ સવાલ શું કામ પૂછવામાં આવ્યો હશે?

કોરોના સમયે સરકારે જે પ્રકારની કામગીરી કરી હતી એ કામગીરી લોકોના મનમાં તાજી હોય એવા સમયે જો ઇલેક્શન આવી જાય તો એ બધાની સીધી સકારાત્મક અસર વોટિંગ પર પડે અને બીજેપી જીતી જાય પણ જુઓ તમે, એવું આપણા નરેન્દ્ર મોદીએ કર્યું નહીં, એ સંકટનો સમય હતો. સંકટ સમયે દેશવાસીઓની બાજુમાં ઊભા રહ્યા પછી મનમાં બીજું કશું લાવવાનું ન હોય અને સ્વાર્થ તો ક્યારેય ન હોય અને નરેન્દ્રભાઈનો આ સ્વભાવ જ તેમને સૌના પ્રિય બનાવવાનું કામ કરે છે. લૉકડાઉન પૂરું થયું અને બધાને વૅક્સિન આપી દેવામાં આવી એ પછી જો તેઓ જનરલ ઇલેક્શન લાવ્યા હોત તો પણ રિઝલ્ટ એ જ આવવાનું હતું, જે આવતા વર્ષના જનરલ ઇલેક્શન પછી આવવાનું છે. હા, નરેન્દ્રભાઈ મોદી જ આપણા હવે પછીના વડા પ્રધાન છે અને આ વાત હું તમને ખાતરીપૂર્વક કહું છું.


હું કોઈ જ્યોતિષી નથી કે પછી બીજા કોઈ પ્રકારનું તંત્ર-મંત્ર પણ હું જાણતી નથી, પણ હું આપણા દેશની પ્રજાને, દેશની જનતાને ઓળખું છું અને એને લીધે જ તમને કહું છું કે જે રિઝલ્ટ હમણાં ત્રણ રાજ્યના ઇલેક્શનમાં આવ્યું છે એવું રિઝલ્ટ લોકસભાના ઇલેક્શનમાં આપણને સૌને જોવા મળવાનું છે અને એ પણ અત્યારે છે એના કરતાં વધારે બેઠકો સાથે.
કન્ફર્મ.
lll
હમણાં અમારા વિસ્તારમાં ફરીથી ફેરિયા અને ઠેલાવાળા બેસી ગયા છે. થોડો સમય પહેલાં કૉર્પોરેશને કામગીરી શરૂ કરી ત્યારે થોડો સમય માટે રાહત થઈ ગઈ હતી, પણ હવે ફરીથી રસ્તા પર પાથરણાં પાથરીને એ લોકો બેસવા માંડ્યા છે. નાના માણસો બેસીને કામ કરે એની સામે આપણો કોઈ વાંધો કે વિરોધ હોય નહીં, પણ જો એને તે પોતાનો હક માને અને બીજાને નડતર થતું હોય એ પછી પણ તેને કોઈ વાતનો અફસોસ ન હોય તો એ બહુ ખરાબ કહેવાય.

કોઈ જાતના શ્રમ વિના કે પછી આર્થિક ઘસારા વિના તમે જ્યારે આવી સુવિધા લઈ લો છો ત્યારે તમને એ સમજણ હોવી જોઈએ કે તમે ત્યાંથી પસાર થનારા લોકોનું જીવન દુષ્કર ન બનાવો, ગંદકી ન કરો અને ત્યાં રહેતા લોકોને તકલીફ ન પડે એવી રીતે જીવો, પણ ના, એ જે શિષ્ટાચાર છે એની સાથે તો તેમને કાંઈ લેવાદેવા છે જ નહીં. ગંદકી ફેલાવવી, જ્યાં-ત્યાં કચરો ફેંકવો એને આપણે આપણી આઝાદી માનીએ છીએ. ક્યાંય પણ બેસી જવું અને બીજા કોઈની તકલીફને આંખે પણ ન ધરવી એ આપણે મન સ્વતંત્રતા છે. ઘણી વાર મને થાય કે આપણા દેશને આઝાદી તો મળી, પણ આઝાદીની સમજણ ન આવી. આઝાદીને જોવી-જાણવી હોય તો એક વખત અમેરિકા અને કૅનેડા જેવા દેશમાં જઈને જોઈ આવો. તમને સમજાશે કે સભ્યતા અને સિવિક સેન્સનું મૂલ્ય કેવું છે? કોઈને જરાસરખોય હાથ અડી જાય તો પણ તેમના ચહેરા પર માફી પથરાઈ જાય અને બે વખત ઝૂકીને તે તમારી માફી માગી પણ લે, જ્યારે આપણે ત્યાં...
જરા જાતે પણ શીખીએ. બધું શીખવવાનું કામ સરકાર કે માબાપ ન કરે. થોડી સમજણ આપણામાં પણ હોવી જોઈશે અને એ જો આવશે તો બીજાની સાથોસાથ તમે પણ સારું અને સ્વસ્થ જીવન જીવી શકશો.
lll
ઘણા લાંબા સમયથી વિષયાંતર થઈને આપણે અનેક વિષયો પર ચર્ચા કરી, પણ હવે આવતા મંગળવારથી આપણે ફરી આવી જઈશું મારા જીવનની વાત પર અને એ જ વાતોને કારણે તો તમારી સાથે સંવાદ થઈ શકે એવા હેતુથી આ કૉલમની શરૂઆત કરી હતી. કહ્યું હતુંને, નૉસ્ટાલ્જિયા. બસ સાહેબ, ફરી એ દુનિયા ખોલીએ છીએ, પણ આવતા મંગળવારથી...
મળીએ ત્યારે, ચાલો, આવજો.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2023 01:23 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK