અશ્વિની ભટ્ટ જેવા સિદ્ધહસ્ત લેખકની નવલકથાને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ બહુ અઘરું છે, પણ અભિષેક શાહ અને તેમની ટીમે આ કામ ‘કમઠાણ’માં અદ્ભુત રીતે કર્યું છે
ફિલ્મ ‘કમઠાણ’નો આ છે રઘલો. લુક કેવો છે...
આમ તો આપણી વાત ચાલે છે મારા નાટક ‘મારી વાઇફ મૅરી કૉમ’ની, પણ એ વાતને આગળ વધારતાં પહેલાં આજે મારે તમને વાત કહેવી છે મારી આગામી ફિલ્મ ‘કમઠાણ’ની. તમને થાય કે છેલ્લાં બે વર્ષમાં મારી ચાર-પાંચ ગુજરાતી ફિલ્મો આવી, પણ મેં એમના વિશે કેમ લખ્યું નહીં? તો એનું કારણ એ કે ‘કમઠાણ’ની વાત જુદી છે. આ ફિલ્મ બહુબધી રીતે ગુજરાતીઓ માટે મહત્ત્વની છે. તમને થાય કે ફિલ્મ એટલે ફિલ્મ તો ભાઈ ના, એવું નથી. આપણા ગુજરાતી ફિલ્મ-પ્રોડ્યુસરોમાં બહુ ઓછા પ્રોડ્યુસરો એવા છે જેમનું ઇન્ટેન્શન સારી ફિલ્મ બનાવવાનું હોય છે. બાકી તો પ્રોજેક્ટ બને. ફિલ્મ બનાવવાનું ચાલુ કરતાં પહેલાં જ હિસાબ-કિતાબ થઈ જાય કે આટલા પૈસા ઓટીટી પરથી આવશે, આટલા પૈસા સબસિડીમાંથી મળશે અને આટલા પૈસા થિયેટ્રિકલમાંથી આવશે. જો ફિલ્મ ચાલી તો થોડો પ્રૉફિટ થશે, નહીં તો રોકેલા પૈસા પાછા આવી જશે. બસ, આમ પ્રોજેક્ટનું પ્લાનિંગ થાય અને પછી ફિલ્મ બનાવી નાખે. જોકે ‘કમઠાણ’નું એવું નથી. ‘કમઠાણ’ બનાવી છે નૅશનલ અવૉર્ડ વિનર ‘હેલ્લારો’ના મેકર્સે.
૭૦ના દશકમાં ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ને નૅશનલ અવૉર્ડ મળ્યો અને એ પછી છેક ૨૦૧૯માં ‘હેલ્લારો’ નૅશનલ અવૉર્ડ લાવી એટલે નૅચરલી એ ફિલ્મના મેકર્સ કંઈ બનાવતા હોય અને તમને ઑફર કરે તો તમને ખુશી થાય. વાત આગળ વધારતાં પહેલાં એક વાત કહી દઉં કે માત્ર અનુભવી લેખક કે ડિરેક્ટરથી જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ન ચાલે. અનુભવી પ્રોડ્યુસર પણ બહુ મહત્ત્વના છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક શાહ અને તેમની ટીમને આ વાત લાગુ પડે છે. રાઇટર-ડિરેક્ટર તો પોતાનું કામ કરીને જતા રહે, પણ એ પછી રિલીઝથી લઈને છેક ઑડિયન્સ સુધી ફિલ્મને પહોંચાડવાની જવાબદારી પ્રોડ્યુસરની હોય છે. જો પ્રોડ્યુસરની એમાં આવડત ન હોય તો ફિલ્મ ગમે એટલી સારી બની હોય તો પણ એ પિટાઈ જાય. ઍનીવે, આપણે ફિલ્મ પર ફરી પાછા આવીએ.
ADVERTISEMENT
ઑક્ટોબરમાં મને પ્રોડ્યુસર અભિષેક શાહનો ફોન આવ્યો કે અશ્વિની ભટ્ટની નૉવેલ ‘કમઠાણ’ પરથી અમે ફિલ્મ બનાવીએ છીએ, જેનું ટાઇટલ પણ એ જ છે. તમને સ્ક્રિપ્ટ મેઇલ કરું છું. એ વાંચીને તમે મને કહો કે તમારે કયો રોલ કરવો છે? સ્ક્રિપ્ટ વાંચીને મેં વળતો ફોન કર્યો અને જવાબ આપ્યો, ‘રઘલા ચોરનો.’
ફિલ્મની વાત બહુ સિમ્પલ છે. ચોર લોકોની એક કમ્યુનિટી છે. જેમ વેપારીનો દીકરો વેપારી ને ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એમ અહીં ચોરનો દીકરો ચોર જ બને છે. આખી કમ્યુનિટી ચોરી પર જ નભે છે. બધા વચ્ચે સંપ બહુ સારો. બધા જાણે કે કામ કેમ કરવું અને ધારો કે પોલીસ પકડી જાય તો એને કેવી રીતે જવાબ આપવાના તથા માર મારે ત્યારે શું કરવું જેથી તમને બહુ વાગે નહીં. આ સત્ય હકીકત છે. મધ્ય ગુજરાતમાં આ કમ્યુનિટી છે. એ વાત જુદી છે કે હવે એ લોકો ચોરી કરતા નથી, પણ ‘કમઠાણ’ના રઘલાને ત્રણ દીકરી પરણાવવાની છે એટલે તેને પૈસાની બહુ જરૂર છે. રઘલો ચોરી કરવા જાય છે અને એક ઘરમાં ઊતરે છે. ઘરમાં ઊતર્યા પછી તેને ખબર પડે છે કે આ તો પોલીસ ઇન્સ્પેક્ટરનું ઘર છે. ચોરી કર્યા વિના તે પાછો નીકળી જાય તો નાક કપાય એટલે રઘલો વર્દી, રિવૉલ્વર અને જે કંઈ પૈસા હતા એ બધું લઈને ભાગે છે અને પછી શરૂ થાય છે કમઠાણ.
પોલીસના ઘરમાં ચોરી થાય તો ગામમાં કેવો સંદેશો જાય? ગામના લોકો કેવાં મહેણાં-ટોણાં મારે? એવું બને નહીં એટલે પોલીસવાળા ચોરીની આ વાત દબાવીને છાના ખૂણે તપાસ ચાલુ કરે છે. આ જે તપાસની દોડધામ ચાલે છે એની વાત ‘કમઠાણ’માં કરવામાં આવી છે. અશ્વિની ભટ્ટની નવલકથા પરથી પહેલી વાર ફિલ્મ બને છે. ગુજરાતીઓ જાણે છે કે અશ્વિની ભટ્ટ કેટલા મોટા ગજાના લેખક છે. તેમણે લખેલી તમામેતમામ નવલકથા બેસ્ટ-સેલર રહી છે. એ બેસ્ટ-સેલરમાં પણ શિરમોર સમાન કોઈ નવલકથા હોય તો એ આ ‘કમઠાણ’.
ફિલ્મ ‘કમઠાણ’માં સ્ટાર નહીં, પણ એકથી એક ચડિયાતા ઍક્ટરોની ફોજ છે. ફિલ્મમાં હું તો છું જ; પણ મારી સાથે હિતુ કનોડિયા, દર્શન જરીવાલા અને અરવિંદ વૈદ્યથી માંડીને એકેએક કૅરૅક્ટરનું જે કાસ્ટિંગ થયું છે એ બધા હાર્ડ-કોર ઍક્ટર છે. તમે માનશો, ફિલ્મમાં પચાસથી વધારે પાત્રો છે જે બધાના લુક પર ઝીણવટભર્યું કામ થયું છે. અરે, તમે માનશો નહીં, ‘કમઠાણ’નું પોસ્ટર રિલીઝ થયા પછી મને ઓછામાં ઓછા પચાસ લોકોએ કહ્યું કે સંજયભાઈ, તમે આમાં એકદમ જુદા લાગો છો. મારો લુક-ટેસ્ટ અડધો દિવસ ચાલ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર ધ્રુનાદે અલગ-અલગ મૂછોથી લઈને કૉસ્ચ્યુમ્સ ટ્રાય કર્યાં અને એ પછી મારો લુક ફાઇનલ કર્યો. હું કહીશ કે ફિલ્મ બનાવવાની આ સાચી રીત છે.
ફિલ્મનું શૂટિંગ નડિયાદ પાસેના વસો ગામમાં થયું હતું. આ ચરોતરી પટેલોનું ગામ છે જે સરદાર પટેલનો વિસ્તાર કહેવાય. વસોમાં સરદાર પટેલની ખૂબ મોટી પ્રતિમા પણ ગામવાસીઓએ મૂકી છે. અદ્ભુત લોકેશન છે. આ ગામમાં અમારી આખી ફિલ્મ શૂટ થઈ, પણ ફિલ્મની વાત કરતી વખતે મારે તમને એના ક્લાઇમૅક્સની વાત તો કરવી જ પડે.
‘કમઠાણ’નો ક્લાઇમૅક્સ અત્યાર સુધીની તમામ ગુજરાતી ફિલ્મ કરતાં કૅન્વસની દૃષ્ટિએ ખાસ્સો મોટો છે. ક્લાઇમૅક્સ માટે આજુબાજુનાં ગામોમાંથી ૬૦૦ જુનિયર આર્ટિસ્ટ્સને બોલાવવામાં આવ્યા હતા તો ક્લાઇમૅક્સમાં સાચું પોલીસબૅન્ડ પણ વાપરવામાં આવ્યું છે. ક્લાઇમૅક્સમાં બે કૅમેરા તો હતા જ, પણ સાથે એક ડ્રોન કૅમેરા પણ હતો. આ ડ્રોન કૅમેરાથી આખો ક્લાઇમૅક્સ શૂટ કરાયો હતો. સવારના પાંચ વાગ્યાથી કામ ચાલુ થઈ ગયું હતું. આટલું મોટું યુનિટ હતું એટલે એક્સ્ટ્રા ડ્રેસમેન, હેરડ્રેસર, મેકઅપ-મેનથી લઈને સ્પૉટબૉય અને બીજા સ્ટાફને પણ વધારી દેવામાં આવ્યો હતો. એ સમયે જે રીતે કામ થયું એ ખરેખર ફૉરેનના પ્રોફેશનલ્સ કરતા હોય એવી ઢબથી થયું હતું. એક જગ્યાએ અડધી મિનિટ પણ વેડફાય નહીં એની ચીવટ રાખવામાં આવી. ક્લાઇમૅક્સ જે પ્રકારે નરેટ થયો હતો, વિચારાયો હતો એ મુજબનું જ રિઝલ્ટ આવ્યું એટલે જે બૅન્ડ આવ્યું હતું એના મ્યુઝિકના તાલે આખા યુનિટે પૅક-અપ પછી ડાન્સ કર્યો અને આ રીતે અમે સેલિબ્રેટ કર્યું.
હું ક્યારેય મારી ફિલ્મ જોવા જવાનું નથી કહેતો હોતો, પણ ‘કમઠાણ’ માટે કહીશ. ખરેખર હિન્દી ફિલ્મથી પણ ચાર ચાસણી ચડે એ સ્તરનું મેકિંગ અને એ પછી પણ નખશિખ ગુજરાતી ફિલ્મ. કૉમેડી ઠાંસી-ઠાંસીને ભરી છે તો સાથોસાથ એમાં મનોરંજનના એ બધા રસ પણ છે જેની તમને હંમેશાં જરૂર હોય છે. વાત પૂરી કરતી વખતે હું બે વ્યક્તિને ખાસ ધન્યવાદ કહીશ. એક અશ્વિની ભટ્ટને આટલી સરસ નવલકથા આપવા બદલ અને બીજા કૉન્ગ્રેચ્યુલેશન ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક શાહને, નવલકથાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે. હૅટ્સ ઑફ.
શુક્રવાર, બીજી ફેબ્રુઆરીએ ફિલ્મ જોવા જજો. ફિલ્મ જોયા પછી તમે પણ આ જ કહેશો...
હૅટ્સ ઑફ.