Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૉલમ : ચિત્કાર કે પછી મિત્કાર?

કૉલમ : ચિત્કાર કે પછી મિત્કાર?

Published : 14 May, 2019 10:36 AM | IST |
સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

કૉલમ : ચિત્કાર કે પછી મિત્કાર?

સોળે કળાએ સુજાતા : નાટકનાં રિહર્સલ્સમાં જ દેખાઈ આવતું કે સુજાતા મહેતા પોતાની બધી અકળામણ નાટકની તૈયારીઓમાં કાઢી રહ્યાં હતાં. બદલો લેવાની સૌથી શ્રેષ્ઠ રીત જો કોઈ હોય તો એ જ્વલંત સફળતા છે.

સોળે કળાએ સુજાતા : નાટકનાં રિહર્સલ્સમાં જ દેખાઈ આવતું કે સુજાતા મહેતા પોતાની બધી અકળામણ નાટકની તૈયારીઓમાં કાઢી રહ્યાં હતાં. બદલો લેવાની સૌથી શ્રેષ્ઠ રીત જો કોઈ હોય તો એ જ્વલંત સફળતા છે.


જે જીવ્યું એ લખ્યું


‘ચિત્કાર’ના મુહૂર્ત સમયે જ લતેશ શાહ અને અમારા પ્રોડ્યુસર બિપિન મહેતા વચ્ચે કોઈ વાતમાં ખટરાગ થયો અને એ બન્ને વચ્ચે મીડિયેટર બનવાની જવાબદારી મારા શિરે આવી ગઈ. ગયા અઠવાડિયે મેં તમને કહ્યું એમ, લતેશભાઈ થોડા અગ્રેસિવ નેચરના હતા. કાંતિ મડિયા તો તેમને ‘જેહાદી’ કહીને જ બોલાવતા. લતેશભાઈ જ નહીં; એ સમયે મનોજ શાહ, મહેન્દ્ર જોષી, દિનકર જાની, શફી ઈનામદાર જેવા બધા યુવાનો ફકીર જેવા હતા. લતેશભાઈને તેમના ઘરેથી પણ બહુ સપોર્ટ મળતો, પણ આ બધા તો માથે કફન બાંધીને જ નીકળ્યા હતા, કોઈની પણ સાડાબારી આ લોકો રાખતા નહીં. કોઈ જાતની નોકરી કરતા નહીં અને ધારો કે નોકરીએ લાગી પણ ગયા તો થોડા જ દિવસોમાં શેઠને છૂટા કરીને નીકળી જાય એવા માથાફરેલ પણ હતા.



માથાફરેલાઓ સાથે રહેવાનો એક ફાયદો છે. તમારામાં હિંમત આવી જાય, તમારી છાતી છપ્પનની થઈ જાય અને તમારામાંથી ઇનસિક્યૉરિટી નીકળી જાય. ‘ચિત્કાર’ના મુહૂર્ત પછી મારા કામમાં એક પછી એક ઉમેરો થવા માંડ્યો. મારું ધ્યેય માત્ર ને માત્ર એક જ હતું, કોઈ પણ રીતે નાટક પૂરું કરવું અને એ રિલીઝ કરવું. રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન લતેશભાઈને નાટકનું ટાઇટલ સૂઝ્યું, ચિત્કાર; જેનો અર્થ થાય, હૃદયદ્રાવક ચીસ. બધાને ટાઇટલ પહેલા ધડાકે જ ગમી ગયું અને ટાઇટલ પછી બહુ ફેમસ પણ થયું. મિત્રો, એ સમયે એકાક્ષરી ટાઇટલનો જમાનો હતો. આજકાલ લાંબાં ટાઇટલો વધારે ચાલે છે, પણ એ સમયે એવાં ટાઇટલ ભાગ્યે જ જોવા મળતાં.


‘ચિત્કાર’ને મુકામ સુધી પહોંચાડવામાં મને બહુ તકલીફ પડી છે. લતેશભાઈ નાટક લખતાï જાય અને રિહર્સલ્સ થતાં જાય. વળી પાછા એમાં ચેન્જિસ આવે એટલે એ ફેરફાર સાથે નાટકનાં રિહર્સલ્સમાં પણ ફેરફાર આવે. હું પ્રોડક્શનનું કામ સંભાળું, રોજબરોજનાં કામ, રિહર્સલ્સ દરમ્યાનની જરૂરિયાત મુજબની પ્રૉપર્ટી ભેગી કરવાના કામથી લઈને ઑડિટોરિયમની ડેટ્સ માટે ભાગદોડ કરું. ક્રીએટિવ કામ બધાં લતેશભાઈ સંભાળે. રિહર્સલ્સમાં લતેશભાઈને કલાકારો સાથે રોજ ઝઘડા થાય. મારા ભાગે એ બધાને શાંત પાડવાનું કામ આવે. બીજી બાજુ સુજાતા મહેતા પણ બધાને દેખાડી દેવાના મૂડમાં હતાં. સુજાતાએ પોતાનું ખુન્નસ કામ તરફ વાળી દીધું હતું અને એકદમ ઓતપ્રોત થઈને રિહર્સલ્સ કરતાં હતાં.

એ સમયે નાટકો મોટા ભાગે ૪૦-૪૫ હજારમાં બની જતાં, પણ અમારા નાટકનું બજેટ થોડું વધારે હતું. નાટકનાં રિહર્સલ્સમાં પણ અમે કોઈ જાતની કચાશ નહોતી રહેવા દીધી. આજે ઘણા લોકો ૧૫ દિવસનાં રિહર્સલ્સ કરીને નાટક રિલીઝ કરી દે છે, પણ એવું ન થવું જોઈએ. નાટકનાં રિહર્સલ્સની એક પ્રોસેસ છે. પહેલાં નાટકનું રીડિંગ થાય. એ પછી નાટકના ડાયલૉગ્સ કંઠસ્થ કરવામાં આવે, એ પછી એમાં ભાવ ઉમેરાય, એ પછી એમાં બ્લૉકિંગ આવે અને એ પછી ઍક્ટરો બધા એકબીજા સાથે ઓતપ્રોત થાય અને નાટકની દુનિયાનું સર્જન થાય. ‘ચિત્કાર’ની સ્ક્રિપ્ટ તો તૈયાર હતી જ નહીં, એ તો લખાતી જતી અને રિહર્સલ્સ થતાં જતાં એટલે અમુક પાત્રોનું કાસ્ટિંગ ચાલુ નાટકે થયું. નાટક આગળ વધ્યું અને એમાં ભોપા નામના વૉર્ડબૉયનું પાત્ર આવ્યું. ભોપાનું કૅરૅક્ટર મહત્વનું હતું અને ત્રીજા અંકમાં એ ટ્વિસ્ટ લાવવાનું કામ કરવાનો હતો. આ પાત્ર માટે લતેશભાઈના અસિસ્ટન્ટ એવા ગુણવંત સુરાણીને કહેવામાં આવ્યું.


એ સમયે નાટકો ત્રણઅંકી બનતાં. ‘ચિત્કાર’ ત્રિઅંકી નાટકની શ્રેણીમાં કદાચ છેલ્લું છેલ્લું નાટક હતું, લગભગ બેત્રણ વર્ષ પછી દ્વિઅંકી નાટકોનો ટ્રેન્ડ શરૂ થવાનો હતો. ત્રિઅંકી નાટકોમાં પહેલો અંક ૫૫ મિનિટનો, બીજો અંક ૪૫ મિનિટનો અને ત્રીજો અંક લગભગ ૪૦ મિનિટનો મળી કુલ અઢી કલાકનું નાટક હોય. એ ઉપરાંત બે ઇન્ટરવલ એટલે નાટક અંદાજે ત્રણ કલાકનાં રહેતાં.

નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં અને જાહેરખબર આપવાનો સમય નજીક આવવા માંડ્યો. લતેશભાઈએ પોતાના હાથે ટાઇટલ-લોગો બનાવ્યો અને કહ્યું, ‘આ આપણા નાટકનો ટાઇટલ લોગો છે.’ એ પહેલી નજરે વાંચવામાં ‘ચિત્કાર’ નહીં પણ ‘મિત્કાર’ વંચાતું હતું. મેં લતેશભાઈનું એ તરફ ધ્યાન પણ ખેંચ્યું અને કહ્યું કે આના કરતાં તો કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ પાસે બનાવડાવીએ તો વધારે સારું પણ મારું લતેશભાઈ પાસે બહુ ચાલતું નહીં. વધારે દલીલ કર્યા વિના હું તો તેમના આદેશને માથે ચડાવીને બ્લૉક બનાવી લાવ્યો. એ સમયે પબ્લિસિટી માટે તમારે બ્લૉક બનાવવા પડતા, એના પરથી મૅટ બને જે તમારે છાપામાં આપવાની હોય. એ સમયે પબ્લિસિટીમાં બે જણ મેઇન હતા. મનહર ગઢિયા અને પારસ પબ્લિસિટીવાળા વ્રજલાલ વસાણી, પણ અગાઉ મેં તમને કહ્યું હતું એમ, લતેશભાઈનો સ્વભાવ ઍન્ટિ-એસ્ટૅબ્લિશમેન્ટનો, સ્થાપિત લોકો સાથે કામ કરવામાં તેઓ બહુ માને નહીં. અહીં પણ એવું જ બન્યું. ઍડ આપતાં પહેલાં લતેશભાઈએ મને કહ્યંા કે ‘સંજય, આપણે બન્ને પાર્ટનરશિપમાં ઍડ-એજન્સી શરૂ કરીએ.’

સાલું મને થયું કે આ વળી શું, બનાવવું છે નાટક તો પછી હવે આ જાહેરખબરની એજન્સી શું કામ ચાલુ કરવાની?

(નાટક બનાવતાં-બનાવતાં ઍડ-એજન્સી કેવી રીતે ખૂલી એની વાતો કરીશું આવતા વીકે)

ફૂડ-ટિપ્સ

લાસ્ટ વીકમાં કહ્યું એમ, અમે રજાઇનામાં શો કર્યો અને એ પતાવીને અમારે વિનિપેગ જવાનું હતું. વિનિપેગથી અમારે ૩૫ કલાકની ડ્રાઇવ કરીને શારલોટ પહોંચવાનું હતું. શારલોટનો શો પતાવ્યો. શારલોટનો શો પતાવ્યા બાદ બીજા દિવસે અમારે શો નહોતો અને એના પછીના દિવસે અમારો શો નેશવિલમાં હતો. શારલોટથી નેશવિલ માટે ૬ કલાકનું ડ્રાઇવ હતું. અમે નક્કી કર્યું કે એકધારું ડ્રાઇવિંગ કરવાને બદલે ફરતાં-ફરતાં અને શૉપિંગ કરતા જવું. મિત્રો, આવી ફૉરેનની ટૂર દરમ્યાન અમને ફરવાની તક બહુ ઓછી મળતી હોય છે. દરરોજ શો હોય અને વચ્ચે એકાદ રજા મળી જાય તો એનો લાભ લઈ લઈએ. અમે તો નેશવિલ જવા રવાના થયા અને ગૂગલ કર્યું તો ખબર પડી કે ત્રણ કલાકના રસ્તે હન્ટર્સ આઉટલેટ્સ નામનો મૉલ છે, જ્યાં અઢળક બ્રૅન્ડેડ શોરૂમ છે. આ હન્ટર્સ આઉટલેટ્સ નેશવિલ જતી વખતે પીજન ફોર્જ નામની જગ્યા આવે ત્યાં છે. પીજન ફોર્જનું નામ આવ્યું કે મને યાદ આવ્યું કે મારા મિત્ર જયેશ પટેલની આ પીજન ફોર્જમાં મૉટેલ અને બંગલો છે. મેં તરત તેમને ફોન કર્યો. જયેશભાઈએ ખૂબ પ્રેમથી ઘરે આવવાનું અને જમવાનું આમંત્રણ આપ્યું. સામાન્ય રીતે બપોરના સમયે અમારા જમવામાં ટાકો બેલ, પીત્ઝા હટ કે પછી સબવેના પાઉંના ડૂચા જ આવતા હોય, જેનાથી અમે બધા કંટાળ્યા હતા. જયેશભાઈએ જમવાનું કહ્યું એટલે પહેલાં તો વિચાર એ આવ્યો કે ચાલો પાંઉના ડૂચામાંથી છુટકારો મળશે અને હવે ઘરનું ખાવાનું નસીબ થશે. અમે હા પાડી પણ સાથોસાથ એ પણ કહ્યું કે ખીચડી-શાક સિવાય કંઈ બનાવતા નહીં.

Sanjay Goradiya Food Tipsબેન, જેરી ઍન્ડ સંજય : આઇસક્રીમનો સાચો સ્વાદ કેવો હોય એ જાણવું હોય તો તમારે ‘બેન ઍન્ડ જેરી’નો આઇસક્રીમ એક વાર ચાખવો પડે. એના મલાઇદાર ક્રીમની વાત કરતી વખતે અત્યારે પણ મારા તાળવે કુમાશ આવી ગઈ છે.

મિત્રો, આ પીજન ફોર્જ આપણા સાપુતારા જેવું સરસ અને રળિયામણું હિલ સ્ટેશન છે. એનું નામ પીજન ફોર્જ પડવાનું કારણ જાણવા જેવું છે. ઇસવી સન ૧૭૦૦માં અહીં ફોર્જ એટલે કે લોખંડની ભઠ્ઠીની સ્થાપના થઈ હતી, જેને લીધે આ જગ્યાનું નામ પડ્યું પીજન ફોર્જ. આ જગ્યા હિલ સ્ટેશન તરીકે ખૂબ પૉપ્યુલર છે, અઢળક રાઇડ્સ, શૉપિંગ મૉલ, અતરંગી કહેવાય એવાં બિલ્ડિંગો અને એવું ઘણુંબધું છે. અમેરિકનો અહીં બેત્રણ દિવસનું મિની વેકેશન કરવા આવે છે.

અમે હન્ટર્સ આઉટલેટ્સમાં પહોંચ્યા. આ મૉલમાં ૧૫૦થી પણ વધારે બ્રૅન્ડેડ શૉપ્સ છે. અમે ત્યાં ફરતા હતા ત્યાં મારું ધ્યાન ગયું બેન ઍન્ડ જેરીના આઇસક્રીમ પાર્લર પર.

આ પણ વાંચો : પ્રથમ ગ્રાસે મક્ષિકા:મુહૂર્તના સમયે જ પ્રોડ્યુસર ને લતેશભાઈ વચ્ચે વાંકું પડ્યું

મિત્રો, જ્યારે પણ હું અમેરિકા આવું ત્યારે બેન ઍન્ડ જેરીનો આઇસક્રીમ અચૂક ખાઉં. બેન કોહેન અને જેરી ગ્રીનફીલ્ડ નામના બે બાળપણના ગોઠિયાઓએ આ આઇસક્રીમ બ્રૅન્ડ શરૂ કરી હતી. બેન ભણવામાં ખૂબ જ ઠોઠ અને જેરી ભણવામાં ખૂબ હોશિયાર. જેરીને ડૉક્ટર બનવું હતું, પણ થોડા માર્ક માટે રહી ગયો. પછી બન્ને ભાઈબંધોએ નક્કી કર્યું કે આપણે આઇસક્રીમ બનાવવાની રીત શીખવે એવો કોરસપોન્ડન્ટ કોર્સ કરીએ. સાવ જ હવાઈતુક્કા જેવા આ વિચારને બન્નેએ અમલમાં મૂક્યો અને કોર્સ પૂરો કરીને બેન અને જેરીએ ૧૯૭૮માં વરમોન્ટમાં એક પેટ્રોલ પમ્પ પર બેન ઍન્ડ જેરી નામ સાથે માત્ર ૧૨,૦૦૦ ડૉલરના ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે આઇસક્રીમ પાર્લર શરૂ કર્યું. આજે આ બેન ઍન્ડ જેરી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ બની ગઈ છે. આ કંપની ૨૦૦૦ની સાલમાં યુનિલીવરે ટેકઓવર કરી અને બેન ઍન્ડ જેરીના સ્થાપકોને ઢગલો ડૉલર મળ્યા. બેન ઍન્ડ જેરીમાં મારો ફેવરિટ આઇસક્રીમ છે કોકોનટ સેવન લેયર. એમાં કોકોનટ આઇસક્રીમ હોય અને એની સાથે કોકોનટ અને ફજનાં ફ્લેક્સ હોય, બટરસ્કોચ હોય અને સાથોસાથ વોલનટ અને સ્વિરલ્સ ઑફ ગ્રેહામકરેક્સ પણ હોય. અદ્ભુત આઇસક્રીમ છે આ. અમેરિકા આવવાનું બને તો એક વખત આ બેન ઍન્ડ જેરીનો આઇસક્રીમ ચાખજો, તમને આઇસક્રીમની સાચી વ્યાખ્યા સમજાઈ જશે અને સાચા સ્વાદની પણ ખબર પડશે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 10:36 AM IST | | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK