પદ્મારાણી સાથેનું અમારું આ નાટક મલ્હાર ઠાકરનું મુંબઈનું પહેલું ગુજરાતી નાટક. મલ્હાર સાથે અમે અનેક નાટકો કર્યાં અને એ પછી તેને પહેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ મળી અને રેસ્ટ ઇઝ હિસ્ટરી...
જે જીવ્યું એ લખ્યું
નાટક ‘ફાઇવસ્ટાર આન્ટી’માં અમે ફરી પદ્મારાણી સાથે આવ્યા. પદ્માબહેન અમને ક્યારેય ના કહેતાં નહીં, જેનો મને આજીવન ગર્વ રહેશે.
પદ્મારાણી, અભય ચંદારાણા અને દીકરીના રોલમાં ડિમ્પલ દાંડાને કાસ્ટ કર્યા પછી અમારી શોધ શરૂ થઈ દીકરાના રોલ માટે અને વિપુલ મહેતા મારી પાસે એક નવા છોકરાને લઈને આવ્યો અને કહે આ છોકરો અમદાવાદમાં સૌમ્ય જોષીના નાટકમાં કામ કરે છે અને હવે મુંબઈમાં કરીઅર બનાવવા માગે છે. એ છોકરો એટલે મલ્હાર ઠાકર.
નાટક ‘અરે વહુ, તને શું કહું?’ પછી ફરીથી અમને ઉત્તમ ગડા સાથે કામ કરવાની તક મળી અને અમે નાટક કર્યું ‘ફાઇવસ્ટાર આન્ટી’, જેના મેકિંગની વાત આપણે ગયા સોમવારે શરૂ કરી. તમને સ્ટોરી કહી એમ, એક સેવાભાવી બહેન છે, જે બીમાર અને જરૂરિયાતમંદ માણસને મદદ કરવા તત્પર રહે છે. બીમારને હૉસ્પિટલ પહોંચાડવા અને જેમનું કોઈ ન હોય તેમને વૃદ્ધાશ્રમ પહોંચાડવા જેવાં કામ કરતાં એ આન્ટીને એક દીકરો અને દીકરી પણ છે અને એ બન્નેને મમ્મી આ જે કામ કરે છે એ ગમતું નથી. તેમને સતત થયા કરે છે કે મમ્મી શું કામ પારકી પંચાત પોતાના માથા પર લે છે.
અમારા આ નાટકનું નામ ‘ફાઇવસ્ટાર આન્ટી’ કેવી રીતે પડ્યું એની વાત કહું.
એક વ્યક્તિ જ્યારે હૉસ્પિટલમાં સારવાર કરાવે છે ત્યારે ડિસ્ચાર્જ સમયે પેલાં સેવાભાવી બહેન તેને ફાઇવસ્ટાર ચૉકલેટ આપે છે અને એ પછી બધા તેમને ફાઇવસ્ટાર આન્ટી કહેવા માંડે છે. આ જે ફાઇવસ્ટાર આન્ટી છે તેમનો પોતાનો પણ એક ભૂતકાળ છે અને એ ભૂતકાળની વાત સ્ટોરીમાં અમે સરસ રીતે વણી લીધી હતી. વાર્તામાં બને છે એવું કે રાજુ નામનો એક બહુ મોટો ગુંડો છે. અત્યારે કદાચ બહુ ઓછા લોકોને યાદ હશે, પણ એ જે ગુંડો રાજુ હતો એ કૅરૅક્ટર અમે વડોદરાના નામચીન ગુંડા રાજુ રિસાલદાર પરથી લીધું હતું. એક સમયે રાજુ રિસાલદારનું વડોદરામાં બહુ એટલે બહુ મોટું નામ, લોકો રીતસર તેનાથી ધ્રૂજે. આ રાજુ રિસાલદાર વિરુદ્ધ એક તંત્રી બહુ લખતા. રાજુએ બે-ચાર વાર ફોન કરીને ધમકી આપી, એ પછી પણ પેલા તંત્રી અટક્યા નહીં એટલે એક સાંજે રાજુના માણસો પ્રેસ પર પહોંચી ગયા અને પ્રેસમાં અંદર દાખલ થતા એડિટરને ગેટ પર જ ગોળી મારીને તેમની હત્યા કરી નાખી. આ ઘટના પછી આખા ગુજરાતમાં દેકારો મચી ગયો અને મહિનાઓ પછી રાજુ રિસાલદારનું પોલીસ-એન્કાઉન્ટરમાં મોત થયું. ઍનીવેઝ, આ તો સત્યઘટના થઈ, પણ અમે આ રાજુ પરથી અમારા નાટકમાં એક કૅરૅક્ટર લીધું જે બહુ બદનામ માથાભારે ગુંડો હતો.
એક દિવસ રાજુ જખમી થઈને ફાઇવસ્ટાર આન્ટીના ઘરમાં આવે છે અને આન્ટી તેને હૉસ્પિટલ લઈ જાય છે. આન્ટીને ખબર છે કે એ માણસ પર મોત ભમે છે અને તેને જે કોઈ સાચવે કે સંભાળે તેના માથે પણ જોખમ છે અને એ પછી પણ ફાઇવસ્ટાર આન્ટી પોતાના જીવની પરવા કર્યા વિના અને દીકરા કે દીકરીની મદદ વિના એકલા હાથે રાજુને હૉસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવે છે. સમયસર સારવાર મળી જાય છે એટલે ગુંડાનો જીવ બચી જાય છે અને ધીમે-ધીમે તેની તબિયત સુધારા પર આવવા માંડે છે. ગુંડો સતત જોયા કરે છે કે પોતાને જેની સાથે કોઈ નિસ્બત નથી એ બાઈ કોઈનાથી પણ ગભરાયા વિના અને પોતાના જીવના જોખમે મને અહીં લાવી મારી સારવાર કરે છે, મારી સેવા કરે છે. આગળ જતાં સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ એ આવે છે કે આ જે રાજુ છે એ રાજુ ફાઇવસ્ટાર આન્ટીનો દીકરો જ છે!
આ પ્રકારની સ્ટોરી અને મારે કહેવું જ રહ્યું કે ઉત્તમભાઈએ બહુ સરસ નાટક લખ્યું હતું. જે પ્રકારનાં કૅરૅક્ટર ડેવલપ થયાં હતાં, જે પ્રકારનું ઉત્તમભાઈનું લખાણ હતું એ અદ્ભુત હતું. વાર્તા લૉક થઈ એટલે ઉત્તમભાઈ નાટક લખવામાં બિઝી થયા અને અમે કાસ્ટિંગમાં લાગી ગયા.
લીડ કૅરૅક્ટર એવાં ફાઇવસ્ટાર આન્ટીના રોલ માટે અમે પદ્મારાણીને મળ્યા. મને કે વિપુલને પદ્માબહેન ક્યારેય ના ન પાડે. તેઓ અમારી સાથે કામ કરવા તૈયાર જ હોય, પણ મારે સાથોસાથ એ પણ કહેવું છે કે જ્યારે કોઈ કલાકાર આ રીતે વિશ્વાસ રાખે ત્યારે નિર્માતા અને દિગ્દર્શકની જવાબદારી વધી જાય છે. પદ્માબહેન સાથે અમે અઢળક નાટકો કર્યાં. હું એ નાટકોનું લિસ્ટ પણ બનાવી રહ્યો છું, પણ હમણાં-હમણાં ટ્રાવેલિંગ બહુ રહે છે એટલે એ કાર્ય ધીમું ચાલે છે, પણ આખું લિસ્ટ તૈયાર થયા પછી હું એ તમારી સાથે શૅર કરીશ અને એ નાટકોની નૉસ્ટાલ્જિક વાતો પણ તમને કરીશ.
પદ્માબહેનને અમે વાર્તા સંભળાવી અને તેમણે તરત જ હા પાડી એટલે અમારું મોટું ટેન્શન હળવું થયું. ત્યાર પછી અમે અભય ચંદારાણાને કાસ્ટ કર્યો, જે ફાઇવસ્ટાર આન્ટીનો હસબન્ડ છે અને હવે પૉલિટિક્સમાં બહુ મોટો નેતા બની ગયો છે. આ જ રાજકારણી હતો જેણે રાજુ પર ફાયરિંગ કરાવ્યું હતું. આગળ જતાં સૌની સામે એ રીવિલ થાય છે કે રાજુ એ પદ્મારાણી અને અભયનો જ દીકરો છે. પદ્માબહેન અને અભય પછી અમે દીકરીના રોલમાં કાસ્ટ કરી ડિમ્પલ દાંડાને અને ત્યાર પછી અમારી શોધખોળ શરૂ થઈ દીકરાના રોલ માટે અને ત્યાં જ વિપુલ મહેતા મારી પાસે એક નવા છોકરાને લઈને આવ્યો કે આ છોકરો અમદાવાદમાં સૌમ્ય જોષીનાં નાટકોમાં કામ કરે છે અને હવે મુંબઈમાં કરીઅર બનાવવા માગે છે. એ છોકરો એટલે મલ્હાર ઠાકર. આજે હવે તેને કોઈ ઓળખાણની જરૂર નથી, પણ એ સમયે મલ્હાર નવો-નવો. મલ્હાર માટે મેં હા પાડી દીધી અને એમાં મારે વધારે ચિંતા કરવાની જરૂર પણ નહોતી, કારણ કે આખું નાટક પદ્મારાણી અને પેલા રાજુ પર હતું. મલ્હારને દીકરાનો રોલ આપીને અમે હવે લાગ્યા રાજુના રોલ માટે ઍક્ટર શોધવાના કામે. આ રાજુના રોલ માટે અમને બહુ ચિંતા હતી, કારણ કે રોલ ખૂબ મહત્ત્વનો અને અડધોઅડધ નાટકનો ભાર એ કૅરૅક્ટર પર હતો.
રાજુના રોલમાં અમે લીધો કેતન સાગરને. આ કેતન સાગર અગાઉ અમારી સાથે ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’માં કામ કરી ચૂક્યો હતો અને તેણે સરસ રીતે પોતાનો રોલ નિભાવ્યો હતો. મારે કહેવું જ રહ્યું કે કેતન સાગરે આ રોલમાં પોતાનો જીવ રેડી દીધો હતો. રાજુના કાસ્ટિંગ સાથે અમારું કાસ્ટિંગ પૂરું નહોતું થતું. હજી અમારે મલ્હારની ગર્લફ્રેન્ડને કાસ્ટ કરવાની હતી, જે રોલમાં અમે હેતલ દેઢિયાને લીધી અને એ સિવાય બીજા બે નાના રોલમાં અમે મયૂર ભાવસાર અને દર્શન પટેલને લીધા.
નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં અને અમારા નાટકમાં મોટા ભાગે હોય છે એ જ રીતે આ નાટકમાં પણ બે સેટ હતા. એક પદ્માબહેનના ઘરનો સેટ અને એક હૉસ્પિટલનો. દર વખતની જેમ આર્ટ ડિરેક્ટર છેલ-પરેશને સેટની જવાબદારી સોંપી અને સંગીત પાર્થ-હર્ષિતને સોંપ્યું.
રાબેતા મુજબ જ આ નાટકનું પ્રચારકાર્ય દીપક સોમૈયાએ સંભાળ્યું.
૨૦૧૨ની ૧૪ ઑક્ટોબર.
મારું ૬૮મું નાટક ‘ફાઇવસ્ટાર આન્ટી’ ઓપન થયું.
આ નાટક કેવું રહ્યું અને એને કેવો પ્રતિસાદ મળ્યો એની વાત તથા એ પછીના નાટ્યક્ષેત્રના મારાં સાહસોની વાત હવે આવતા સોમવારે.
ADVERTISEMENT
જોક સમ્રાટ
વાઇફે ચા બનાવી, પણ ખાંડ નાખવાનું ભૂલી ગઈ.
મેં તો ડાહ્યા પતિની જેમ ખાંડ વિનાની મોળી ચા પી લીધી ને તોયે થોડી વાર પછી એ મારી સાથે ઝઘડી.
મને કહે, ‘કાં, મોઢામાંથી ફટાતું નથી કે ચામાં ખાંડ નથી. મારે પીવાની બાકી હતી...’
સાલું, મારે તો આગળ કૂવો ને પાછળ ખાઈ.
કરવું શું?
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.