ગુજરાતી સિરિયલના કામ વચ્ચે પણ મારે મારી નાટકની સફર ચાલુ રાખવાની હતી, કારણ કે એ એકમાત્ર એવું માધ્યમ હતું જ્યાં મારી હથોટી આવી ગઈ હતી અને હું નુકસાની ભોગવતો નહોતો
જે જીવ્યું એ લખ્યું
મારી પહેલી ગુજરાતી સિરિયલ ‘તારી આંખનો અફીણી...’ની અમારી આખી ટીમ અને સાથે હું. ફોટો ઝૂમ કરીને શોધો મને...
હું રોજ સિરિયલના આર્થિક તાણાવાણા ઉકેલવાના પ્રયાસ કરું અને એ બધા વચ્ચે મારાં નાટકોની દુનિયાને પણ આગળ વધારતો રહું. નાટક એકમાત્ર એવું માધ્યમ હતું જ્યાંથી હું કમાણી કરતો હતો એટલે મારે એ માધ્યમને તો કોઈ પણ હિસાબે જીવંત રાખવાનું જ હતું.
અકારણ કૉમેડી બની ગયેલા અમારા ‘મારી શું ભૂલ?’ નાટકે બિઝનેસ સારો કર્યો હતો એ મેં તમને ગયા સોમવારે કહ્યું, તો સાથોસાથ એ પણ તમને કહ્યું કે ગુજરાતી સિરિયલે રીતસર મારી ઊંઘ હરામ કરી નાખી હતી. ચૅનલ ઓછામાં ઓછું બજેટ આપીને અમારી પાસેથી મૅક્સિમમ લાભ લેવા માગે, અમે એને ફરિયાદ કરીએ તો એ અમારી કોઈ વાત પણ સાંભળે નહીં. આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે,
‘પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં...’
ડિટ્ટો, આ કહેવત જેવી મારી હાલત હતી અને એવું કહું તો પણ ખોટું નહીં કે આ કહેવત કરતાં પણ વધારે બદતર હાલત મારી હતી. કમાણીની વાત તો બાજુએ રહી, મારે તો નુકસાની જાય નહીં એના પર જ ધ્યાન આપવું પડતું અને એ બધામાં હું જરા પણ નવરો નહોતો પડતો. મિત્રો, એક વાત હું સાચા દિલથી કહીશ કે જો એ ત્રણથી ચાર વર્ષો મેં સિરિયલ પ્રોડક્શનમાં ન આપ્યાં હોત તો હું ચોક્કસપણે આજે વધારે સુખી હોત અને કરીઅરની બાબતમાં પણ અત્યારે છું એનાથી વધારે આગળ હોત. નવાં નાટકો કરી શક્યો હોત, નવરાશના સમયમાં અમારા પ્રોડક્શન માટે વધારે સારી વાર્તાઓ ઘડી શક્યો હોત અને કદાચ ગુજરાતી ફિલ્મો પ્રત્યે વધારે ગંભીરતાથી ધ્યાન આપી શક્યો હોત. ઍનીવેઝ, જો બીત ગઈ સો બાત ગઈ.
સિરિયલ વિશે વાત નીકળી છે તો તમને આગળ વધતાં પહેલાં મારી પહેલી ગુજરાતી સિરિયલ ‘મારી આંખનો અફીણી...’ના પ્રી-પ્રોડક્શન અને કાસ્ટિંગની વાત કરું.
‘મારી આંખનો અફીણી...’ની સ્ટોરી બિનિતા દેસાઈની હતી, જે સ્ટોરી ઑલરેડી ચૅનલ-હેડ સંજય ઉપાધ્યાયે અપ્રૂવ્ડ કરી દીધી હતી એટલે અમારે સીધું કામ પર લાગવાનું હતું. ૨૦૧૩ની ૧૨ ઑગસ્ટે અમારી આ સિરિયલનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો અને સિરિયલ શરૂ થઈ, જેની પહેલાં નૅચરલી અમે મોટા ભાગનું કાસ્ટિંગ પૂરું કરી નાખ્યું હતું. સિરિયલમાં ખાસ્સો મોટો કલાકારોનો કાફલો હતો. આપણે ત્યાં સિરિયલ હંમેશાં મહિલાપ્રધાન રહી છે. અમારી સ્ટોરી પણ એવી જ હતી. અમરેલીમાં રહેતા એક નાના પરિવારની દીકરીની એમાં વાત હતી, જે રોલમાં અમે તોરલ ત્રિવેદીને લીધી. આ તોરલ વિશે મેં તમને અગાઉ વાત કરી છે.
સુરેશ રાજડાના વર્કશૉપ દરમ્યાન મને મળેલી એક છોકરી, જેને હું અમારા નાટક ‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’ નાટકમાં ઈશા કંસારાના રિપ્લેસમેન્ટ માટે લાવ્યો હતો. નાટક અને સિરિયલના કાસ્ટિંગમાં એક ફરક હોય છે. નાટકમાં અમારે કોઈને પૂછવા જવાનું નથી હોતું, પણ સિરિયલમાં તો અમે જૉબવર્ક કરીએ છીએ એટલે એકેએક વાત, એકેએક કાસ્ટિંગ ત્યાંથી અપ્રૂવ કરાવવાનું હોય. તોરલનું નામ અમે ચૅનલને આપ્યું. તેનો લુક અને તેનું ઑડિશન ચૅનલને ગમ્યું અને લીડ રોલમાં તોરલ ફાઇનલ થઈ ગઈ. સિરિયલમાં એ સિવાય સનત વ્યાસ, પ્રતાપ સચદેવ પણ હતા અને એક નાનકડા રોલમાં હું પણ હતો, જે રોલ મારી પાસે ચૅનલ પરાણે કરાવવા માગતી હતી. મેં તમને કહ્યુંને કે ચૅનલ અમારી પાસેથી બેસ્ટમાં બેસ્ટ લેવા માગતી હતી, પણ પૈસાની વાત આવે એટલે બીજી જ ઘડીએ એ લોકો એવી દલીલ પર ચડી જતા કે આ તો રીજનલ ચૅનલ છે, અમાં બજેટ કંઈ ન હોય.
સાચું કહું તો હું આ સિરિયલની ક્રીએટિવિટીમાં મારું કોઈ જાતનું યોગદાન આપી શકું એવી પરિસ્થિતિમાં હતો જ નહીં. મારું ધ્યાન તો માત્ર ને માત્ર રોજના શૂટિંગમાંથી કેટલી મિનિટ નીકળે છે અને અમારી પાસે એપિસોડની બૅન્ક કેવી ઊભી થાય છે એ વાત પર જ હતું. જો તમારી પાસે એપિસોડની બૅન્ક બને તો તમારે મહિના દરમ્યાન ઓછામાં ઓછું શૂટિંગ કરવું પડે અને જેટલું ઓછું શૂટિંગ કરો એટલો તમારો ખર્ચ સરભર થાય, તમને પ્રૉફિટ કમાવા મળે. અમે લોકોએ આ સિરિયલ માટે મઢ આઇલૅન્ડમાં એક બંગલો ભાડે રાખ્યો હતો, જ્યાં અમારું શૂટ થતું.
હું સતત મારી સિરિયલના ડિરેક્ટર સાથે વાતચીત કરતો રહું અને ઓછી મિનિટનું શૂટિંગ થયું હોય એટલે અમારી વચ્ચે બોલાચાલી થાય. આવું તો દરરોજ બને. તમને કહ્યું એમ નાટક અને સિરિયલમાં એક મોટો તફાવત. તમારે બધુંબધું ચૅનલ પાસે લઈ જવાનું. રાઇટર લખીને મોકલે, ચૅનલ પાસે એ એપિસોડ અપ્રૂવલ માટે જાય અને પછી ચૅનલનો ફીડબૅક આવે. એવું પણ બને કે આખેઆખો એપિસોડ નવેસરથી લખવાનો આવે અને મહેનત ચાલ્યા જ કરે. મહેનતમાં મને વાંધો નથી, પણ મહેનત કર્યા પછી પણ એમાં વળતર ન દેખાય તો સ્વાભાવિક રીતે કોઈને પણ એમાં ગુસ્સો આવે. મારી હાલત પણ એવી જ હતી. હું સતત ફ્રસ્ટ્રેશનમાં રહેવા માંડ્યો હતો. જોકે શરૂઆતમાં તો હું પણ એમ જ માનતો કે આ બધું નવું-નવું છે એટલે બધામાં ડિલે ચાલે છે. સમય જતાં બધું થાળે પડી જશે અને કામ સ્ટ્રીમલાઇન થઈ જશે એટલે હું મારા પૈસાની રિકવરી પર આવી જઈશ, પણ એવું ક્યારેય બન્યું નહીં અને હું ક્યારેય એ ખોટના ખાડામાંથી બહાર આવ્યો નહીં.
‘મારી શું ભૂલ?’ નાટક ઓપન થઈ ગયા પછી હું રોજ સવારે ઑફિસ જઈને મારી સિરિયલના આર્થિક તાણાવાણા ઉકેલવાના પ્રયાસ કરું અને એ બધા વચ્ચે મારાં નાટકોની દુનિયાને પણ આગળ વધારતો રહું. કારણ બહુ સ્પષ્ટ હતું. નાટક એકમાત્ર એવું માધ્યમ હતું જ્યાંથી હું કમાણી કરતો હતો એટલે મારે એ માધ્યમને તો કોઈ પણ હિસાબે જીવંત રાખવાનું જ હતું.
એ સમયગાળા દરમ્યાન અમારું નાટક ‘અરે વહુ, તને શું કહું?’ નાટક પૂરું થવા આવ્યું અને અમારા એ નાટકના રાઇટર ઉત્તમ ગડાએ મને કહ્યું કે મારી પાસે એક વાર્તા છે, જો તું કહેતો હોય તો આપણે બેસીને એના પર ચર્ચા કરીએ.
ઉત્તમભાઈ સાથે કામ કરવાનો અવસર ફરી મળતો હોય તો હું કેવી રીતે એ છોડી શકું? મેં તો તરત જ હા પાડી દીધી અને અમારી મીટિંગ ગોઠવાઈ ભાઈદાસ ઑડિટોરિયમમાં. હું અને વિપુલ મહેતા ઉત્તમભાઈને મળ્યા અને ઉત્તમભાઈએ અમને એક સ્ટોરી સંભળાવી. એ સ્ટોરી એટલે પદ્મારાણી અભિનીત નાટક ‘ફાઇવસ્ટાર આન્ટી.’
ઉત્તમભાઈએ જ્યારે વાર્તા કહી ત્યારે એનું પોત બહુ પાતળું હતું. સ્ટોરીનું ફલક એટલું વિશાળ નહોતું કે એના પરથી નાટક બની શકે. મેં અને વિપુલે થોડો વિચાર કરવાનો સમય માગ્યો અને અમે છૂટા પડ્યા. ઉત્તમભાઈની વાર્તા સારી હતી એની ના હતી જ નહીં, પણ અમારે બે કલાક ઑડિયન્સને પકડી રાખે એવું સત્ત્વ એમાં ઉમેરવું હતું એટલે અમારું મગજ કામે લાગી ગયું. બેત્રણ દિવસમાં મને એક સરસ આઇડિયા મળ્યો. મેં વિપુલને કહ્યું અને વિપુલને વાત પણ ગમી એટલે અમે ત્યાર પછીની મીટિંગ ઉત્તમભાઈના ઘરે ગોઠવી, જ્યાં મેં તમને એ જે વાર્તા હતી એનો તોડ કાઢીને એ સ્ટોરીમાં એક સાઇડ ટ્રૅક ઉમેર્યો. મેં તેમને જે વાર્તા કહી એ ઉત્તમભાઈને બહુ ગમી અને આમ અમારું એ પછીનું નાટક પણ ફાઇનલ થયું.
આ જે ફાઇવસ્ટાર આન્ટી છે એ એક સેવાભાવી બહેન છે. બીમાર અને જરૂરિયાતમંદ માણસની તે સતત બાજુમાં ઊભાં રહે. બીમારને હૉસ્પિટલ પહોંચાડવા અને જેમનું કોઈ ન હોય તેમને વૃદ્ધાશ્રમ પહોંચાડવા જેવાં કામ કરતાં એ આન્ટીને એક દીકરો અને દીકરી પણ છે, જે બન્નેને મમ્મી આ જે કામ કરે છે એ ગમતું નથી. તેમને સતત થયા કરે છે કે મમ્મી શું કામ પારકી પંચાત પોતાના માથા પર લે છે. નાટકની આગળની વાત અને નાટકનું ટાઇટલ કેવી રીતે અમને મળ્યું એની ચર્ચા હવે આપણે કરીશું આવતા સોમવારે, પણ એ પહેલાં યાદ છેને, શું કરવાનું છે.
દર અઠવાડિયે ‘ચાર ફેરાનું ચકડોળ’ની વાત ન હોય. જેડી મજીઠિયા બે અઠવાડિયાથી ગળું ફાડી-ફાડીને કહે છે કે ગુજરાતી નાટકોને સપોર્ટ કરો, તો કરો સપોર્ટ અને ગુજરાતી નાટકો જોવા જાઓ. મારી ફિલ્મ જોવા જવું હોય તો એની છૂટ છે, પણ બસ, જાઓ ઘરની બહાર અને ગુજરાતી ભાષાને જીવતી રાખતાં ફિલ્મ અને નાટકનાં આ માધ્યમોને સપોર્ટ કરો.
ADVERTISEMENT
જોક સમ્રાટ
અમેરિકન : અમારે ત્યાં અમે પહેલાં એકબીજાને ઓળખીએ અને પછી મૅરેજ કરીએ.
ગુજરાતી : અમારે ત્યાં અમે પહેલાં મૅરેજ કરીએ અને પછી એકબીજાને ઓળખીએ.
અમેરિકન : એવું કેમ?
ગુજરાતી : પહેલાં એકબીજાને ઓળખીએ તો પછી લગ્ન જ ન થાયને?!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)