પોતાનાં બાળકોને પરાણે દુનિયાની રેસમાં ધકેલતા પેરન્ટ્સ બાળકોની હાલત કેવી કરી નાખે છે એ વાતને ધ્યાનમાં રાખીને મરાઠી રાઇટર ઇરાવતી કર્ણિકે બહુ સરસ એકાંકી લખ્યું અને એના પરથી ફુલ લેન્ગ્થ નાટક બનાવવાનું અમે નક્કી કર્યું
જે જીવ્યું એ લખ્યું
‘ભાભુ રિટાયર થાય છે’નાં રિહર્સલ્સ દરમ્યાન જ અમે ઇરાવતી કર્ણિકના એકાંકી પરથી નાટક બનાવવાનું કામ આરંભી દીધું. ઇરાવતી બહુ સારી રાઇટર. નાટકો ઉપરાંત તેણે સિરિયલો અને ફિલ્મો પણ પુષ્કળ લખી છે.
જો આઠ-નવ વર્ષની છોકરીને કાસ્ટ કરીએ તો રિહર્સલ્સથી માંડીને લેટ નાઇટના શોમાં અને ટૂરમાં અડચણ આવે. રોજબરોજના આ પ્રશ્ન વચ્ચે એ બાળકના સ્કૂલના ટાઇમિંગનું ઍડ્જસ્ટમેન્ટ પણ સહન કરવું પડે અને એવું કંઈ કરવાની અમારી માનસિક તૈયારી નહોતી.
મિત્રો, કૉમ્પિટિશન માટે કરેલા નાટક ‘ભાભુ રિટાયર થાય છે’માં વિપુલ મહેતા શું કામ ઇન્વૉલ્વ નહોતો એનો જવાબ તમને ગયા સોમવારે આપ્યો, હવે વાત આગળ વધારીએ.
ફિરોઝ ભગતવાળું નાટક લખવામાં વિપુલ વ્યસ્ત થયો પણ વિપુલ એ કામે લાગ્યો એ પહેલાં જ અમારી વચ્ચે એ ચર્ચા થઈ ગઈ હતી કે હવે આપણે નવું નાટક કયું કરીશું. અત્યારે આપણે એ જ નાટકની વાત કરવાની છે. એ જે સબ્જેક્ટ હતો એ અમને મરાઠી ઇન્ટરકૉલેજિએટ ડ્રામા કૉમ્પિટિશનમાંથી મળ્યો હતો. સબ્જેક્ટ વિશે વાત કરતાં પહેલાં મારે વાત મરાઠી અને ગુજરાતી ઇન્ટરકૉલેજિએટ ડ્રામા કૉમ્પિટિશનની કરવી છે.
ADVERTISEMENT
ગુજરાતી કરતાં મરાઠીમાં એકાંકી નાટકોની કૉમ્પિટિશન ખૂબ થાય છે, જેમાં વિષય ખૂબ સરસ અને નાવીન્યસભર હોય છે. વિષયની ક્વૉલિટી અને ઇન્ટેન્સિટી પણ અદ્ભુત. હું તો કહીશ ગુજરાતી કરતાં તો મરાઠી એકાંકી સ્પર્ધા ખૂબ જ સારી હોય છે. હમણાંની વાત કરું તો કોરોના પિરિયડ પછી છેક બે વર્ષે આ વખતે ઇન્ડિયન પીપલ્સ થિયેટર એટલે કે IPTAની ડ્રામા કૉમ્પિટિશન થઈ, જેના ફાઇનલમાં છ નાટક આવ્યાં. આ છએ છ નાટકો મરાઠી કૉમ્પિટિશનમાં ભજવાયેલાં નાટકો, ફક્ત એનું હિન્દીમાં ભાષાંતર થયું હતું. આ ભાષાંતર પણ બહુ કાચું હતું. ભાષાની મર્યાદા સ્પષ્ટ દેખાતી હતી પણ હા, વિષય બધા બહુ અલગ-અલગ અને અદ્ભુત.
આ મરાઠી ઇન્ટરકૉલેજિએટ ડ્રામા કૉમ્પિટિશનમાં જ વિપુલે એક નાટક જોયું. ટાઇટલ એનું ‘વેગે વેગે ધાવું’, જેનો અર્થ થાય છે જલદી-જલદી દોડવું. આ નાટકનાં લેખિકા ઇરાવતી કર્ણિક. ખૂબ જ સારી લેખિકા. નાટકનો સબ્જેક્ટ આજની તારીખે પણ એટલો જ પ્રવર્તમાન અને એ સમયે પણ એટલો જ પ્રસ્તુત.
અત્યારનાં દરેક માબાપ ઇચ્છતાં હોય છે કે પોતાનાં બાળકો ક્રિકેટર બની જાય કે પછી સિંગર કે ઍક્ટર બની જાય. મોટા ભાગનાં માબાપ આ જ દોટમાં હોય છે. બાળકની ઇચ્છા પૂછવા કે જાણવામાં પણ નથી આવતી કે તે શું કરવા માગે છે, શું બનવા માગે છે. બસ, બાળકને સ્પર્ધામાં ધકેલી દેવામાં આવે છે અને અણસમજુ બાળક એ રેસમાં ભાગતો થઈ જાય છે. આવી જ એક છોકરી, જેને તેના માબાપે રિયલિટી શોમાં ધકેલી દીધી. ખૂબ સફળ થયા બાદ એક તબક્કે એ છોકરી નિષ્ફળ જાય છે. એ છોકરીને ખબર નથી પડતી કે કેવી રીતે આ નિષ્ફળતાને મારે હૅન્ડલ કરવી. છોકરી ડિપ્રેશનમાં જતી રહે છે. આ પ્રકારની આખી વાર્તા. મૂળ મરાઠી નાટક ખૂબ જ સિરિયસ લેવલ પર હતું પણ ગુજરાતીમાં એ ચાલે નહીં એટલે અમે નક્કી કર્યું કે આપણે ફુલ લેન્ગ્થ નાટકને થોડું હળવું રાખવું.
બીજી એક આડવાત તમને કહું. વિપુલ મહેતા પોતે મરાઠી ખૂબ જ સારું વાંચી-બોલી શકે. હું પણ બોલી શકું, પણ વિપુલ ભાષા પરની મરાઠી ફાવટ જબરદસ્ત છે. ઇન ફૅક્ટ અત્યારે તે નાના પાટેકર સાથે એક મરાઠી ફિલ્મ કરી જ રહ્યો છે અને એ ફિલ્મના શૂટિંગ માટે તે ઉત્તરાખંડમાં છે. તમને યાદ હોય તો સિદ્ધાર્થ રાંદેરિયા અને યશ સોની સાથે વિપુલે બનાવેલી અને રેકૉર્ડબ્રેક ચાલેલી ‘ચાલ જીવી લઈએ’ નામની ફિલ્મ હતી. નાના પાટેકરવાળી આ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’નું મરાઠી વર્ઝન છે. ગુજરાતી ફિલ્મમાં જે રોલ સિદ્ધાર્થ રાંદેરિયાએ કર્યો હતો એ રોલ મરાઠી ફિલ્મમાં નાના પાટેકર કરે છે. કહેવાનો મતલબ એ કે વિપુલ માટે મરાઠી ભાષા ઘરની ભાષા છે. આ જ કારણે વિપુલને મરાઠી લેખકો-દિગ્દર્શકો સાથે ખૂબ સારી ઓળખાણ. લેખિકા ઇરાવતી કર્ણિકને પણ એ બહુ સારી રીતે ઓળખે. ઇરાવતીનું નાટક ‘વેગે વેગે ધાવું’ વિપુલ જોયું અને પછી તેણે જ મને કહ્યું કે આપણે ફાઇનલમાં આ નાટક જોવા જોઈએ, બહુ સરસ સબ્જેક્ટ છે. અમે નાટક જોયું, નાટક મને પણ ગમ્યું અને એ પછી અમે ઇરાવતી પાસેથી ગુજરાતીમાં ફુલ લેન્ગ્થ નાટક કરવાના રાઇ્ટસ ખરીદ્યા.
આ બધી વાત એ દિવસોની જે દિવસોમાં અમારા ‘ભાભુ રિટાયર થાય છે’ નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં. ઇરાવતી સાથે મીટિંગ કર્યા પછી અમે ઇરાવતીને જ કહ્યું કે ફુલ લેન્ગ્થ નાટક પણ તું જ લખ અને મરાઠીમાં જ લખ, અમે કોઈ ગુજરાતી લેખક પાસે એનું ઍડપ્ટેશન કરાવી લઈશું. એ પણ નક્કી થયું કે ગુજરાતી ઑડિયન્સને અપીલ કરે એવા તમામ આઇડિયા વિપુલ આપશે.
આ નાટકમાં જે નાની છોકરી હતી એની મૂખ્ય ભૂમિકા હતી, પણ એનાં માબાપની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની હતી. વિપુલનો ટેક એવો હતો કે પેલી નાની બાળકી સેલિબ્રિટી બની જાય એ પછી તેની લાઇફમાં કેવા-કેવા ચેન્જિસ આવે છે એ વાત પણ આપણે લેવી અને એનાં માબાપમાં પણ કેવા પ્રકારના બદલાવો આવે છે એનો સબપ્લૉટ વાર્તામાં ઉમેરી દેવો.
વિપુલ અને હું ગુજરાતી પ્રમાણેના આઇડિયા ઇરાવતીને આપતા ગયા અને તે નાટકમાં એને સમાવતી ગઈ. નાટક તૈયાર થવા માંડ્યું એટલે વાત આવી ઍડપ્ટેશન કરવા માટે રાઇટરની, જેના માટે અમે જાણીતા કૉલમનિસ્ટ અને પત્રકાર શિશિર રામાવતને કહ્યું.
શિશિર રામાવત સાથે અમારી મુલાકાત રેગ્યુલર થતી, બેસીને નાટકોની ચર્ચા પણ થાય. તેમને નાટક લખવામાં ખૂબ રસ હતો એટલે અમને થયું કે આપણે તેમની પાસે ઓરિજિનલ નાટક લખાવવાને બદલે તેને ઍડપ્ટેશન સોંપીએ, જે તેમણે બહુ સરસ રીતે કર્યું. જોકે એ પછી પણ આ નાટકમાં અમે કેટલીક ભૂલો કરી.
નાટકમાં અમારી સૌથી પહેલી ભૂલ એ કે આઠ-નવ વર્ષની જે નાની બાળકી કાસ્ટ કરવાની હતી ત્યાં જ અમે બાંધછોડ કરી અને દેખાવે આઠ-નવ વર્ષ જેવી લાગતી પણ હકીકતમાં મોટી હોય એવી છોકરીને કાસ્ટ કરી. આવું અમે શું કામ કર્યું એની પાછળ કારણ હતું. જો અમે સાચે જ આઠ-નવ વર્ષની છોકરી લઈએ તો રિહર્સલ્સથી માંડીને શોમાં તેની સ્કૂલના ટાઇમિંગના ઍડ્જેસ્ટમેન્ટ કરવાનું આવે. બહારગામની ટૂર આવે તો બાળક લાંબી-લાંબી ટૂર ન કરી શકે એટલે એ પણ મોટો પ્રશ્ન બની જાય. આ અને આવી બીજી ઘણી મર્યાદાઓ અમને દેખાઈ એટલે અમે સીધું જ વિચાર્યું કે આપણે એવી ભૂલ નથી કરવી. બહેતર છે કે આપણે ખરેખર નાની બાળકી લેવાને બદલે નાની દેખાતી છોકરીને લઈએ અને અમે શીતલ પંડ્યાને કાસ્ટ કરી.
શીતલ વિપુલના જ ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનનાં નાટકોમાં કામ કરતી. કદ-કાઠી અને અવાજ તેનો ડિટ્ટો નાની બાળકી જેવો જ પણ તેની ઉંમર પ્રમાણમાં થોડી મોટી એટલે અમને બીજી કોઈ ચિંતા રહી નહીં પણ અમારી ચિંતાને છોડવા જતાં અમે નાટકના ભવિષ્યને જોખમમાં મૂક્યું.
મિત્રો, એક વાત યાદ રાખજો, મોટી વ્યક્તિને તમે નાની દેખાડવા ગમે એટલા પ્રયત્નો કરો પણ એ સ્ટેજ પર વર્તાઈ તો આવે જ. સાત-આઠ વર્ષની છોકરી ડિપ્રેશનમાં આવે ત્યારે એને જે સિમ્પથી મળે એવી મોટી ઉંમરની વ્યક્તિને ન મળે. અમારું આ સમાધાન એ અમારી પહેલી ભૂલ અને એ પછી અમે ભૂલનું પુનરાવર્તન ચાલુ કરી દીધું. બીજી કઈ-કઈ ભૂલ કરી અને એને લીધે નાટક પર કેવી અવળી અસર પડી એ વાત કરવા માટે આપણી પાસે હવે જગ્યા નથી એટલે લઈએ એક નાનકડો બ્રેક અને મળીએ, આવતા સોમવારે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)